You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
10 બાળકોનાં દાદી, હજુ પણ કરે છે મૉડલિંગ
ફેશન ઉદ્યોગના એક મંચ ફેશન સ્પૉટના અનુસાર ન્યૂ યોર્ક, પેરિસ, મિલાન અને લંડનમાં હાલ યોજાયેલા "સ્પ્રિંગ 2018" ફેશન શોમાં 50 અને 60ની ઉંમર ધરાવતી મહિલાઓ જોવા મળી હતી.
તેનાથી એ વાતની સાબિતી મળે છે કે યુવા અવસ્થામાં જ બધા કામ કરી શકાય છે તે જરૂરી નથી.
આ વાતનું ઉદાહરણ પુરું પાડે છે 69 વર્ષનાં મૉડલ મેયે મસ્ક.
69 વર્ષીય મેયે મસ્ક ટેસ્લા કંપનીના સંસ્થાપક અને અબજપતિ એલન મસ્કના માતા છે.
તેઓ કહે છે, "મેં છેલ્લા 50 વર્ષોમાં ક્યારેય એટલું કામ કર્યું નથી જેટલું વર્ષ 2017માં કર્યું છે."
કૅનેડામાં જન્મેલાં મેયેએ દક્ષિણ આફ્રિકામાં 15 વર્ષની વયે મૉડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. પરંતુ હાલના કેટલાક વર્ષોમાં મેયેની કારકિર્દીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
મેયે મસ્કે IMG મૉડલ્સ સાથે કરાર કર્યો છે. IMG મૉડલ્સ સાથે જિશૈલ બુન્દશ્ન અને જીજી હદીદ પણ જોડાયેલાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ન્યૂ યોર્ક મેગેઝીન, એલ કૅનેડા અને વોગ કોરિયાના કવર પેજ પર જોવા મળ્યાં છે.
તેઓ અમેરિકી કૉસ્મેટીક કંપની 'કવરગર્લ'ના સૌથી વધુ ઉંમર ધરાવતા બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યાં છે.
10 બાળકોનાં દાદી મેયે મસ્ક માને છે કે પ્રાકૃતિક રૂપે વાળ સફેદ હોવાથી તેમની કારકિર્દીને ખૂબ મદદ મળી છે. પરંતુ એક સફળ મૉડલ બનવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.
મસ્ક પાસે બે માસ્ટર ડિગ્રી છે અને તેઓ એક આહાર વિશેષજ્ઞ છે.
તેઓ કહે છે, "હું દરરોજ મારા ભોજન તેમજ નાસ્તાને પ્લાન કરું છું. નહીં તો મારું વજન વધી જશે."
"અને પછી વજન ઓછું કરવામાં મને બે અઠવાડિયાનો સમય લાગી જાય છે. બ્રિટનના હિસાબે મારી સાઇઝ 8 છે અને તેના માટે હું પાતળી નથી."
"'ઑલ વૉક બિયોન્ડ ધ કેટવૉક'ના નિર્દેશક ડેબ્રા બૉર્ન જણાવે છે કે ફેશનમાં આ એક એવો પ્રયાસ છે કે જે રંગ, ઉંમર, શારીરિક વિવિધતા વગેરેને પ્રોત્સાહન આપે છે. મોટી ઉંમરે મૉડલિંગમાં સફળતા મેળવવામાં સોશિઅલ મીડિયાનો મોટો હાથ છે."
મનોચિકિત્સક અને પૂર્વ ફેશન એડિટર બૉર્ન જણાવે છે, "ઇન્સ્ટાગ્રામ જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મના કારણે વધુ ઉંમર ધરાવતી મહિલાઓને મૉડલિંગમાં ઘણી સફળતા મળે છે."
ખાસ કરીને મસ્ક મામલે જોવામાં આવે તો તેઓ સતત પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા રહે છે અને તેમનાં લગભગ 90 હજાર ફૉલોઅર્સ છે.
35થી વધારે ઉંમર ધરાવતી મૉડલ પર કેન્દ્રિત રહેતી ગ્રે મૉડલ એજન્સીનાં સંસ્થાપક રેબેકા વેલેન્ટાઇન કહે છે, "મને લાગે છે કે ઘણા ડિઝાઇનર પણ માને છે કે વર્તમાન સમયમાં સફેદ વાળ ધરાવતી મૉડલ્સ પર વધારે ફોકસ છે અને તે આગામી વર્ષોમાં પણ ટ્રેન્ડ કરશે."
તેઓ ઉમેરે છે, "કામના સમયે સકારાત્મકતા અને જોશથી ભરપૂર આ પ્રકારના લોકોનું સાથે હોવું અદભૂત હોય છે."
વેલેન્ટાઇન અનુભવી ફોટોગ્રાફર એજન્ટ પણ છે.
આ તરફ ફેશન ઉદ્યોગના બીજા વિશેષજ્ઞો વધતી ઉંમર ધરાવતી મહિલાઓને આ વ્યવસાયમાં લાવવા પર સહમતી દર્શાવતા નથી.
પેરિસની સાઇલેન્ટ મૉડલિંગ એજન્સીના સહ સંસ્થાપક વિન્સેટ પીટર કહે છે, "તમે વધુ વય ધરાવતી મહિલાઓને વધતી ઉંમર છૂપાવનારી ક્રીમના વિજ્ઞાપનમાં તો જોઈ શકો છો, પરંતુ તેમને હાઈ ફેશન નોકરી મળે તેની શક્યતા હોતી નથી."
"અપવાદને છોડી દેવામાં આવે તો માંડ માંડ તેઓ કેટવૉક કરી શકે છે. મેં અહીં હજુ સુધી કોઈ ટ્રેન્ડ જોયો નથી."
ફેશન ઉદ્યોગ ભલે વધુ વય ધરાવતી મૉડલ્સ સાથે આગળ કામ કરવાનું ચાલુ ન રાખે, પણ મસ્ક સમગ્ર દુનિયામાં પોતાના 70ના દાયકામાં કામ ચાલુ રાખવા અને સાથે સાથે તેને વધારે ઉત્તમ બનાવવાની આશા રાખે છે.
તેઓ કહે છે, "એ આશ્ચર્યની વાત છે કે બ્રાન્ડ, મેગેઝીન અને ડિઝાઇનર્સ વધુ ઉંમર ધરાવતી મહિલાઓના વાસ્તવિક જીવન પર ધ્યાન આપી રહ્યા છે."
"યુવા મૉડલ મને આ રીતે કામ કરતી જોવાનું પસંદ કરે છે. કેમ કે તે તેમના ભવિષ્ય માટે એક આશા જગાવે છે. મારું હેશટેગ છે #justgettingstarted."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો