પાકિસ્તાન હવે આપી રહ્યું છે કુરબાનીની દુહાઈ

અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના તાજા નિવેદન બાબતે 'નિરાશા' વ્યક્ત કરતાં પાકિસ્તાને મંગળવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં 'સામુહિક નિષ્ફળતા' માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવી શકાય નહીં.

તમામ 'બિનજરૂરી આરોપો' છતાં અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયામાં ઇસ્લામાબાદ 'રચનાત્મક ભૂમિકા' ભજવતું જ રહેશે, એમ પણ પાકિસ્તાને જણાવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષની પહેલી ટ્વીટમાં પાકિસ્તાન પર ઘણા ગંભીર આરોપ મૂક્યા હતા.

પાછલા દોઢ દાયકા દરમિયાન પાકિસ્તાનને આપવામાં આવેલી મદદને ડોનલ્ડ ટ્રમ્પે 'મૂર્ખતાપૂર્ણ નિર્ણય' ગણાવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “અમેરિકાએ પાછલાં 15 વર્ષમાં પાકિસ્તાનને 33 અબજ ડોલરથી વધુની મદદ કરી હતી.”

“તેના બદલામાં પાકિસ્તાને, અમેરિકાના નેતાઓ મૂર્ખ છે એમ માનીને જુઠ અને છળ સિવાય બીજું કંઈ આપ્યું નથી.”

“અમે અફઘાનિસ્તાનમાં જે આતંકવાદીઓને શોધી રહ્યા હતા તેને પાકિસ્તાને આશરો આપ્યો હતો. બસ, હવે બહુ થયું.”

ટ્વીટ બાદ શું થયું પાકિસ્તાનમાં?

ડોનાલ્ડ ટ્રમ્પની આ ટ્વીટ બાદ મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીના વડપણ હેઠળ નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક યોજાઈ હતી.

એ બેઠકમાં ડોનલ્ડ ટ્રમ્પના નિવેદનને 'નિરાશાજનક' ગણાવવામાં આવ્યું હતું.

એ બેઠકમાં પાકિસ્તાન સરકારના સિનિઅર પ્રધાનો અને લશ્કરના વડા જનરલ કમર જાવેદ બાજવા પણ ઉપસ્થિત હતા.

એ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાને ઉગ્રવાદ સામેની લડાઈમાં 'મોટી કિંમત ચૂકવી છે.' પાકિસ્તાનની કુરબાનીઓને આટલી 'નિર્દયતાથી' નજરઅંદાજ કરી શકાય નહીં.

ઈસ્લામાબાદે બીજું શું-શું કહ્યું?

• ડોનલ્ડ ટ્રમ્પની દક્ષિણ એશિયા માટેની નીતિની જાહેરાત બાદ અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિ તથા સ્થિરતા સ્થાપવા એકમેકના દૃષ્ટિકોણને સમજવાના હેતુથી અમેરિકન નેતૃત્વ સાથેની વાતચીત ઉપયોગી સાબિત થઈ.

• આ સંદર્ભે અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસન અને સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસની પાકિસ્તાન મુલાકાત મહત્વની હતી.

• સકારાત્મક પ્રગતિ વચ્ચે અમેરિકન નેતૃત્વનું હાલનું નિવેદન સમજણથી પર છે, હકીકતથી પર છે.

• આ નિવેદન બન્ને દેશો વચ્ચે ગત વર્ષો દરમ્યાન સર્જાયેલા વિશ્વાસના વાતાવરણ પ્રત્યે બેદરકારી દાખવે છે.

• પાકિસ્તાને છેલ્લા કેટલાય દાયકાઓમાં આપેલી કુરબાનીઓને આ નિવેદન નજરઅંદાજ કરે છે.

• પાકિસ્તાન એક એવો દેશ છે કે જેણે ક્ષેત્રીય અને વૈશ્વિક સલામતી તથા શાંતિ માટે મહત્વનું યોગદાન આપ્યું છે.

• પાકિસ્તાને ઉગ્રવાદીઓ સામે છેલ્લા ઘણાં વર્ષોથી અભિયાન હાથ ધર્યું છે. તેને કારણે અફઘાનિસ્તાનમાંના તમામ ઉગ્રવાદી સંગઠનોનો સંભવિત પ્રસાર અટક્યો છે.

• આ હકીકતનો અમેરિકન વહીવટીતંત્રે પણ સ્વીકાર કર્યો છે.

• એ પૈકીના મોટાભાગના ઉગ્રવાદીઓએ પાકિસ્તાનમાં રહેતા લાખો અફઘાન શરણાર્થીઓનો લાભ લઈને સીમા પારથી નિર્દોષ પાકિસ્તાનીઓ પર હુમલા કર્યા છે.

• પાકિસ્તાને પોતાના સંસાધનોની ક્ષમતાને આધારે ઉગ્રવાદ સામે સંઘર્ષ કર્યો છે અને એ માટે અર્થતંત્રએ મોટી કિંમત ચૂકવવી પડી છે.

• પાકિસ્તાને આ માટે મોટી કુરબાનીઓ આપી છે. હજ્જારો પાકિસ્તાની નાગરિકો અને સલામતી રક્ષકોનાં મોત થયાં છે.

• એ લોકોના પરિવારોના દર્દને એક કાલ્પનિક નાણાકીય મૂલ્યાંકનને નામે આટલી નિર્દયતાથી નજરઅંદાજ કરી શકાય નહીં.

• અફઘાનિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી રહેલી આંતરરાષ્ટ્રીય કાર્યવાહીમાં પાકિસ્તાન આજે પણ મદદ કરી રહ્યું છે.

• ઉગ્રવાદ સામેના અભિયાનમાં પાકિસ્તાનની મદદને કારણે જ આ પ્રદેશમાં અલ કાયદાના પ્રભાવ પર પૂર્ણવિરામ મૂકાયું છે.

• ઉગ્રવાદ સામેના અભિયાનને ટેકો આપવાને કારણે પાકિસ્તાને ક્રૂર વળતા ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે.

• તેમાં અફઘાનિસ્તાનના ઉગ્રવાદીઓ દ્વારા પાકિસ્તાનના સેંકડો સ્ટુડન્ટ્સની હત્યાનો સમાવેશ થાય છે.

• અફઘાનિસ્તાનમાં સામૂહિક નિષ્ફળતા માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવી શકાય નહીં.

• સહયોગીઓને જવાબદાર ઠરાવવાથી અફઘાનિસ્તાન તથા આ પ્રદેશમાં શાંતિ સ્થાપવાનું સામૂહિક લક્ષ્યાંક હાંસલ નહીં થાય

• તમામ આરોપો બિનજરૂરી હોવા છતાં પાકિસ્તાન ઉતાવળે કોઈ કાર્યવાહી નહીં કરે અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં રચનાત્મક ભૂમિકા ભજવતું રહેશે.

• માત્ર પાકિસ્તાનીઓના હિત ખાતર નહીં, પણ સમગ્ર પ્રદેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાયની શાંતિ તથા સલામતી માટે આવું કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો