અમેરિકાએ શા માટે અટકાવી પાકિસ્તાનની લશ્કરી સહાય?

પાકિસ્તાનને આપવામાં આવતી તમામ પ્રકારની લશ્કરી સહાય રોકવાની જાહેરાત અમેરિકાએ કરી છે.

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ 'પાકિસ્તાનમાંથી ઉગ્રતાવાદીઓનો ખાત્મો કરવામાં નિષ્ફળ રહ્યું' હોવાથી આમ કરવામાં આવ્યું છે.

અમેરિકાના વિદેશ વિભાગે આ સંબંધે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું.

એ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હક્કાની નેટવર્ક અને અફઘાની તાલિબાન વિરુદ્ધ પાકિસ્તાન કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેને લશ્કરી સહાય આપવામાં આવશે નહીં.

તમને આ પણ વાંચવું ગમશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષના પહેલા દિવસે કરેલા એક ટ્વીટમાં પાકિસ્તાન પર જુઠ્ઠું બોલવાનો અને ઉગ્રતાવાદીઓને આશરો આપવાનો આક્ષેપ કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે 'અમેરિકા પાસેથી અબજો ડોલરની મદદ મેળવવા છતાં પાકિસ્તાન ઉગ્રતાવાદીઓને આશરો આપી રહ્યું છે.'

નિર્ણાયક પગલાં જરૂરી

અમેરિકાના વિદેશ વિભાગ તરફથી પાકિસ્તાનને આપવામાં આવતી 255 મિલિયન ડોલરની મદદ પણ ટ્રમ્પ વહીવટીતંત્રે રોકી દીધી હતી.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા હૈદર નાવર્ટે આ બાબતે પત્રકારો સાથે વાત કરી હતી.

હૈદર નાવર્ટે કહ્યું હતું કે "પાકિસ્તાન સરકાર હક્કાની નેટવર્ક અને અફઘાન તાલિબાન સહિતના અન્ય ઉગ્રતાવાદી જૂથો સામે નિર્ણાયક પગલાં નહીં લે ત્યાં સુધી તેમને આપવામાં આવતી લશ્કરી સહાય બંધ કરવામાં આવશે."

તેમણે એમ પણ કહ્યું હતું કે "ઉગ્રતાવાદી જૂથો ક્ષેત્રને અસ્થિર કરી રહ્યાં છે અને અમેરિકન સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે, એવું અમે માનીએ છીએ.

તેથી અમેરિકા પાકિસ્તાનને આપવામાં આવતી લશ્કરી સહાય સસ્પેન્ડ કરી રહ્યું છે."

સુરક્ષા નીતિમાં ચેતવણી

અમેરિકાના પ્રમુખ તરફથી તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા નીતિ બહાર પાડવામાં આવી હતી.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે "આતંકવાદીઓને ખતમ કરવાના પ્રયાસો વેગવાન બનાવવા અમે પાકિસ્તાન પર દબાણ કરીશું."

"તેનું કારણ એ છે કે આતંકવાદીઓ અને તેમના સમર્થકો માટે કોઈ પણ દેશની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં."

વોશિંગ્ટને જણાવ્યું હતું કે "પાકિસ્તાનમાં રહીને પ્રવૃત્તિ કરતા આતંકવાદીઓ અને ઉગ્રતાવાદીઓ તરફથી અમેરિકાને ખતરો છે."

અમેરિકાની આ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ જાહેર કરવામાં આવી એ પછી અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સે તેમની અફઘાનિસ્તાન યાત્રા દરમિયાન પાકિસ્તાનને વધુ એક ચેતવણી આપી હતી.

માઈક પેન્સે જણાવ્યું હતું કે અફઘાનીસ્તાન સરકાર વિરુદ્ધ લડતા જૂથોને પાકિસ્તાને આશરો આપવો ન જોઈએ.

માઈક પેન્સે કહ્યું હતું કે "પાકિસ્તાને તાલિબાન તથા અન્ય ઉગ્રતાવાદી જૂથોને લાંબા સમય સુધી આશરો આપ્યો છે અને હવે એ સમય વીતી ગયો છે."

માઈક પેન્સના આ નિવેદનનો પાકિસ્તાને આકરો પ્રતિભાવ આપ્યો હતો.

પાકિસ્તાને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે માઈક પેન્સનું આ નિવેદન અમેરિકન વહીવટીતંત્ર સાથે થનારી ગંભીર વાતચીતની વિરુદ્ધનું છે.

તેમજ સહયોગી દેશો એકમેકને ચેતવણી આપતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો