જ્યારે હું ગાંધી બનીને ગુજરાતનાં 150 ગામડાંમાં ફર્યો

    • લેેખક, અસ્મિતા દવે
    • પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

એક કલાકાર ગાંધીના વેશ સાથે જ્યારે ગાંધીનાં મૂલ્યો અને જીવનશૈલીને પણ અપનાવે છે, ત્યારે તેના વ્યક્તિત્વમાં કેવા ફેરફાર થાય છે.

એ અંગે ફિલ્મ અને નાટકની દુનિયાના જાણીતા કલાકાર દીપક અંતાણી પોતાના અનુભવો વર્ણવે છે.

હાલમાં જ દીપક અંતાણી ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યોજેલી યાત્રામાં ગાંધી બનીને ગામડાંમાં ફર્યા હતા.

દીપક અંતાણી જણાવે છે, "હું લગભગ છેલ્લાં આઠેક વર્ષથી વિવિધ ડૉક્યુમેન્ટરી ફિલ્મ અને નાટકોમાં ગાંધીજીની ભૂમિકા નિભાવતો આવ્યો છું."

"એ માત્ર નાટકના બે કલાક પૂરતું હોય અથવા બે શો હોય તો ચાર કે છ કલાક, પણ પ્રથમ વખત એવું બન્યું કે સવારથી રાત સુધી મારે ગાંધીજીના પરિવેશમાં રહેવાનું હતું."

"એ પણ મંચ પર કે કૅમેરા સામે નહીં પણ હજારો લોકોની મેદની વચ્ચે લોકોની હાજરીમાં. એ એક અકલ્પનીય અનુભવ હતો."

"તમને લોકો ચાંલ્લા કરે, હાર પહેરાવે તમારા ઓવારણાં લે એ તમને સ્પર્શી જાય."

પદયાત્રા બને જીવનયાત્રા

ભાજપના નેતા મનસુખ માંડવિયા દ્વારા 16 થી 22 જાન્યુઆરી દરમિયાન ગાંધીજીની 150મી જયંતિ વર્ષને ધ્યાનમાં રાખીને 'પદયાત્રા બને જીવનયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લાના મણાર ગામમાં આવેલી ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થાથી શરૂ થયેલી આ યાત્રા 150 ગામોમાંથી પસાર થઈને ભાવનગર જિલ્લામાં આવેલી લોકભારતી સણોસરા ભાવનગર ખાતે પૂરી થઈ.

ભાવનગર જિલ્લાનાં 150 ગામને જોડતી 150 કિલોમીટર લાંબી યાત્રાની આગેવાની કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી મનસુખ માંડવિયાએ લીધી હતી.

દીપક અંતાણી જણાવે છે, "લોકો મને રસ્તામાં ગાંધીજી તરીકે પગે લાગે ત્યારે મને જવાબદારીનો ભાર અનુભવાય છે."

બધી વેશભૂષાની જ કમાલ છે

"સામાન્ય કપડામાં હું જઈશ તો મને કોઈ ઓળખશે નહીં કે આટલાં માનપાન નહીં મળે."

"આ જે ભાવ છે એ ગાંધીને માટે છે. જે છે એ બધી વેશભૂષાની જ કમાલ છે."

"કિંમત ગાંધી મૂલ્યો અને આદર્શોની છે. લોકોના મનમાં એ કેટલાં અકબંધ જળવાઈ રહ્યાં છે, તે આ પ્રતિભાવ પરથી ખ્યાલ આવે છે."

આ પરિવેશની ગંભીરતા બાબતે દીપક અંતાણી પોતાના શ્રીમદ્દ રાજચંદ્ર પરના 'યુગપુરુષ' નાટકનો એક પ્રસંગ યાદ કરે છે.

તેમણે કહ્યું, "એક વખત અમારો નાટકનો શો હતો, હું ગાંધીજી તરીકે મંચ પર હતો."

"ત્યારે જ બૅકસ્ટેજમાં કોઈએ કોઈ કારણસર ખિલ્લી ઠોકવાનું શરૂ કર્યું."

"એટલે મેં જરા અકળાઈને નાટક અટકાવ્યું અને સ્ટેજ પરથી જ મેં બૂમ પાડી કે ખલેલ પહોંચે છે તો અવાજ ન કરવો."

"શો પૂરો થયા પછી મને અમુક લોકો આવીને કહી ગયા કે, અમને નાટક ગમ્યું પણ તમે ગાંધીજીના પરિવેશમાં હતા ત્યારે આ રીતે ગુસ્સો કર્યો એ અમને ના ગમ્યું."

"ત્યારથી હું વધુ સચેત થઈ ગયો કે, જ્યારે પણ હું આ પરિવેષમાં હોઉં ત્યારે વધુ સભાનતાપૂર્વક વર્તું છું."

જીવંત વ્યક્તિનો પરિવેશ ધારણ કરવો અઘરો

આ પાત્રની પોતાના સ્વભાવ પર થયેલી અસર અંગે દીપક અંતાણી જણાવે છે, "મારા સ્વભાવમાં ઘણો ફરક પડ્યો છે, એવું મને લોકો કહે છે."

"તમે કોઈના પર ગુસ્સામાં બૂમ ન પાડી શકો. તમે લોકો વચ્ચે હોવ અને કોઈ ધક્કામુક્કી કરે છે તો તમે તેમને ગુસ્સામાં આવીને ધક્કો ન મારી શકો."

"તમે કોઈને ધમકાવી ન શકો. બોલતી વખતે શબ્દોના ઉપયોગમાં ધ્યાન રાખવું પડે છે."

"અભ્યાસ અને સચેત રહેવાથી ધીરે ધીરે એ બાબતો તમારા સ્વભાવમાં પણ વણાઈ જાય છે."

"લોકોએ ગાંધીજીના વીડિયો અને તસવીરો જોયાં છે. એમને ખ્યાલ છે કે ગાંધીજી કેવી રીતે બોલતા, કેવી રીતે ચાલતા."

"રામ કે રાવણનું પાત્ર ભજવશો તો તમારી તુલના માત્ર એક બે ટેલિવિઝનના કલાકારો સાથે જ થશે."

"તેથી ગંધીજીને ભજવવા વધુ અઘરા. તેમાં પણ લોકો વચ્ચે રહીને ગાંધીથી નજીક રહેવાની જવાબદારી વધી જાય."

"જોકે, તમને પણ પાત્ર તૈયાર કરવામાં એટલી જ સરળતા રહે છે."

ગાંધીની ભૂમિકા શરૂ કર્યા પછી વ્યસન છોડ્યું

આટલા લાંબા વખતથી ગાંધીજીની ભૂમિકા નિભાવવાની પોતાના સ્વભાવ પર અસર બાબતે દીપક અંતાણી જણાવે છે,

"ગાંધીજીની ભૂમિકા શરૂ કર્યા પછી મેં વ્યસન છોડી દીધાં છે. લગભગ છ વર્ષ પહેલાં મેં નાનાં મોટાં વ્યસન કરતો એ છોડી દીધાં."

"તે ઉપરાંત ગાંધીજીનું બહુ દુબળું પાતળું શરીર હતું. વારંવાર તેમની ભૂમિકા કરવાની થતી હોવાથી મારે પણ એ જ બાંધો જાળવી રાખવો પડે છે."

દીપક અંતાણીએ પણ બાપુની જેમ પગપાળા યાત્રા પૂરી કરી. આ અંગે તેઓ છે, "પહેલાં એવું નક્કી થયેલું કે, ગાડીમાં દરેક ગામ પર પહોંચીશું."

"જોકે, દરેક ગામમાં એવો પ્રતિસાદ મળતો રહ્યો અને એટલાં બધાં લોકો જોડાતાં રહ્યાં કે મેં પછી પગપાળા જ યાત્રા પૂરી કરવાનું નક્કી કર્યું."

રૂપિયાની નોટ પર મારો ચહેરો હસતો કેવી રીતે રહેશે

આ યાત્રામાં દીપક અંતાણીએ વીડિયો પ્રૉડક્શનમાં કેટલુંક લખાણ પણ લખ્યું હતું.

આની વાત કરતા તેઓ કહે છે કે જેમાં વિવિધ પ્રકારની વાતો કરતો.

એક ઉદાહરણ તરીકે જોઈએ તો જેમ કે હું લોકોને કહું, "તમારા ખિસ્સામાં જે નોટ પડી છે, તેમાં મારો ચહેરો છે. એ ચહેરો ક્યારે હસતો રહેશે?"

"તેને તમે સારા કામમાં વાપરશો, વ્યસન માટે નહીં વાપરો તો એ ચહેરો હસતો રહેશે."

"અંગ્રેજો પાસે બંદૂક અને કારતૂસ હતાં તો મારી પાસે સત્યનું હથિયાર હતું."

"રામ મોરી સાથે મેં પ્રશ્નોત્તરી પણ કરી, જેમાં દાંડી યાત્રા વિશે વાત કરી."

"તે ઉપરાંત કેટલાક કિસ્સાઓ મેં ગાંધીજી તરીકે કહ્યા."

તમે આ વાંચ્યું કે નહીં?

યાત્રામાં ગાંધી બનવાના મને પૈસા મળ્યા હતા

તેમણે કહ્યું કે, આ સમગ્ર યાત્રામાં ભાગ લેનાર પ્રૉડક્શન ટીમ સહિત તેમને નિશ્ચિત રકમ ચૂકવવામાં આવી હતી.

દેશના ખૂણે ખૂણેથી ગાંધી વિચારોને વરેલા જનસમુદાય, લેખકો સાહિત્યકારો અને ફિલ્મ ટિવી સિરિયલના કલાકારો આ યાત્રામાં જોડાયા હતા.

આ સાથે કેટલાક રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના મંત્રીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા.

જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સથી સંબોધન કર્યું અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સમાપન સમારોહમાં હાજરી આપી હતી.

આ વિશે વધુ વાંચો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો