બજેટમાં મોદી સરકારે મિડલ ક્લાસને શું આપ્યું?

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 2014થી સરકાર ચલાવી રહેલો ભાજપ જ્યારે વિપક્ષમાં હતો, ત્યારે માગ કરતો હતો કે, પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ન હોવો જોઈએ.

પણ 2014થી 2018નું વર્ષ આવી ગયું છે અને નોકરિયાત વર્ગને વધુ રાહતની આશા હતી.

સ્વાભાવિક છે કે, જો રાહત મળી હોત તો કરદાતાઓના ખિસ્સામાં વધુ નાણાં બચ્યા હોત.

વળી દેશભરના લોકો પર અસર કરનારો જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ કર્યા બાદનું આ પ્રથમ બજેટ છે.

આથી આ વખતે આશા હતી કે આ વખતનું બજેટ રાહત આપશે.

બજેટ મામલે લોકોને આશા હતી કે, ઇનકમ ટેક્સમાં રાહત મળશે અને મધ્યમવર્ગને પ્રત્યક્ષ કરમાં પણ રાહત આપવામાં આવશે.

મુખ્ય આર્થિક સલાહકારે પણ કહ્યું હતું કે, પગારદાર અને મધ્યમ વર્ગને રાહત આપવા માટે ટેક્સનો બોજ ઘટાડવો એ સરકારનું પ્રમુખ લક્ષ્ય છે.

આથી કરદાતાઓ ધ્યાનથી અરુણ જેટલીનું બજેટ ભાષણ સાંભળી રહ્યા હતા, કે ક્યારે તેમની આશા પૂરી થાય.

પણ પરિણામ કંઈક અલગ જ રહ્યું. બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું.

તમને આ પણ વાંચવું ગમશે

બજેટમાં ઇનકમ ટેક્સના સ્લેબમાં કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવ્યો અને પગારદાર વર્ગ નિરાશ થયો.

તેનાથી ગૃહમાં થોડી સેકન્ડ્સ માટે સન્નાટો ફેલાઈ ગયો હતો. બાદમાં ફરી પાટલી થપથપાવવાનો અવાજ સંભળાયો હતો.

સ્ટાન્ડર્ડ ડિડક્શન વધ્યું પણ.....

કરદાતાઓને મળતા સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 15 હજારથી વધારીને 40 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. તેની પાછળની કહાણી પણ ગજબ છે.

એક તરફ ઉપરોક્ત રાહત આપવામાં આવી અને બીજી તરફ 19,200 રૂપિયાનું વાર્ષિક ટ્રાન્સપોર્ટ ભથ્થું અને 15 હજાર રૂપિયાનું મેડિકલ 'રીઇમ્બર્સમન્ટ'ની છૂટ પરત લઈ લેવામાં આવી.

પ્રાથમિક દૃષ્ટિએ ટેક્સ બચાવતી કમાણી પર નફા-નુકશાનની વાત કરીએ, તો આ ખેલ માત્ર 5800 રૂપિયાનો છે.

કર્મચારી જે ઇનકમ ટેક્સ સ્લેબમાં આવતા હોય છે, તેની પર જ બચતના પૈસાનો આધાર રહેશે.

એક અનુમાન અનુસાર, આવક પર પાંચ ટકા ટેક્સ આપનાર વ્યક્તિ 290 રૂપિયા, 20 ટકા ટેક્સ આપનાર 1160 રૂપિયા અને 30 ટકા ટેક્સ આપનાર 1740 રૂપિયા બચાવી શકશે.

એક હાથે આપ્યું, બીજા હાથથી લઈ લીધું

આ બચત પણ ખર્ચમાં જતી લાગશે કેમ કે, પાંચ લાખની આવક ધરાવતા કરદાતાઓને બાકાત કરીઓ તો, સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સરચાર્જ તો ખરો જ.

ભથ્થા ખતમ કરવામાં આવતાં અને સેસ વધવાથી પાંચ લાખથી વધુ આવક ધરાવતા લોકોએ પહેલાં કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે.

રૂ. પાંચથી દસ લાખની આવક પર 20 ટકા અને તેથી વધુની કમાણી પર 30 ટકા ટેક્સ ભરવો પડશે.

સાડા ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર 87-એ હેઠળ મળતી રૂ. 2500ની છૂટ મળતી રહેશે.

(આપના કુલ ટેક્સમાંથી રૂ. 2500ની રાહત મળતી હોવાને કારણે રૂ. ત્રણ લાખ સુધીની આવક કરમુક્ત બની જાય છે.)

રૂ. 50 લાખથી રૂ. એક કરોડની આવક પર 10 ટકા સરચાર્જ તથા રૂ. એક કરોડથી વધુની આવક પર 15 ટકા સરચાર્જની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટ બાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, "પગારદાર વર્ગને નાણાંપ્રધાને આપેલી રાહત બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું."

"એક વાર ફરી નાણાંપ્રધાન અને તેમની ટીમને જીવનધોરણ સરળ બનાવતું બજેટ રજૂ કરવા માટે હ્યદયપૂર્વક શુભકામના."

નાણાંપ્રધાનની મજબૂરી

આર્થિક બાબતોના જાણકાર ડૉ. ભરત ઝુનઝુનવાલા અને સુનીલ સિંહા સાથે વાતચીત કરી.

ઝુનઝુનવાલાના કહેવા પ્રમાણે, "નાણાંપ્રધાનના હાથ બંધાયેલા હતા. તેમણે નાણાખાધ પર કાબુ મેળવવાનો હતો એટલે તેઓ વધુ રાહત આપી શકે તેમ ન હતા.

"બીજું કે, નોકરિયાત વર્ગને રાહત પણ આપવાની હતી એટલે તેમણે વચલો રસ્તો કાઢ્યો. અત્યારસુધી સુવિધાઓનાં નામે જે છૂટ મળતી હતી તેને 'સ્ટાન્ડર્ડ ડિડ્કશન' નામ આપ્યું.

"જેથી એવું કહી શકાય કે નોકરિયાત વર્ગને રાહત આપી."

ઝુનઝુનવાલાના મતે આ બજેટમાં નોકરિયાત કે સામાન્ય જનતા માટે કાંઈ નથી. ફૂગાવાને જોતા ઇનકમ ટેક્સમાં રાહત મળવી જોઈતી હતી.

ઝુનઝુનવાલા ઉમેરે છે, "વર્તમાન યોજનાઓને જ આગળ વધારવામાં આવી છે. જેના કારણે રોજગારીનું સર્જન નહીં થાય તથા સામાન્ય જનતાને કોઈ રાહત પણ નહીં મળે.

"માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે રોકાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જે સારી બાબત છે."

નોકરિયાતો માટે કશું નહીં

નિષ્ણાત સનીલ સિંહાના કહેવા પ્રમાણે, આ બજેટમાં નોકરિયાત વર્ગ માટે ખાસ કાંઈ ન હતું.

સિંહા કહે છે, "ખેડૂતોમાં ભારે અસંતોષ હતો, જેને દૂર કરવોએ મોદી સરકારની પ્રાથમિક્તા હતી. ખેડૂતોમાં આત્મહત્યા વધી રહી હતી. કૃષિદરમાં વધારો નથી થયો.

"ગ્રામીણ અર્થતંત્ર પર ભાર આપવો એ રાજકીય તો છે જ, પણ સરકારની મજબૂરી પણ હતી.

"કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને તેનો અપેક્ષા મુજબ લાભ મળે તે જોવું રહે. "

રાહતના નામે શું મળ્યું?

પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી પ્રશંસા કદાચ સામાન્ય લોકોના ગળે નહીં ઉતરે.

સાધારણ રાહતોની વાત કરીએ તો વરિષ્ઠ (સિનિયર સિટીઝન) નાગરિકો માટે બેંક ડિપોઝિટ પર વ્યાજદરોની છૂટ વધારી 50 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.

નાણાંપ્રધાને હેલ્થ ઇન્સ્યૉરન્સ પ્રીમિયમ હેઠળ મળતી છૂટને વધારીને 50 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

વળી તેમને ફિક્સ્ડ ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર મળતા વ્યાજદરો પર પણ 50 હજાર રૂપિયાની છૂટ આપી છે.

'80ડી' હેઠળનો લાભ વધીને પચાસ હજાર થઈ ગયો છે અને '80ડીડીબી' હેઠળ મળતો લાભ હવે 60 હજારની જગ્યાએ એક લાખ રૂપિયા થશે.

જ્યારે મોદી સરકાર શાસનમાં આવી

હવે જરાક ભૂતકાળ પર નજર કરીએ, તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રચંડ બહુમત સાથે વર્ષ 2014માં સત્તામાં આવ્યો હતો.

વર્ષ 2014-2015ના સામાન્ય બજેટમાં ઇનકમ ટેક્સની મર્યાદા બે લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી દેવાઈ હતી.

60 વર્ષથી વધુની વય ધરાવતા લોકો માટે આ મર્યાદા 3 લાખ રુપિયા કરાઈ હતી.

એ સમયે ઇનકમ ટેક્સ કલમ '80સી' હેઠળ ડિડક્શનની મર્યાદા 50 હજારથી વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

હોમ લોનના વ્યાજદરની ડિડક્શન મર્યાદા પણ 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

ગુરુવારે અરુણ જેટલીએ ગૃહમાં કહ્યું કે ત્રણ વર્ષથી તેઓ નોકરિયાત વર્ગ માટે રાહત આપી રહ્યાં છે, એટલે આ વર્ષે નવી કોઈ જાહેરાત નથી કરી રહ્યા.

આ બજેટ મહદંશે કૃષિલક્ષી રહ્યું હતું.

2015નું બજેટ

2015નું બજેટ મોદી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ હતું જેમાં હેલ્થ ઇન્સ્યૉરન્સ પ્રીમિયમ ડિડક્શન 15 હજારથી વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવ્યું હતું.

ટ્રાન્સપોર્ટ ભથ્થું પ્રતિ મહિના 800 રૂપિયાથી વધારીને 1600 રૂપિયા પ્રતિમહિના કરી દેવાયું હતું.

વેલ્થ ટેક્સ હટાવી દેવાયો પણ એક કરોડથી વધુ આવક-કમાણી પર સરચાર્જ 2 ટકાથી વધારીને 12 ટકા કરી દેવાયો હતો.

વર્ષ 2015-16ના બજેટમાં જેટલીએ કલમ 80 'સીસીડી' હેઠળ નવી પેંશન યોજનામાં રોકાણ કરવા પર વધારાની 50 હજાર રૂપિયાની છૂટની જાહેરાત કરી હતી.

પણ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.

વર્ષ 2016નું બજેટ

આ બજેટમાં અરુણ જેટલીએ નાના કરદાતીઓને રાહત આપવીની કોશિશ કરી હતી.

કલમ '87એ' હેઠળ ડિડક્શનની મર્યાદા 2 હજાર રૂપિયાથી વધારીને 5 હજાર રૂપિયા પ્રતિવર્ષ કરી દેવામાં આવ્યું હતું.

બજેટમાં એ લોકને પણ રાહત આપવામાં આવી હતી જેમનું પોતાનું મકાન ન હતું અને કંપની તરફથી તેમને ઘરના ભાડાનું ભથ્થું પણ નથી મળતું.

આ છૂટને કલમ '80જીજી' હેઠળ વાર્ષિક 24 હજાર રૂપિયાથી વધારીને 60 હજાર રૂપિયા કરવામાં આવી હતી.

વર્ષ 2017નું બજેટ

ગત વર્ષે બજેટમાં નાણાંપ્રધાને અઢી લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા વચ્ચેની આવક અંગે ટેક્સદરોમાં ઘટાડીને 5 ટકા કરી દીધો હતો.

જોકે, કલમ '87એ' હેઠળ મળતી છૂટ 5 હજાર રૂપિયાથી ઘટાડીને અઢી હજાર કરી દેવાઇ હતી.

બજેટમાં 3.5 લાખ રૂપિયાથી વધુની આવકવાળા કરદાતા માટે કોઈ પણ છૂટ આપવામાં નહોતી આવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો