મોદી અને મૈક્રૉંની મૈત્રી ચીન સામે ભારતને મજબૂતી આપશે?

    • લેેખક, હર્ષ પંત
    • પદ, વિદેશી બાબતોના જાણકાર

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રૉં ચાર દિવસની યાત્રા પર શનિવારે ભારત પહોંચ્યા હતા. મે 2017માં રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત યાત્રા છે.

2016માં ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદ ભારત આવ્યા ત્યારે મહરાષ્ટ્રના જૈતાપુર ખાતે છ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

એ મુલાકાત દરમિયાન 36 રફાએલ ખરીદવાની ડીલ પણ થઈ હતી. ભારતમાં આ ડીલ મુદ્દે મોદી સરકાર વિપક્ષના નિશાને છે.

ફ્રાન્સ ભારતમાં નવમું સૌથી મોટું રોકાણકાર છે. વર્ષ 2016- '17 દરમિયાન બંને રાષ્ટ્રો વચ્ચે લગભગ 11 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર હતો.

સંરક્ષણ, અવકાશ, સુરક્ષા અને ઊર્જા સહિતના મુદ્દે બંને રાષ્ટ્રો વચ્ચે ઘનિષ્ઠતા વધી રહી છે.

ત્યારે એવું માની શકાય કે એક સમયે ભારત માટે રશિયાનું જે સ્થાન હતું, તે ભવિષ્યમાં ફ્રાન્સનું હશે?

આ મુદ્દે બીબીસી સંવાદદાતા અભિજીત શ્રીવાસ્તવે વિદેશી બાબતોના જાણકાર હર્ષ પંત સાથે વાતચીત કરી.

હર્ષ પંતનો અભિપ્રાય

ફ્રાન્સ અને ભારત ઘનિષ્ઠ સંબંધ તથા વ્યવહારુ સંબંધ ધરાવે છે.

બંને રાષ્ટ્રો એ આંતરરાષ્ટ્રીય સ્થિતિ પ્રમાણે, તેમના સંબંધોને ઢાળ્યા છે.

મૈક્રૉંની યાત્રા દર્શાવે છેકે ભારત તેના માટે મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે.

રિપોર્ટ્સ પ્રમાણે, થોડા મહિના અગાઉ તેઓ ચીન ગયા હતા, ત્યારે જ ભારત પણ આવવા માગતા હતા.

દિલ્હીમાં સોલર સમિટ

ફ્ર્રાન્સની વ્યૂહરચના કે વિદેશનીતિમાં ભારતનું સ્થાન અગાઉ કરતાં વધુ મજબૂત બન્યું છે.

ભારતમાં પણ ફ્રાન્સને જોવાની દૃષ્ટિ બદલાઈ છે.

આ યાત્રામાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધન સૌથી મહત્ત્વપૂર્ણ છે.

રવિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે આ બેઠક મળશે, જેમાં 23 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સહિત 125 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.

અમેરિકા જેવો દેશ પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પરથી પાછળ હટી રહ્યો છે, ત્યારે ફ્રાન્સ અને ભારત પર્યાવરણ અંગે ચિંતિત બન્યા છે અને એ દિશામાં આગળ વધ્યા છે.

આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધન માટે ભારતે જે પહેલ કરી છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું છે. ફ્રાન્સે તેનું સમર્થન કર્યું છે.

પર્યાવરણને અનુરૂપ હોય તેવી ઊર્જા ટેક્નિક ફ્રાન્સ ધરાવે છે, ત્યારે આગામી સમયમાં તે મોટી ભૂમિકા ભજવી શકે છે.

સંરક્ષણ વિ. વિદેશનીતિ

મૈક્રૉંની યાત્રા સમયે ભારતના રાજકીય વર્તુળોમાં રફાયલ ડીલ અંગે આરોપ-પ્રતિઆરોપ થઈ રહ્યા છે.

હાલમાં ભારતની સંરક્ષણ તથા હથિયાર ખરીદ નીતિ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે.

ત્યારે મૈક્રૉંની યાત્રા સમયે જ કોઈ પાર્ટી આરોપ મૂકે તો તે માત્ર રાજકારણ જ છે. આપણે રાષ્ટ્રહિતને ધ્યાને નથી લઈ રહ્યા.

ભારતના વાયુદળની શક્તિ ઝડપક્ષેર ક્ષીણ થઈ રહી છે. આ રફાએલ કે બૉફૉર્સ સોદાની વાત નથી, પરંતુ પારદર્શક નીતિ અપનાવવાની જરૂર છે.

ફ્રાન્સે રફાએલનાં સંયુક્ત ઉત્પાદન તથા ટેક્નિક આપવાની તૈયારી દાખવી છે. તેના દૂરગામી પરિણામો સારા હશે.

સંરક્ષણક્ષેત્રે ભારત તથા ફ્રાન્સના સંબંધ ગાઢ બની રહ્યા છે, ત્યારે ભારતે વિશ્વાસ ઊભો કરવો પડશે કે આ પ્રકારના સોદાઓમાં વારંવાર વાટાઘાટો નહીં થાય.

દરેક સોદા પર રાજકીય સવાલ ઊભા ન કરવા જોઈએ.

મોદી સરકારની નીતિઓની ટીકા કરવી જોઈએ, સાથે જ તેમને શ્રેય પણ આપવો ઘટે કે, 'મેક ઇન ઇંડિયા' કાર્યક્રમ છતાંય તેમણે ભારતની જરૂરિયાતોને અગ્રતા આપી.

અમેરિકા કે રશિયાની સરખામણી નહીં

એકમયે ભારત 'વિકાસશીલ રાષ્ટ્રોના ફ્રાન્સ' તરીકે ઓળખાતું.

કેમ કે, બંને દેશોની વિદેશ નીતિ સ્વતંત્ર રીતે એકસમાન હતી.

હવે બંને દેશો વ્યૂહાત્મક મુદ્દાઓ પર આગળ વધી રહ્યા છે, ત્યારે આતંકવાદ સામેની લડાઈ, ઊર્જા તથા પરમાણુ કરારની ચર્ચા થઈ રહી છે. આ સંબંધ નવા યુગમાં પ્રવેશ્યા છે.

ટૂંકાગાળામાં ફ્રાન્સ એ રશિયાનું સ્થાન નહીં લઈ શકે, પરંતુ 21મી સદીમાં ભારતનું નોંધપાત્ર ભાગીદાર બની શકે તેમ છે.

મેક ઇન ઇંડિયા અને ફ્રાન્સ

ફ્રાન્સે મહારાષ્ટ્ર ખાતે જોઇન્ટ પ્રોડક્શન ફૅસિલિટીનું ઉદઘાટન કર્યું હતું. રિલાયન્સ અને ડસાલ્ટે મળીને તેની સ્થાપના કરી હતી.

અહીં રફાએલ તથા સ્કૉર્પિયન સબમરીનનું નિર્માણ કરવાની યોજના હતી.

પરંતુ આપણી નીતિઓ વિદેશી કંપનીઓને આકર્ષવામાં નિષ્ફળ રહી છે.

બાબુશાહીના કામકાજની પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે.

બંને રાષ્ટ્રો વચ્ચે મજબૂત સંબંધો માટે અનેક શક્યતાઓ રહેલી છે.

જો આ સંબંધ ગાઢ બનશે તો મહત્ત્વકાંક્ષી 'મેક ઇન ઇંડિયા' યોજનામાં ફ્રાન્સ નોંધપાત્ર પ્રદાન આપી શકે તેમ છે.

રિયુનિયન આઇલૅન્ડ તથા જિબૂતી

મૈક્રૉંની યાત્રા દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે લૉજિસ્ટિક્સ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કરારની શક્યતા રહેલી છે.

મડાગાસ્કર પાસે રિયુનિયન આઇલૅન્ડ તથા આફ્રિકાના જિબૂતી બંદરમાં ભારતના પ્રવેશને મંજૂરી મળે, તેવી શક્યતા રહેલી છે.

ભારત અન્ય રાષ્ટ્રોની લૉજિસ્ટિક્સ સુવિધાઓનો ઉપયોગ કરવા ચાહે છે અને હિંદ મહાસાગરમાં પોતાની શક્તિ વધારવા માગે છે.

ત્યારે હિંદ મહાસાગરમાં ફ્રાન્સની કાયમી હાજરીથી ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ શકે તેમ છે.

જો ભારતે તેના નૌકાદળની તાકત વધરાવી હોય અને ગમે તે રીતે ચીનની સામે ઊભું રહેવું હોય તો તે સંયુક્ત પ્રયાસો થકી જ શક્ય બનશે.

જે રીતે ચીન તેની તાકત વધારી રહ્યું છે, તેને જોતાં ફ્રાન્સ કે ભારત એકલાહાથે તેનો મુકાબલો કરી શકે તેમ નથી.

જિબૂતીમાં ચીનનું પણ સૈન્ય મથક છે, એટલે વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ આ બંદર મહત્ત્વપૂર્ણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો