પાંચ દેશ, પાંચ માતાઓ, પરંતુ એક સમાન માતૃત્વ

પાંચ ફોટોગ્રાફર વિશ્વના પાંચ જુદાજુદા દેશોમાં ગયા અને પાંચ માતાઓની પ્રસૂતિ સમયે તેમની સાથે રહ્યા. તેમણે નવજાત બાળકો સાથે તેમની માતાના ફોટોગ્રાફ્સ લીધા.

બાળકો માટે કામ કરી રહેલી સંસ્થા 'સેવ ધ ચિલ્ડ્રન' માટે તેમણે આ ફોટોગ્રાફ્સ લીધા, જેમાં છલોછલ માતૃત્વની લાગણી ચરિતાર્થ થઈ રહી છે.

કેન્યાના 'મેગ્નમ ફોટોઝ'ના બેલ્જિયન ફોટોગ્રાફર બિક ડિપોર્ટરે, કેન્યાના બુનગોમા વિસ્તારની યાત્રા કરી. અહીં ડિપોર્ટરની મુલાકાત નેલી સાથે થઈ. જે તેમના ત્રીજા બાળકને જન્મ આપવાનાં હતાં.

આ બાળકનું નામ ફોટોગ્રાફરના નામથી પ્રભાવિત થઈ બિક રાખવામાં આવ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

કેન્યા

ગર્ભાવસ્થાની પીડાના કારણે નેલીને મોટરસાઇકલ ઍમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

કટોકટીની સ્થિતિમાં આ વિસ્તારમાં કાદવવાળા રસ્તાઓ પર મોટરસાઇકલ એકમાત્ર જ સહારો છે.

એક દાયણે નેલીની મદદ કરી. નેલીની નોર્મલ ડિલવરી થઈ અને તે સમય દરમિયાન તેમને કોઈ પણ પ્રકારની પેઇન કિલર દવા આપવામાં આવી ન હતી.

નેલી કહે છે, "મેં ઘણી પ્રાર્થના કરી. ડૉકટર્સ હોવાના કારણે મને કોઈ ચિંતા નહોતી."

રોમાનિયા

ડાના પોપા લંડન સ્થિત ફોટોગ્રાફર છે. ડાનાએ રોમાનિયામાં બુખારેસ્ટની મુલાકાત લીધી, જ્યાં તેઓ રુખસાનાને મળ્યા.

રુખસાના તેમના પ્રથમ બાળકને જન્મ આપવાનાં હતાં.

રુખસનાના ગર્ભ ધારણ કર્યાના થોડાક દિવસો પછી જ તેમના પતિનું મૃત્યુ થયું હતું.

બુખારેસ્ટની એક હૉસ્પિટલમાં તેમના નવજાત બાળક સાથે આરામ કરતી રુખસાના તેમના પતિને યાદ કરે છે.

રુખસાના કહે છે, "મારા પતિ એક પરિવાર અને બાળક ઇચ્છતા હતા. તેમને બાળકો ખૂબ પસંદ હતાં."

"જ્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું, ત્યારે મને ખૂબ ડર લાગ્યો હતો."

"કારણ કે તે સમયે અમારા સંજોગો બાળકને આ દુનિયામાં લાવવા માટે યોગ્ય નહોતા. હું વધુ છ મહિના પછી માતા બનવા ઇચ્છતી હતી."

"પરંતુ તેમણે મારી આંખોમાં જોઈ મને કહ્યું હતું કે સારા સમય વિશે પહેલાંથી જાણી શકાતું નથી."

"અને જ્યારે હું માત્ર ત્રણ કે ચાર મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેમને હાર્ટઍટેક આવ્યો. ત્રણ અઠવાડિયાં પછી તેમનું મૃત્યુ થયું."

ગ્વાટેમાલા

સ્પેનિશ ફોટોગ્રાફર કારલોતા ગુવેરેરોએ ગ્વાટેમાલાનો પ્રવાસ કર્યો.

અહીં તેમની મુલાકાત 19 વર્ષનાં જેનિફર સાથે થઈ. જેમણે પોતાના બીજા દીકરા, ડેનિયલને જન્મ આપ્યો હતો.

જેનિફર ગ્વાટેમાલાના ક્વાટેઝાલટેનાંગોમાં રહે છે. તેઓ શહેરની બહારના વિસ્તારમાં તેમનાં માતાપિતા સાથે રહે છે.

આ પહેલાં તેઓ એક છોકરીનાં માતા બની ગયાં છે. તેમની દીકરી હવે ત્રણ વર્ષની છે.

જેનિફરે તેમના બીજા બાળક ડેનિયલને એક સરકારી હૉસ્પિટલમાં જન્મ આપ્યો હતો. એમના પતિ હૉસ્પિટલમાં હાજર હતા, પરંતુ પ્રસૂતિરૂમમાં જવાની તેમને પરવાનગી નહોતી.

જેનિફરને લગભગ આઠ કલાક સુધી પ્રસૂતિની પીડા થઈ.

એમનું બાળક મોટું હતું અને તેમને પ્રસવ દરમિયાન ખૂબ પીડા થઈ.

પછી ડૉક્ટરોએ ઇપિસિટોમી પ્રક્રિયાનો ઉપયોગ કરી બાળકનો જન્મ કરાવ્યો.

જેનિફર કહે છે, "જ્યારે મારા બાળકનો જન્મ થયો ત્યારે મને ખૂબ ખુશી થઈ. એ આનંદને વ્યક્ત કરવા મારી પાસે શબ્દ નથી."

"તમે જાણો છો કે તમારું બાળક જન્મ્યું છે અને હવે તે તમારી સાથે હંમેશાં રહેશે."

નેપાળ

નેપાળમાં, ફોટોગ્રાફર ડાયના મરકોસિયન 25 વર્ષની છોટી નામનાં માતાની પ્રસૂતિના સાક્ષી બન્યા. જેમણે તેમના પુત્ર ઇરફાનને જન્મ આપ્યો.

છોટી નેપાળના બાંકા જિલ્લામાં રહે છે અને આ તેમનું ત્રીજું બાળક છે. ઇરફાનનો જન્મ 'સેવ દ ચિલ્ડ્રન' સંસ્થા દ્વારા ચાલતી ક્લિનિકમાં થયો હતો.

નેપાળની ઘણી સ્ત્રીઓએ તબીબી સહાય વિના જ બાળકોને જન્મ આપવો પડે છે.

છોટી કહે છે, "મારા માટે માતા બનવાનો અર્થ એ હતો કે મારે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે."

"પરંતુ જ્યારે હું વૃદ્ધ થઈશ, ત્યારે મારાં બાળકો મારી કાળજી લેશે. જ્યારે મારું શરીર કામ કરવા સમર્થ નહીં રહે ત્યારે મારો દીકરો અને તેની પત્ની મારું ધ્યાન રાખશે."

"મારું બાળક ખૂબ જ નાનું છે. અત્યારે તો એ ફક્ત ઊંઘે છે. જ્યારે મારો મોટો પુત્ર સવારે ઊઠે છે, ત્યારે તે પોતાના નાના ભાઈ સાથે રમે છે, તેને વહાલ કરે છે, તેની સંભાળ રાખે છે અને પ્રેમ કરે છે."

બ્રિટન

સિયાન ડેવીએ 37 વર્ષની ઉંમરે માતા બનનારાં એલનની તસવીર લીધી. એલને બે વર્ષના પ્રયાસો બાદ એમની દીકરી એલિસને જન્મ આપ્યો છે.

લંડનમાં તેઓ તેમના પતિ એન્ડી સાથે રહે છે. આ પહેલાં તેમનો બે વાર ગર્ભપાત થઈ ચૂક્યો છે.

એલન 11 વાગ્યે ડિલિવરી રૂમમાં ગયા અને પછી બપોરે ત્રણ વાગ્યે એલિસનો જન્મ થયો. તેમના પતિ એન્ડી આ સમય દરમિયાન એલનની સાથે હતા.

જ્યારે એલિસનો જન્મ થયો ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એલિસની પીઠ રગડી અને માતા સાથે જોડાયેલી ગર્ભનાળ કાપવાનું કહ્યું.

એની ત્રણ મિનિટ પછી, એલિસે તેનો પ્રથમ શ્વાસ લીધો.

(આ બધી જ તસવીરો સેવ દ ચિલ્ડ્રન દ્વારા પ્રાપ્ત થઈ છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો