You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળનો રાષ્ટ્રવાદ ભારત વિરોધી કેમ છે?
- લેેખક, ટીમ બીબીસી હિંદી
- પદ, દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30થી 31 ઑગસ્ટ સુધી નેપાળમાં આયોજિત બિમ્સ્ટેક(બે ઑફ બંગાળ ઇનિશિઍટિવ ફોર મલ્ટિ-સેક્ટરલ ટૅક્નિકલ ઍન્ડ ઇકૉનૉમિક કોઑપરેશન) સંમેલનમાં ઉપસ્થિત હતા. પીએમ મોદીના આ સંમેલનમાંથી પરત ફર્યા પછી, નેપાળ ભારતને ઘણાં આંચકા આપી ચૂક્યું છે.
પહેલાં નેપાળે બિમ્સ્ટેક દેશોના પુનામાં આયોજિત સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ થવાનો નનૈયો ભણી દીધો અને હવે નેપાળ 17થી 28 સપ્ટેમ્બર સુધી ચીનની સાથે 12 દિવસનો સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યું છે.
એવી ચર્ચા ચાલી રહી છે કે નેપાળે આવું કરીને ભારતના ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે.
સોમવારે નેપાળી સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ગોકુલ ભંડારીએ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ને કહ્યું કે ચીનની સાથે આ રીતનો આ બીજીવારનો સૈન્ય અભ્યાસ હશે.
તેમણે કહ્યું કે આ સૈન્ય અભ્યાસનું લક્ષ્ય, આતંક વિરોધી અભિયાનોમાં નિપુણતા હાંસલ કરવાનો છે.
નેપાળે ચીન સાથે આ રીતનો સૈન્ય અભ્યાસ, ગત વર્ષે એપ્રિલ મહિનામાં કર્યો હતો. નેપાળ અને ઉત્તરના પડોશમા સૈન્ય ગતિવિધિઓ વધી રહી છે તે ભારત માટે ચિંતા વધારનારી બાબત છે.
નેપાળનો આંચકા ઉપર આંચકો
બિમ્સ્ટેકના સૈન્ય અભ્યાસથી નેપાળનું અચાનક અલગ થવું ભારત માટે મોટા આંચકારૂપ માનવામાં આવે છે.
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે કહ્યું છે કે નેપાળને દુર્ભાગ્યવશ બિનજરૂરી રીતે ભારતને ભડકાવવામાં સંતોષ મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ આ સોમવારે કાઠમંડુમાં ભારતીય રાજદૂત મંજીત સિંહ પૂરી સાથે આ મુદ્દે વાતચીત કરી હતી.
કહેવાય છે કે ઓલીએ બિમ્સ્ટેકનાં સૈન્ય અભ્યાસમા સામેલ નહીં થવાનું કારણ જણાવ્યું છે.
જોકે, મંજીત સિંહે આ બાબતે કોઈ જ ખુલાસો આપ્યો નથી. બીજી તરફ ભારત તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
નેપાળની આંતરિક રાજનીતિને કારણે આવું બન્યું છે, તેવી ચર્ચા નેપાળમાં ચાલી રહી છે.
આ તરફ ભારતને આ કારણ ખાસ તાર્કિક નથી લાગતું, કારણ કે નેપાળની ઓલી સરકાર બે તૃતીયાંશ બહુમત ધરાવનારી મજબૂત સરકાર છે.
આ સ્થિતિમાં આ સરકાર કોઈનાં દબાણને વશ કેવી રીતે થઈ શકે? એવો એક સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.
આ બાબતે નેપાળના દિલ્હી સ્થિત દૂતાવાસે કોઈ ખુલાસો આપ્યો નથી.
વડા પ્રધાન બન્યા બાદ મોદી ચાર વખત નેપાળનો પ્રવાસ કરી ચૂક્યા છે, પરંતુ સંબંધોમાં અવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ દરમિયાન ચીન અને નેપાળના સંબંધોમાં પ્રગતિ નજરે પડી છે. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર, નેપાળ સરકારે કહ્યું છે કે ચીન, નેપાળને પોતાના બંદરનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે.
નેપાળ એક ચોમેર સમુદ્ર કિનારાથી રક્ષિત બંદરો વિહીન (લેન્ડ લૉક્ડ) દેશ છે અને તે પોતાની ભારત ઉપરની નિર્ભરતા ઓછી કરવા માગે છે.
2015માં ભારત તરફથી અઘોષિત નાકાબંધી કરવામાં આવી હતી અને આ કારણસર નેપાળમા જરૂરી સામાનની ભારે અછત સર્જાઈ હતી.
ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં એ વિશ્વાસની પુનઃસ્થાપના થઈ શકી નથી.
ભારત, નેપાળના નવા બંધારણથી સંતુષ્ટ નહોતો. કહેવાય છે કે નવા બંધારણમાં નેપાળે મધેશીઓ સાથે ભેદભાવ કર્યો છે.
મધેશી વિવાદ
મધેશી ભારતીય મૂળનાં છે અને તેમનાં મૂળિયાં બિહાર અને યુપી સાથે જોડાયેલાં છે. જોકે, નેપાળે બંધારણમાં કોઈ ફેરબદલ નથી કરી અને ભારતને આ મુદ્દે કોઈ જ સફળતા પ્રાપ્ત ન થઈ હોવાં છતાં નાકાબંધી નાબૂદ કરવી પડી હતી.
નેપાળનાં વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે તેને ચીને થિયાન્જિન, શેંજેન, લિઆનીયગૈંગઅને શ્યાંજિયાંગ બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.
મંત્રાલયે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ચીને નેપાળને લૅન્ડ પોર્ટ લોંજોઉ, લાસા અને શિગૈટ્સેના ઉપયોગ ઉપર પણ સહમતિ આપી દીધી છે.
નેપાળ તરફ ચીનના આ વલણને માટે ચર્ચા છે કે નેપાળ, ભારત ઉપરની પોતાની નિર્ભરતા ઓછી કરવા ઇચ્છે છે.
પરંતુ બીજી બાજુ ચીન પણ નેપાળમાં ભારતની તુલનાએ પોતાની હાજરી મોટા પ્રમાણમાં વધારવા ઇચ્છે છે.
કે. પી. શર્મા ઓલી 2015ના ફેબ્રુઆરી મહિનામા બીજીવાર નેપાળના વડા પ્રધાન બન્યા હતા.
ત્યારથી તેમણે બે વાર ભારતની મુલાકાત લીધી છે. તેમણએ પોતાના ચૂંટણી અભિયાનમાં ચીન સાથે ભાગીદારી વધારવા અને ભારત ઉપરની નિર્ભરતા ઓછી કરવાની વાત કહી હતી.
1950ની સંધિ મામલે નેપાળનું કડક વલણ
નેપાળના નવા બંધારણ ઉપર ભારતના અસંતોષને મુદ્દે નેપાળની ઓલી સરકાર કહેતી આવી છે કે આ તેમની આંતરિક બાબત છે.
ભારત અને નેપાળ દરમિયાન 1950માં થયેલી 'પીસ અને ફ્રેન્ડશિપ' સંધિને મુદ્દે ઓલીનું વલણ કડક રહ્યું છે.
તેમનું કહેવુ છે કે સંધિ નેપાળના પક્ષમાં નથી. આ સંધિ વિરુદ્ધ ઓલીએ નેપાળના ચૂંટણી અભિયાનોમાં પણ ભાષણો આપ્યાં હતાં.
ઓલી ઇચ્છે છે કે ભારત સાથેની આ સંધિનો અંત આવે.
સરહદ વિવાદ
બંને દેશો વચ્ચેનો સરહદ વિવાદ પણ એક મોટો મુદ્દો છે. સુસ્તા અને કલપાની વિસ્તારોને મુદ્દે બંને દેશો વચ્ચે વિવાદ છે.
ચાર વર્ષ પહેલાં બંને દેશોની વચ્ચે સુસ્તા અને કલપાનીની બાબતે વિદેશ સચિવ સ્તરની વાતચીતને મુદ્દે સહમતિ સધાઈ હતી, પરંતુ હજુ સુધી એક પણ બેઠક થઈ નથી.
ઓલી જયારે ભારત આવે છે, ત્યારે તેમની ઉપર દબાણ હોય છે કે આ બંને બાબતો ઉપર વાતચીત કરે. પરંતુ દ્વિપક્ષીય વાર્તાઓમાં આ બાબતે કોઈ ઉલ્લેખ થતો જ નથી.
નવેમ્બર 2016માં મોદી સરકારે અચાનક જ જ્યારે 500 અને હજારની ચલણી નોટોને ચલણમાંથી રદ કરી, તે સમયે નેપાળને પણ તેની અસર થઈ હતી.
નેપાળમાં પણ ભારતીય ચલણ, સામાન્ય લેણ-દેણનાં ચલણમાં છે, જ્યારે આ નોટ રદ કરવામાં આવી ત્યારે ત્યાંનાં લોકો અને અર્થવ્યવસ્થા ઉપર પણ માઠી અસર થઈ.
નેપાળે ભારતને જૂની નોટો બદલી આપવાનો આગ્રહ કર્યો અને બંને દેશો દરમિયાન વાતચીત પણ શરૂ થઈ, પરંતુ હજુ પણ ગૂંચ ઉકેલાઈ નથી.
આ મુદ્દે કોઈ સત્તાવાર ચિતાર નહીં હોવાને લીધે મુદ્દો હજુય સ્થગિત જ છે.
'ભારત નેપાળમાં રોકાણ નથી કરતું'
6 એપ્રિલે ઓલીએ નવી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું હતું, "ભારતીય રોકાણકારો દુનિયાભરના દેશોમાં રોકાણ કરી રહ્યા છે, પરંતુ પોતાની પડોશમા જ આવેલા નેપાળમાં રોકાણ નથી કરતા.”
“આવું શા માટે? અમે ભૌગોલિક દૃષ્ટિએ નજીક છીએ, આવવું-જવું સાવ સરળ છે, સંસ્કૃતિક સમાનતા તો છે જ એ ઉપરાંત, બંને દેશોની પસંદગીની તમામ બાબતો ઉપલબ્ધ છે, છતાં પણ રોકાણો શા માટે નથી થતા?"
ઓલી વિષે કહેવાય છે કે તેઓ વિદેશી સંબંધોમા પોતાના બે મોટા પાડોશી દેશો ભારત અને ચીન વચ્ચે સમતુલા જાળવી રાખવા ઇચ્છે છે.
ઓલી માટે એમ પણ કહેવાય છે કે તેઓ એક સમયે ભારતના સમર્થક ગણાતા હતા. નેપાળની રાજનીતિમાં તેમનું વલણ એક સમયે ભારત તરફી હતું.
1996માં ભારત અને નેપાળ દરમિયાન ઐતિહાસિક મહાકાળી સંધિમાં, ઓલીની ભૂમિકા ખૂબ મોટી માનવામાં આવે છે.
ભારત-નેપાળના સંબંધોમાં ઓલીની ભૂમિકા
ઓલી 1990નાં દશકામાં નેપાળમાં કૅબિનેટ મંત્રી પદે હતા. તેઓ 2007 સુધી નેપાળના વિદેશ મંત્રી પદે પણ રહ્યા હતા. આ દરમિયાન ભારત સાથે ઓલીના સબંધો ઘનિષ્ઠ હતાં.
નેપાળ ઉપર ભારતનો પ્રભાવ ઘણા દશકાઓ સુધી રહ્યો છે. બંને દેશોની વચ્ચે ખુલ્લી સરહદ છે, અનહદ વેપાર છે, એક જ ધર્મ છે અને રીતિ-રિવાજ પણ એક સરખાં જ છે.
બંને દેશોની વચ્ચે બગડતા સંબંધોની બાબતે જયારે પણ વાત થાય છે ત્યારે, ચીનનો ઉલ્લેખ અનિવાર્યપણે થાય છે.
ચીને હાલના વર્ષોમાં નેપાળમાં બહોળા પ્રમાણમાં રોકાણો કર્યાં છે. નેપાળમાં ઘણાં પ્રોજેક્ટ્સ ઉપર ચીનનું કામ ચાલી રહ્યું છે અને એમાં મૂળભૂત માળખાકીય સુવિધાઓ સાથે જોડાયેલી પરિયોજનાઓ સૌથી વધું છે.
ચીન નેપાળમા ઍરપોર્ટ, રોડ, હૉસ્પિટલ, કૉલેજ, મૉલ્સ બનાવી રહ્યું છે તો એક રેલવે લાઇન ઉપર પણ કામ ચાલી રહ્યું છે.
કૉર્નેગી ઇન્ડિયાના વિશ્લેષક કૉન્સ્ટેન્ટિનો ઝેવિયરે વોશિંગ્ટન પોસ્ટને કહ્યું છે, "નેપાળ અને ચીનની નિકટતા એક મોટું પરિવર્તન છે. પ્રથમવાર નેપાળના ઇતિહાસમાં આ બન્યું છે કે ચીન નેપાળને, ભારતનો વિકલ્પ પૂરો પાડી રહ્યો છે."
નેપાળ બાબતોના જાણકાર આનંદસ્વરૂપ વર્મા કહે છે, "જે રીતે ભારતમાં રાષ્ટ્રવાદની વાત થાય છે તો પાકિસ્તાન વિરોધનાં કેન્દ્રમાં આવી જાય છે, એ જ રીતે હવે નેપાળમાં ચૂંટણી દરમિયાન બની રહ્યું છે."
"આવી સ્થિતિ ભારતે જ ઊભી કરી છે. ભારતે 2015માં નાકાબંધી કરીને ત્યાંના નાગરિકોમાં પણ પોતાની વિરુદ્ધ ભાવના રાખવા મજબૂર કર્યા છે. નેપાળ ભારતનો વિરોધ કરીને પોતાની પ્રગતિ કરી શકે તેમ નથી."
'ભારતે પોતાના પગ ઉપર કુહાડી મારી'
ઝેવિયર કહે છે, "પરંતુ દુર્ભાગ્યવશ ભારત માટે એવું નથી કે તે પણ વિચારી લે કે ભારત સિવાય નેપાળ પાસે કોઈ અન્ય વિકલ્પ ઉપલબ્ધ નથી. ભારત સાથે સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય ઘણી રીતની અનહદ સમાનતાઓ છે".
"પરંતુ, તે આ તકનો યોગ્ય ઉપયોગ કરી શક્યો નહીં. નેપાળમાં ભારતે પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારી છે."
ઝેવિયર ઉમેરે છે, "ભારત સેંકડો વર્ષોથી પરતંત્ર રહ્યો છે, પરંતુ નેપાળ ક્યારેય કોઈ ઉપર આશ્રિત નથી રહ્યું. ભારતમાં સંસ્થાનવાદી માનસિકતા એ ફક્ત અહીંની રાજનીતિમાં જ નહીં બલ્કે સમાજ અને બુદ્ધિજીવીઓમાં પણ દૃશ્યમાન થાય છે."
'નેપાળનો ગાર્ડ-નોકર મંજૂર પણ સંપ્રદાય દેશ મંજૂર નથી'
"અમને નેપાળનો ગાર્ડ મંજૂર છે, નોકર મંજૂર છે પરંતુ એક સાર્વભૌમ દેશ મંજૂર નથી. 1962માં ભારત અને ચીન દરમિયાન યુદ્ધ પછી 1964માં ચીને કાઠમંડુને કોદારી રાજમાર્ગ સાથે જોડ્યું હતું."
"આ બાબતે ભારતની સંસદમાં ઘણી તીખી દલીલબાજી થઈ હતી. એવું કહેવાતું હતું કે ચીન ગોરખપુર સુધી પહોંચી જશે, જોકે એવું કંઈ બન્યું નહીં."
તેઓ કહે છે, "એક સાર્વભૌમકત્વ દેશ અન્ય દેશ સાથે પોતાના હિતમાં સંબંધો શા માટે ના રાખી શકે અને એ પણ ત્યારે જયારે તમે તેના હિતોનો ખ્યાલ ના રાખતા હોવ!"
"1950માં ભારતે નેપાળ સાથે જે 'પીસ અને ફ્રેન્ડશિપ' સંધિ કરી હતી તે બાબતે નેપાળમાં હવે અવાજ બુલંદ થયા છે."
"એ સંધિ ત્યારે થઈ હતી જયારે નેપાળમાં રાજાશાહી હતી. જો લોકશાહીવાળું નેપાળ તમારી સાથે આ સંધિ ઉપર વાતચીત કરવા ઇચ્છે છે, તો તમારે કરવી પડશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો