JEE : સુરતના રાઘવ સોમાણીએ ઍક્ઝામમાં 99.99નો સ્કોર કઈ રીતે કર્યો? કેમ આપવા માગે ફરી પરીક્ષા?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

દેશની ઉચ્ચ ટેકનૉલૉજી ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટેની જૉઇન્ટ ઍન્ટ્રન્સ ઍક્ઝામિનેશન(જેઈઈ-મેઇન્સ)માં સુરતના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ 99.99 પર્સન્ટાઇલ મેળવ્યા છે.

અંદાજે દેશભરમાંથી આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓએ જેઈઈ-મેઇન્સ-2018ની પરીક્ષા આપી હતી. મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતમાં રાઘવ સોમાણી જેઈઈ-મેઇન્સના ટોપર રહ્યા છે.

અહેવાલ અનુસાર અમદાવાદના આદિત્ય ત્રિવેદીએ 99.94 પર્સન્ટાઇલ મેળવી બીજો ક્રમ મેળવ્યો છે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં 99.99 પર્સન્ટાઇલ/સ્કોર કરનારા રાઘવનો મૂળ સ્કોર 99.9907511 છે.

ઊંચા સ્કોરની સફળતા અને તેને મેળવવા માટે કરેલી તૈયારી વિશે રાઘવે બીબીસી સાથે વાતચીત કરી.

99.9907511 સ્કોર

રાઘવ સોમાણીએ વાતચીતની શરૂઆતમાં જ કહ્યું,"હું એપ્રિલમાં ફરી એક વખત પ્રયત્ન કરીને સ્કોર સુધારવાની કોશિશ કરીશ."

રાઘવે ઉમેર્યું,"મારો સ્કોર 99.9907511 છે અને મારે મારા સ્કોરમાં બાકીના પાંચ આંકડા(ડિજિટ્સ)માં મારે સુધારો કરવો છે. આથી એક પ્રયત્ન કરીશ."

અત્રે નોંધવું કે ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય હેઠળની નેશનલ ટેસ્ટ એજન્સી બે વખત આ ઍક્ઝામનું આયોજન કરે છે.

ઍક્ઝામની તૈયારી વિશે વધુ જણાવતા રાઘવે કહ્યું,"મેં દસમા ધોરણ બાદથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જોકે, મારે આ સફળતાનો સ્વાદ ચાખવા માટે ઘણા ત્યાગ પણ કરવા પડ્યા છે."

"હું મિત્રોને વધુ મળી નહોતો શકતો, ફરવા કે પ્રસંગોમાં વધુ નહોતો જઈ શકતો. ઉપરાંત સોશિયલ મીડિયા અને ટીવીથી દૂર રહ્યો."

તમે આ વાંચ્યું કે નહીં?

"મેં ધીમે ધીમે મારુ વાંચન અને તૈયારીનું પ્લાનિંગ વઘુ અસરકારક બનાવવા કોશિશ કરી. દિવસના સાત કલાક વાંચન કરવાની ટેવ અપનાવી."

"અલબત્ત, મને મારા ક્લાસિસના શિક્ષકે પણ મદદ કરી. પરંતુ મહેનત તો કરવી પડી."

"જેઈઈ માટે આયોજનપૂર્વક તૈયારીઓ કરવી જરૂરી હોય છે. સૌથી મહત્ત્વની બાબત કે મને એવું લાગતું કે હવે સ્ટ્રેસ આવી રહ્યો છે, તો હું બ્રેક પણ લઈ લેતો."

"સતત સ્ટ્રેસ લઈને તૈયારી કરતા રહેવું સારું નથી. આથી બ્રેક જરૂરી છે."

રાઘવ જેઈઈ-એડવાન્સ પાસ કરીને આઈઆઈટીમાં એડમિશન મેળવવા ઇચ્છે છે. તેમને કમ્પ્યૂટર સાયન્સમાં ઇજનેરીનો અભ્યાસ કરવો છે.

તેમનું માનવું છે કે આજના આધુનિક જમાનામાં ટેકનૉલૉજીની ડિમાન્ડ છે. અને તે તમામ પ્રોગ્રામિંગ દ્વારા થાય છે. આથી તેમાં વધુ અવકાશ હોવાથી તેમને આ ક્ષેત્રમાં આગળની કારકીર્દિ ઘડવી છે.

'સોશિયલ મીડિયા નથી વાપરતો'

રાઘવ સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થી છે. તેમને સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિશેના કારણ મામલે જણાવ્યું કે આ માઘ્યમ ખૂબ જ સમય માંગી લેનારું છે. આથી હું તેનાથી દૂર રહ્યો.

રાઘવે કહ્યું," આનાથી વિપરિત મેં મારી સ્ટડી સંબંધિત નોટ્સની આપલે અને મૂંઝવણના નિરાકરણ માટે વૉટ્સૅપ (ટેકનૉલૉજી)નો પ્રોડક્ટિવ ઉપયોગ કર્યો."

દરમિયાન રાઘવના પિતા કમલ સોમાણી સાથે પણ બીબીસીએ વાતચીત કરી. તેમના પિતા એક ટૅક્સ ઑફિસર છે.

તેમણે કહ્યું,"રાઘવે નિયમિતરૂપે વાંચન કર્યું અને તેને જાળવી રાખ્યું. તેણે બહાર ફરવાનું અને અન્ય બાબતોમાં સમય ન વેડફ્યો."

"સૌથી મહત્ત્વની બાબત તેનું પ્લાનિંગ રહ્યું. અમે કેટલાક પ્રસંગોમાં જતા પરંતુ તે ઘરે રહીને તેની જાતે વાંચન કરતો."

"માતાપિતા તરીકે અમે કોશિશ કરી કે તેને જરૂરી વાતાવરણ મળી રહે પણ તેની પોતાની ધગશ પણ મહત્ત્વની છે."

શું તમે તેને તમારી અપેક્ષાઓ કહી હતી તેને પૂરી કરવા માટે રાઘવે આટલો સ્કોર કર્યો?

તેના જવાબમાં રાઘવના પિતા કહે છે,"સારી કારકીર્દિ ઘડવા માટે માતાપિતાએ બાળક પર ધ્યાન આપવું પડે છે. અને રાઘવ પોતાની કારકીર્દિ પ્રત્યે જાગૃત છે. આથી આ પ્રકારની કોઈ બાહ્ય અપેક્ષા નહોતી."

જેઈઈમાં સફળ થવાના મંત્ર વિશે રાઘવનું કહેવું છે કે પ્લાનિંગ કરવું સૌથી અગત્યનું છે. સેલ્ફ સ્ટડી દ્વારા પણ આવું થઈ શકે છે.

"સ્ટ્રેસ લઈને સ્ટડી ન કરવું. અને શું વાચવું કેટલું વાંચવું તે ધ્યાનપૂર્વક નક્કી કરવું. કોશિશ કરતા રહેવું તૈયારી સારી હશે તો પરિણામ સારું જ આવશે."

કોશિશની વાત કરતા ફરી તેમણે ઉમેર્યું કે મારો સ્કોર સુધારવા હું હજુ એક વખત આગામી જેઈઈ-મેઇન્સની પરીક્ષા આપીશ.

વિદેશમાં પણ જેઈઈની પરીક્ષા?

અત્રે નોંધવું કે ગુજરાતમાં ટેકનિકલ સંસ્થાઓમાં ઇજનેરીના પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે.

પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી અને આઈઆઈટી સહિતની ઉચ્ચ સંસ્થાઓમાં સ્નાતકકક્ષાના પ્રવેશ માટે જેઈઈની પ્રવેશ પરીક્ષા યોજાય છે.

ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા પહેલાં જેઈઈ-મેઇન્સની પરીક્ષાનું કટઑફ મેળવ્યા બાદ જેઈઈ-એડવાન્સ પરીક્ષા માટે ક્વોલિફાય થઈ શકાય છે.

જેઈઈ-એડવાન્સના સ્કોરના આધારે આઈઆઈટી, એનઆઈટી સહિતની પ્રિમિયમ ટેકનિકલ સંસ્થાઓમાં સ્નાતક અભ્યાસક્રોમાં એડમિશન મળી શકે છે.

વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે આ વખતે માનવસંશાધન મંત્રાલયે વિદેશમાં પણ ઍક્ઝામ સેન્ટર્સ રાખવાનો નિર્ણય કર્યો હતો.

અહેવાલ અનુસાર ઇથિયોપિયા, નેપાળ, સિંગાપોર, દુબઈ, ઢાકા(બાંગ્લાદેશ) અને કોલંબો(શ્રીલંકા)માં જેઈઈ-એડવાન્સની પરીક્ષા લેવામાં આવશે. જેથી વિદેશી વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં પ્રવેશ મેળવી શકે.

વળી સંસ્થામાં દસ ટકાની વધારાવી બેઠકો માટે પણ તેઓ એલિજિબલ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો