ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને શું મળ્યું?

કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું. જેમાં અપેક્ષા મુજબ જ ખેડૂતો અને કૃષિલક્ષી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.

નાણાપ્રધાન અરુણ જેટલીએ તેમના ભાષણની શરૂઆત અનેક કૃષિલક્ષી જાહેરાતો સાથે કરી હતી.

ગ્રામીણ અર્થવ્યવસ્થા માટેની જોગવાઈઓ

- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય

- ઓછી પડતર કિંમતે વધુ પાક મેળવવા પર ભાર. ઉપરાંત ખેડૂતોને તેમની ઉપજની વળતર અપાવવા પર ભાર.

- પાકની પડતર કિંમત પર દોઢ ગણી રકમ વધુ મળે તેની ઉપર ભાર મૂકાશે.

- રૂ. 2000 કરોડના ખર્ચે કૃષિ બજાર ઊભું કરાશે

- એગ્રિકલ્ચર પ્રોસેસિંગ સેક્ટર માટે રૂ. 1400 કરોડની જોગવાઈ

- રૂ. 500 કરોડના ખર્ચે 'ઓપરેશન ગ્રીન' હાથ ધરાશે.

- 42 મેગા ફૂડ પાર્કની સ્થાપનાની જાહેરાત

- લઘુ અને સીમાંત ખેડૂતો માટે ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ બજારો વિકસાવાશે.

- 22 હજાર ગ્રામીણ હાટોને કૃષિ બજારનું સ્વરૂપ અપાશે.

- દેશમાં કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તર પર થઈ રહ્યું હોવાનો દાવો.

- ખરીફ પાક માટે લઘુતમ ટેકાના ભાવો દોઢ ગણા કરવામાં આવ્યા.

- માછીમારો અને પશુપાલકોને પણ ખેડૂતોની જેમ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

- કૃષિ બજારોના વિકાસ માટે રૂ. 2000 કરોડ ફાળવવામાં આવશે.

- ઑર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવશે. જૈવિક કૃષિમાં મહિલા સમૂહો પણ જોડાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

- મત્સ્ય પાલન તથા પશુપાલન વ્યવસાય માટે રૂ. એક હજાર કરોડ ફાળવીને ગ્રામીણ ક્ષેત્રોની જનતાની આવક વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે.

- 'સૌભાગ્ય યોજના' હેઠળ ચાર કરોડ ગરીબ પરિવારોને મફતમાં વીજળી પૂરી પાડવામાં આવશે.

- વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબ પાસે ઘરનું ઘર હશે.

- ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ. 14.34 લાખ કરોડ ફાળવવામાં આવશે.

- 'ઉજ્જવલા યોજના' હેઠળ આઠ કરોડ ગરીબ મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવશે.

- કૃષિ પેદાશોની નિકાસને 100 અબજ ડોલરના સ્તર સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક

- 10 કરોડ ગરીબ પરિવારોને રૂ. પાંચ લાખ સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે.

દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વિકાસ અટકી ગયો છે. જેને દૂર કરવાનો સરકાર સામે સૌથી મોટો પડકાર છે.

એટલે જ નાણાપ્રધાન જેટલીએ ગામડાઓ અને બેરોજગારી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હોવાનું જણાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો