સુભાષ ચંદ્ર બોઝના મોતના રહસ્યને ઉઘાડું પાડવા 18 વર્ષ સુધી મથનાર વ્યક્તિની કહાણી

    • લેેખક, અસ્મિતા દવે
    • પદ, બીબીસી ગુજરાતી

દેશભરનાં વિવિધ અખબારો અને ન્યૂઝ ચેનલમાં અનેક પત્રકારો કામ કરતા હોય છે, તેમાંથી દરેક વ્યક્તિ નિયમિત રીતે કોઈ જબરદસ્ત બ્રેકિંગ સ્ટોરી અને સમાચારો લખે તેવું નથી બનતું.

હરીફાઈની આ દુનિયામાં એક સામાન્ય પત્રકારને એક સુભાષ ચંદ્ર બોઝનું ન્યૂઝ અસાઇન્મેન્ટ મળે છે. જે તેના સમગ્ર જીવનને બદલી નાખે છે.

આ એક અસાઇન્મેન્ટ અને એક સમાચાર માટેના અભ્યાસથી શરૂ થયેલી સફર 18 વર્ષ સુધી ચાલે છે.

આ પત્રકારનું નામ છે અનુજ ધર તેઓ છેલ્લાં અઢાર વર્ષથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુના રહસ્ય અને તેની આસપાસની ઘટનાઓ પર કામ કરી રહ્યા છે. તેઓ 'મિશન નેતાજી' ચલાવે છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1895ના રોજ થયો હતો.

તેમજ સરકારી માહિતી મુજબ 18 ઓગસ્ટ,1945ના રોજ તાઇવાનમાં વિમાન અકસ્માતમાં 48 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

તેમના અવસાનને લઈને ત્રણ મત છે, તેઓ આ દિવસે મૃત્યુ પામ્યા. બીજા મત મુજબ આ દિવસે કોઈ પ્લેન ઊડ્યું જ નહોતું અને નેતાજી રશિયામાં મૃત્યુ પામ્યા.

ત્રીજો મત છે કે બોઝ ગુમનામી બાબાના નામે 1985 સુધી ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં રહેતા હતા.

અસાઇન્મેન્ટથી 18 વર્ષની સફર

23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ દિવસ છે, ત્યારે તેઓ પોતાની આ સફર વિશે બીબીસી સાથે વાત માંડે છે.

અનુજ ધર એક સામાન્ય પત્રકાર તરીકે વર્ષ 2000માં દિલ્હી ખાતે એક જાણીતા અખબારમાં ડેસ્ક પર કામ કરતા હતા.

તેઓ પોતાની વાત મૂકતા કહે છે, "જેમ કોઈ પણ ભારતીય શાળામાં ગાંધી અને નહેરુના પાઠ ભણીને કે ગાંધી અથવા ભગતસિંહને પોતાના આદર્શ માનીને મોટો થતો હોય છે તેવો જ હું હતો. મને બોઝ પ્રત્યે કોઈ એવું ખાસ આકર્ષણ નહોતું."

સફરની શરૂઆત

"1998માં કલકત્તા હાઈકોર્ટમાં એક વ્યક્તિએ બોઝના મૃત્યુ અંગેની એક પિટિશન કરી જેની તપાસ માટે મુખરજી કમિશનની રચના થઈ. તેના કવરેજ માટે અને અભ્યાસ માટે અમારા અખબારની એક ટીમ બની."

"આ ટીમના હેડ મૂળ કલકત્તાના વરિષ્ઠ પત્રકાર સિતાંશુ દાસ હતા. તેઓ નેતાજીને બાળપણમાં મળેલાં. તેમણે મને પણ પોતાની ટીમમાં લીધો."

આ ટીમમાં પોતાના કામ અને પોતાના વ્યક્તિગત જોડાણ અંગે અનુજ ધર જણાવે છે, "મારા પિતા અને ઘરના વડીલો પાસે મેં હંમેશાં સાંભળેલું કે મારા દાદા બ્રિટીશ ઇન્ડિયન આર્મીમાં સૈનિક હતા."

જીવનમાં અગત્યનો વળાંક

"એ વખતે બીજા વિશ્વયુદ્ધમાં ભારતમાંથી બ્રિટીશ સરકાર તરફથી લડવા માટે સૈનિકોને અલગ અલગ દેશોમાં મોકલવામાં આવતા."

"પહેલાં મારા દાદાને આફ્રિકા મોકલાયા અને પછી ત્યાંથી કોહિમા. ત્યાં આ સેનાને જાપાનની સેના સાથે લડવાનું હતું."

"તેઓ જ્યારે જાપાન સામે લડવા ગયા ત્યારે સામેથી એમને હિંદીમાં પ્રતિસાદ મળતો કે, 'હમ તો આપકે અપને હી લોગ હેં, આપ હમ પે ગોલી ચલાઓગે!'

"તેઓ એ સૈનિકો હતાં, જે બોઝની આઝાદ હિંદ ફોજ તરફથી જાપાન વતી લડતા હતા."

"ત્યારે મારા દાદા સહિત ત્રણ સૈનિકો લાપતા થઈ ગયેલા. તેમને મૃત જાહેર કરવામાં આવ્યા પણ મારા દાદા પરત ફરેલા. મારા નાના પણ અફઘાનિસ્તાન સામે લડેલા."

એ વખતની સૈન્યની સ્થિતિ અંગે વાત કરતા અનુજ ધર જણાવે છે, "આપણે જલિયાંવાલા બાગની ઘટના હંમેશાં યાદ કરીએ છીએ અને જનરલ ડાયરને સૌથી ક્રૂર અધિકારી તરીકે ઓળખીયે છીએ પણ ડાયરે તો માત્ર હુકમ કર્યો હતો. ભારતીયો પર ગોળીઓ ચલાવનાર તો ભારતીયો જ હતા."

"જૂજ સંખ્યામાં રહેલા અંગ્રેજો માટે ભારતીયો જ દેશ ચલાવતા હતા, ભારતીય સૈન્યની આ જ બાબતથી દુઃખી થઈને નેતાજીએ દેશ છોડ્યો હતો."

અનુજ ધર જણાવે છે કે, આ બાબતો મે બાળપણથી જ સાંભળી હતી. તેની અસરના કારણે હું મારી ટીમમાં રસથી કામ કરી રહ્યો હતો.

'નેતાજીનું અવસાન વિમાન અકસ્માતમાં નહોતું થયું'

તેઓ જણાવે છે, "આ અભ્યાસના અંગે અમે એવા તારણ પર આવ્યા કે, નેતાજીનું અવસાન વિમાન અકસ્માતમાં નહોતું થયું."

"પણ અમે એક બહુ જ મોટી વાત કરવા જઈ રહ્યા હતા. અમે સરકારની વિરુદ્ધ જઈ રહ્યા હતા."

"પણ એક અખબાર તરીકે અમારે એક સ્ટેન્ડ લેવાનું હતું. અમે એ સ્ટેન્ડ લીધું અને એ અહેવાલ છપાયો."

"અમને મુખરજી કમિશનમાં સાક્ષી બનાવાયા અને નિવેદન માટે કોર્ટમાં બોલાવાયા."

"મને યાદ છે, મારો 48 નંબર હતો અને પ્રણવ મુખરજીનો 50મો, આમ અમે બધાએ એક જ દિવસે મુખરજી કમિશન સમક્ષ જુબાની આપી."

"આ 2000ની વાત છે, ત્યાં સુધી હું એક સામાન્ય પત્રકાર જ હતો, જેને આટલી અગત્યની ખબર મળે છે, તેના પર કામ કરવામાં જ રસ હતો. ત્યાં સુધીમાં જીવનમાં કશું અગત્યનું કર્યુ નહોતું."

તમે આ વાંચ્યું કે નહીં?

"હું ડેસ્ક પર કામ કરતો હતો અને શરમાળ હતો. કોઈ સાથે સામેથી વાત પણ નહોતો કરતો."

"છતાં જે લોકો મળે તેમને હું આ અંગે પ્રશ્નો પૂછ્યા કરતો જેમાંથી કોઈની ઓળખાણ મળે અને મને કોઈ નેતાજીના મૃત્યુ અંગેના દસ્તાવેજો સુધી કોઈ પહોંચાડી શકે."

"હું અનાયાસે જ એવી એક વ્યક્તિને મળી ગયો જેના બહુ ઊંચા સંપર્કો હતા."

"તેની મદદથી હું એક એવી વ્યક્તિને મળ્યો જેણે નેતાજીની ફાઈલો જોઈ હતી. "

"જેમણે કહ્યું મને કહ્યું કે સરકારને ખબર છે કે તેમની સાથે શું થયું હતું."

"પણ આ દેશનું સૌથી મોટું રહસ્ય છે. એ બહાર ન આવે એ જ સારું. બધાને ખબર છે કે, ત્યારે એમનું અવસાન નહોતું થયું, અને તેઓ રશિયામાં હતા."

એક વિચારે મારી ઊંઘ ઉડાડી દીધી

અનુજ ધર જણાવે છે, "આ વિચારે મારી ઊંઘ ઉડાડી દીધી. દેશના લોકો સમજે છે, સરકાર જાણે છે, છતાં દેશ માટે આટલું કરનાર વ્યક્તિ આમ કઈ રીતે મરી શકે?"

"આવી વાત લોકો આટલી હળવાશથી કઈ રીતે સ્વીકારી શકે? એ વિચાર મારા મનમાંથી જતો નહોતો.

મેં 2001માં નોકરી છોડી અને આ વાતના મૂળ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો."

મિશન નેતાજીની શરૂઆત

ચાર વર્ષ સુધી વ્યક્તિગત રીતે અને કેટલાક મિત્રોની મદદથી સંશોધનો કર્યા બાદ 2005માં એક ગ્રૂપની રચના થઈ.

જેઓ 'મિશન નેતાજી' અંતર્ગત કામ કરે છે. તેમાં અનુજ ધર સાથે ચંદ્રચૂડ ઘોષ, શાંતનુ દાસગુપ્તા અને શ્રિજીત પનીકર સહિતના સભ્યો જોડાયેલા છે.

અનુજ ધર જણાવે છે, "અમે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું કે, કોઈ પણ દેશમાં 40-50 વર્ષ જૂની ઘટના પર ઝુંબેશ ચલાવી ન શકાય."

"તેના માટે જનતા કે સરકારનો સાથ મળવો અઘરો છે."

અનુજ ધર પર ભાજપ તરફી વ્યક્તિ હોવાના આક્ષેપો થતા રહ્યા છે.

તેમના પર વિચારધારાઓમાં ભાગલા પાડવાના આક્ષેપ થતા રહ્યા છે.

મિશન નેતાજીના યુદ્ધ પછી જ રશિયા જતાં રહ્યા હોવાના દાવાને પણ પડકારવામાં આવ્યો છે.

નેતાજીનું જીવનવૃતાંત લખનાર લેખક લિયોનાર્દો એ. ગોર્ડનએ પણ અનુજ ધરનો વિરોધ કર્યો હતો.

તેમણે પોતાના પુસ્તક 'બ્રધર્સ અગેન્સ્ટ રાજ'ની એક નોંધમાં લખ્યુ છે કે, સાંપ્રત રાજકીય સ્થિતિનો લાભ ઊઠાવવા માટે અનુજ ધર બોઝના મૃત્યુની ઘટનાનો ફાયદો ઊઠાવે છે.

અનુજ ધર આના જવાબમાં કહે છે, "લોકો કહે છે કે મેં સમગ્ર ઘટના અને અભ્યાસનું રાજકીયકરણ કર્યું. પણ આ ઘટના જ રાજકીય છે, તો એનું રાજકીયકરણ થાય એ સ્વાભાવિક છે."

'મિશન નેતાજી' દ્વારા કરવામાં આવતા દાવા

-નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું અવસાન વિમાન અકસ્માતમાં નથી થયું.

-રશિયામાં નેતાજીની હત્યા થઈ હોવાની શક્યતા ઓછી છે.

આ અંગે અનુજ ધર પોતાનો મત રજૂ કરે છે, "1945 પછી રશિયામાં અવસાન થયું હોવાની શક્યતા ઓછી છે, કારણ કે, ભારત અને રશિયા વચ્ચે એ વખતે સંબંધઓ સારા નહોતા."

"નહેરુએ પોતાના બહેનને ભારતીય રાજદૂત તરીકે સ્ટાલિનને મળવા મોકલેલા. તેમણે આ દૂતને સાંભળવા ઇનકાર કરી દીધેલો."

"સ્ટાલિન નહેરુ અને ગાંધીની વિચારધારાના વિરોધી હતા. એ બંને લોકોનો વિરોધી વ્યક્તિ જ્યારે રશિયામા શરણ લે છે, તો નહેરુના ઇશારે સ્ટાલિન બોઝની હત્યા કરાવે એ કઈ રીતે માની શકાય?"

-ત્રીજો દાવો એ છે કે, નેતાજી 1985 સુધી ગુમનામી બાબા તરીકે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં રહ્યા. તેઓ જ્યાં હતાં, ત્યાંથી અનેક પત્રો, કલકત્તાના ટેલિગ્રામ સહિતની વસ્તુઓ મળી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

અનુજ ધર જણાવે છે કે, તેમના બંગાળી અને અંગ્રેજી બંને પત્રોના અક્ષરોની નેતાજીના અક્ષર સાથે વૈજ્ઞાનિક તપાસ કરેલી અને એ મૅચ થયા હતા.

કોઈ વ્યક્તિ ત્રીસ વર્ષ સુધી કોઈના અક્ષરની નકલ કરી શકતું નથી.

અનુજ ધરના કહેવા પ્રમાણે ગુમનામી બાબાએ પોતે રશિયા ગયા હોવાની વાત પણ કરી હતી.

તેઓ રહેતા એ જગ્યા પરથી દાંત મળેલા, જેનો ડીએનએ ટેસ્ટ નૅગેટિવ આવેલો.

આ અંગે અનુજ ધર સરકારી લૅબોરેટરી પર પ્રશ્ન ઊઠાવે છે, જોકે, નેતાજીના પરિવારે અસ્થિ કે અન્ય કોઈ પણ અવશેષો પર ડીએનએ ટેસ્ટની તરફેણ કરી નથી.

જુલાઇ 2016માં ઇકૉનૉમિક ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ પરથી એ જાણવા મળે છે.

દુનિયાભરના લોકોને બોઝમાં રસ

અનુજ ધર જણાવે છે, "સરકારો ભલે ગાંધી, સરદાર અને નહેરુના પ્રચારમાં વ્યસ્ત હોય, પણ ફેસબુક અને ટ્વિટર પર સામાન્ય લોકોને બોઝ અને ભગતસિંહમાં રસ છે."

"લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ, કૅમ્બ્રિજ અને આઈઆઈએમ જેવી સંસ્થાઓમાં લોકો મને અઢી ત્રણ કલાક સુધી બેસીને સાંભળે છે."

"શિક્ષિત વર્ગને કોણ સત્તામાં છે અને કોણ ક્યાં રાજકારણ રમે છે, તેનાથી કોઈ જ મતલબ નથી. લોકો નેતાને તેના કામથી ઓળખે છે."

"શિક્ષિતો એટલું સમજે છે કે, આવા સ્વતંત્રસેનાનીના મહત્ત્વને દબાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સરકાર જેટલો આ મુદ્દો દબાવશે તેટલું જ બૅક ફાયર થશે."

બોઝ પર પુસ્તકો અને ફિલ્મ

પોતાના અભ્યાસના આધારે અનુજ ધરે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પર 'બૅક ફ્રોમ ડૅડ-ઇનસાઇડ ધ સુભાષ બોઝ મિસ્ટરી(2005)',

'સીઆઈએઝ આઈ ઑન સાઉથ એશિયા(2008)', 'ઇન્ડિયાઝ બિગેસ્ટ કવર અપ(2012)', 'નો સિક્રેટ્સ(2013)', 'વૉટ હૅપન્ડ ટુ નેતાજી(2015)',

'ગુમનામી બાબા-ઍ કેસ હિસ્ટરી(2017)' તેમજ લાલબહાદુર શાસ્ત્રી પરનું પુસ્તક 'યૉર પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ડૅડ(2018)' લખ્યાં છે.

અનુજ ધરના પુસ્તક પરથી બાલાજી ટેલિફિલ્મ્સે એક વૅબ સિરીઝ 'બોઝ- ડૅડ/અલાઇવ' બનાવી હતી.

હવે તેઓ નવું પુસ્તક લઈને આવી રહ્યા છે, જેમાં આ સમગ્ર અભ્યાસને વધુ સરળ રીતે આલેખ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. જે અનુજ ધર અને ચંદ્રચુડ ઘોષે સાથે મળીને લખ્યું છે.

બંગાળી ફિલ્મ નિર્દેશક શ્રીજિત સરકાર ગુમનામી બાબાના પુસ્તક પર એક ફિલ્મ બનાવી રહ્યા છે.

તેમજ બાલાજી ટેલિફિલ્મ્સ પોતાની વૅબ સિરીઝની બીજી સીઝનમાં ગુમનામી બાબાના પાત્રને આવરી લેશે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો