You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: જો રોકડ છે તો ATMમાં કેમ નથી?
ગુજરાતભરના એટીએમમાં નાણા નહીં હોવાના અહેવાલો આવી રહ્યા છે. દેશના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ એટીએમમાં રોકડની અછત છે. જોકે, સરકારનું કહેવું છે કે દેશભરમાં રોકડની કોઈ અછત નથી.
નાણામંત્રી અરૂણ જેટલીએ અર્થતંત્રમાં પૂરતો કેશ ફ્લો હોવાની વાત કહી છે.
બીબીસી ગુજરાતીએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં એટીએમની સ્થિતિ અંગે સમીક્ષા કરવાનો પ્રયાસ કર્યો.
ગોધરામાં એટીએમમાં રોકડ નથી તથા રોકડ ઉપાડ પર પણ મર્યાદા છે. બૅન્ક ઑફ બરોડાના ડૅપ્યુટી રિજનલ મેનેજર પિયુષભાઈ પંડ્યાના જણાવ્યા પ્રમાણે, "અમારી પાસે રોકડ નથી.
આથી, કોઈપણ ખાતેદાર રોકડ ઉપાડવા આવે તો અમે તેમને રૂ. 20 હજારથી વધુની રોકડ આપી શકતા નથી."
પંડ્યા ઉમેરે છે કે, એટીએમમાં રોકડ ભરવાની વ્યવસ્થામાં ખામી છે, જેને સુધારતા સ્થિતિ સુધરી શકે તેમ છે.
દક્ષિણ ગુજરાત કો-ઑપરેટિવ બૅન્ક એસોસિયેશનના મુકેશ ગજ્જરે બીબીસી સાથે વાતચીત કરતા કહ્યું, "અમને આરબીઆઈ તરફથી નાણાનો પૂરતો પુરવઠો મળતો નથી.
"આ માટે કોઈ સત્તાવાર કારણ જણાવાયું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના ચેરમેન રાગેશભાઇ સરૈયાએ જણાવ્યું, "બૅન્કો પાસે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી પૂરતા પ્રમાણમાં કેશ આવતી નથી. "
તેમના મતે દરવર્ષે એપ્રિલ અને મે મહિનામાં કેશની માગ વધે છે, પરંતુ ભૂતકાળમાં આ બે મહિનામાં તેમણે આટલી તીવ્ર કેશ ક્યારેય વર્તાઇ નથી.
ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું, "એપ્રિલ અને મે મહિનામાં કેશની માગ વધુ હોવાથી કેશની ખેંચ વર્તાતી હોય છે."
અમારી જરૂરિયાના 50 ટકા જેટલી જ રોકડ મળી રહી છે. અમે આજુબાજુના જિલ્લાઓની કો-ઑપરેટિવ બૅન્કોમાંથી રોકડ મેળવીને ચલાવી રહ્યા છીએ."
રાજકોટના સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, દેના બૅન્ક સહિત અમૂક સરકારી તથા પ્રાઇવેટ બૅન્ક્સના એટીએમમાં પૈસા છે. જોકે, કો-ઑપરેટિવ બૅન્કસના એટીએમમાં પૈસા નથી.
રાજ્યભરમાંથી રોકડ માટે આમતેમ ભટકવું પડતું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
'પૂરતો રોકડ પુરવઠો'
નાણા મંત્રી અરૂણ જેટલીના કહેવા પ્રમાણે, અર્થતંત્રમાં પૂરતા પ્રમાણમાં રોકડની તરલતા (કેશ ફ્લો) છે.
જેટલીએ ટ્વીટ કરીને જણાવ્યું છે, "અમે દેશભરમાં કેશ ફ્લોની સ્થિતિની સમીક્ષા કરી છે. દેશભરમાં બજાર તથા બૅન્કોમાં રોકડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જોકે, દેશના કેટલાક વિસ્તારોમાં રોકડની માગ 'અચાનક અને અસામાન્ય' રીતે વધી છે. જેના કારણે રોકડની અછત ઊભી થઈ છે."
દેશની સૌથી મોટી સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર સિંહાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, "આગામી કેટલાક અઠવાડિયાઓમાં સ્થિતિ થાળે પડવા લાગશે.
"આ કારની સ્થિતિ પર નજર રાખવા માટે અમારી પાસે એક વિભાગ છે. આ કોઈ નવી વાત નથી.
"બજારમાં રૂ. 500ની નોટનો પુરવઠો વધારવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે."
દેશભરની સ્થિતિ
રોકડની અછત અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, નોટબંધી, બેંક કૌભાંડોને રોકડની અછત સાથે સાંકળ્યા હતા.
- છત્તીસગઢના રાયપુર સહિત મોટા વિસ્તારોમાં એટીએમમાં રોકડ રકમ નથી. સ્થાનિક દેવેન્દ્ર નાયકના કહેવા પ્રમાણે, "ઘરમાં પૈસા રાખો તો સરકારને વાંધો પડે છે અને બૅન્કમાં રાખો તો પૈસા મળતા નથી." જોકે, મુખ્ય પ્રધાન ડૉ. રમણસિંહે રોકડની અછત પ્રત્યે અજ્ઞાન વ્યક્ત કર્યું હતું.
- બિહારમાં પટણા સહિત મોટાભાગના શહેરોમાં રોકડ નથી. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું:
- ઉત્તર પ્રદેશના લખનઉ તથા અન્ય શહેરોમાં 'No Cash'ના પાટિયા ઝુલી રહ્યા છે. લોકો રોકડ માટે આમતેમ ફરી રહ્યા છે. જોકે, તેમને ખાસ સફળતા નથી મળી રહી.
(આ અહેવાલ માટે અમદાવાદથી હરેશ ઝાલા, ગોધરાથી દક્ષેશ શાહ તથા રાજકોટથી બિપીન ટંકારિયાના ઇનપુટ્સ મળેલા છે.)