બે લાખ અમેરિકી સૈનિકો 180 દેશોમાં શું કરી રહ્યા છે?

ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં નાઇજરમાં થયેલા હુમલામાં ચાર અમેરિકી સૈનિકનાં મૃત્યુ થયા હતા.

આ અમેરિકી સૈનિકો માલીની સરહદે એક ઓપરેશન પર હતા.

અમેરિકા માટે આ ઘટના એક આંચકા સમાન હતી. પશ્ચિમ આફ્રિકાના આ વિસ્તારમાં અમેરિકાના સૈન્ય અભિયાનો અંગે કદાચ જ કોઈને જાણ હશે.

અમેરિકાના બે લાખથી વધુ સૈનિકો વિશ્વભરમાં તહેનાત છે. આ સૈનિકો 180 દેશોમાં ફેલાયેલા છે.

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, આમાંથી માત્ર સાત દેશો જ એવા છે, જ્યાં અમેરિકાના સૈનિકો સક્રિય રીતે સૈન્ય અભિયાનમાં સામેલ છે.

એક ગુપ્ત રિપોર્ટના માધ્યમથી આ વિગતો બહાર આવી છે. રિપોર્ટ ટ્રમ્પ સરકારે અમેરિકી કૉંગ્રેસને મોકલ્યો હતો.

વળી તે ન્યૂયોર્ક ટાઇસમાં પણ પ્રકાશિત થયો છે. અહીં તમને જણાવીશું આ સાત દેશો વિશે.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનમાં 13329 સૈનિકો છે. 11 સપ્ટેમ્બર-2001માં વૉશિંગટન અને ન્યૂયોર્કમાં તાલિબાન અને અલ-કાયદાના હુમલા બાદ અમેરિકી સૈનિકોને અહીં મોકલવામાં આવ્યા હતા.

અમેરિકાએ અહીં તાલિબાન સામે લડાઈ પડી છે પણ યુદ્ધ સમાપ્ત થયું નથી.

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા માટે અફઘાનિસ્તાનની લડાઈ હજુ પણ પડકાર છે.

અમેરિકાને અહીં અલકાયદા, ઇસ્લામિક સ્ટેટ અને હક્કાની નેટવર્ક તરફથી પડકાર મળી રહ્યો છે.

ઇરાક

સદ્દામ હુસૈનના અંત બાદ હવે ઇરાકમાં અમેરિકાની સેના ઇસ્લામિક સ્ટેટના સમર્થકો સામે લડી રહી છે.

સદ્દામના અંત બાદ સમગ્ર ઇરાકમાં અશાંતિ છે અને ઇસ્લામિક સ્ટેટના કારણે હિંસા યથાવત છે.

હિંસા ચાલુ જ હોવાથી અમેરિકાની સેના અહીં લડાઈ લડી રહી છે.

સીરિયા

સીરિયામાં અમેરિકાના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય દળોએ 2017માં લાખો લોકોને કટ્ટરપંથીઓના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા.

ઇરાક અને સીરિયામાં તેમના કબજામાં રહેલા 98 ટકા વિસ્તાર પર ફરી કબજો મેળવી લેવાયો છે.

અહીં એકંદરે દોઢ હજાર સૈનિકો હાજર છે અને તેઓ સૈન્ય અભિયાનોને અંજામ આપી રહ્યા છે.

જોકે, સીરિયામાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી થઈ.

અહીં અમેરિકાની સામે રશિયા પણ મેદાનમાં સક્રિય છે.

યમન

યમનમાં પણ અમેરિકી સૈનિકોની હાજરી છે. અહીં તેઓ અલ-કાયદા સામે લડી રહ્યા છે.

ટ્રમ્પ સરકારે કૉંગ્રેસને જે રિપોર્ટ આપ્યો છે તેમાં જણાવ્યું છે કે અમેરિકા આંશિક રીતે યમનમાં હૂતિ વિદ્રોહીઓ વિરુદ્ધ સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા દળને મદદ કરી રહ્યું છે.

આ મદદ માત્ર સૈન્ય સ્તર પર નહીં પણ ગુપ્ત સૂચનાઓના આદાન-પ્રદાનના સ્તરે પણ કરવામાં આવે છે.

સોમાલિયા

સોમાલિયામાં અમેરિકાના લગભગ 300 છે. તેઓ સોમાલિયા સ્થિત કટ્ટરપંથી સંગઠન અલ-શબાબ વિરુદ્ધ ઓપરેશનને અંજામ આપી રહ્યા છે.

1993માં અમેરિકી સેનાને એક કડવો અનુભવ થયો હતો.

તેમની સેના મોહમ્મદ ફરાહ અઇદીદને પકડવા માટે અભિયાન ચલાવી રહી હતી.

આ દરમિયાન જ તેમને સમજાઈ ગયું હતું કે અહીં અભિયાન ચલાવવું કેટલું મુશ્કેલ છે.

એ અભિયાનમાં 18 સૈનિકોના મૃત્યુ થયા હતા.

લીબિયા

લીબિયામાં અમેરિકી સૈનિકોની હાજરી ખૂબ ઓછી છે. ટ્રમ્પ પ્રશાસનના રિપોર્ટ અનુસાર, અમેરિકી સૈનિક ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ અહીં લડાઈ લડી રહ્યા છે.

લીબિયામાં ગદ્દાફીના શાસનના અંત બાદ અશાંતિનો માહોલ સર્જાયો છે.

નાઇજર

નાઇજરમાં અમેરિકાના 55 સૈનિકો સક્રિય છે.

ઑક્ટોબર 2017માં ચાર અમેરિકી સૈનિકોના મૃત્યુ બાદથી અહીં ઇસ્લામિક સ્ટેટ સામે અભિયાન ચાલી રહ્યું છે.

આ સૈનિકોના મૃત્યુને કારણે અમરિકામાં ચકચાર જાગી હતી.

જોકે, અહીં સૈનિકોને તહેનાત કરવાની વાત અમેરિકા માટે નવી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો