વિશ્વની એ નોકરીઓ, જેના પર ભવિષ્યમાં જોખમ તોળાશે

શું સતત કામ કરીને તમે કંટાળી ગયા છો? તમારો જવાબ જો હા હોય તો કાં તો તમારું કામ કંટાળાજનક હશે કે કાં તો તમે સતત એક પ્રકારનું જ, રોમાંચ વગરનું કામ કરી રહ્યા હશો.

કારણ ભલે ગમે તે હોય, જો આવું કંઈ પણ થઈ રહ્યું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર છે.

ફંડ મૅનેજર અને લેખક જૉન પુઇયાનો કહે છે, "જે કામ રોજિંદું થઈ ગયું હોય તો તેના વિશે અનુમાન લગાવી શકાય છે કે તે કામને પાંચ કે પછી દસ વર્ષમાં મેથમેટિકલ અલ્ગોરિદમથી કરવાનું શક્ય બની જશે. વિકસિત દેશોમાં તો તેવું થવા જ લાગ્યું છે."

પુઇયાનો નવા વિચારોથી ભરપૂર પુસ્તકોની સિરીઝ લખી ચૂક્યા છે, જેમાં 'ધ રૉબોટ્સ આર કમિંગ- અ હ્યૂમન સરવાઇવલ ગાઇડ ટૂ પ્રૉફિટિંગ ઇન ધ ઍજ ઑફ ઑટોમેશન' સામેલ છે.

પુઇયાનોએ એવા કામોની યાદી તૈયાર કરી છે કે જેને આગામી સમયમાં ટેકનિકથી ખતરો છે. તેમાં ચિકિત્સા અને વકીલાત જેવા ક્ષેત્ર સામેલ છે.

આ વ્યવસાયોને અત્યાર સુધી સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ક્ષેત્ર માનવામાં આવી રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

દુનિયામાં સ્પેનિશ ભાષા બોલતા વિસ્તારો માટે બીબીસીની સમાચાર સેવા 'બીબીસી મુંડો' સાથે વાત કરતા પુઇયાનોએ જણાવ્યું, "ડૉક્ટર અને વકીલ ગાયબ તો નહીં થાય, પણ અહીં શ્રમ આધારિત કાર્યો ખૂબ ઓછા થઈ જશે."

તકનીકને કારણે જે સાત પ્રકારની નોકરીઓ પર જોખમ સર્જાયું છે એની યાદી અહીં રજુ કરાઈ રહી છે.

જોકે, આમાના કેટલાક કામ તો ભવિષ્યમાં પણ કાર્યનિષ્ણાતોના હવાલે જ રહેશે.

1. ડૉક્ટરની નોકરી

આ સાંભળવામાં ખૂબ દુરની વાત લાગે છે. કેમ કે ડૉક્ટરની માગ હંમેશાંથી રહી છે અને હવે તો દુનિયામાં વડીલોની સંખ્યામ પણ વધી રહી છે.

પરંતુ પુઇયાનોના જણાવ્યા અનુસાર બીમારીઓની તપાસમાં 'ઑટોમેટેડ મશીનો'ની દખલગીરી વધી જશે, જેનાથી આ ક્ષેત્રની કેટલીક નોકરીઓ પર ખતરો તોળાશે.

જોકે, ઇમરજન્સી વૉર્ડમાં તબીબો અને સહાયકોની જરૂરિયાત યથાવત રહેશે, તે સાથે વિશેષજ્ઞોની પણ જરૂરિયાત રહેશે.

2. વકીલોની દુનિયા

પુઇયાનોના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં દસ્તાવેજોને તૈયાર કરવા કે રોજિંદા કામકાજ માટે વકીલોની ઓછી જરુર પડશે.

જે કાયદાકીય કાર્યોમાં વિશેષજ્ઞત્વ અને અનુભવની જરુર નહીં હોય, તે કામ કમ્પ્યૂટર સૉફ્ટવેર કરવા લાગશે.

3. આર્કિટેક્ટ જેવો વ્યવસાય

સૉફ્ટવેર હવે ઇમારતની ડિઝાઇન તૈયાર કરવા લાગ્યા છે.

પુઇયાનોના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં, આર્કિટેક્ચરની દુનિયામાં માત્ર રચનાત્મક અને કળાત્મક આર્કિટેક્ટ જ ટકી શકશે.

4. એકાઉન્ટન્ટ

વેરાની ગણતરી ભારે અઘરી અને જટિલ ગણાય છે અને તેમાં પણ દક્ષ એકાઉન્ટન્ટની જરૂરીયાત ચાલુ રહશે.

જોકે, પુઇયાનોના જણાવ્યા અનુસાર સામાન્ય વેરાનું કામ કરતા ઍકાઉન્ટન્ટની જરૂર નહીં રહે.

5. ફાઇટર વિમાનોના પાયલટ

ડ્રૉન વિમાનોએ હવે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ઊડતા પાઇલટનું સ્થાન આંચકી લીધું છે.

આવનારા સમયમાં પણ આ સિલસિલો ચાલુ રહેશે અને યુદ્ધની પરિસ્થિતિઓમાં સ્વચાલિત સિસ્ટમનો ઉપયોગ વધી જશે.

6. પોલીસ તેમજ જાસૂસ

સામાન્ય દેખરેખ અને ઓછી નિપુણતા ધરાવતી તપાસનું કામ અત્યાધુનિક તકનીકના માધ્યમથી થવા લાગ્યું છે.

પોલીસ હોય કે જાસૂસ, તેમની નોકરીઓ ગાયબ તો નહીં થાય પણ તેમની માગ ઘટી જશે.

7. રિયલ સ્ટેટ એજન્ટ

રિટેઇલિંગના વ્યવસાયોની જેમ જ હવે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ વેબસાઇટ્સ તેમજ ઑનલાઇન ખરીદ વેચાણે પરંપરાગત રૂપે આ કરી રહેલા લોકોના કાર્ય પર અસર વર્તાવી છે.

તકનીકના વધતા ઉપયોગથી સૌથી વધારે ખતરો કંપનીઓમાં મિડલ મેનેજર તરીકે કામ કરતા લોકોને થશે.

કઈકઈ નવી નોકરીઓ આવશે?

પુઇયાનોનું માનવું છે કે તકનીક વધતી દખલગીરીથી એક તરફ નોકરીઓ ઓછી થશે, તો બીજી બાજુ કેટલીક નોકરીઓમાં વધારો પણ થશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ, સૉફ્ટવેર અને ઍલ્ગોરિધમ ડેવલપમૅન્ટ કરતા ડેવલોપર માટે સારી તકો ઊભી થશે.

આ સિવાય સિસ્ટમની દેખરેખ કરી રહેલા અને રિપેરિંગ કામ કરી શકતા કુશળ એંજિનિયરોની માગ પણ વધશે.

એટલું જ નહીં. પુઇયાનોના જણાવ્યા પ્રમાણે પાણીના નળને ઠીક કરતા પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન અને બિલ્ડિંગ બનાવતા કુશળ કારીગરોની માગમાં વધારો થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો