You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ કારણે ભારત અને ચીન નજીક આવી રહ્યા છે
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
જરા વિચારો, ભારત અને ચીન વચ્ચે ગયા વર્ષે ડોકલામ મુદ્દે મહિનાઓ સુધી તણાવની સ્થિતિ હતી પરંતુ આજે બંને દેશો વચ્ચે નફરત ઘટી છે. છેલ્લાં થોડા દિવસોથી અચાનક ભારત અને ચીન એકબીજાની નજીક આવી રહ્યા છે.
આની શરૂઆત એપ્રિલના અંતના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપિત શી જિનપિંગ વચ્ચે થયેલી અનૌપચારિક વાતચીતથી થઈ.
આ નિકટતાના ઘણાં કારણો છે. એક ખાસ કારણ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર સ્ટીલ અને ઍલ્યુમિનિયમ જકાત લગાવવાની જાહેરાત કરવી.
ચીન અને અમેરિકા વચ્ચે 'વેપાર યુદ્ધ' થોડા મહિના પહેલાંથી જ ચાલી રહ્યું છે. હવે ચીને પણ અમેરિકા વિરુદ્ધ પગલાં ભર્યા છે જેને કારણે તેમાં તેજી આવી છે.
ચીન અને ભારતની નિકટતા
ચીનના માલ પર લાગેલી અમેરિકન જકાતે ચીનને રશિયાની વધુ નજીક કરી દીધું છે. હવે ચીન આંતરિક મતભેદ ભૂલીને ભારતની પણ નજીક આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત વિરુદ્ધ સીધી રીતે કોઈ પગલું લીધું નથી, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ બુશ અને ઓબામાના સમય જેવી ઉષ્મા ગાયબ છે.
નોંધવા જેવી એક વાત કે ભારત, ટ્રમ્પની 'ક્યારેક હા-ક્યારેક ના'વાળી નીતિથી અસમંજસમાં છે.
બીજી તરફ અમેરિકા-ચીન વેપાર યુદ્ધ અને બીજા મોટા દેશો વિરુદ્ધ ઉઠાવેલાં પગલાંની ખરાબ અસર ભારત પર પણ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
બીજી તરફ ઈરાન સાથે પરમાણુ કરારથી અમેરિકાનું અલગ થવું અને ત્યારબાદ ઈરાન પર સખત નિયંત્રણ લગાવવું ભારત માટે સારા સમાચાર નથી.
ભારતને સૌથી વધુ તેલ નિકાસ કરતા ટોચનાં ત્રણ દેશોમાં ઈરાન ત્રીજા ક્રમે છે. જો અમેરિકાએ ભારતને એ બાબતે મજબૂર કર્યું કે તે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દે તો ભારતની અર્થવ્યવસ્થા નબળી પડી શકે છે.
જોકે, ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ગયા અઠવાડિયે ઉત્સાહથી કહ્યું હતું કે ભારત માત્ર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લગાવેલાં પ્રતિબંધોનું પાલન કરશે.
જો ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતી ભારતની કંપનીઓને નિશાન બનાવી તો ભારત પાસે તેનું પાલન કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય.
મિત્ર રાષ્ટ્રોની નારાજગી
અમેરિકાની હાલની નીતિઓને કારણે ઘણાં દેશ નારાજ છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની મુલાકાત પર સહમતી દર્શાવી ટ્રમ્પે જાપાનની થોડી અવગણના કરી છે.
ઉલ્લેખનીય છે કે જાપાન પણ ઉત્તર કોરિયાના નેતા પર બિલકુલ વિશ્વાસ નથી કરતું.
આ બધાની વચ્ચે કેનેડામાં જી-7માં સામેલ દુનિયાના સૌથી શક્તિશાળી દેશોનું બે દિવસનું શિખર સંમેલન શરૂ થઈ રહ્યું છે.
જી-7 દેશોનું આ 44મુ સંમેલન થવા જઈ રહ્યું છે જેમાં વિશ્વની ઘણી મોટી સમસ્યાઓ પર ચર્ચાઓ થશે.
સામાન્ય રીતે આ વાર્ષિક સંમેલનમાં મોટા દેશો વચ્ચે ઉષ્ણતાભર્યા સંબંધો સ્થાપવામાં આવે છે અને મતભેદોની અવગણના કરવામાં આવે છે.
પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ સંમેલનમાં પોતાને એકલા પડી ગયા હોવાનું અનુભવશે. આ ગ્રૂપનાં નેતાઓ ટ્રમ્પથી ખૂબ જ નારાજ છે.
હવે જોવાનું છે કે પહેલાં જેવું વાતાવરણ નજરે પડશે કે નહીં.
એકલું પડી જશે અમેરિકા?
જી7 સભ્ય દેશોમાં અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઇટલી, જાપાન અને કેનેડા સામેલ છે. રશિયા, ચીન અને ભારત આ ક્લબમાં સામેલ નથી.
મોટા દેશોનું આ વિશેષ ક્લબ હાલનાં થોડા વર્ષોથી સંગઠિત થઈને અમેરિકા અને રશિયાની વધતી શક્તિઓ પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરતું આવ્યું છે.
એવું કહેવામાં અતિશયોક્તિ નહીં હોય કે પશ્ચિમ અને વિકસિત દેશોનું આ શક્તિશાળી સંગઠન એક રીતે બીજા વિશ્વ યુદ્ધના વારસા સમાન છે.
ઉલ્લેખનીય છે કે આ યુદ્ધમાં અમેરિકા અને સોવિયત યુનિયન સાથે મળીને જર્મની અને જાપાન વિરુદ્ધ લડ્યા હતા.
પરંતુ બીજા વિશ્વ યુદ્ધ બાદ એક નવો વિશ્વ ક્રમ બન્યો જેમાં અમેરિકા, જર્મની, જાપાન અને યુરોપ એક તરફ અને સામ્યવાદી રશિયા અને તેમના મિત્ર રાષ્ટ્રો બીજી તરફ જતા રહ્યા.
આ બંને પક્ષો વચ્ચે દશકો સુધી શીત યુદ્ધ ચાલ્યું. વર્ષ 1991માં સોવિયત યુનિયન વિખેરાયા બાદ અમેરિકાએ આ સંગઠનનું નેતૃત્વ કર્યું. અમેરિકાએ હંમેશા પોતાના સહયોગી દેશોને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ વર્ષ 2016માં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ એક નવો વિશ્વ ક્રમ બનતો દેખાયો. જ્યાં બે શત્રુ દેશ નજીક આવતા દેખાય છે અને મિત્ર દેશ પરસ્પર વિભાજિત થતા.
હવે સવાલ એ થાય છે કે શું જી7 રાષ્ટ્રોની પરંપરાગત એકતા ટકી રહેશે? કે પછી આ સંમેલનથી એક નવી વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ થશે?
જોકે, આ સવાલનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. પરંતુ સંકેત તો નવા સમય તરફ જવાના જ મળી રહ્યા છે. એક એવો સમય જેમાં અમેરિકા પોતાને એકલો અનુભવી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો