લોકસભા પેટાચૂંટણી: યુપીમાં યોગીના ગઢમાં જ ભાજપની હાર

ઉત્તર પ્રદેશમાંથી યોગી સરકાર અને ભાજપ માટે ઝટકા સમાન સમાચારો આવી રહ્યા છે.

હાલમાં જ ઉત્તર પ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.

ઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુરની બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજે હતું.

જેમાં બંને બેઠકો પર ભાજપની હાર થઈ છે. અહીં સપાના ઉમેદવાર પ્રવીણ કુમાર નિષાદે 21,961 મતોથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર દત્તને હરાવ્યા છે.

ગોરખપુર સીટ પર તો ખુદ યોગી આદિત્યનાથ જ ચૂંટાઈને લોકસભામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. યોગીનો ગઢ ગણાતી આ સીટ પર જ ભાજપની હાર થઈ છે.

તો ફૂલપુર સીટ કેશવપ્રસાદ મોર્ય ઉપમુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી. ત્યાં પણ ભાજપની હાર થઈ છે.

બિહારમાં પણ ભાજની હાર

બિહારની અરરિયા લોકસભા બેઠક પર થયેલી ચૂંટણીમાં પણ ભાજપ અને નીતિશ કુમારના ગઠબંધને હારનો સામનો કરવો પડ્યો છે.

બિહારની આ બેઠક રાષ્ટ્રીય જનતા દળના સાંસદ તસલીમુદ્દીનના મૃત્યુ બાદ ખાલી પડી હતી.

જે બાદ તેમના પુત્ર સરફરાઝ અહમદ રાજદની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં તેમની જીત થઈ છે.

ઉપરાંત બિહારમાં બે વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં જેહાનાબાદ અને ભભૂઆની બેઠકો પર પર રસાકસી ભર્યો જંગ હતો.

જેમાં જહાનાબાદ બેઠક પર આરજેડી અને ભભૂઆની બેઠક પર ભાજપની જીત થઈ છે.

ગુજરાતમાં યોગીનો શો ફ્લોપ રહ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન યોગી આદિત્યનાથ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા.

પરંતુ દક્ષિણ ગુજરાતમાં તેમણે કરેલો એક રોડ શો એ સમયે ચર્ચાનો વિષય બન્યો હતો.

જેમાં તેમના રોડ શો દરમિયાન લોકોની બહુ પાંખી હાજરી જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર લોકોએ યોગીના આ શોની બહુ મજાક ઉડાવી હતી.

તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જામનગર સહિત અનેક સ્થળોએ યોગીની સભામાં લોકોની પાંખી હાજરી ચર્ચાનો વિષય બની હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો