ભારત અને નેપાળ વચ્ચેનો 'રોટી-બેટી'નો સંબંધ નોટબંધીથી બગડી જશે?

    • લેેખક, નીરજ પ્રિયદર્શી
    • પદ, બીરગંજ(નેપાળ)થી પરત ફરીને, બીબીસી ગુજરાતી માટે

હિંદુ કેલેન્ડરના આધારે શનિવાર એટલે કે 15 ડિસેમ્બર સુધી આ વર્ષના છેલ્લાં લગ્ન હતાં. નેપાળ અને ભારતની સરહદ પર રવિવારની સવારે બીરગંજથી બિહારના રક્સૌલમાં પ્રવેશ કરતા ગેટ પાસે માલ સામાનથી ભરેલા ટ્રકોની હાર વચ્ચે દુલ્હનની જેમ સજેલી કારને જોઈને એ અનુમાન લગાવી શકાતો હતો કે તે ગાડીઓ વરરાજાની હતી, જે પોતાની સાથે દુલ્હનને લઈને જઈ રહી હતી.

સજેલી કાર સરહદની બન્ને બાજુ હતી અને દરેક કારમાં એક દેશના વરરાજા અને બીજા દેશની દુલ્હન બેઠી હતી.

બિહારની રક્સૌલ સરહદથી નેપાળની ઔદ્યોગિક રાજધાની તરીકે ઓળખાતા બીરગંજમાં મારી સાથે જઈ રહેલા વરિષ્ઠ સ્થાનિક પત્રકાર અભિષેક પાંડે કહે છે, "બન્ને દેશો વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. એટલે કે, ન માત્ર વેપાર પણ એક એવી સામાજિક સંરચના, પરંપરા, ધર્મ, વ્યક્તિગત જીવનશૈલી અને ભાષાનાં કારણે બન્ને દેશો વચ્ચે લગ્નનો પણ સંબંધ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

બિહારના રક્સૌલ અને નેપાળના બીરગંજ વચ્ચે એકદમ સીમા પર સ્થિત શંકરાચાર્ય દ્વાર પરથી ભારતથી નેપાળ જવું હોય કે નેપાળથી ભારત આવવું હોય, બન્નેમાં કોઈ સમસ્યા નથી.

જો તમે ચાલીને જઈ રહ્યા છો અથવા ગાડીમાં બેસીને જઈ રહ્યાં છો, તો પણ કોઈ રોકટોક નહીં થાય.

જો તમારી પાસે પોતાનું વાહન છે તો બીરગંજ કસ્ટમ ઑફિસમાંથી એક ચલણ કપાવવું પડશે, જેમાં આખા દિવસ માટે બીજા દેશમાં તમારું વાહન રાખવા માટે પરવાનગી પણ મળી જાય છે.

નેપાળમાં ભારતીય નોટ પર પ્રતિબંધ

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલી સરહદ પાર કરવામાં નહીં, પણ સરહદ પાર પૈસા લઈ જવામાં થઈ રહી છે.

કેમ કે નેપાળ સરકારે ભારતની નવી નોટ (200 રૂપિયા, 500 રુપિયા અને બે હજાર રૂપિયા) પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જોકે, અત્યાર સુધી 200 રૂપિયાથી ઓછી કિંમત ધરાવતી નોટ લઈ જવા અને રાખવા પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.

નેપાળમાં ભારતીય મુદ્રા

નેપાળ સરકાર દ્વારા અચાનક લેવામાં આવેલા આ નિર્ણયથી બન્ને દેશોના વેપારી સંબંધોમાં ખટાશ આવતી જોવા મળી રહી છે. ખાસ કરીને નેપાળ અને ભારતના સીમાવર્તી વિસ્તારોમાં આ કારણે આર્થિક ઉથલ-પાથલ જોવા મળી રહી છે.

નેપાળની સરહદ સાથે જોડાયેલા બિહારના આશરે સાત જિલ્લા સુપૌલ, મધુબની, અરરિયા, સહરસા, કિશનગંજ, પૂર્વી ચંપારણ અને પશ્ચિમ ચંપારણના વેપારીઓ અને સામાન્ય નાગરિકો, કે જેમનું કામ અને વેપાર નેપાળમાં છે તેમણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે ભારતની નવી ચલણી નોટ અત્યાર સુધી નેપાળમાં ચલણમાં હતી.

સીમાવર્તી વિસ્તારોના વેપારી અને સામાન્ય લોકો ભારતીય કરન્સીમાં જ વેપાર કરવાને પ્રાથમિકતા આપતા હતા કેમ કે ભારતીય મુદ્રા નેપાળી મુદ્રાની સરખામણીએ વધારે કિંમતી છે. એક ભારતીય રૂપિયાની કિંમત 1.60 નેપાળી રૂપિયા સમાન છે.

બિહારના રક્સૌલના વેપારી રાકેશકુમાર કે જેઓ નેપાળના બીરગંજ સ્થિત આદર્શ નગરમાં નેપાળ સ્પોર્ટ્સ સેન્ટર ચલાવે છે, તેઓ રોજ રક્સૌલ સ્થિત પોતાના ઘરેથી નેપાળ આવે છે અને આખો દિવસ સ્ટોર ચલાવ્યા બાદ સાંજે પોતાના ઘરે પરત ફરે છે.

બીબીસી સાથે વાતચીતમાં રાકેશ કુમાર જણાવે છે, "આજે સવારે આવતા સમયે જોવા મળ્યું કે બોર્ડર પર તહેનાત નેપાળની પોલીસ લોકોના પર્સ પણ ચેક કરી રહી છે. તેઓ એ જાણવા પ્રયાસ કરી રહ્યા હતા કે લોકોની પાસે પ્રતિબંધિત નોટ તો નથી ને."

"અત્યાર સુધી ઘણા લોકોને તો આ અંગે જાણકારી પણ નથી. સરકારે નોટ પર પ્રતિબંધ તો લગાવી દીધો, પણ સરહદની આ તરફ કે બીજી તરફ આ અંગે કોઈ સૂચના લખેલી જોવા મળી નથી. જો આ જ રીતે કડક વલણ અપનાવવામાં આવ્યું તો આગામી દિવસોમાં અમારા માટે મોટી સમસ્યા ઊભી થશે. "

એ પૂછવા પર કે શું રમેશકુમારના સ્ટોર પર કોઈ ગ્રાહક પ્રતિબંધિત ભારતીય મુદ્રાને લઇને સામાન ખરીદવા આવે તો તે મુદ્રાને તેઓ સ્વીકારશે?

જવાબમાં તેઓ કહે છે, "નથી લઈ શકતા. અમે રક્સૌલમાં જઈને એ ભારતીય મુદ્રાને સહેલાઈથી ચલાવી શકીએ છીએ. પણ અહીં પ્રતિબંધ હોવાથી તેનો સ્વીકાર કરી શકતા નથી."

બીરગંજ માર્કેટમાં જ નીલાંબરી સ્ટોરના નામથી કપડાંનો સ્ટોર ચલાવી રહેલા સુશીલ અગ્રવાલ કહે છે, "હજુ તો મોટા ભાગના લોકોને આ અંગે જાણકારી નથી. લોકો પ્રતિબંધિત નોટ લઈને આવી રહ્યાં છે. પરંતુ અમારી મજબૂરી છે કે અમે તેને સ્વીકારી શકતા નથી."

અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, એ માટે નેપાળમાં ગરમ કપડાંની ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો ભારતથી નેપાળ આવે છે.

પોતાના પરિવાર સાથે ગરમ કપડાં ખરીદવા આવેલા રતન ઝુનઝુનવાલાએ સામાન ખરીદ્યા બાદ દુકાનદારને પહેલાં જ પૂછી લીધું કે તેઓ નવી ભારતીય કરન્સી નોટનો સ્વીકાર કરશે કે નહીં.

દુકાનદાર રેહાન મલિકે ના પાડતા રતન નિરાશ ન થઈ, હસવા લાગે છે.

ખિસ્સામાંથી 100 રૂપિયાની ભારતીય નોટની થપ્પી કાઢતા કહે છે, "મેં સમાચારમાં વાંચી લીધું હતું. એ માટે 100 રૂપિયાની નોટોની વ્યવસ્થા કરીને આવ્યો છું."

...તો જેલ પણ જવું પડી શકે છે

બીરગંજની આદર્શ નગર માર્કેટમાં ત્યાંના વૉર્ડ કમિશનર પ્રદીપ ચૌરસિયા મળ્યા.

તેઓ પોતાના વૉર્ડનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. વાતચીત થવા લાગી તો તેમણે જણાવ્યું, "અહીં દરેક વ્યક્તિનાં ખિસ્સાંમાં નેપાળી ચલણની સાથોસાથ ભારતીય ચલણ પણ મળશે. તેનું કારણ છે અહીંનું બજાર."

"બીરગંજનું જે બજાર તમે જુઓ છો એ ભારતીય ચલણને કારણે જ ટકેલું છે. એટલે નેપાળ સરકારના સંબંધિત નિર્ણયને કારણે સરહદ પર રહેતા તમામ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે."

"પણ આ વિવાદનો ઉકેલ કેન્દ્રની સરકારોએ લાવવાનો છે. નોટો પર પ્રતિબંધ લગાવી દેવાથી મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે, એવી જાણ હોવા છતાં જો સરકારે આ પગલું ભર્યું તો ચોક્કસ એની પાછળ કોઈ કારણ હશે."

જોકે, નેપાળની સરકારે નોટ પર પ્રતિબંધ લગાવવા મામલે કોઈ ઔપચારિક કારણ જણાવ્યું નથી.

હવે આ નોટને ફેમા એક્ટ અંતર્ગત લાવવામાં આવી છે એટલે જો હવે કોઈ પાસે આ નોટ મળે તો તેમણે જેલમાં જવું પડશે.

નેપાળની સરકારે ભલે ઔપચારિક રૂપે હજુ સુધી કોઈ કારણ દર્શાવ્યું નથી, પણ બન્ને દેશો વચ્ચે સંબંધોની વાસ્તવિકતા જાણતા લોકો આ પાછળના કારણની જાણ હોવાનો દાવો કરે છે.

તેમના મતે નોટબંધી બાદ નેપાળની રાષ્ટ્રીય બૅન્ક પાસે જમા જૂની નોટો ભારત સરકારે પરત નહોતી લીધી.

નેપાળ રાષ્ટ્ર બૅન્કના જણાવ્યા અનુસાર તેની પાસે લગભગ આઠ કરોડ રૂપિયાની જૂની નોટો પડી છે.

બીરગંજ મહાનગરપાલિકાના મેયર વિજય સરાવગી સમગ્ર મામલે બીબીસી સાથે વાત કરતા જણાવે છે, "આ મામલે બન્ને સરકારે મળીને નક્કી કરવું પડશે. ભારતની સરખામણીએ નેપાળ ખૂબ નાનો દેશ છે. અહીં આર્થિક પરિસ્થિતિ પણ અપેક્ષાકૃત નબળી છે. અહીંથી અડધા કરતાં વધારે બજાર ભારત પર નિર્ભર છે. તેમાં પણ અહીંની સરકારનો આ પ્રકારનો નિર્ણય દર્શાવે છે કે તે નારાજ છે."

"આ નારાજગી તમામ બાબતો માટે છે. તેમાં પણ સૌથી મોટી વાત એ છે કે ભારત સરકાર જૂની નોટ મામલે વિચાર કેમ કરી રહી નથી. આ જૂની નોટ ભલે ભારત માટે નાની વાત છે, પણ અહીં આટલા પૈસા ખૂબ મહત્ત્વ ધરાવે છે."

પત્રકાર અભિષેક પાંડે સરાવગીની વાતને આગળ વધારતા કહે છે, "સમસ્યા એ જ છે કે દિલ્હી અને કાઠમંડૂમાં બેઠેલા સરકારી અધિકારી સ્થાનિક લોકો અને તેમની સમસ્યાઓને સમજી શકતા નથી. બન્ને દેશો વચ્ચે સંબંધ ન માત્ર વેપારી છે. પણ સામાજિક પણ છે."

તો શું નેપાળ અને ભારત વચ્ચે વર્ષોથી ચાલતા 'રોટી-બેટી'ના સંબંધમાં નોટના કારણે તિરાડ પડી જશે?

જવાબમાં મેયર સરાવગી કહે છે, "એ વાત તો સ્પષ્ટ છે કે નોટ બંધ કરવાથી સંબંધોમાં ખટાશ તો આવશે. વેપારી સુગમતા નહીં હોય તો બન્ને દેશો વચ્ચે રોટીનો સંબંધ એટલે કે વેપારને નુકસાન થશે."

"પણ, નેપાળ અને ભારતના ઘણા વિસ્તારોની સામાજિક સંરચના, પરંપરા અને જીવનશૈલી એક સમાન છે એ માટે બન્ને દેશો વચ્ચે 'બેટી'નો સંબંધ ક્યારેય ખતમ થઈ શકતો નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો