You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા: ચૂંટણીમાં ગેરરીતિના આરોપો વચ્ચે પુતિન ફરી વિજયી
રવિવારે રશિયાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. અપેક્ષા મુજબ, વર્તમાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિજય થયો છે.
રશિયાના કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, મોટાભાગના બેલટ પેપરની ગણતરી થઈ ગઈ છે, જેમાં પુતિનને 76 % મત મળ્યા છે.
પુતિનની રાષ્ટ્રપતિ તરીકેની ટર્મ છ વર્ષની રહેશે. છેલ્લા 18 વર્ષથી રશિયાની કમાન તેમના હાથમાં છે.
ઇલેકશન મોનિટરિંગ ગ્રૂપ ગોલોસના કહેવા પ્રમાણે, ચૂંટણી દરમિયાન ગેરરીતિઓ થઈ હતી.
વિરોધપક્ષના નેતા એલેક્સી નાવલેના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પરિણામો જાહેર થયા બાદ મોસ્કોમાં જાહેરસભાને સંબોધિત કરતા પુતિને કહ્યું કે મતદાતાઓએ 'છેલ્લા કેટલાક વર્ષોની સિદ્ધિઓને માન્યતા આપી છે.'
પત્રકારના એક સવાલના જવાબમાં પુતિને કહ્યું, "આપને એવું લાગે છે કે 100 વર્ષનો થઈશ ત્યાં સુધી હું અહીં જ હોઈશ? ના."
2012માં પુતિનને 64 % મત મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુતિનના હરીફ ઉમેદવાર પેવેલ ગ્રુદનિનને લગભગ 12 ટકા મત મળ્યા હતા. પેવેલ સામ્યવાદી વિચારસરણી ધરાવે છે.
અન્ય એક ઉમેદવાર કેસિના સોબચકને બે ટકાથી પણ ઓછા મત મળ્યા હતા. તેઓ અગાઉ ટીવી શો હોસ્ટ કરતા હતા.
જ્યારે પીઢ રાષ્ટ્રવાદી વ્લાદિમીર ઝિરિનૉવસ્કીને છ ટકા મત મળ્યા હતા.
રશિયાના અનેક શહેરો અને નગરોમાં મતદાન દરમિયાન ગેરરીતિ થઈ હોવાના વીડિયો પુરાવા બહાર આવ્યા છે.
ઇન્ડિપેન્ડન્ટ ઇલેક્શન મોનિટરિંગ ગ્રૂપ ગોલોસના કહેવા પ્રમાણે, "કેટલાક સ્થળોએ બેલટબોક્સ ખોલવામાં આવ્યા, ત્યારે પહેલાથી જ તેમાં મતપત્રો હતા.
"કેટલાક પોલિંગ સ્ટેશન્સ પર નિરીક્ષકોને જતાં અટકાવવામાં આવ્યા હતા. તો અમૂક સ્થળોએ ચૂંટણી અધિકારીઓ જ મતપેટીમાં બેલટ નાખતા હોવાનું બહાર આવ્યું છે.
"તો અમૂક મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયાનું સીધું પ્રસારણ ખોરવવા માટે વેબકેમની સામે અવરોધ ઊભા કરવામાં આવ્યા હતા, જેથી કરીને કોઈ જોઈ ન શકે."
જોકે, રશિયાના કેન્દ્રીય ચૂંટણી પંચના કહેવા પ્રમાણે, "અમને જે કોઈ સામગ્રી મળી છે, તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ ગંભીર ગેરરીતિ બહાર નથી આવી.
"અમૂક સામાન્ય ઘટનાઓ નોંધાઈ છે, જેના દોષિતોને છોડવામાં નહીં આવે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો