You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Shivaji : સુરત પર શિવાજીના આક્રમણ અને લૂંટફાટનું સત્ય શું?
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
આજે છત્રપતિ શિવાજીની જયંતી છે. શિવાજીની ચર્ચા તેમની વીરતા માટે થાય છે પરંતુ શું તમે જાણો છો કે તેમણે ગુજરાતમાં પણ આક્રમણ કર્યું હતું.
ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતીઓની શિવાજી અને સૂરતની લૂંટ અંગેની ગેરસમજ દૂર કરવા માટે મરાઠાઓના ઇતિહાસ પર એક પુસ્તક લખી રહ્યા છે એવી વાત સામે આવી હતી.
એ વખતે સોશિયલ મીડિયા પર છત્રપતિ શિવાજીની 'સૂરત લૂંટ' ચર્ચા પણ શરૂ થઈ હતી.
અમિત શાહના પુસ્તક લખવાના કારણ પર વાત કરતા ભાજપના એ વખતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્રાબુદ્ધેએ જણાવ્યું હતું કે, "શાહનું માનવું છે કે ગુજરાતીઓમાં છત્રપતિ શિવાજી અને મરાઠા વિશેનું જ્ઞાન 'સુરતની લૂંટ' સુધી જ મર્યાદિત છે."
ત્યારે શિવાજીએ જ્યારે સુરત પર આક્રમણ કર્યું હતું ત્યારે ખરેખર શું થયું હતું?
શિવાજી, સુરત પર આક્રમણ અને લૂંટ
સુરત પર પાંચ જાન્યુઆરી, 1664ના રોજ શિવાજીએ આક્રમણ કર્યું હતું. શિવાજી અને મોઘલ સરદાર ઇનાયતખાન વચ્ચે લડાયેલી આ લડાઈમાં મરાઠાઓનો વિજય થયો હતો અને એ બાદ સુરત લૂંટાયું હતું.
ત્રણ દિવસ સુધી ચાલેલા આ આક્રમણમાં સુરતના મોઘલ અને પૉર્ટુગીઝ વેપારીની સંપત્તિ લૂંટવામાં આવી હતી.
જોકે, આ દરમિયાન સામાન્ય લોકોને કોઈ નુકસાન ના પહોંચ્યું હોવાના દાવાઓ કેટલાય ઇતિહાસકાર કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મરાઠાઓ અને મોઘલો વચ્ચે અણબનાવ હતો એ વાત કોઈથી અજાણી નથી. આ અણબનાવના ભાગરૂપે જ શિવાજીએ સુરત પર 17મી સદીમાં આક્રમણ કર્યું હતું.
એમ.એસ. યુનિવર્સિટીનાં પ્રોફેસર મૈત્રી વૈદ્ય આ અંગે વાત કરતા જણાવે છે, "સુરત એ મોઘલ સલ્તનતનું બહુ મોટું શહેર અને બંદર હતું. અને સુરતની સંપત્તિ એ આક્રમણનુ સૌથી મોટું કારણ હતું."
પ્રોફેસર વૈદ્યના મતે ઇતિહાસમાં કોઈ પણ યુદ્ધ કે આક્રમણ પાછળ મુખ્ય ચાર કારણ હોય છે, આર્થિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક.
તેઓ ઉમેરે છે, "શિવાજીના આક્રમણનો ઉદ્દેશ પણ આર્થિક જ હતો."
'શિવાજીને ઔરંગઝેબ સાથે વેર, ગુજરાતીઓ સાથે નહીં'
આ જ મુદ્દે વાત કરતાં મહારાષ્ટ્રના જાણીતા ઇતિહાસકાર અને લેખક વિશ્વાસ પાટીલ જણાવે છે,
"શિવાજીને ગુજરાતીઓ સાથે નહીં પણ ઔરંગઝેબ સાથે વેર હતું અને એ જ વેર સુરતની લૂંટનું કારણ બન્યું હતું."
પાટીલ એવું પણ ઉમેરે છે કે, "સુરતની લૂંટ વખતે શિવાજીએ સામાન્ય લોકોને લૂંટ્યા હોય કે રંજાડ્યા હોય એવો કોઈ જ બનાવ ઇતિહાસમાં નોંધાયો નથી."
જાણિતા ઇતિહાસકાર હરબંસ મુખિયા આ અંગે વાત કરતા જણાવે છે, "કોઈ રાજા કે બાદશાહનું વર્તન ક્યારેય કોઈના વિરુદ્ધ નથી હોતું કે ક્યારેય કોઈના તરફ નથી હોતું."
"એમણે ભરેલાં તમામ પગલાં સંપૂર્ણ રીતે રાજકીય હોય છે."
"સુરતની વાત કરીએ તો શિવાજીના આક્રમણનો ઉદ્દેશ સુરતના લોકોને નુકસાન પહોંચાડવાનો નહોતો પણ સુરતમાં મોઘલોની સંપત્તિ લૂંટવાનો હતો."
શિવાજીના આક્રમણ પાછળ હિંદુ-મુસ્લિમની થિયરીને પણ ફગાવી દેતા મુખીયા કહે છે :
"શિવાજીના સૈન્યમાં મુસ્લિમ સૈનિકો પણ હતા. શિવાજી મુસલમાનોને લૂંટતા પણ હતા તો મસ્જિદો પણ બંધાવતા હતા."
(મૂળ લેખ 20 માર્ચ 2018ના રોજ છપાયો હતો, જેને અપડેટ કરાયો છે.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો