You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન પરની ભારતની નિર્ભરતા હવે વધશે?
ચીનના કમ્યૂનિસ્ટ પક્ષે તેના 19મા અધિવેશનમાં વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને ફરી એકવાર પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે.
એ ઉપરાંત શી જિનપિંગની વિચારધારાને પણ પક્ષે પોતાના બંધારણમાં સ્થાન આપ્યું છે.
શી જિનપિંગને કમ્યૂનિસ્ટ પક્ષે તેના સ્થાપક માઓત્સે તુંગ અને એ પછી પક્ષના વડા બનેલા દેંગ જિયાઓપિંગ જેટલું જ મોટું સન્માન તથા દરજ્જો આપ્યા છે.
શી જિનપિંગ ચીનના અત્યંત શક્તિશાળી નેતા તરીકે ઊભર્યાની ઘટનાને વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વની ગણવામાં આવી રહી છે.
'શી જિનપિંગ સિદ્ધાંત'ને બંધારણમાં સામેલ કરવાના પક્ષના સર્વાનુમત નિર્ણયને તેમની નવી તાકાત અને દેશની નીતિ પર વધુ પકડના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યો છે.
બીબીસીનાં સંવાદદાતા માનસી દાસે બીજિંગમાં કાર્યરત સીનિયર પત્રકાર અતુલ અનેજા સાથે વાત કરી હતી.
માનસીએ અતુલને પૂછ્યું હતું કે આ ઘટનાના સૂચિતાર્થ શું છે? દુનિયાના મોટા દેશો અને ખાસ કરીને ભારત પર તેની શું અસર થશે?
તેમનું વિશ્લેષણ આ મુજબ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શી જિનપિંગ બન્યા શક્તિશાળી નેતા
64 વર્ષના શી જિનપિંગને ચીનના મહાન નેતાઓની હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
શી જિનપિંગે તેમના સિદ્ધાંતમાં ચીન સામેના મુખ્ય વિરોધાભાસની વાત કરી છે.
તેમના જણાવ્યા મુજબ, ચીનમાં બે ઇન્ટરનેટ કંપની અને એક પ્રોપર્ટી કંપની પાસે 30-30 અબજ ડોલરની સંપત્તિ છે.
બીજી તરફ લાખો લોકો દિવસનો એક ડોલર કમાઈ શકતા નથી. આ અંતર ઘટાડવા તેઓ કામ કરવાના છે.
શી જિનપિંગે વ્યૂહાત્મક રીતે બે મોટાં કામ કરવાનાં છે.
ચીનને રાજકીય શક્તિના સ્વરૂપમાં વિકસાવવા ઉપરાંત 2021 સુધીમાં ઉદારવાદી સંપન્ન દેશ બનાવવું.
સરળ શબ્દોમાં કહીએ તો ચીનને દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાનું કામ શી જિનપિંગે કરવાનું છે.
એ પછી 2035 સુધી ચીનનો વિકાસ જાળવી રાખીને શી જિનપિંગ 2049 સુધીમાં સૈન્ય ક્ષમતા વધારવા ઇચ્છે છે.
એ ઉપરાંત અર્થતંત્ર અને સાંસ્કૃતિક ક્ષેત્રે ચીનને સર્વોચ્ચ સત્તા તરીકે સ્થાપિત કરવા ઇચ્છે છે.
ચીન કઈ રીતે બનશે વિશ્વશક્તિ?
શી જિનપિંગે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સર્વસમાવેશક ગ્લોબલાઈઝેશનની તરફેણ કરી હતી.
એ લક્ષ્યને હાંસલ કરવા માટે તેમણે 'વન બેલ્ટ, વન રોડ'ની દરખાસ્ત રજૂ કરી હતી.
એ દરખાસ્ત મુજબ ચીનના નેતૃત્વમાં સમગ્ર એશિયાનો વિકાસ કરવામાં આવશે.
ચીન આ યોજના માટે પાકિસ્તાનને પહેલાંથી જ પોતાનું સહયોગી ગણાવી ચૂક્યું છે.
બીજિંગે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને 'વન બેલ્ટ, વન રોડ' હેઠળ એક મોડેલ યોજના તરીકે રજૂ કર્યો છે.
શ્રીલંકામાં હંબનટોટા બંદર બનાવવામાં ચીન મદદ કરી રહ્યું છે.
માલદિવમાં માળખાકીય સુવિધાઓની વિકાસમાં ચીને રોકાણ કર્યું છે.
તિબેટ રેલવેને નેપાળની સરહદ સુધી વિસ્તારવાનો પ્રયાસ પણ ચીન કરી રહ્યું છે.
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ભારતના પાડોશી દેશો નજીકથી અને કાશ્મીરમાંથી પસાર થઈ રહ્યો છે.
તેથી ભારત તેનો વિરોધ કરી રહ્યું છે. મેમાં યોજાયેલી 'વન બેલ્ટ, વન રોડ' ફોરમનો ભારતે બહિષ્કાર કર્યો હતો.
વિયેતનામ અને જાપાન સાથેનો ચીનનો સંબંધ તંગદિલીભર્યો છે.
જોકે, ફોરમ માટે બન્ને દેશોએ તેમના પ્રતિનિધિઓને મોકલ્યા હતા.
ભારત માટે હવે મોટો પડકાર શક્તિશાળી બની રહેલા ચીનના નેતૃત્વમાં થતા વિકાસનો હિસ્સો બનવું કે નહીં તેનો છે.
ભારત આસિયાન, જાપાન અને અમેરિકા સાથે હાથ મિલાવીને એક વિકલ્પ બનાવવાનો પ્રયાસ કરશે.
જોકે, આ સંબંધે ભારત પાસે વધુ વિકલ્પ હોય એવું મને નથી લાગતું.
ભારત પર 'વન બેલ્ટ, વન રોડ'નો હિસ્સો બનવાનું દબાણ રહેશે.
ભારત તેનો હિસ્સો નહીં બને તો તે દક્ષિણ એશિયામાં એકલું પડી જાય એવી શક્યતા છે.
ભારતે ચીન સાથે સહકાર સાધવો જરૂરી
ભારતે ચીન સાથે ઘણી બાબતોમાં સહકાર સાધ્યો છે. ચીન ભારતમાં મૂડીરોકાણ કરે છે અને એ ભારત માટે મહત્વનું છે.
ચીનનું અર્થતંત્ર 11 ખર્વ ડોલરનું છે અને 2021-23 સુધીમાં એ 18-19 ખર્વ ડોલરનું થઈ જશે તો દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
મૂડીરોકાણના સંદર્ભમાં ભારત માટે એ અત્યંત મહત્ત્વનું હશે.
તેનું કારણ એ છે કે ભારતને વિકાસ માટે મૂડીરોકાણની જરૂર છે અને બીજો કોઈ દેશ ભારતમાં રોકાણ કરતો નથી.
આજે 1.2 કરોડ ભારતીયો રોજગાર શોધી રહ્યા છે અને ભારતને રોકાણની જરૂર છે.
ચીન પર ભારતની નિર્ભરતાનો ઈનકાર કરી શકાય તેમ નથી. ચીન વિશ્વનું કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
જર્મનીને બાદ કરતાં યુરોપ પણ ઐતિહાસિક પતન તરફ આગળ વધી રહ્યું છે.
આ સંજોગોમાં ભારત પાસે બીજા વિકલ્પો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો