અમદાવાદની ઝૂંપડપટ્ટીઓનાં છાપરાને છત કોણ બનાવી રહ્યું છે?

    • લેેખક, કેરોલિન રાઇસ
    • પદ, ઇન્નોવેટર્સ સિરિઝ, બીબીસી વર્લ્ડ વાઇડ સર્વિસ

ગામડામાં કે ઝૂંપડપટ્ટીમાં મુશ્કેલીઓની ભરમાર હોય છે. હસિત ગણાત્રાએ અમદાવાદમાં ઝૂંપડપટ્ટી જોઈ અને તેમને સમજાયું કે તેઓના ઘરની હાલત દયનીય છે.

2011ના વસતી ગણતરીના આંકડાઓ મુજબ, ભારતમાં લગભગ 6 કરોડ લોકો આવી ઝૂંપડપટ્ટીમાં રહે છે. એવી જગ્યાઓ જે માણસના રહેઠાણ અને વસવાટ માટે તદ્દન અયોગ્ય હોય છે.

હસિત ગણાત્રાએ કહ્યું, "તમે તેમના ઘરના છાપરા જુઓ તો તેમાં બાકોરાં પડી ગયા હોય અને પૂછો કે આ શું તો તેઓ કહેશે કે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી."

ટીન કે સિમેન્ટમાંથી બનતા આ છાપરાને કારણે ઘરમાં ઉનાળામાં સખત બાફ થાય છે. તેમજ શિયાળામાં ઠંડી લાગે છે અને ચોમાસામાં તેમાંથી પાણી ટપકે છે.

હસિત ગણાત્રા એન્જિનિયર છે. તેમના ગામ પાછા ફરીને તેમણે નિર્ણય કર્યો કે છાપરાં બનાવવાનો કોઈ વધુ સારો રસ્તો હોવો જોઈએ.

એક સરળ અને ઓછો ખર્ચાળ ઉપાય જેનાથી લોકોને પણ આરામદાયક ઘર મળી શકે.

દયનીય હાલત

હસિત ગણાત્રાની કંપની 'મોડરૂફે' બે વર્ષમાં 300 અસફળ પ્રયત્નો પછી આ મોડ્યુલર રૂફ પેનલ બનાવવામાં સફળતા મેળવી.

આ છાપરા કાર્ડબોર્ડ, નેચરલ ફાઇબરના કચરામાંથી બને છે. એ વોટરપ્રૂફ અને મજબૂત હોય છે.

હસિત કહે છે "વિશ્વના નિષ્ણાતોએ અમને આ પ્રોજેક્ટ પડતો મૂકી દેવા કહ્યું હતું. તેમને લાગતું હતું કે અમે ક્યારેય આ નહીં કરી શકીએ. "

મને આ પણ વાંચવું ગમશે

હસિતે આગળ કહ્યું "પણ જ્યારે તમે આ પ્રકારનો પ્રશ્ન જૂઓ છો ત્યારે તમારે કંઇક કરવું જોઈએ."

મહિલાઓને રોજગાર

'મોડરૂફ'ની સેલ્સ ટીમમાં માત્ર મહિલાઓ છે. તેમાંથી મોટાભાગના તો મોડરૂફના ગ્રાહક હતા.

તેઓ ખુદ આ વિશે પ્રચાર કરવા માંગે છે, કારણ કે આ છતના કારણે તેમના જીવનનું સ્તર ઊંચુ આવ્યું છે.

સેલ્સમેન કુશલ્ય શામરા કહે છે, લોકોને સારું જીવન આપવાનો આ એક પ્રયાસ છે.

''જ્યારે હું લોકોના ઘરે જાઉં છું ત્યારે તેમના ઘરની હાલત જોઈને બહુ જ દુ:ખ થાય છે.''

તેઓ કહે છે ''અમે તેમને કહીએ છીએ કે આ છતની સંભાળ રાખવી સરળ છે. અમે તેમને લોન લેવામાં પણ મદદ કરીએ છીએ.''

વાજબી કિંમત

અંદાજે 250 સ્ક્વેર ફૂટની છતની કિંમત આશરે 65 હજાર રૂપિયા થાય છે. આ છત બનાવવા વાળા પચાસ ટકા લોકો લોન લઇને દર મહિને હપતો ભરે છે.

સકિના જે મોડરુફની છત બનાવડાવવાની છે કહે છે, "મારા ઘરમાં ચાર નાનાં બાળકો છે. ઉનાળામાં ખૂબ જ ગરમી લાગે છે.

"જેથી એમની તબિયત ખરાબ થઈ જાય છે. હું ઇચ્છું છું કે મારા છતનું કામ જલદી થઈ જાય."

વૈશ્વિક કટોકટી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝૂંપડપટ્ટી ઓછી કરી પાકા મકાનો બનાવવાની યોજના શરૂ કરી છે.

જેમાં 2020 સુધી બે કરોડ પાકા મકાન બનાવવાનું આયોજન છે.

આ સિવાય સ્વયંસેવી સંસ્થાઓ પણ ઝૂંપડપટ્ટીમાં કામ કરી રહી છે.

આવી જ એક સ્વયંસેવી સંસ્થા 'ક્યોર'ના ડિરેક્ટર રેણુ ચોસલા કહે છે, "જો તમારે સારું ઘર બનાવવું હોય તો ઘરની છત મજબૂત હોવી જોઈએ."

અમદાવાદમાં સ્કૂલનું સંચાલન કરતા સંજય પટેલ કહે છે, "આ નવા પ્રકારની છતના કારણે શાળાના બાળકોને મજા આવે છે. આ છત પર ચઢી તેઓ પતંગ ચગાવી શકે છે."

'મોડરુફ'ની માંગ દેશમાં જ નહી વિશ્વના દેશોમાંથી પણ આવે છે.

હસિત ગણાત્રાને આશા છે કે માત્ર ગુજરાતનાં જ નહી ભારતભરમાં તેમની આ છતનો ઉપયોગ થઈ શકે એમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો