‘હજારો નિર્દોષ લોકોનાં મૃત્યુ માટે હાફીઝ જવાબદાર, ધરપકડ કરી સજા આપે પાકિસ્તાન’

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તેમજ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફીઝ સઈદની મુક્તિનો ભારત સહિત અમેરિકાએ પણ વિરોધ કર્યો છે.

અમેરિકી વિદેશ વિભાગે હાફિઝ સઈદની મુક્તિ બાદ ફરી તેમની ધરપકડ કરવા માંગણી કરી છે.

તેમણે કહ્યું છે કે 'લશ્કર એ તૈયબા' એક આતંકવાદી સંગઠન છે કે જે આતંકવાદી હુમલા કરી હજારો નિર્દોષ નાગરિકોનાં મોત માટે જવાબદાર છે. તેમાં ઘણા અમેરિકી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના પ્રવક્તા હેથર ન્યૂર્ટે કહ્યું છે કે પાકિસ્તાની સરકારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે હાફીઝ સઈદની ધરપકડ કરવામાં આવે અને તેમના પર કેસ ચલાવવામાં આવે.

અમેરિકી વિદેશ વિભાગ તરફથી આવેલું આ નિવેદન ભારતની વિદેશ નીતિની જીતને દર્શાવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

હાફિઝ સઈદને જાન્યુઆરી મહિનામાં નજરકેદ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધી કેદમાં હતા.

પરંતુ પાકિસ્તાનની કોર્ટે હાફીઝને મધરાતે મુક્ત કરી દીધા છે.

હાફીઝ સઈદને મે 2008માં અમેરિકાએ વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યા હતા. અમેરિકાએ હાફીઝ સઈદ પર 10 મિલિયન ડોલરનું ઇનામ પણ મૂક્યું છે.

મુંબઈ હુમલામાં અમેરિકી નાગરિકો સહિત 166 લોકોનાં મૃત્યુ થયા હતા.

'મોદીના ઇશારે નજરકેદ'

હાફીઝ સઈદ વારંવાર પોતાના પર લાગેલા આરોપને ફગાવતા આવ્યા છે.

રૉયટર્સના રિપોર્ટના આધારે હાફીઝ સઈદે પોતાની મુક્તિ બાદ સમર્થકોને કહ્યું કે, "હું ખુશ છું કે મારા પર લાગેલા આરોપો સાબિત નથી થઈ શક્યા."

હાફીઝ સઈદની મુક્તિ બાદ જમાત ઉદ દાવાએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં આ વાત સાંભળવા મળી હતી.

હાફીઝ સઈદે એવું પણ કહ્યું હતું કે પાકિસ્તાનની સરકારે ભારતીય વડાપ્રધાન મોદી સાથે મિત્રતા જાળવી રાખવા તેમને નજરકેદ કર્યા હતા.

'મોદીને મિત્ર ગણવા વાળા શરીફ ગદ્દાર'

રૉયટર્સના રિપોર્ટના આધારે નજરકેદમાંથી મુક્ત થયેલા હાફીઝ સઈદે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાષ્ટ્રદ્રોહી ગણાવ્યા હતા.

નવાઝ શરીફને જુલાઈ 2017માં સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના આરોપસર વડાપ્રધાનના પદ પરથી હટાવી દીધા હતા.

આ મામલા પર બોલતા હાફીઝ સઈદે કહ્યું છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિત્રતા રાખવા વાળા વડાપ્રધાનને તેમના પદ પરથી હટાવવાને પાત્ર જ હતા.

રૉયટર્સના રિપોર્ટના આધારે નજરકેદમાંથી મુક્તિ બાદ હાફીઝ સઈદે કહ્યું કે, "નવાઝ શરીફ પૂછે છે કે તેમને શા માટે તેમના પદ પરથી હટાવવામાં આવ્યા? હું બતાવું છું કે તેમને શા માટે પદ પરથી હટાવાયા. તેમણે હજારો મુસ્લિમોના હત્યારા ભારતીય વડાપ્રધાન મોદી સાથે મિત્રતા કરી પાકિસ્તાન સાથે વિશ્વાસઘાત કર્યો હતો."

ચૂંટણી લડશે હાફીઝ સદ?

રૉયટર્સના રિપોર્ટ પ્રમાણે સઈદની નજરબંધી દરમિયાન જમાત ઉદ દાવાએ મિલ્લી મુસ્લિમ લીગ નામે રાજકીય પક્ષની પણ સ્થાપના કરી હતી. આ પાર્ટીને ચૂંટણીમાં હજારો મત પણ મળ્યા હતા.

વરિષ્ઠ અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકોનું કહેવું છે કે જમાત ઉદ દાવાની પાર્ટીને પાકિસ્તાનના લશ્કરનું પણ સમર્થન મળે છે. જો કે લશ્કર રાજકીય પક્ષ સાથે કોઈ પણ સંબંધ હોવાની વાતને નકારે છે.

MMLના અધિકારીઓનું કહેવું છે કે પાર્ટીનું નિયંત્રણ હાફિઝ સઈદના હાથમાં છે. પરંતુ એ વાત હજુ સ્પષ્ટ નથી થઈ શકી કે હાફીઝ સઈદ ચૂંટણી લડી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરશે કે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો