You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનની 'ઉધારી' હેઠળ દબાયેલા દુનિયાના આ આઠ દેશ
- લેેખક, બીબીસી હિંદી ટીમ
- પદ, નવી દિલ્હી
ચીનની સરકારી બૅન્ક પોતાના દેશમાં લોકોને ધિરાણ આપવા કરતાં વધારે ઉધાર બીજા દેશોને આપી રહી છે. ચીનની બૅન્કોનાં આ પગલાને ત્યાંની સરકારની સમજી વિચારીને અપનાવવામાં આવેલી રણનીતિ માનવામાં આવે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 'વન બેલ્ટ, વન રોડ' પરિયોજના અંતર્ગત ઘણા દેશોમાં આધારભૂત માળખાના વિકાસ માટે સમજૂતીઓ કરી છે, પરંતુ આ સમજૂતીઓને એકતરફી માનવામાં આવી રહી છે.
ચીન દુનિયાભરના ઘણા દેશોમાં આધારભૂત માળખાના વિકાસ પર કામ કરી રહ્યું છે અને તેણે તેના માટે મોટું રોકાણ પણ કર્યું છે.
વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે, 2016માં પહેલી વખત ચીનની ચાર મોટી સરકારી બૅન્કોમાંથી ત્રણ બૅન્કોએ દેશમાં કૉર્પોરેટ લોન આપવા કરતા વધારે બહારના દેશોને ઉધાર આપ્યું.
તમે આ વાંચ્યું કે નહીં?
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીન પોતાની કંપનીઓને દુનિયાના એ દેશોમાં બિઝનેસ કરવા માટે આગળ કરી રહ્યું છે કે, જેથી એકતરફી નફો મેળવી શકાય.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીન પોતાના પ્રભાવને વધારવા માટે ઉધારની રણનીતિને ઝડપથી આગળ વધારી રહ્યું છે.
ચીનના ઉધારની હદનો વધતો વિસ્તાર
દક્ષિણ એશિયાના ત્રણ દેશ- પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ પર ચીનનું ઘણું દેવું છે. ગત વર્ષે તો શ્રીલંકાએ એક અબજ ડોલર કરતા વધારે ઉધારના કારણે ચીનને હમ્બનટોટા પોર્ટ જ સોપવું પડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ પાકિસ્તાન પણ ચીનના ઉધાર હેઠળ દબાયેલું છે અને ફરી એક વખત આર્થિક સંકટ વચ્ચે તે ચીનનું શરણ લઈ શકે છે.
માલદીવમાં પણ ચીન ઘણી પરિયોજનાઓનો વિકાસ કરી રહ્યું છે. માલદીવમાં જે પ્રોજેક્ટ પર ભારત કામ કરી રહ્યું હતું તે પણ ચીનને સોંપી દેવાયો છે.
માલદીવે ભારતીય કંપની જીએમઆર સાથે 511 અબજ ડોલરના રોકાણથી વિકસિત થનારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કરારને રદ કરી નાખ્યો હતો.
એક રિપોર્ટ પ્રમાણે, ચીન કન્સ્ટ્રક્શન બૅન્કની તરફ અપાતા વિદેશી ઋણમાં 31 ટકા વધારો થયો છે, જ્યારે તેની સરખામણીએ દેશમાં વૃદ્ધિ દર 1.5 ટકા જ છે.
2016ની સરખામણીએ 2017માં બૅન્ક ઑફ ચાઇના તરફથી અન્ય દેશોને ધિરાણ આપવાનો દર 10.6 ટકા વધ્યો હતો. 2013માં ચીનની કમાન શી જિનપિંગના હાથોમાં આવ્યા બાદથી જ તેમની મહત્ત્વકાંક્ષી યોજના 'વન બેલ્ટ, વન રોડ' પરિયોજના તેજીથી આગળ વધી.
વન બેલ્ટ વન રોડ
આ ત્રણ ખર્વ અમેરિકી ડોલર કરતા વધારે રોકાણવાળી પરિયોજના છે. તે અંતર્ગત આધારભૂત ઢાંચો વિકસિત થશે. તેના માધ્યમથી ચીન સેન્ટ્રલ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં પોતાનો પ્રભાવ વધારવા માગે છે.
આ પરિયોજના સાથે ઘણા દેશ છે, પણ મોટાભાગના પૈસા ચીન સમર્થિત વિકાસ બૅન્ક અને ત્યાંની સરકારી બૅન્કોમાંથી આવે છે.
ચીન એશિયાઈ દેશોમાં જ નહીં, પણ આફ્રિકી દેશોમાં પણ આધારભૂત ઢાંચો વિકસિત કરવાના કામમાં લાગેલું છે. એ જ દેશોમાંથી એક છે જિબુતી. જિબુતીમાં અમેરિકાનું સૈન્ય ઠેકાણું છે. ચીનની એક કંપનીને જિબુતીએ મહત્ત્વપૂર્ણ બંદર આપ્યું છે, જેનાથી અમેરિકા નાખુશ છે.
ગત વર્ષે છ માર્ચના રોજ અમેરિકાના તત્કાલીન વિદેશ મંત્રી રેક્સ ટિલરસને કહ્યું હતું, "ચીન ઘણા દેશોને પોતાની ઉપર નિર્ભર બનાવવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. તે જે કોન્ટ્રાક્ટ્સ પ્રાપ્ત કરી રહ્યું છે તે સંપૂર્ણપણે અપારદર્શી છે.
"નિયમ અને શરતોને લઇને સ્પષ્ટતા નથી. હિસાબ વગર ઉધાર આપે છે અને તેનાથી ખોટા કાર્યોને પ્રોત્સાહન મળશે.
"એ દેશોની આત્મનિર્ભતા તો ખતમ થશે પણ સાથે જ સંપ્રભુતા પર પણ અસર પડશે. ચીનમાં ક્ષમતા છે કે તે આધારભૂત ઢાંચાનો વિકાસ કરે, પરંતુ તે તેના નામે ઉધારના ભારને વધારવાનું કામ કરી રહ્યું છે."
ધ સેન્ટર ફૉર ગ્લોબલ ડેવલપમેન્ટનું કહેવું છે કે 'વન બેલ્ટ, વન રોડ'માં ભાગીદાર બનવા વાળા આઠ દેશ ચીનના ઉધાર હેઠળ દબાયેલા છે. આ દેશ છે- જિબુતી, કિર્ગિસ્તાન, લાઓસ, માલદીવ, મંગોલિયા, મોન્ટેનેગ્રો, પાકિસ્તાન અને તઝાકિસ્તાન.
સંશોધકોનું કહેવું છે કે આ દેશોને એ વાતનું અનુમાન પણ નથી કે ઉધારથી તેમની પ્રગતિ કેટલી હદે પ્રભાવિત થશે. ઉધાર ન ચૂકવવાની સ્થિતિમાં જ ઉધાર લેવા વાળા દેશોએ આખો પ્રોજેક્ત તે દેશના હવાલે કરવો પડે છે.
ચીનના ઉધારનો ડર
ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે નેપાળ પણ ચીનની મદદ ઇચ્છે છે, પરંતુ તેના મનમાં ઘણા પ્રકારના ડર છે કે ક્યાંક તે પણ શ્રીલંકા અને પાકિસ્તાનની જેમ ચીનના દેવા હેઠળ દબાઈ ન જાય.
ચાઇના- લાઓસ રેલવે પરિયોજનાને 'વન બેલ્ટ, વન રોડ' અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ પરિયોજનાનો કુલ ખર્ચ છ અબજ ડોલર છે એટલે કે આ ખર્ચ લાઓસના જીડીપીનો અડધો ભાગ છે.
ઘણા લોકોનું કહેવું છે કે પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ પણ આ રસ્તે આગળ વધી રહ્યું છે. ચીન પાકિસ્તાનમાં 55 અબજ ડોલર અલગ અલગ પરિયોજનાઓ પર ખર્ચ કરી રહ્યું છે.
પાકિસ્તાન વિશે કહેવામાં આવી રહ્યું છે કે દબાણ હોવા છતાં આ પ્રોજેક્ટના અનુબંધોને સાર્વજનિક કરવામાં આવ્યા નથી. વિશ્લેષકોનું માનવું છે કે આ રકમનો મોટો ભાગ ઉધારીનો છે.
સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ અને ચીનની સમજૂતીને વિશે કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ચીનનું 'આર્થિક ઉપનિવેશ' બની રહ્યું છે.
ગ્વાદરમાં પૈસાના રોકાણની ભાગીદારી અને તેના પર નિયંત્રણને લઇને 40 વર્ષની સમજૂતી છે. ચીનનો તેના રાજસ્વ પર 91 ટકા અધિકાર હશે અને ગ્વાદર ઑથોરિટી પોર્ટને માત્ર નવ ટકા મળશે.
સ્પષ્ટ છે અપ્રત્યક્ષ રૂપે પાકિસ્તાન પાસે 40 વર્ષો સુધી ગ્વાદર પર નિયંત્રણ રહેશે નહીં.
ચીનના દેવા હેઠળ દબાયેલા આઠ દેશ
પાકિસ્તાન
ધ સેન્ટર ફૉર ગ્લોબલ ડેવલપમેન્ટના રિપોર્ટ પ્રમાણે, સૌથી વધારે ખતરો પાકિસ્તાન પર છે.
ચીને પાકિસ્તાનને ઊંચા વ્યાજે ધિરાણ આપ્યું છે. તેનાથી એવા ડરને બળ મળે છે કે પાકિસ્તાન પર આગામી સમયમાં ચીનના દેવાનો બોજ વધશે.
જિબુતી
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે કહ્યું છે કે જિબુતી જે રીતે ધિરાણ લઈ રહ્યું છે તે તેના માટે જ ખતરનાક છે. માત્ર બે વર્ષોમાં જ લોકો પર બાહ્યા દેવું તેના જીડીપીના 50 ટકાથી 80 ટકા થઈ ગયું છે.
આ મામલે દુનિયાની ઓછી આવકવાળા દેશોમાં જિબુતી ટોચ પર છે. તેમાંથી મોટાભાગનું ઉધાર ચીનની એક્ઝિમ બૅન્કનું છે.
માલદીવ
માલદીવના બધા જ મોટા પ્રોજેક્ટમાં ચીન વ્યાપક રૂપે સામેલ છે. ચીન માલદીવમાં 830 કરોડ ડોલરના ખર્ચે એરપોર્ટ બનાવી રહ્યું છે.
એરપોર્ટની પાસે જ એક પુલ બની રહ્યો છે, જેના પર 400 કરોડ ડોલરનો ખર્ચ થશે.
વિશ્વ બૅન્ક અને આઈએમએફનું કહેવું છે કે માલદીવ ભયાનક હદે ચીનના દેવા હેઠળ ફસાતું જોવા મળી રહ્યું છે.
માલદીવના ઘરેલું રાજકારણમાં ટકરાવ છે અને વર્તમાનમાં માલદીવની સત્તા જેના હાથમાં છે તેને ચીનનો વિશ્વાસ પ્રાપ્ત છે.
લાઓસ
દક્ષિણ પૂર્વ એશિયામાં લાઓસ ગરીબ દેશોમાંથી એક છે. લાઓસમાં ચીન 'વન બેલ્ટ, વન રોડ' અંતર્ગત રેલવે પરિયોજના પર કામ કરી રહ્યું છે. તેનો ખર્ચ 6.7 અબજ ડોલર છે જે લાઓસના જીડીપીનો અડધો ભાગ છે.
આઈએમએફએ લાઓસને પણ ચેતવણી આપી છે કે તે જે રસ્તે છે તેમાં આંતરરાષ્ટ્રીય ધિરાણ મેળવવાની પાત્રતા ગુમાવી દેશે.
મંગોલિયા
મંગોલિયાના ભવિષ્યની અર્થવ્યવસ્થા કેવી હશે તે આધારભૂત ઢાંચાના વિકાસમાં થયેલા મોટા રોકાણ પર નિર્ભર કરે છે.
ચીનની ઍક્ઝિમ બૅન્ક 2017ની શરૂઆતમાં એક અબજ અમેરિકી ડોલરનું ફંડ આપવા તૈયાર થઈ હતી.
ચીને તેની શરત હાઇડ્રોપાવર અને હાઈવે પ્રોજેક્ટમાં ભાગીદારી રાખી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 'વન બેલ્ટ, વન રોડ' અંતર્ગત ચીન આગામી પાંચ વર્ષોમાં મંગોલિયામાં 30 અબજ ડોલરનું રોકાણ કરશે.
જો એમ થાય છે તો મંગોલિયા માટે આ દેવામાંથી બહાર આવવું સહેલું નહીં રહે.
મોન્ટેનેગ્રો
વિશ્વ બૅન્કનું અનુમાન છે કે 2018માં અહીંના લોકો પર દેવું તેની જીડીપીના 83 ટકા પર પહોંચી ગયું છે.
મોન્ટેનેગ્રોની સમસ્યા પણ તેના મોટા પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ છે પોર્ટ વિકસિત કરવા અને ટ્રાન્સપોર્ટ નેટવર્કને વધારવું.
આ પરિયોજનાઓ માટે 2014માં ચીનની એક્ઝિમ બૅન્ક સાથે સમજૂતી થઈ હતી, જેમાં પહેલા તબક્કાના ખર્ચ એક અબજ ડોલરમાં 85 ટકા ભાગ ચીન આપશે.
તઝાકિસ્તાન
તઝાકિસ્તાનની ગણતરી એશિયાના સૌથી ગરીબ દેશોમાં થાય છે. આઈએમએફ ચેતવણી આપી ચૂક્યું છે કે તે દેવાના બોજ હેઠળ દબાયેલું છે.
તઝાકિસ્તાન પર સૌથી વધારે દેવું ચીનનું છે. 2007થી 2016 વચ્ચે તઝાકિસ્તાન પર કુલ વિદેશી ઉધારમાં ચીનનો ભાગ 80 ટકા હતો.
કિર્ગિસ્તાન
કિર્ગિસ્તાન પણ ચીનની 'વન બેલ્ટ, વન રોડ' પરિયોજનામાં સામેલ છે. કિર્ગિસ્તાનની વિકાસ પરિયોજનાઓમાં ચીનનું એકતરફી રોકાણ છે.
2016માં ચીને 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. કિર્ગિસ્તાન પર કુલ વિદેશી દેવામાં ચીનનો 40 ટકા ભાગ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો