દેશમાં ખરેખર રોકડની અછત સર્જાઈ છે? લોકોને કેમ એટીએમમાંથી નાણાં મળતા નથી?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

મધ્ય પ્રદેશના એક ખેડૂતે આ સપ્તાહે પોતાની પત્નીનાં ઘરેણાં ગીરવે મૂકવાં પડ્યાં કેમકે તેમની દીકરીનાં લગ્નમાં તેમને નાણાંની જરૂર હતી.

ખેડૂતના જણાવ્યા અનુસાર તેઓ નાણાં ઉપાડવા માટે સતત બે દિવસ બૅન્ક ગયા પણ બૅન્ક તરફથી તેમને જવાબ મળ્યો કે રોકડ નથી.

આ ફક્ત એક જ જગ્યાનો કિસ્સો નથી. ભારતમાં એકંદરે પાંચ રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને બિહારમાં રોકડની અછતના અહેવાલો આવી રહ્યા છે.

એટીએમ સામે લાગેલી લાંબી લાઇનો જોઈને નવેમ્બર-2016ની યાદ તાજી થઈ ગઈ. આ સમયે વડાપ્રધાને નોટબંધી લાગુ કરી હતી.

વડાપ્રધાન મોદી અનુસાર નોટબંધીનો નિર્ણય કાળુંનાણું નાબૂદ કરવા માટે લેવામાં આવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ નિર્ણયની અસર એ સમયે બજારમાં ચલણમાં રહેલી 86 ટકા કરન્સી પર થઈ હતી.

નોટબંધી બાદ મોટાભાગે આમાંની તમામ ચલણી નોટો બૅન્કોમાં પરત આવી ગઈ હતી.

જેને પગલે અર્થશાસ્ત્રીઓએ નોટબંધીને એક મોટી સફળતા ગણાવી હતી.

ખરેખર રોકડની અછત છે?

તો હવે 2018માં અચાનક રોકડની અછત કઈ રીતે થઈ?

શું લોકો વધુ રોકડ નાણાં ઉપાડી રહ્યા છે. વળી કેટલાંક વર્ગોમાં એવી આશંકાઓ હતી કે લોકોએ અચાનક ઘણા ઘણી રોકડ ઉપાડી લીધી હતી.

કેમ કે સાંભળવા મળી રહ્યું હતું કે સરકાર એવો કાયદો લાવવાની છે કે જેને પગલે લોકોનાં નાણાંથી બૅન્કોનું કરજ ચૂકવવામાં આવશે.

પરંતું બૅન્કોમાં જમા નાણાંમાં કોઈ ઘટાડો થયો નથી, આથી આ શંકામાં કોઈ દમ નથી લાગતો.

કેટલાક અધિકારીઓનું કહેવું છે કે મોસમમાં ખેડૂતોની ચૂકવણી અને કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓને પગલે રોકડની માંગ એકાએક વધી ગઈ છે.

અર્થશાસ્ત્રી અજિત રાનડે આ માટે 2000ની નોટને વધુ જવાબદાર ગણાવે છે.

મોદી સરકારે વર્ષ 2016માં 2000ની નોટ જાહેર કરી હતી. નોટબંધી બાદ ઊભી થયેલી રોકડની અછતને દૂર કરવા માટે આ નોટ લાવવામાં આવી હતી.

હાલ અર્થવ્યવસ્થામાં રહેલી નોટોમાં 60 ટકા નોટો 2000ની છે પણ તેને વધુ ઉપયોગમાં લેવામાં આવતી નથી.

ડૉક્ટર રાનડે અનુસાર કેટલાક લોકો કરચોરી કરવા માટે 2000ની નોટોની જમાખોરી કરી રહ્યા હોય તેવું પણ બની શકે છે.

લોકોએ ડિજિટલ ચૂકવણી ઓછી કરી?

અધિકારીઓનું એવું પણ કહેવું છે કે કેટલીક જગ્યાઓએ એટીએમ મશીનો ખરાબ થઈ જવાથી અને કેટલીક વખત તેમાં રોકડ ભરવામાં મોડું થવાથી પણ રોકડની અછત સર્જાઈ રહી છે.

જાણકારોને એવી પણ આશંકા છે કે રોકડની આ અછત નોટબંધી બાદના આર્થિક વિકાસ અને ચલણમાં રહેલી નોટો વચ્ચેના નબળા તાલમેલનું પરિણામ છે.

એટીએમમાં રોકડ ભરનારા લોકો કહી રહ્યા છે કે તેમને એપ્રિલ મહિનાથી રોકડ ભરવા માટે પૂરતી રોકડ મળી રહી નથી.

પરંતુ રિઝર્વ બૅન્કનું કહેવું છે કે બૅન્કો પાસે પૂરતી રોકડ છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

જોકે, સાથે સાથે રિઝર્વ બૅન્કે જણાવ્યું કે નોટો છાપવાનું કામ ઝડપી બનાવ્યું છે જેથી આ મામલો થોડો જટિલ લાગી રહ્યો છે.

એક વાત એ પણ કે ભારતના લોકોએ ડિજિટલ ચૂકવણી ઓછી કરી દીધી છે.

લોકોએ સામાન્ય લેવડદેવડ ફરીથી રોકડમાં શરૂ કરી દીધી છે.

વળી, એવું પણ હોઈ શકે છે કે નોટબંધી બાદ જે ગતિથી અર્થવ્યવસ્થા બદલાઈ છે તે હિસાબથી ચલણી નોટોની સપ્લાય નથી થઈ શકી.

આ જ કારણોથી નોટબંધીનું ભૂત એક વાર ફરી લોકોને ડરાવવા લાગ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો