રામ મંદિર બનાવ્યા વિના ભાજપ આગામી ચૂંટણી લડશે તો શું થશે?

    • લેેખક, ઝુબેર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશનાં ગોરખપુર અને ફૂલપુરની સંસદીય પેટાચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની આશ્ચર્યજનક હાર પછી સત્તાની પરસાળોમાં એક સવાલ વારંવાર પૂછવામાં આવી રહ્યો છે કે આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ભાજપ રામ મંદિરને ફરી એકવાર મુદ્દો બનાવશે?

આ સવાલના જવાબમાં ભાજપના આખાબોલા નેતા સુબ્રમણ્યમ સ્વામી કહે છે, "રામ મંદિર બનાવ્યા વિના ચૂંટણી લડશે તો નિશ્ચિત રીતે જ નુકસાન થશે."

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટે આપેલા ચૂકાદાથી અસંતુષ્ટ પક્ષોએ 2010માં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

અલાહાબાદ હાઈ કોર્ટની ત્રણ ન્યાયમૂર્તિઓની એક ખંડપીઠે બે વિરુદ્ધ એકની બહુમતિથી એવો ચૂકાદો આપ્યો હતો કે અયોધ્યાની જમીનને ત્રણ પક્ષકારો - સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે સમાનરૂપે વિભાજિત કરવામાં આવશે.

લાગણી સાથે જોડાયેલી છે માગણી

રામ મંદિરના નિર્માણને હકીકત બનાવવાના હેતુસર સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં આ સંબંધે ચાલી રહેલા કેસમાં એક પક્ષકાર બનવાની અરજી થોડા સમય પહેલાં દાખલ કરી હતી.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં હસ્તક્ષેપની તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

તેમાં ફિલ્મ દિગ્દર્શકો શ્યામ બેનેગલ, અપર્ણા સેન અને માનવાધિકાર કાર્યકર્તા તીસ્તા સેતલવડની અરજીઓ સામેલ હતી.

સુપ્રીમ કોર્ટે માત્ર સુબ્રમણ્યમ સ્વામીની અરજી સંબંધે જણાવ્યું હતું કે તેને હવે એક અલગ અરજીના સ્વરૂપમાં સૂચિબદ્ધ કરવામાં આવશે.

અદાલતના જણાવ્યા અનુસાર, એ અરજીને બાદમાં દાખલ કરી શકાશે.

બીબીસીએ સુબ્રમણ્યમ સ્વામી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની માગણી લાગણી સાથે જોડાયેલી છે.

સુબ્રમણ્યમ સ્વામીના જણાવ્યા અનુસાર, અદાલતમાં ચાલી રહેલો કેસ પ્રોપર્ટીની માલિકી સાથે જોડાયેલો છે, પણ તેમની અરજીને આસ્થા સાથે સંબંધ છે.

રામ જન્મસ્થાનમાં પ્રાર્થના કરવાનો મૌલિક અધિકાર તેમને મળવો જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામીની અરજીની સુનાવણી ક્યારે શરૂ થશે એ હાલ નક્કી નથી, પણ તેમને ખાતરી છે કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસ પહેલાં તેમની અરજી બાબતે ફેંસલો જરૂર થઈ જશે.

રામ મંદિર નિર્માણ ચૂંટણી ઢંઢેરાનો હિસ્સો

રામ મંદિરનું નિર્માણ ભાજપના ચૂંટણી ઢંઢેરાનો હિસ્સો હંમેશા બની રહ્યું છે પણ તેનો ગંભીરતાથી અમલ નહીં કરવાનો આક્ષેપ ભાજપ પર થતો રહ્યો છે.

ભાજપ પર એવો આરોપ છે કે તેણે રામ મંદિર મુદ્દાનો ઉપયોગ માત્ર ચૂંટણી જીતવા માટે કર્યો છે. આ મુદ્દાને જીવંત રાખવો તેના માટે લાભકારક છે.

સુબ્રમણ્યમ સ્વામી રામ મંદિરને આસ્થાનો મુદ્દો માને છે ત્યારે માનવાધિકાર કાર્યકર તીસ્તા સેતલવાડ જણાવે છે કે 'હિન્દુત્વ પરિવારે' આ મુદ્દાને રાજકીય બનાવી દીધો છે.

સત્તાધારી પક્ષના લોકો ડરેલા કેમ છે?

હવે ઉત્તર પ્રદેશમાં સંસદીય પેટાચૂંટણીમાં, ખાસ કરીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ગઢમાં ભાજપની હાર થઈ છે ત્યારે રામ મંદિરને સહારે આગામી સામાન્ય ચૂંટણી લડવાનું પક્ષની મજબૂરી બનશે?

સુબ્રમણ્યમ સ્વામીના જણાવ્યા અનુસાર, ભાજપ કે સરકારે આ સંબંધે અત્યાર સુધી કશું કર્યું નથી. તેમને ડર છે કે રામ મંદિર કેસમાં તેમની તરફેણમાં ચૂકાદો આવશે તો તેનું શ્રેય તેમને નહીં મળે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું, "બધું શ્રેય મને મળશે એવો ડર સત્તાધારી પક્ષના ઘણા લોકોને છે."

અદાલતમાં પોતે શું દલીલ કરી હતી એ બુધવારે અદાલતના નિર્ણય બાદ સુબ્રમણ્યમ સ્વામીએ બીબીસીને જણાવ્યું હતું.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું, "મેં કોર્ટને જણાવ્યું હતું કે આપ મારી વાત સાંભળો અથવા મારી અરજીને રિટ પિટિશન બનાવીને કોઈ અન્ય અદાલતને સોંપી દો, જ્યાં હું રજૂઆત કરી શકું. કોર્ટે એવું કર્યું છે."

સુન્ની વક્ફ બોર્ડના જફરયાબ જિલાની સ્વીકારે છે કે સુબ્રમણ્યમ સ્વામીના હસ્તક્ષેપ બાદ આ કેસમાં ગતિ આવી છે.

જોકે, તેની સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસ પર કોઈ અસર નહીં થાય, એવું તેઓ માને છે.

જફરયાબ જિલાનીએ કહ્યું હતું, "(આ કેસને ગતિ આપવામાં) સુબ્રમણ્યમ સ્વામીની ભૂમિકા છે એ વાત સાચી."

"એ વખતે મોદીને એમ લાગતું હતું કે છ મહિનામાં ચૂકાદો આવી જશે, પણ અદાલતમાં દલીલો શરૂ થઈ પછી ખબર પડી કે દલીલોનું સ્વરૂપ કેવું છે."

ચૂકાદો ક્યારે આવી શકે?

જફરયાબ જિલાની માને છે કે રામ જન્મભૂમિ કેસનો ચૂકાદો સામાન્ય ચૂંટણી પછી જ આવશે.

આ કેસ સુપ્રિમ કોર્ટમાં સાડા સાત વર્ષ પહેલાં આવ્યો હતો. કેસની સુનાવણી ઝડપભેર થશે તો પણ ચૂકાદો ચૂંટણી પહેલાં નહીં આવે.

એ પહેલાં ચૂકાદો આવશે અને એ રામ જન્મભૂમિની તરફેણમાં હશે તો પણ તેનું શ્રેય પોતાને મળવું જોઈએ, એવું સુબ્રમણ્યમ સ્વામી માને છે.

નિષ્ણાતો કહે છે કે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સરકારો રામ મંદિરના નિર્માણની દિશામાં નક્કર પગલાં ભરી રહી છે એવું નહીં લાગે ત્યાં સુધી ટેકેદારો તેમનો ભરોસો નહીં કરે.

નક્કર પગલાં લેવા માટે હવે બહુ ઓછો સમય છે. તેથી આ મુદ્દો ઉઠાવવાથી સામાન્ય ચૂંટણીમાં કેટલો ફાયદો થશે એ ભાજપએ વિચારવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો