કોના ડરથી અમેરિકા આ વિશાળ યુદ્ધ કાફલો તહેનાત કરી રહ્યું છે?

અમેરિકાની નૌસેનાએ કહ્યું છે કે તેઓ પોતાના સેકન્ડ ફ્લીટ (બીજા યુદ્ધ જહાજનો કાફલો)ને ફરી સ્થાપિત કરવા જઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર રશિયાની દબંગાઈ બાદ અમેરિકા આ પગલું ઊઠાવી રહ્યું છે.

નૌસેનાના અભિયાનોના પ્રમુખ એડમિરલ જૉન રિચર્ડસને કહ્યું છે કે આ ફ્લીટ અમેરિકાના પૂર્વ તટ અને ઉત્તર એટલાન્ટિક ક્ષેત્રમાં સક્રીય રહેશે.

આ યુદ્ધજહાજના કાફલાને અમેરિકાએ ખર્ચ ઓછો કરવા માટે વર્ષ 2011માં ભંગ કરી દીધો હતો.

હવે તેને ફરી તેના પહેલાં મુખ્ય મથક, વર્જીનિયા પ્રાંતનાં નૉરફૉકમાં જ સ્થાપિત કરવામાં આવશે.

એડમિરલ રિચર્ડસને કહ્યું છે કે આ વર્ષની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર શક્તિની પ્રતિદ્વંદ્વિતાનો દોર પરત આવી ગયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અમેરિકાએ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિમાં રશિયા અને ચીન સામે લડવાના મામલાને પ્રાથમિકતા પર રાખ્યો છે.

નૉરફૉકમાં યુએસએસ જ્યોર્જ બુશ પર આપવામાં આવેલા એક નિવેદનમાં એડમિરલ રિચર્ડસને કહ્યું, "અમારી રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આપણે ફરી શક્તિની પ્રતિદ્વંદ્વિતાના દોરમાં પરત ફર્યા છીએ અને સુરક્ષાનું વાતાવરણ વધારે જટિલ તેમજ પડકારરૂપ બનતું જઈ રહ્યું છે."

"આ જ ફેરફારના સમાધાન માટે ખાસ કરીને ઉત્તર એટલાન્ટિક ક્ષેત્રમાં અમે અમારા સેકન્ડ ફ્લીટને ફરી સ્થાપિત કરી રહ્યા છીએ."

રશિયાને જવાબ?

દુનિયાના મોટા દેશો વચ્ચે શક્તિ દેખાડવાની હરિફાઈ ફરી શરૂ થઈ છે.

હાલના દાયકાઓમાં ઉગ્રવાદ વિરોધી અભિયાનોમાં સામેલ રહેલી અમેરિકાની સેના આ સ્પર્ધાથી દૂર જ રહી હતી.

હાલનાં વર્ષોમાં રશિયાએ પોતાના નૌકાદળની હાજરીમાં વધારો કર્યો છે. અમેરિકા રશિયાને જ ધ્યાનમાં રાખીને પોતાના સેકન્ડ ફ્લીટને સ્થાપિત કરી રહ્યું છે.

નવા મુખ્ય મથકથી એટલાન્ટિક સાગરમાં સક્રિય અમેરિકાના યુદ્ધજહાજોને વધારે સારી રીતે સંચાલિત કરી શકાશે.

નાટો પણ આ ક્ષેત્ર પર નજર રાખવા માટે નવ જોઇન્ટ ફોર્સેસ કમાન્ડ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

અમેરિકાએ તેનું મુખ્ય મથક પણ વર્જીનિયાના નૉરફૉકમાં રાખવાનો પ્રસ્તાવ આપ્યો છે.

અમેરિકાના નૌસૈન્ય અભિયાનોની વર્તમાન પેટર્ન પણ કેટલીક હદે બદલાઈ જશે.

અમેરિકાના સંરક્ષણ મંત્રી જિમ મૈટિસે કહ્યું છે કે તેઓ ઓછા સમય માટે કાફલો તહેનાત કરવા જઈ રહ્યા છે, પરંતુ કેટલો સમય હશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.

નિષ્ણાતોનું માનવું છે કે વિમાનવાહક યુદ્ધજહાજનું નેતૃત્વ ધરાવતા કાફલાઓને હવે યૂરોપીય જળ ક્ષેત્રોમાં વધારે તહેનાત કરવામાં આવશે.

મુખ્ય મથકમાં શરૂઆતમાં 15 લોકો હશે ત્યારબાદ સંખ્યામાં વધારો કરી અંતે 200 લોકોને આ મથકમાં ફરજ બજાવશે.

જોકે, હજુ એ નક્કી નથી કે સેકન્ડ ફ્લીટનું નેતૃત્વ કોણ કરશે અને તેમાં કયા કયા યુદ્ધજહાજોનો સમાવેશ કરવામાં આવશે.

એટલાન્ટિક માટે પ્રસ્તાવિત નાટોના નવા જૉઇન્ટ ફોર્સ કમાન્ડ માટે પણ નૉરફૉકમાં જ મુખ્ય મથક પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.

નાટોના અધિકારીઓનું કહેવું છે કે રશિયાએ બાલ્ટિક સાગર, ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક ક્ષેત્રોમાં ગતિવિધિઓ વધારી દીધી છે.

શીતયુદ્ધ બાદ ફરી હાલના સમયેમાં રશિયન સબમરીનની ગતિવિધિ સૌથી વધારે છે.

હાલના મહિનાઓમાં અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલગીરી, સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદને રશિયાનું સમર્થન, બ્રિટનમાં પૂર્વ ડબલ એજન્ટ સર્ગેઈ સ્ક્રાઇપલ પર નર્વ એજન્ટથી હુમલા બાદ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો