રાજકારણમાં એક નવા યુવાને યોગીને પોતાના ગઢમાં જ હરાવ્યા

    • લેેખક, કુમાર હર્ષ
    • પદ, ગોરખપુરથી, બીબીસી ગુજરાતી માટે

ગોરખપુર લોકસભામાંથી પાંચ વખત ચૂંટાઈને આવેલા યોગી આદિત્યનાથને તેમના જ ગઢમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભાજપ લોકસભાની ગોરખપુર અને ફૂલપુર બંને બેઠકો પર પેટાચૂંટણી હારી ગયો છે. તો બિહારમાં પણ એક લોકસભાની એક બેઠક પર થયેલી પેટાચૂંટણી હારી ગયો છે.

ગયા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થઈ અને આદિત્યનાથ યોગીને ઉત્તર પ્રદેશની કમાન સોંપવામાં આવી. જે બાદ ગોરખપુર લોકસભા સીટ ખાલી થઈ ગઈ.

યોગીનો ગઢ ગણાતી આ બેઠક પર આ વખતે 29 વર્ષના પ્રવીણ કુમાર નિષાદ વિજયી થયા છે.

નોઇડાથી મિકેનિકલ એન્જિનિયરમાં બી.ટેક કરનાર પ્રવીણ કુમાર માટે આ પહેલી ચૂંટણી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

આ સીટ પર ખુદ યૂપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી અને સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી.

મતગણતરી પહેલાં રાજકીય વિશ્લેષકો એવું માનીને ચાલી રહ્યા હતા કે આખરે આ બેઠક ભાજપના ખાતામાં જ જશે. પરંતુ આવુ ના થયું.

આ વર્ષનો આ સૌથી મોટો ઉલટફેર ગણવામાં આવી રહ્યો છે. જેમાં સમાજવાદી પાર્ટી બાજી મારી ગઈ.

વારસામાં મળી રાજનીતિ

પ્રવીણ કુમાર નિષાદ માટે ભલે આ પહેલી ચૂંટણી હોય પરંતુ રાજકારણ તેમના માટે નવું નથી.

પ્રવીણ નિષાદના પિતા ડૉક્ટર સંજય કુમાર નિષાદ રાષ્ટ્રીય નિષાદ પાર્ટીના સંસ્થાપક છે. વર્ષ 2013માં તેમણે આ પાર્ટી ઊભી કરી. ત્યારે પ્રવીણ કુમાર આ પાર્ટીના પ્રવક્તા બની ગયા.

વર્ષ 2008માં બી.ટેક કર્યા બાદ 2009 થી 2013 સુધી તેમણે રાજસ્થાનના ભિવાડીમાં એક પ્રાઇવેટ કંપનીમાં પ્રૉડક્શન એન્જિનિયર તરીકે નોકરી કરી હતી.

પરંતુ 2013માં પોતાના પિતાના રાજનીતિના સપનાઓમાં રંગ ભરવા માટે તેઓ ગોરખપુર પરત આવી ગયા.

તેમની જેમ જ તેમના પિતા સંજય કુમાર પણ રાજકારણમાં આવતા પહેલાં અન્ય કાર્યો સાથે જોડાયેલા હતા.

પિતાની મહેનત

વર્ષ 2002 અને 2003 સુધી ગોરખપુરના અખબારોની ઓફિસમાં ડૉક્ટર સંજય કુમાર ઇલેક્ટ્રો હોમિયોપેથીને માન્યતા અપાવવા માટે ભાષણો આપતા અને પેમ્ફલેટ વિતરણ કરતા નજરે પડતા હતા.

ડો. સંજયની રાજકારણમાં આવવાની મહત્વકાંક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે 2008માં ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઇનોરિટી વેલફર એસોસિયેશનની સ્થાપના કરી.

પરંતુ 2015 તેઓ પહેલીવાર ત્યારે સમાચારમાં આવ્યા જ્યારે ગોરખપુરની બાજુમાં આવેલા સહજનવાના કસરાવલ ગામ પાસે નિષાદોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની માગને લઈને તેમના નેતૃત્વમાં ટ્રેન રોકવામાં આવી.

એ દિવસે હિંસક પ્રદર્શનો વચ્ચે એક આંદોલનકર્તાનું પોલીસ ફાયરિંગમાં મોત થઈ ગયું. જે બાદ આંદોલનકર્તાઓએ મોટી સંખ્યામાં વાહનો સળગાવ્યાં હતાં.

તે બાદ સંજય કુમાર પર તત્કાલિન સમાજવાદી પાર્ટીની સરકારમાં અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી.

નિષાદ પાર્ટી અને સપા સાથે ગઠબંધન

વર્ષ 2016માં સંજય કુમારે નિષાદ પાર્ટીની સ્થાપના કરી. ગઈ વિધાનસભાની ચૂંટણીઓમાં આ પાર્ટીએ 80 બેઠકો પર ચૂંટણી લડી હતી.

આ ચૂંટણી તેમણે યૂપીની એક પીસ પાર્ટી સાથે ગઠબંધનમાં લડી હતી.

જોકે, તેમાં માત્ર એક બેઠક પર જ તેમના ઉમેદવારની જીત થઈ હતી. સંજય કુમાર ખુદ પણ ચૂંટણી હારી ગયા હતા.

જ્યારે ગોરખપુરમાં પેટાચૂંટણીનો સળવળાટ શરૂ થયો તો નિષાદની આ સીટ પર સક્રિયતા જોઈને સમાવાદી પાર્ટીએ નિષાદ પાર્ટીના વિલયનો પ્રસ્તાવ રાખ્યો. પરંતુ સંજય કુમારે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો.

બાદમાં સમાજવાદી પાર્ટીએ તેમને મહત્ત્વ આપતા તેમના પુત્ર પ્રવીણ કુમાર નિષાદને પોતાના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊતાર્યા.

પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે પ્રવીણ કુમારે પોતાના પાસે 45,000 રૂપિયા અને સરકારી કર્મચારી પત્ની રિતિકા પાસે 32,000 રૂપિયા રોકડા હોવાની માહિતી આપી હતી.

તેમની પાસે ભલે રોકડ ઓછી હોય પરંતુ તેમના સમર્થકો અને મતદાતાના સહયોગથી હાલ તેઓ જીતી ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો