જળવાયુ પરિવર્તન 'પુરુષ કરતાં સ્ત્રીને વધુ અસર કરે'

    • લેેખક, મેરી હેલ્ટન
    • પદ, બીબીસી ન્યૂઝ, સાયન્સ રિપોર્ટર

અલગઅલગ અભ્યાસો પરથી તારણ નીકળ્યું છે કે આબોહવામાં પરિવર્તનની અસર પુરુષો કરતાં સ્ત્રીઓ પર વધારે થશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડાં અનુસાર, આબોહવા પરિવર્તનના કારણે વિસ્થાપિત થયેલાઓમાં 80 ટકા મહિલાઓ હોય છે.

કુટુંબની સંભાળ લેનાર મુખ્ય વ્યક્તિ હોવાથી અને ખોરાક તથા બળતણ એકઠાં કરવાની જવાબદારી સ્ત્રીઓની હોવાથી પૂર આવે કે દુકાળ પડે ત્યારે સ્ત્રીઓની હાલત સૌથી કફોડી થઈ જાય છે.

2015ના પેરિસ કરારમાં સ્ત્રીઓને વધારે સશક્ત કરવા પર ભાર મૂકાયો છે, કેમ કે તેમને આવી જ સ્થિતિમાં સૌથી વધારે અસર થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

મધ્ય આફ્રિકામાં લેક ચાડનો 90 ટકા હિસ્સો સૂકાઈ ગયો છે અને તેના કારણે સ્થાનિક ભટકતી જાતિઓનું અસ્તિત્વ જોખમમાં છે.

તળાવ સંકોચાતું જાય છે, જેના કારણે પાણી ભરવા માટે મહિલાઓને વધારે દૂર જવું પડે છે.

એસોસિયેશન ઓફ ઇન્ડિજિનસ વિમેન એન્ડ પિપલ ઓફ ચાડ (AFPAT)ના સંયોજક હિડાઉ ઉમરાઉ ઇબ્રાહિમ કહે છે:

'ઉનાળામાં પુરુષો શહેરમાં જતા રહે છે. કુટુંબની સંભાળ લેવા પાછળ મહિલાઓ જ રહી જાય છે.'

ઉનાળો હવે લંબાતો જાય છે, તેના કારણે કોઈની મદદ વિના કુટુંબનું ભરણપોષણ કરવા સ્ત્રીઓએ આકરી મહેનત કરવી પડે છે.

બીબીસીના 100 વિમેન કાર્યક્રમમાં ઇબ્રાહિમે હાલ ભાગ લીધો હતો.

તેમણે કહ્યું હતું, 'મહિલાઓની સ્થિતિ કફોડી થઈ રહી છે. તેમને બહુ આકરી મજૂરી કરવી પડે છે.'

એક વૈશ્વિક સમસ્યા

માત્ર ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને આની અસર થાય છે તેવું પણ નથી.

વૈશ્વિક ધોરણે મહિલાઓએ વધારે ગરીબી સહન કરવી પડે છે અને પુરુષો કરતાં તેમની પાસે ઓછા સામાજિક-આર્થિક અધિકારો હોય છે.

આવી સ્થિતિમાં જ્યારે કુદરતી આફત આવે ત્યારે માળખાગત નુકસાન થાય છે, રોજગારી જતી રહે છે અને રહેઠાણનો પ્રશ્ન ઊભો થાય છે.

તેમાંથી બેઠા થવું મુશ્કેલ બની જાય છે. 2005માં કેટરીના વાવાઝોડું ફૂંકાયું અને લુઇઝિયાનામાં પૂર આવ્યું હતું.

તેમાં સૌથી વધુ અસર આફ્રિકન અમેરિકન મહિલાઓને થઈ હતી. દરિયાની સપાટી વધી રહી છે તેના કારણે ન્યૂ ઓર્લિન્સ જેવા નિચાણમાં આવેલા શહેરો સામે જોખમ વધી રહ્યું છે.

રટગર્સ યુનિવર્સિટીમાં મહિલાઓ અને જેન્ડર વિશેના પ્રોફેસર તરીકે કામ કરતાં જેક્લિન લીટ્ટ કહે છે:

'કેટરીના વાવાઝોડું આવ્યું તે પહેલાં પણ ન્યૂ ઓર્લિન્સની આફ્રિકન અમેરિકન વસતિમાં ગરીબીનું પ્રમાણે વધારે હતું.'

બીબીસી ન્યૂઝ સાથેની વાતચીમાં તેમણે કહ્યું હતું કે 'શહેરના 50 ટકા કરતાં વધુ ગરીબ પરિવારોમાં વાલી તરીકે સિંગલ મધર જ હતી.'

'જીવન ગુજારા માટે અને રોજબરોજની જરૂરિયાતો માટે તેમણે પોતાના સમાજમાં એકબીજા પર નિર્ભર નેટવર્ક પર આધાર રાખવાનો હોય છે.'

'વાવાઝોડા પછી વિસ્થાપન થયું તેના કારણે આવા નેટવર્ક પડી ભાગ્યા હતા. તેના કારણે મહિલાઓ અને તેમના સંતાનોની હાલત વધારે ખરાબ થઈ હતી.'

કુદરતી આફત આવે તે પછી આશ્રયસ્થાનો ઊભા કરતાં હોય છે, પણ તેમાં મહિલાઓને મદદ મળે તેવી વ્યવસ્થા અપૂરતી હોય છે.

કેટરીના વાવાઝોડા પછી સુપરડોમ ઊભા કરીને તેમાં અસરગ્રસ્તોને રખાયા હતા, પરંતુ ત્યાં મહિલાઓ માટે પૂરતા પ્રમાણમાં સેનેટરી પ્રોડ્કટ ઉપલબ્ધ નહોતા.

કુદરતી આફતો પછી મહિલાઓ સામે જાતિય સતામણી અને બળાત્કાર સહિતની હિંસા વધી જતી હોય છે, તેવું પણ અભ્યાસોમાં જોવા મળ્યું છે.

'કુદરતી' આફતો?

મનુષ્યની પ્રવૃત્તિઓને કારણે આબોહવામાં પરિવર્તન ઝડપી બન્યું છે.

તે જ રીતે હવામાન અને આબોહવામાં ફેરફારોની અસરો પર સામાજિક માળખું પણ પ્રભાવ પાડે છે.

કુદરતી આફતો બધાને એક સરખી રીતે અસર કરતા નથી.

2004માં આવેલા સુનામી પછી ઓક્ઝફામે તૈયાર કરેલા અહેવાલમાં એવો ખ્યાલ આવ્યો હતો કે શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને ભારતમાં બચી જનારા લોકોમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણે 3:1નું હતું.

એટલે કે ત્રણ પુરુષો સામે એક જ મહિલા બચી શકી હતી.

આવું થવા પાછળ કયું પરિબળ હતું તે સ્પષ્ટ નથી, પણ લગભગ દરેક પ્રદેશમાં આવું એકસરખી રીતે જોવા મળ્યું હતું.

પુરુષોની તરવાની ક્ષમતા વધુ હોય છે, અને બીજું કે મહિલા બાળકો અને કુટુંબના બીજા સભ્યોને બચાવવા માટે વધારે સમય આપતી હોય છે.

20 વર્ષના સમયગાળાને આવરી લેતા અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કુદરતી આફતના કારણે પુરુષની સરખામણી સ્ત્રીનું આયુષ્ય ઘટી જાય છે.

આફતોમાં વધુ સ્ત્રીઓના મોત થાય અને વધુ નાની ઉંમરે નારી જીવ ગુમાવે છે. જે દેશોમાં સ્ત્રીઓ પાસે વધારે સામાજિક-આર્થિક અધિકારો છે ત્યાં આ પ્રમાણે ઓછું જોવા મળે છે.

અડધોઅડધ વિશ્વની અવગણના

સ્ત્રી-પુરુષ વચ્ચે રહેલી આ વિષમતાને ધ્યાનમાં રાખીને સરકારો અને સંસ્થાઓ આબોહવા પરિવર્તનની બાબતમાં થઈ રહેલા કાર્યોમાં, નીતિમાં અને આયોજનમાં મહિલાઓના અભિપ્રાયને વધારે મહત્ત્વ આપી રહ્યા છે.

આબોહવા પરિવર્તનની બાબતમાં જેન્ડર સેન્સિટિવ પ્રતિસાદ આપવામાં આવે તે માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ આગ્રહ રાખતું થયું છે.

આમ છતાં રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ વિશેની ચર્ચામાં ભાગ લઈ રહેલી સંસ્થાઓમાં મહિલાનું સરેરાશ પ્રતિનિધિત્વ 30 ટકાથી ઓછું જ રહ્યું છે.

સ્થાનિક ધોરણે પણ મહિલાઓની ભાગીદારી વધી રહી નથી.

'ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટેના પ્રયાસો અંગે જે નિર્ણયો લેવાય તેમાં મોટા ભાગે મહિલાઓને સામેલ કરવામાં આવતી નથી.

તેને કારણે આ માટેનું ભંડોળ મહિલાઓના બદલે પુરુષોના હાથમાં જ જાય છે:

'એમ પર્યાવરણ વિજ્ઞાની ડાયના લીવરમેને બીબીસીના સાયન્સ ઇન એક્શન પ્રોગ્રામમાં ભાગ લેતી વખતે કહ્યું હતું.'

ઇન્ટરગર્વનમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) આબોહવા અંગે જે અહેવાલો તૈયાર કરે છે તેમાં લેખક તરીકે લીવરમેન સામેલ હોય છે.

આ અહેવાલો ક્લાઇમેટ ચેન્જની પોલીસી પર અસરકર્તા હોય છે. લીવરમેન આ પ્રક્રિયામાં કેટલી મહિલાઓ સામેલ થાય છે તેનો પણ અભ્યાસ કરતા કરે છે.

હવે પછીનો અહેવાલ તૈયાર કરવા માટેનું કામ જેમને સોંપાયું છે તેમાં 25 ટકા મહિલાઓને સામેલ કરવામાં આવી છે.

લીવરમેન કહે છે, 'IPCC મહિલાઓના પ્રતિનિધિત્વની બાબતમાં ખૂબ સજાગ છે અને મહિલાઓને વધારે સારી રીતે મદદરૂપ થવા શું કરવું જોઈએ તેની ચર્ચા પણ અહીં થાય છે.'

'દુનિયામાં સ્ત્રીઓનો હિસ્સો અડધોઅડધ છે. બધા જ અગત્યના નિર્ણયોમાં તેઓ સામેલ થાય તે અગત્યનું છે.'

'ક્લાઇમેટ ચેન્જના પ્રયાસો કોઈ સત્તા માટેની લડાઈ નથી,' હિડાઉ ઉમરાઉ ઇબ્રાહિમ કહે છે, 'આ તો અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટેની લડાઈ છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો