શું છે 'પુતિન લિસ્ટ' કે જેનાથી રશિયા અમેરિકા પર ભડક્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે ક્રેમલિન સાથે ગાઢ સંબંધ ધરાવતા રશિયન અધિકારીઓ અને બિઝનેસમેનોની જે યાદી અમેરિકાએ પ્રકાશિત કરી છે તેમાં મુખ્યત્વે તમામ રશિયનોને નિશાન બનાવવામાં આવ્યા છે.

અમેરિકાએ બહાર પાડેલી યાદી પ્રતિબંધ સંબંધી એક કાયદાનો હિસ્સો છે.

તેનો હેતુ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાની કથિત દખલગીરી બદલ સજા કરવાનો છે. આ યાદીમાં કુલ 210 રશિયન નાગરિકોનાં નામ સામેલ છે.

જોકે, અમેરિકાએ જણાવ્યું છે કે જે લોકોનાં નામ યાદીમાં છે તેમના પર નવા પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં.

આ યાદી બાબતે પુતિને જણાવ્યું હતું કે અમેરિકાનું આ કૃત્ય મૈત્રીપૂર્ણ નથી અને આ યાદીને કારણે અમેરિકા તથા રશિયા વચ્ચેનો સંબંધ વધારે જટિલ બનશે.

જોકે, પોતે આ મામલાને આગળ વધારવા ન ઇચ્છતા હોવાનું પણ પુતિને જણાવ્યું હતું.

યાદી શા માટે?

અમેરિકન કોંગ્રેસે ગયા વર્ષે ઑગસ્ટમાં 'ધ કાઉન્ટરિંગ અમેરિકાઝ અડવર્સરિઝ થ્રુ સેન્કશન્શ' (સીએએટીએસ) નામનો કાયદો પસાર કર્યો હતો.

એ કાયદા અનુસાર અમેરિકન સરકારે એક યાદી તૈયાર કરવાની હતી.

એ કાયદાનો હેતુ અમેરિકાના પ્રમુખપદની 2016ની ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપ અને યુક્રેનમાંનાં તેનાં કૃત્યો બદલ ક્રેમલિનને સજા કરવાનો છે.

કોંગ્રેસ એટલે કે અમેરિકન સંસદ ઈચ્છતી હતી કે પુતિન સાથે ગાઢ સંબંધ ધરાવતા લોકોનાં નામ જાહેર કરવાં જોઈએ,

જેથી તે નામોને નોટિસ બોર્ડ પર લગાવીને તેમને શરમાવી શકાય અને ભવિષ્યમાં તેમના પર પ્રતિબંધ મૂકાશે એ તેમને જણાવી શકાય.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દરખાસ્ત પર સહી કરીને તેને કાયદાનું સ્વરૂપ આપ્યું છે, પણ તેઓ સીએએટીએસ કાયદાનું સમર્થન કરતા નથી.

ટ્રમ્પ આ કાયદાને 'ગેરબંધારણીય' ગણાવી ચૂક્યા છે.

કોનાં નામ છે યાદીમાં?

બિનસત્તાવાર રીતે 'પુતિન લિસ્ટ' તરીકે ઓળખાતી આ યાદીમાં 210 લોકોનાં નામ છે.

એ પૈકીના 114 લોકો સરકારમાં છે અથવા સરકાર સાથે જોડાયેલા છે અને કેટલાક બિઝનેસમેન છે.

96 લોકોનાં નામ તેઓ સરકારની નિકટ હોવાને કારણે નહીં, પણ તેઓ એક અબજ ડોલરથી વધારેની સંપત્તિ ધરાવતા હોવાને કારણે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે.

લાંબા સમય સુધી પુતિનના સહયોગી તરીકે કામ કરી ચૂકેલા લોકોનાં નામ આ યાદીમાં છે અને તેમાં ઘણા સલામતી અધિકારીઓ છે.

પુતિન ભૂતકાળમાં રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસીસ(એફએસએસ)નું સંચાલન કરતા હતા.

આ યાદીમાં એફએસએસના વડા અલેકઝેન્ડર બોર્તનિકોવ અને રશિયાની વિદેશી ગુપ્તચર સેવા(એસવીઆર)ના અધિકારી સર્ગેઈ નારિશ્કિનનાં નામ છે.

રશિયાના ઊર્જા સંસાધનો પર નિયંત્રણ ધરાવતા ગેઝપ્રોમના વડા અલેક્સેઈ મિલર, રોઝનેફટના વડા ઈગોર સેશિન અને ઓઈલ તથા કુદરતી ગેસના ક્ષેત્રમાં કાર્યરત અન્ય અધિકારી તથા બેન્ક અધિકારી યુરી કોવાલચુકનાં નામ પણ આ યાદીમાં છે.

પુતિનના કથિત જમાઈનો પણ સમાવેશ

કિરિલ શૈમલોવનું નામ પણ આ યાદીમાં છે. કિરિલને કથિત રીતે પુતિનના જમાઈ ગણાવવામાં આવે છે.

કિરિલે કેટરીના તિખોનોવા સાથે લગ્ન કર્યાં હોવાની કે કેટલીના પુતિનની દીકરી હોવાની વાતને રશિયન સરકારે ક્યારેય સમર્થન આપ્યું નથી.

ઇંગ્લિશ ફૂટબોલ ક્લબોમાં ભાગીદારી ધરાવતા અલિશેર ઉસ્માનોવ અને રોમ એબ્રામોવિચ જેવા જાણીતા ધનિકોનાં નામ પણ આ યાદીમાં છે.

અલિશેર ઉસ્માનોવ આર્સેનલની ટીમમાં ભાગીદાર છે, જ્યારે રોમન એબ્રામોવિચે ચેલ્સી ટીમમાં રોકાણ કરેલું છે.

રશિયાનો પ્રતિભાવ

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનું નામ આ યાદીમાં સામેલ છે. તેમણે આ યાદીને વધુ મહત્વ ન આપવા જણાવ્યું હતું.

પોતાના તમામ રાજકીય પ્રતિનિધિઓના નામ આ યાદીમાં સામેલ કરવા સંબંધે ઈશારો કરતાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું, "વાસ્તવમાં રશિયાના તમામ 14.6 કરોડ નાગરિકોનાં નામ આ યાદીમાં છે."

"માત્ર મારું એકલાનું નામ જ આ યાદીમાં નથી," એવો ટોણો પણ તેમણે માર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો