દૃષ્ટિકોણઃ નરેન્દ્ર મોદીની મોહિની 2019 સુધી યથાવત રહેશે?

    • લેેખક, રાજદીપ સરદેસાઈ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ગોરખપુર અને ફૂલપુર સંસદીય પેટાચૂંટણીનું પરિણામ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માટે મોટા ઝટકા સમાન છે, કારણ કે જે બન્ને બેઠકો પર હારી છે તેના પર પ્રદેશના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને અગાઉ લાખોથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો.

આ બન્ને બેઠકો ઉત્તર પ્રદેશમાં છે અને ઉત્તર પ્રદેશે 2014માં નરેન્દ્ર મોદીના ઝળહળતા વિજયનો માર્ગ કરી આપ્યો હતો. એ સંદર્ભમાં આ હાર બીજેપી માટે ખતરાનો સંકેત છે.

અલબત, દરેક ચૂંટણીનું અલગ-અલગ દૃષ્ટિએ મૂલ્યાંકન કરવું જોઈએ.

આ પેટાચૂંટણી હતી અને તેમાં મતદાનની ટકાવારી ઘણી ઓછી હતી. તેથી કહી શકાય કે ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવી હતી.

એ ઉપરાંત આ ચૂંટણી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પ્રચાર કર્યો ન હતો.

બીજી તરફ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી(બસપા)એ જોડાણ કર્યું હતું.

ઉત્તર પ્રદેશમાં બસપા 20 ટકા અને સપા 20 ટકા વોટબેન્ક પર અંકુશ ધરાવે છે. તેથી બન્ને હાથ મિલાવે તો તેમની સામે કોઈ પણ પ્રકારની વ્યૂહરચના સફળ થવાની શક્યતા ઓછી હોય.

યોગી આદિત્યનાથને આંચકો

સામાજિક ન્યાયની લડાઈ ફરી શરૂ થઈ છે એવું આ બે બેઠકોના પરિણામને પગલે કહેવું એ વહેલું ગણાશે, કારણ કે આવું કહેવા માટે તેનું કમસેકમ વિધાનસભાની ચૂંટણીમાં સફળ થવું જરૂરી છે.

ગોરખપુરમાં થયેલી હાર યોગી આદિત્યનાથ માટે રાજકીય આંચકા સમાન છે તેમાં કોઈ શંકા નથી, કારણ કે તેઓ તેમના ગઢમાં હાર્યા છે.

એક વર્ષ પહેલાં જ તેઓ મુખ્ય પ્રધાન બન્યા છે, પણ આ હાર દર્શાવે છે કે તેમના કામથી મતદાતાઓ રાજી નથી.

યોગી આદિત્યનાથે એ વિચારવું પડશે કે લોકો મતદાન કરવા કેમ ન નીકળ્યા અને નીકળ્યા તેમણે સપાને મત કેમ આપ્યા?

કેશવપ્રસાદ મૌર્ય માટે પણ આ વાત કરી શકાય.

ઉત્તર પ્રદેશની આ બન્ને બેઠકો ઉપરાંત બિહારના અરરિયામાં પણ બીજેપીએ હારનો સામનો કરવો પડ્યો છે.

અરરિયામાં લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ(રાજદ)ને વિજય મળ્યો છે.

નીતિશ કુમાર અને બીજેપીના ગઠબંધનને આ ક્ષેત્રમાં લોકોનું સમર્થન મળ્યું નથી.

આ બધા વચ્ચે એક બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે કે પેટાચૂંટણીમાં કોઈ વ્યૂહરચના સફળ સાબિત થતી નથી.

તે ઉત્તર પ્રદેશમાં જ નહીં, અન્ય રાજ્યોનાં ચૂંટણી પરિણામમાં પણ સાબિત થયું છે.

લોકસભા પેટાચૂંટણીમાં બીજેપી અત્યાર સુધીમાં દસ બેઠકો હારી છે. બીજેપીની મુશ્કેલીમાં આગામી દિવસોમાં વધારો થશે એ સ્પષ્ટ છે.

ગઠબંધનના રાજકારણની કમાલ

વાસ્તવમાં 2014ની સામાન્ય ચૂંટણીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પ્રાદેશિક પક્ષોના દિવસો પુરા થયા, પણ હવે એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય રાજકારણમાં પ્રાદેશિક પક્ષો પર પૂર્ણવિરામ મૂકી શકાય નહીં.

ગોરખપુર, ફૂલપુર અને અરરિયાની ચૂંટણીના પરિણામે પ્રાદેશિક પક્ષોને નવજીવન આપ્યું છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પછી ખાસ કરીને બસપાની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. સપા નબળી પડી હતી.

હવે બસપા અને સપાને સમજાયું છે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સાથે રહેવું જરૂરી છે. આવો જ એક પ્રયોગ લાલુપ્રસાદ યાદવ અને નીતિશ કુમારે 2015માં હાથ મિલાવીને કર્યો હતો.

બીજી તરફ ચૂંટણીનું પરિણામ જાહેર થયાની આગલી રાતે સોનિયા ગાંધીએ વિરોધ પક્ષના નેતાઓને ડીનર માટે બોલાવ્યા હતા.

તેમાં દેશના 20 રાજકીય પક્ષોના નેતાઓ એકત્ર થયા હતા. આ એ નેતાઓ છે, જેમના પક્ષો લોકસભા ચૂંટણી વખતે પોતપોતાના રાજ્યોમાં હાર્યા હતા.

નરેન્દ્ર મોદીના વિજય રથને સાથે મળીને જ રોકી શકાય તેમ છે એ હવે વિરોધ પક્ષોના નેતાઓને સમજાઈ રહ્યું છે.

વાસ્તવમાં એ પણ સમજવું પડશે કે 2014માં પરિસ્થિતિ અલગ હતી. 2014માં બહુ ઓછાં રાજ્યોમાં બીજેપીની સરકાર હતી.

નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદના દાવેદાર હતા. તેઓ યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ) સામે આક્રમકતાપૂર્વક સવાલો ઉઠાવતા હતા.

લોકો નરેન્દ્ર મોદીના વિકાસની વાતો પર ભરોસો કરી રહ્યા હતા, પણ 2018-19માં પરિસ્થિતિ અલગ છે.

લોકો પૂછશે સવાલ

આજે દેશના 21 ર1જ્યોમાં બીજેપીની સરકાર છે. 2019માં લોકો બીજેપીને સવાલો પૂછશે. રાજ્ય સરકારો પ્રત્યેનો સામાન્ય લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. નારાજગી વધી રહી છે.

લોકો બીજેપીને હરાવવા મતદાન કરી રહ્યા છે, કારણ કે તેમને જે વચન આપવામાં આવ્યાં હતાં, તેનું પાલન કરવામાં આવતું નથી.

વર્તમાન સમયમાં બીજેપી માટે આ સૌથી મોટો પડકાર છે.

તાજેતરની પેટાચૂંટણીના પરિણામ પરથી એવું ન કહી શકાય કે નરેન્દ્ર મોદીનો જાદુ ઓસરી રહ્યો છે, કારણ કે હાલ તેઓ દેશના સૌથી મોટા નેતા છે. લોકપ્રિય છે.

જોકે, સામાન્ય ચૂંટણી લડાતી હોય ત્યારે ઘણાં રાજ્યોમાં રાષ્ટ્રીય પક્ષને પડકારવા માટે પ્રાદેશિક પક્ષો તૈયાર હોય છે.

હાલ ઘણાં રાજ્યોમાં આવા પ્રાદેશિક પક્ષો છે. દાખલા તરીકે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી છે, ઓડિશામાં નવીન પટનાયક છે, તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ છે, બિહારમાં રાષ્ટ્રીય જનતા દલ છે અને ઉત્તર પ્રદેશમાં સપા તથા બસપા છે.

આ બધા પક્ષો પોતપોતાના પ્રદેશોમાં નરેન્દ્ર મોદી માટે પડકારરૂપ બની શકે છે. રાજ્યોના લોકો લોકસભાની ચૂંટણીમાં પણ પ્રાદેશિક મુદ્દાઓ પર મતદાન કરતા હોય છે.

વધી રહી છે લોકોની નારાજગી

પ્રાદેશિક પક્ષો સામાન્ય ચૂંટણીને પણ સ્થાનિકતાના રંગે રંગી દે તો સામાન્ય લોકોના દિમાગ પર ઈમેજની કોઈ અસર થતી નથી.

નરેન્દ્ર મોદી લોકપ્રિય હોઈ શકે કે બીજેપીના લોકોને એવું લાગતું હોય કે નરેન્દ્ર મોદી બહુ લોકપ્રિય છે, પણ લોકો સવાલ પૂછી રહ્યા છે કે તમે જે વચન આપ્યાં હતાં તેનું શું થયું? તમારા મુખ્ય પ્રધાને શું કામ કર્યું?

શાસનવિરોધી લાગણીમાં વધારો પણ થશે. તમામ રાજ્યોમાં તમારી સરકારો હોય ત્યારે નારાજગી પણ વધારે હોય.

બીજેપી સામે એક બીજો પડકાર પણ છે.

2014ની સરખામણીએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના પ્રમાણમાંનું અંતર ઝડપભેર વધી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં મોદી સરકાર સામેનો ગુસ્સો પણ ઝડપભેર વધી રહ્યો છે, કારણ કે ખેડૂતોને જે વચન આપવામાં આવ્યાં હતાં, તેનું પાલન કરવામાં આવતું નથી.

પાછલા દિવસોમાં મુંબઈમાં ખેડૂતોએ જે વિરોધ પ્રદર્શન કર્યું એ દર્શાવે છે કે સમગ્ર દેશમાં ખેડૂતનો ગુસ્સો વધી રહ્યો છે અને પ્રગટ પણ થઈ રહ્યો છે.

ઝળહળાટ અને વાસ્તવિકતા

ઈમેજ મેનેજરો ઝળહળાટમાં ક્યારેક હકીકતને ભૂલી જતા હોય છે.

તમે લોકોને જે સપનાં દેખાડો છો તેમાં અને વાસ્તવિકતામાં ફરક હશે તો તેનું નુકસાન તમારે જ ભોગવવું પડશે.

વચનો જેટલાં મોટાં હોય તેટલો જ મોટો ડર નુકસાનનો હોય છે. તેથી બીજેપીએ સંભાળવાની જરૂરી છે.

2004માં શાઈનિંગ ઈન્ડિયાના દૌરમાં ચમકદમકની વચ્ચે કોંગ્રેસે પ્રાદેશિક દળો સાથે ગઠબંધન રચીને અટલ બિહારી વાજપેયી સરકારને કઈ રીતે દરવાજો દેખાડી દીધો હતો એ આપણે જોયું છે.

હવે શાઈનિંગ ઈન્ડિયા તો નથી, પણ 2019માં નરેન્દ્ર મોદીનું ન્યૂ ઈન્ડિયા હશે, જેમાં લોકો તેમને પૂછશે તે તમારા ન્યૂ ઈન્ડિયાથી અમારા જીવનમાં શું ફરક પડ્યો?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો