You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળમાં ભારતની 500-1000ની જૂની નોટોનું શું થશે?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, કાઠમાંડુથી
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત નેપાળ જઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે નેપાળી નેતાઓની સાથે મોદીની વાતચીતનો એક વિષય હોઈ શકે છે નવેમ્બર 2016ની નોટબંધીની માર ખાધેલા નેપાળી લોકો.
આજે પણ નેપાળની કેન્દ્રીય બૅન્કમાં લગભગ આઠ કરોડ રૂપિયાની જૂની ભારતીય ચલણી નોટ છે.
ભારતમાં નોટબંધીના દિવસ તો તમને યાદ હશે- એટીએમની સામે લાંબી લાઇન, સરકારને ખરી-ખોટી સંભળાવતા નાના વેપારીઓ અને કાગળની પસ્તી બની ચૂકેલી 500 અને 1000ની નોટને બદલવા માટે બૅન્કોની સામે ભીડ.
પરંતુ નોટબંધીના કારણે ભારતના પાડોશી નેપાળમાં પણ લોકોએ ભારે તકલીફનો સામનો કર્યો.
ભારતીય રૂપિયા પર ભરોસો ઓછો થયો
ભારતમાં તો લોકોને 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બદલવાની તક પણ મળી પરંતુ નેપાળમાં જે લોકો પાસે ભારતીય મુદ્રા છે, તેઓ હજુ પણ એ તકની રાહ જોઈને બેઠા છે.
નોટબંધી પહેલા નેપાળમાં 500 અને 1000ની ભારતીય નોટની સારી એવી સંખ્યા હતી.
નોટબંધી પહેલા લોકો 25 હજાર રૂપિયા સુધી નેપાળ લાવી સકતા હતા. આ સિવાય નેપાળના કુલ વેપારનો 70 ટકા ભારતથી છે એટલે લોકો પોતાની પાસે ભારતીય નોટ રાખતા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોટબંધીની ઘોષણાથી 500 અને 1000 રૂપિયાની ભારતીય નોટ રાખતા નેપાળી લોકોને ઝટકો લાગ્યો હતો.
નેપાળની કેન્દ્રીય બૅન્ક 'નેપાળ રાષ્ટ્ર બૅન્ક'ના એક અધિકારીના જણાવ્યા અનુસાર નોટબંધી બાદ લોકોને 'ભારતીય મુદ્રા પરથી વિશ્વાસ' ઓછો થયો છે.
ભારતનો ભરોસો, નેપાળની રાહ
નેપાળ રાષ્ટ્રબૅન્કની તિજોરીમાં આજે પણ 500 અને 1000ની આશરે આઠ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી ભારતીય ચલણી નોટો છે.
સામાન્ય લોકો પાસે હજુ કેટલી નોટ છે, તેના અંગે કોઈ આંકડો નથી.
વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ એપ્રિલમાં ભારત યાત્રા પહેલાં કહ્યું હતું કે તેઓ ભારતીય અધિકારીઓ સમક્ષ આ મુદ્દાનો ઉકેલ લાવવાની વાત મૂકશે. પરંતુ ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે કોઈ પણ બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી.
એ સમયે નેપાળમાં વડાપ્રધાન ઓલીની ટીકા થઈ.
સ્પષ્ટતા આપતા વડાપ્રધાન ઓલીના એક નજીકના અધિકારીઓએ કહ્યું કે ભારતીય અધિકારીઓ સાથે આ મુદ્દા પર અનૌપચારિક વાત થઈ છે અને નેપાળને કાર્યવાહીનો ભરોસો પણ આપવામાં આવ્યો છે પરંતુ કાર્યવાહી અંગે કોઈ જાણકારી નથી.
પાણીમાં નોટ વહેતી કરી શકતા નથી....
બીબીસી સાથે વાતચીત દરમિયાન નેપાળમાં ભારતના રાજદૂત મંજીવ સિંહ પુરીએ કહ્યું કે બન્ને દેશો વચ્ચે ઔપચારિક વાતચીત ચાલુ છે.
તેમણે કહ્યું, "નેપાળના લોકો પાસે એ જ સમયસીમા ઉપલબ્ધ હતી કે જે ભારતમાં તમારી અને મારી પાસે હતી. નેપાળમાં પણ લોકો તે સમયસીમાનો ઉપયોગ કરી શકતા હતા. અમારી અને નેપાળ વચ્ચે ઔપચારિક વાતચીત ચાલી રહી છે. આ અંગે સરકારો અવગત છે."
જ્યારે નોટબંધીની ઘોષણા થઈ, ત્યારે મિથિલા ઉપાધ્યાય દિલ્હીમાં હતાં. તેમના પતિ દીપ કુમાર ઉપાધ્યાય ભારતમાં નેપાળના રાજદૂત હતા.
કાઠમાંડુથી 300 કિલોમીટર દૂર ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુંબિની નજીક પોતાના બે માળના ઘરના એક નાના એવા રૂમમાં બેઠેલાં મિથિલા જણાવે છે, "જ્યારે એ ઘોષણા થઈ તો હાહાકાર મચી ગયો હતો. દિલ્હીમાં અમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો."
તેમની પાસે આજે પણ 500 અને 1000ની નોટમાં 10-15 હજારની કિંમતની ભારતીય મુદ્રા છે, અને તેમને આશા છે કે એક દિવસ ભારત સરકાર તેને બદલવા માટે સુવિધા આપશે.
"તો પણ જો કંઈ ન થયું તો અમે લોકોને બતાવીશું કે જુઓ, ભારતમાં કોઈ જમાનામાં આવા પૈસા ચાલતા હતા. બીજું તો શું કરી શકીએ? પાણીમાં નોટ વહેતી કરી શકતા નથી અને બજારમાં ચાલશે નહીં. અમારી વાત રહેવા દો. મોદીજીના માતા પણ નોટ બદલવા ગયાં હતાં."
આટલું કહીને તેઓ હસવા લાગે છે.
નોટ બદલવામાં કેટલી મુશ્કેલી થઈ?
મિથિલા ઉપાધ્યાયના ઘરની અલગ અલગ દિવાલો પર દિલ્હીના વિતેલા દિવસની તસવીરો લાગેલી હતી.
તેમણે જણાવ્યું કે નજીક જ ઘણા લોકો રહે છે કે જેઓ હજુ પણ જૂની નોટ બદલવાની આશા રાખીને બેઠા છે, પરંતુ ભારતની નજીક આવેલા નેપાળના આ વિસ્તારમાં કાચા રસ્તાની હાલત એવી છે કે જો સામેથી આવી રહેલી કોઈ ગાડી ઝપડથી પસાર થાય તો થોડી ક્ષણ માટે તો ધૂળના વાદળથી સૂર્યપ્રકાશ પણ છુપાઈ જાય છે.
મિથિલાની નજીક બેઠેલી ત્રણ મહિલાઓમાંથી એક મહિલાએ જણાવ્યું કે તેમણે તીર્થ પર 10 હજાર રૂપિયાની 500 અને 1000ની જૂની નોટ ખર્ચી નાખી. જ્યારે બીજા એક મહિલા 7000 રૂપિયાની નોટ જબરદસ્તીથી લખનઉના ડૉક્ટરને આપીને આવી ગયાં.
ત્રીજા મહિલાએ જણાવ્યું કે હવે તેઓ એ વિચારીને ભારતીય નોટ સ્વીકારતા જ નથી કે ક્યાંક ફરી કોઈ મુશ્કેલી ન આવી જાય.
લોકોએ જૂની નોટથી છૂટકારો મેળવવા માટે નુકસાન થતું હોવા છતાં પણ નોટ વેચી નાખી. ભારતીય સંબંધીઓ પાસેથી મદદ લીધી અને બીજી પણ ઘણી રીતો અપનાવી.
ભારતીય સરહદ પર રહેતા લોકો માટે કદાચ એ સહેલું રહ્યું હોય, પરંતુ પહાડી વિસ્તારમાં રહેતા લોકો માટે એ સહેલું ન હતું અને તેમની પાસે સરકારો પર ભરોસો કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો.
ભારતીય મુદ્રા લઇને ઘરે આવતા હતા...
દિલ્હીમાં જ્યારે પૂર્વ રાજદૂત દીપ કુમાર ઉપાધ્યાય પાસે મદદ માટે ફોન આવતા હતા તો તેઓ લોકોને વિશ્વાસ અપાવતા હતા કે નોટ બદલવા માટે સમયની ઘોષણા કરવામાં આવશે, પરંતુ આજદિન સુધી એમ થયું નથી.
તેઓ કહેતા હતા, "લોકો મને કહેતા, જુઓ અમે પરિવારજનોથી છુપાવીને પૈસા જમા કર્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે તેમણે 60-65 હજાર જમા કર્યા હતા અને હવે એ પૈસાનું શું કરવામાં આવે."
કાઠમાંડુમાં દરબાર સ્ક્વેર પાસે એક વ્યક્તિએ મને પૂછ્યું, "તમે દૂર પહાડોમાં રહેતા એ નિવૃત્ત ગોરખા સૈનિકોના પરિવારોને પૂછો જેમનો પરિવાર પેન્શન પર નિર્ભર છે અને તેમણે એ દિવસો કેવી રીતે વિતાવ્યા હશે જ્યારે તેમને ખબર પડી હશે કે તેમની પાસે જે 500-1000ની નોટ છે તેનું કોઈ મૂલ્ય નથી? ખબર નહીં, ભારતે એવું કેમ કર્યું."
નોટબંધીથી એ મહિલાઓને ઝટકો લાગ્યો હતો કે જેઓ ખરાબ સમય માટે પૈસા પતિથી છૂપાવીને રાખતી હતી, પહાડી વિસ્તારોમાં રહેતા પરિવારોને ઝટકો લાગ્યો હતો જેમના લોકો ભારતમાં મહેનત મજૂરી કરતા હતા અને ભારતીય મુદ્રા લઇને ઘરે આવતા હતા.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની શરત
નોટબંધીથી પેન્શનધારકો, નાના વેપારીઓ દરેકને ઝટકો લાગ્યો. પરંતુ એવી આશા પણ હતી કે બન્ને સરકારો તેમની સાથે કંઈ ખોટું થવા નહીં દે.
નોટબંધી પહેલા લોકો 25 હજાર મૂલ્ય સુધીની 500 અને 1000 રૂપિયાની નોટ નેપાળ લાવી શકતા હતા અને તેમને નેપાળી નોટમાં પરિવર્તિત કરાવી શકતા હતા.
પરંતુ નોટબંધીની ઘોષણા પર નેપાળ રાષ્ટ્ર બૅન્કના ઘણા અધિકારીઓને પણ ઝટકો લાગ્યો હતો અને તેમણે તુરંત 500 અને 1000ની નોટને નેપાળી નોટમાં પરિવર્તિત કરવા પર રોક લગાવી દીધી અને ભારતની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે વાતચીત શરૂ કરી દીધી.
500 અને 1000ની ભારતીય નોટ પરત લેવા પર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને નેપાળ રાષ્ટ્ર બૅન્ક વચ્ચે બે ઔપચારિક બેઠક થઈ.
નેપાળ રાષ્ટ્ર બૅન્કના એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર ભીષ્મ રાજ ઢુંગાનાના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બૅન્ક તરફથી પ્રતિ વ્યક્તિ 4500 રૂપિયાની નોટ પરિવર્તિત કરવાની વાત કહેવામાં આવી પરંતુ તેઓ તેનો સ્વીકાર કરી શકતા ન હતા કેમ કે તેમને લોકોની નારાજગી વિશે ખબર હતી.
નોટ બદલવાની વાત...
પહેલાં લોકો 25 હજાર સુધીની રકમ નેપાળ લાવી શકતા હતા અને હવે તેમને માત્ર 4500 રૂપિયાની નોટ બદલવાનું કહેવું સહેલી વાત ન હતી.
તેઓ કહે છે, "આ કારણોથી અમે રિઝર્વ બૅન્કની એ વાત પણ નિર્ણય લઈ શક્યા નહીં. મામલાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી."
ઢુંગાના કહે છે, "ભારતીય મુદ્રામાં લોકોનો વિશ્વાસ ઓછો થયો છે. ભારતીય લોકો સાથે અમારા સંબંધ સારા છે પરંતુ આ મુદ્દાનો નિવેડો કેમ ન લાવવામાં આવ્યો? મને ભૂટાનના એક મંત્રીએ જણાવ્યું કે ભારતે ભૂટાનની આઠ અબજની કિંમત ધરાવતી 500 અને 1000ની નોટ પરિવર્તિત કરી દીધી તો પછી અમારી સાાથે ભેદભાવ કેમ કરવામાં આવ્યો?"
નેપાળમાં હવે 100 રૂપિયા કરતા વધારે મોટી ભારતીય મુદ્રાને સાથે રાખવી, તેમને પરિવર્તિત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઢુંગાના કહે છે, "અમે લોકોને વધારે ડ્રાફ્ટ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે કહી રહ્યા છીએ. લોકોને હજુ પણ આશા છે કે એક દિવસ ભારત સરકાર તેમને પોતાના પૈસા પરિવર્તિત કરવા દેશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો