ભારતથી પણ નાની સેના કરવા કેમ જઈ રહ્યું છે ચીન?

હંમેશાં કહેવામાં આવે છે કે ભારત પાસે વિશ્વની ત્રીજું સૌથી મોટું સૈન્ય છે અને તેનો સીધો સંબંધ સેનામાં રહેલા સૈનિકોની સંખ્યા સાથે છે.

સૈનિકોની વધારે સંખ્યા હોવાથી કોઈ આર્મી વધારે શક્તિશાળી બની જતી નથી.

નિષ્ણાતો માને છે કે વધારે પડતી સૈનિકોની સંખ્યા આર્મી માટે બોજ બની જાય છે.

હવે ચીન તેના સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહ્યું છે. પરંતુ ચીન શા માટે પોતાના સૈનિકો ઘટાડી રહ્યું છે?

કેમ ભારત કરતાં પણ નાની સેના બનાવવા જઈ રહ્યું છે.

સેનાના આધુનિકરણ પાછળ કેટલો ખર્ચ?

'ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનેલિસિસ'ના લક્ષ્મણ કુમાર બહેરા કરે છે કે ભારત બજેટમાં જેટલી રકમ ડિફેન્સ માટે ફાળવે છે, તેમાંની 90 ટકા રકમ સૈનિકો પાછળ ખર્ચાય છે.

જેનો અર્થ એ છે કે ફાળવવામાં આવેલી રકમનો મામૂલી હિસ્સો જ સેનાના આધુનિકીકરણ પાછળ ખર્ચવામાં આવે છે.

ભારતીય સેનામાં લગભગ 14 લાખ જવાનો છે. પણ બીજી તરફ ચીન તેની સૈન્ય સંખ્યામાં સતત ઘટાડો કરી રહ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

જુલાઈ-2017માં ચીનના સરકારી મીડિયાએ કહ્યું હતું કે પીપલ્સ લિબરેશન આર્મીમાં સૈનિકોની સંખ્યામાં મોટા પાયે ઘટાડો કરવામાં આવશે.

ચીન 20 લાખનું સંખ્યાબળ ધરાવતા સૈન્યદળને સમતુલિત કરવાની કોશિશ કરી રહ્યું છે.

સરકારી મીડિયા અનુસાર ચીન સતતપણે સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યું છે.

ચીનની સેનામાં કેટલો ઘટાડો?

આ અહેવાલ પ્રમાણે ભલે ચીન તેના સૈન્ય દળમાં ઘટાડો કરી રહ્યું છે પણ નૌકાદળ અને મિસાઇલ ક્ષેત્રમાં તાકત અને વ્યૂહાત્મક ક્ષમતાઓનું વ્યાપકપણે વિસ્તરણ કરી રહ્યું છે.

ચીનની આર્મીના મુખપત્ર પીએલએ દૈનિક અનુસાર ઐતિહાસિક રીતે પ્રથમ વાર સૈનિકોની સંખ્યા દસ લાખથી પણ ઓછી કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર ચીનની આર્મીમાં વ્યાપકરૂપે સુધારાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પીએલએના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, "નેવી, રૉકેટ ફોર્સ, વ્યૂહાત્મક ક્ષમતામાં વધારો કરવામાં આવશે."

"પણ ઍરફોર્સમાં સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવામાં નહીં આવે."

ચીનના સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર 2013માં 8.5 લાખ સૈનિકો હતા. જોકે, હજૂ સુધી સ્પષ્ટતા નથી કે કેટલા સૈનિકો ઘટાડવામાં આવશે.

ચીને 1980ના દાયકાથી જ સેનામાં આધુનિકીકરણની સાથે જ સંખ્યાબળને પણ સમતુલિત કરવાનું શરૂ કરી દીધું હતું.

ત્યારબાદ તેની સેનામાં વખતોવખત ઘટાડો કરવામાં આવ્યો છે.

એક અહેવાલ મુજબ ચીને 1985માં સૈનિકોની સંખ્યામાં દસ લાખનો ઘટાડો કર્યો હતો.

1997માં આ ઘટાડો પાંચ લાખનો હતો અને 2003માં તે બે લાખ રહ્યો હતો.

વર્ષ 2015માં ચીને સૈન્યદળમાં ત્રણ લાખ સૈનિકોનો ઘટાડો કર્યો હતો.

સેન્ટ્રલ મિલિટરી કમિશન

ચીનની તમામ પ્રકારની સેનાનું નિયંત્રણ સેન્ટ્રલ મિલિટરી કમિશન કરે છે.

આ કમિશન એકવાર ફરીથી સંખ્યામાં ઘટાડો કરવાની વાત કરી રહ્યું છે.

જાન્યુઆરી 2016માં કમિશને ચીનની સેનામાં સુધારાને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

આથી ચીનની સેનાના આધુનિકરણનું લક્ષ્ય 2010 સુધીની રાખવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ચીનની સેનાને સંખ્યાબળ કરતાં ગુણવત્તા તરફ લઈ જવી છે.

કમિશનનું કહેવું છે કે યુદ્ધ સંબંધિત સિવાયના વિભાગોમાં સંખ્યાબળ ઓછું કરવામાં આવશે.

ચીન ક્યાં ખર્ચી રહ્યું છે નાણાં?

ચીન આખરે સંખ્યાબળમાં ઘટાડો કેમ કરી રહ્યું છે? આ મામલે લક્ષ્મણ કુમાર કહે છે, "આ એકદમ યોગ્ય વાત છે કે ચીને સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવાનું યથાવત રાખ્યું છે."

"જે સેનાના આધુનિકરણનો જ ભાગ છે. ચીન મેનપાવર પાછળ ઓછા નાણાં ખર્ચીને આધુનિકીકરણ અને ટેક્નોલોજી પર વધુ ભાર મૂકી રહ્યું છે."

"વળી, કોઈપણ દેશની સૈન્ય શક્તિનું આકલન તેની સેનાના સંખ્યાબળથી કરવામાં આવતું નથી"

તેમણે ઉમેર્યું, "કોઈ પણ દેશની સેના કેટલી મજબૂત છે તેનો આધાર યુદ્ધવિમાન, સબમરીન, યુદ્ધજહાજ, મિસાઇલ, જાસૂસી તંત્રની ક્ષમતા, સ્પેશ અને સાઇબર યુદ્ધમાં નિપુણતા અને આધુનિક પ્રશિક્ષણની બાબત પર રહેતો હોય છે."

"ભારત સરકાર સંરક્ષણ મામલે જેટલો ખર્ચ કરે છે તેનો 90 ટકા હિસ્સો મેનપાવરના પગાર અને પેન્શન પાછળ ખર્ચાય છે."

"ચીને છેલ્લા બે દાયકામાં તેના સૈનિકોની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો કર્યો છે."

"વળી સ્વાભાવિક વાત છે કે ચીનની અર્થવ્યવસ્થા ભારતની અર્થવ્યવસ્થા કરતા મોટી છે."

"આથી ભારતે સેનાના આધુનિકીકરણ બાબતે વધુ સહજ રહેવાની જરૂર છે."

ભારતીય સેનાના આધુનિકીકરણનો પ્રયાસ

મોદી સરકારમાં મનોહર પારિકર જ્યારે સંરક્ષણ મંત્રી હતા ત્યારે તેમણે સેનામાં સુધારા માટે લેફ્ટ. જનરલ શેકટકરની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી હતી.

સમિતિએ કુલ 99 ભલામણો કરી હતી. સરકારે તેમાંની 65 ભલામણોને 2018 સુધી લાગુ કરવાનું વચન આપ્યું હતું.

જોકે, આ સમિતિએ પણ સેનાની સંખ્યા મામલે ચિંતા વ્યક્ત કરી હતી.

કહેવાય છે કે, ચીન સોવિયત સંઘ વખતની સેનાના માળખામાંથી હવે બહાર આવી ગયું છે.

ડિસેમ્બર-2015માં ચીને પીએલએ સ્ટ્રેટજિક સપૉર્ટ ફોર્સ બનાવવાની જાહેરાત કરી હતી.

ચીનનું આ એક સ્વતંત્ર દળ છે જેના પર કમિશનનું નિયંત્રણ છે.

નવી ફોર્સનું લક્ષ્ય પીએલને અવકાશ, સાઇબર શક્તિ પૂરી પાડવાનું છે. વળી કૃત્રિમ ઇન્ટેલિજન્સ પણ પૂરી પાડવાનું છે.

ચીનનું સંરક્ષણ મંત્રાલય શું કહે છે?

2015માં ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું, "સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરીને સેનાની ક્ષમતામાં વધારો અને તેનું આધુનિકીકરણ કરવાનો હેતુ છે."

"આનાથી સેનાને વધુ પ્રભાવી અને આધુનિક બનાવવામાં આવશે."

ચીનના આ પગલા અંગે કૈનબરા સ્થિત ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સુરક્ષા કોલેજના પ્રમુખ પ્રોફેસર રૉરી મેડકાફે ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું હતું, "ચીનનાં આ પગલાથી પ્રદેશમાં સંબંધિત ચિંતામાં ઘટાડો થવાની આશા ન કરવી જોઈએ."

"કેમકે તે તેની સેનાને વધુ આધુનિક બનાવી રહ્યું છે. તે તેની સેનાને પારંપરિક માળખામાંથી કાઢીને આધુનિક માળખામાં શિફ્ટ કરી રહ્યું છે."

તેમનું કહેવું હતું, "સૈન્ય બજેટની મોટાભાગની રકમ સૈનિકોના પગાર પાછળ ખર્ચાઈ જાય છે."

"તાજેતરનાં વર્ષોમાં ચીનના સૈનિકોના પગારમાં ઘણો વધારો કરવામાં આવ્યો હતો."

"દરમિયાન આ જ સમયે ચીને તેની સેનાને આધુનિક બનાવવા માટે આ પગલાં લીધા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો