You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખીલજીએ જ્યારે ગુજરાતનાં રાણી અને રાજકુમારીનું અપહરણ કરાવ્યું
- લેેખક, ડૉ. દુલારી કુરેશી
- પદ, બીબીસી માટે
અલાઉદ્દીન ખીલજી ઇતિહાસનું ચર્ચિત પાત્ર છે, પણ ખીલજીએ ગુજરાતના રાજા કર્ણરાયનાં રાણી અને રાજકુમારીનાં અપહરણ કરાવ્યાંની ઘટના ઇતિહાસમાં ઓછી ચર્ચાઈ છે.
ખીલજી એક સમયે દિલ્હીના સુલતાન જલાલુદ્દીન ફિરોઝના જમાઈ હતા. ખીલજીએ કપટથી સુલતાન જલાલુદ્દીનનું સ્થાન લઈ લીધું હતું અને 1296ની 19 જુલાઈએ દિલ્હીની રાજગાદી સંભાળી હતી.
સુલતાનપદ પર સંભાળ્યા બાદ ખીલજીએ સલ્તનતનો વિસ્તાર કરવાનું વિચાર્યું, ત્યારે તેમનું પહેલું નિશાન ગુજરાત હતું.
ગુજરાત જેવા શ્રીમંત પ્રાંતના રાજા કર્ણરાયની સંપત્તિ હસ્તગત કરવા ખીલજીને લાલચ જાગી. ખીલજીએ તેમના સેનાપતિ ઉલુગખાન અને નુસરતખાનને ગુજરાત પર હુમલા માટે મોકલ્યા હતા.
ઈ.સ. 1297માં કરવામાં આવેલા એ હુમલામાં કર્ણરાયનો પરાજય થયો હતો. કર્ણરાયે તેમનાં પુત્રી રાજકુમારી દેબાલાદેવીને લઈને ભાગવું પડ્યું હતું.
દેવગિરિ (આજના મહારાષ્ટ્રમાં આવેલા એક વિસ્તાર)ના રાજા રામચંદ્ર યાદવે પિતા-પુત્રીને આશરો આપ્યો હતો.
ઉલુગખાન અને નુસરતખાને કર્ણરાયનો ખજાનો લૂંટવા ઉપરાંત કર્ણરાયનાં પત્ની રાણી કમલાદેવીને બંદી પણ બનાવ્યાં હતાં.
કમલાદેવીને દિલ્હી લઈ જવામાં આવ્યાં હતાં અને અલાઉદ્દીનના જનાનખાનામાં રાખવામાં આવ્યાં હતાં. અલાઉદ્દીન કમલાદેવીની સુંદરતા પર એટલા મોહિત થયા હતા કે તેમની સાથે નિકાહ કર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતનાં રાજકુમારીનું પણ અપહરણ
ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ખીલજી કમલાદેવીને ખૂબ પ્રેમ કરતા હતા. કમલાદેવીને પુત્રીની યાદ આવવા લાગી, ત્યારે તેમણે ખીલજીને એ વાત કહી હતી.
ખીલજીએ દેબાલાદેવીને તાબડતોબ શોધવાનો આદેશ તેમના સેનાપતિઓ ઉલુગખાન અને મલિક કાફૂરને આપ્યો હતો
આ સમય દરમિયાન રાજા કર્ણરાયે 'બગલાન' (આજના ગુજરાતનો કોઈ વિસ્તાર)માં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું. બીજી તરફ રામચંદ્ર યાદવના પુત્ર રાજકુમાર સંકરા દેબાલાદેવીના પ્રેમમાં પડ્યા હતા.
તેમણે પિતા રામચંદ્ર પાસે દેબાલાદેવી સાથે લગ્ન કરવાની પરવાનગી માગી હતી, પરંતુ દેબાલાદેવી રાજપૂત કન્યા હોવાના કારણે રામચંદ્રએ લગ્ન કરવાની ના કહી હતી.
અંતે સંકરાએ રાજા કર્ણરાયની સંમતિ લઈને પોતાના ભાઈ ભીમદેવને દેબાલાદેવીને લાવવા માટે મોકલ્યાં હતાં.
એ સમયે ઉલુગખાન અને મલિક કાફૂર રાજકુમારીને શોધી રહ્યા હતા, પરંતુ તેમને રાજકુમારીની ભાળ નહોતી મળતી.
કેવી રીતે મળ્યાં દેબાલાદેવી?
દેબાલાદેવી ન મળે તો અલાઉદ્દીન ખીલજી સમક્ષ કેવી રીતે જવું, એ સવાલ ઉલુગખાનને મૂંઝવતો હતો.
દેબાલાદેવીને લીધા વિના પાછા જવાની કલ્પના પણ તેઓ કરી શકતા નહોતા, કારણ કે ખીલજીના ક્રૂર સ્વભાવની તેમને ખબર હતી.
ઉલુગખાન અને તેમનું સૈન્ય વેરુળ (મહારાષ્ટ્રના દેવગિરિ નજીકની ઇલોરાની ગુફાઓ) નજીક હતું, ત્યારે તેમને દક્ષિણ તરફથી આવતી એક સૈન્યટુકડી દેખાઈ હતી.
તેમને એવું લાગ્યું કે એ રાજા રામચંદ્ર તથા કર્ણદેવનું સૈન્ય છે અને હુમલો કરવા આવી રહ્યું છે. જોકે, એ સૈન્ય તો દેબાલાદેવીને લગ્ન માટે દેવગિરિ લાવી રહ્યું હતું.
બન્ને સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં હતાં અને ગુફાઓ નજીકના મેદાનમાં લડાઈ શરૂ થઈ હતી. એ લડાઈમાં દેબાલાદેવીના ઘોડાના પગમાં બાણ વાગતાં તેમની દાસીઓ ચીસો પાડવા લાગી હતી.
એ કારણે ઉલુગખાનના સૈન્યનું ધ્યાન તેમની તરફ ગયું હતું. દેબાલાદેવીને જોઈને ઉલુગખાનની ખુશીનો પાર રહ્યો નહોતો.
ઉલુગખાને દેબાલાદેવીને લઈને દિલ્હીની વાટ પકડી હતી. દેબાલાદેવીને અલાઉદ્દીન ખીલજીના દરબારમાં હાજર કરવામાં આવ્યાં હતાં.
કમલાદેવી પુત્રીને જોઈને બહુ રાજી થયાં હતાં. ખીલજીના પુત્ર ખીજરખાન દેબાલાદેવીને જોઈને તેમના પ્રેમમાં પડી ગયા હતા.
ખીજરખાને દેબાલાદેવી સાથે લગ્ન કરવાની ઇચ્છા ખીલજી સમક્ષ વ્યક્ત કરી હતી અને ખીલજીએ તેમનાં લગ્ન કરાવી આપ્યાં હતાં.
પ્રખ્યાત કવિ અમીર ખુશરોએ આ ઘટના વિશે એક કવિતા લખી હતી. એ કવિતા કેટલી કાલ્પનિક છે અને કેટલી વાસ્તવિક છે તે મુદ્દે કંઈ કહી શકાય તેમ નથી.
સુલતાન બનતાં પહેલાં મેળવ્યો મબલખ ખજાનો
મહારાષ્ટ્રના જાણીતા સંત જ્ઞાનેશ્વર જ્યારે પૈઠણ શહેરમાં હતા, એ અરસામાં અલાઉદ્દીન ખીલજીએ ત્યાંથી 65 કિલોમીટર દૂર આવેલા દેવગિરિ કિલ્લા પર આક્રમણ કર્યું હતું.
દેવગિરિના યાદવ રાજવીઓ અને અલાઉદ્દીન ખીલજીનો ઇતિહાસ ઘણો રોમાંચક છે. યાદવ રાજકુળનું સાચું નામ 'સેઉન' હતું. સેઉન કુળના મૂળ ગુજરાતના દ્વારકામાં હતું.
તેમણે ચંદ્રાદિત્યાપુરમાં એટલે કે આજના નાશિક જિલ્લામાં લગભગ નવમી સદીમાં તેમની રાજધાની સ્થાપિત કરી હતી.
પાડોશી રાજ્યોમાંથી વારંવાર આક્રમણને કારણે યાદવોને તેમના રાજ્યની સલામતીની ચિંતા થવા લાગી હતી.
તેથી તેમણે વધુ સુરક્ષિત જગ્યા શોધી અને દેવગિરિમાં રાજધાની સ્થાપી હતી. રાજા રામચંદ્ર યાદવ વર્ષ 1271માં રાજગાદી પર હતા.
પરંપરા મુજબ, તેમણે પણ વાઘેલા, કાકતિયા અને હોયસાલા શાસિત પાડોશી રાજ્યો સાથે લડતા રહેવાનું ચાલુ રાખ્યું હતું.
લડાઈમાં વિજયી થવાથી મળેલી મબલખ સંપત્તિ તેમણે એકઠી કરી હતી. 'યુદ્ધ, લડાઈ અને વિજય' એવું તેમનું જીવનચક્ર ચાલતું રહ્યું હતું.
તેમના આ વિજયરથને કોઈકની નજર લાગી ગઈ હતી અને અલાઉદ્દીન ખીલજી છેક દિલ્હીથી અહીં આવી ચડ્યા હતા.
સંધિમાં મેળવી મબલખ સંપત્તિ
દિલ્હીના સુલતાન જલાલુદ્દીન ફિરોઝના જમાઈ અલાઉદ્દીન ખીલજી ખૂબ મહત્ત્વાકાંક્ષી હતા. તેમને સુલતાન બનવાની ઉતાવળ હતી.
તેમણે 1296માં જલાલુદ્દીનની જાણ બહાર વિશ્વાસુ સેનાપતિ અને 8000 સૈનિકો સાથે દેવગિરિ તરફ ગુપ્ત રીતે કૂચ શરૂ કરી હતી.
રામચંદ્ર યાદવનું સંપૂર્ણ ધ્યાન દક્ષિણ ભારતનાં રાજ્યો પર હુમલો કરવા પર કેન્દ્રીત હતું, ત્યારે ખીલજીએ તેમના પર હુમલો કર્યો હતો.
હુમલાના સમયે રામચંદ્ર યાદવ હાલના ઔરંગાબાદ જિલ્લાના લાસુર નજીક હતા. ઉત્તર ભારતની રાજકીય પરિસ્થિતિ વિશે તેમને કોઈ માહિતી નહોતી.
અચાનક થયેલા આક્રમણના કારણે રામચંદ્ર યાદવ ભયભીત થયા હતા અને જેમ-તેમ જીવ બચાવી દેવગિરિ કિલ્લામાં પહોંચ્યા હતા.
બરાબર એ સમયે અલાઉદ્દીને અફવા ફેલાવી હતી કે વધુ 20,000 સૈનિકો તેમની મદદ માટે ઉત્તર તરફથી આવી રહ્યા છે.
આખરે રામચંદ્રે મજબૂરીવશ અલાઉદ્દીન સાથે સંધિ કરવી પડી હતી. એ સંધિ રામચંદ્ર યાદવને ખૂબ મોંઘી પડી હતી.
એ સંધિ હેઠળ ખીલજીને છ મણ સોનું, સાત મણ મોતી, બે મણ હીરા-માણેક અને મૂલ્યાવાન રત્નો, એક હજાર મણ ચાંદી અને 4000 ગજ રેશમી કાપડ મળ્યાં હતાં.
ઇતિહાસમાં સંધિ હેઠળ આટલા મોટા પ્રમાણમાં સંપત્તિ મેળવાનારા તેઓ એકલા સુબેદાર હોવાનું કહેવાય છે. એ સંપત્તિમાં અન્ય વસ્તુઓનો ઉમેરો પણ થયો.
અલાઉદ્દીન આ તમામ સંપત્તિ લઈને જવાની તૈયારીમાં હતો, ત્યારે રામચંદ્ર યાદવના પુત્ર સંકરા એક લડાઈમાંથી પરત આવ્યા હતા.
સંકરાને એ લડાઈના વિજયને કારણે મોટો ખજાનો મળ્યો હતો. અલાઉદ્દીન ખીલજીના હુમલા વિશે જાણીને સંકરા ગુસ્સે થયા હતા અને ખીલજીને પાઠ ભણાવવા તેઓ સૈન્ય લઈને આવ્યા હતા.
પિતા રામચંદ્રે સંકરાને ખૂબ સમજાવ્યા હતા, પણ તેઓ પાછા વળ્યા ન હતા. લડાઈમાં ખીલજીએ તેમને હરાવ્યા હતા.
સંકરાએ આગલી લડાઈમાંથી જે સંપત્તિ મેળવી હતી તે પણ ખીલજીએ લઈ લીધી હતી. એ સંપત્તિમાં મોટા પ્રમાણમાં સોનું, ચાંદી, કીમતી રત્નો, હાથી, ઘોડા હતાં.
એ ઉપરાંત ઇલિચપુર(હાલના વિદર્ભનું અચલપુર) વિસ્તારની વાર્ષિક મહેસૂલ પણ તેમને મળતી હતી.
એ લડાઈમાં મોટા પ્રમાણમાં સંપત્તિ મળવાને લીધે અલાઉદ્દીન ખીલજી એકદમ ઉત્સાહિત થઈ ગયા હતા. તેમને સુલતાન બનવાની મહેચ્છા જાગી હતી
ખીલજીની સત્તાના શરૂઆતના દિવસો બહુ સુખદ હતા, પણ તેમના અંતિમ દિવસો ખૂબ દુઃખમાં વીત્યા હોવાનું ઇતિહાસકારો કહે છે.
પત્નીઓ અને સંતાનો પણ ખીલજીથી અળગાં રહેતાં હતાં. ખીલજી અંતિમ દિવસોમાં સંપૂર્ણપણે સેનાપતિ મલિક કાફૂર પર આધારિત હતા. માંદગીને કારણે ખીલજીનું મૃત્યુ થયું હતું.
(આ લેખ મૂળે 2017માં પ્રકાશિત થયો હતો, ઇતિહાસના ક્ષેત્રે સંશોધક અને ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના ટૂરિઝમ ઍડમિનિસ્ટ્રેશન વિભાગના પૂર્વ સંચાલક ડૉ. દુલારી કુરેશીએ આ લેખ લખ્યો છે. )
(ઇતિહાસકાર મોહમ્મદ કાસીમ ફરિશ્તાએ તેમના પુસ્તક 'તારીખ-એ-ફરિશ્તા'માં એ કાળખંડનું સવિસ્તર વર્ણન કર્યું છે. આ પુસ્તકમાં અલાઉદ્દીન ખીલજી અને રામચંદ્ર યાદવ સાથે જોડાયેલી ઘટનાઓનું જે વર્ણન છે તે અન્ય કોઈ પુસ્તકમાં નથી જોવા મળતું. શ્રીનિવાસ રિત્તીના 'ધ સેઉનાસઃ ધ યાદવ ઑફ દેવગિરિ' અને એ. શ્રીવાસ્તાવના 'ધ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા'માં યાદવ વંશ અને ખીલજી વિશેની માહિતી વાંચવા મળે છે.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો