You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : યુદ્ધ સમાપ્ત થઈ ગયું પણ લોકો વાસી બ્રેડના ટુકડા ખાવા કેમ મજબૂર બન્યા?
- લેેખક, સિકંદર કિરમાણી
- પદ, બીબીસી ન્યૂઝ, કાબુલ
- અફઘાનિસ્તાનમાં લોકો ભૂખમરાનો શિકાર બની રહ્યા છે અને વાસી નાન બ્રેડ ખાવા મજબૂર બન્યા છે.
- તાબિલાનના કબજા બાદ પશ્ચિમિ રાષ્ટ્રોએ અફઘાનિસ્તાનને સહાય આપવાનું ઓછું કરી દીધું છે. દેશ એના પર જ નિર્ભર હતો.
- અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે પરંતુ લોકોનો જીવનસંઘર્ષ વધુ કપરો બની ગયો છે.
કાબુલની વાદળી ગુંબજવાળી મસ્જિદમાં સ્ટૉલ પર નારંગી કલરના થેલામાં વાસી, વધેલી નાન બ્રેડ વેચાઈ રહી છે.
તે સામાન્યપણે પ્રાણીઓ માટે ખરીદાતી હતી. પરંતુ તે વેચનારાઓના મતે હાલ અફઘાનિસ્તાનના ઘણા લોકો ખાવા માટે તેને જાતે ખરીદી રહ્યા છે.
કાબુલના પુલ-એ-ખેશ્તી માર્કેટમાં પાછલાં 30 વર્ષથી શફી મહમદ વાસી બ્રેડ વેચવાના કામ સાથે જોડાયેલા છે.
તેઓ કહે છે કે, "પહેલાં, પાંચ લોકો એક દિવસમાં આ બ્રેડ ખરીદતા હતા. પરંતુ હવે તે સંખ્યા વધીને 20 થઈ ચૂકી છે."
માર્કેટમાં ધમધમાટ છે. પરંતુ ત્યાં દરેક વ્યક્તિ આર્થિક મંદીમાં જકડાયેલ દેશ વિશે વાત કરે છે.
દેશ પર તાલિબાને કબજો કર્યો ત્યારથી લોકોની આવક ત્રીજા ભાગની થઈ ગઈ છે અને ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી ગયા છે.
શફી મહમદ મને કોથળામાંથી થોડી સાફ બ્રેડ બતાવે છે. આ બ્રેડ વાસી હોવા છતાં ગ્રાહકો પોતાની માટે ખરીદે છે, પરંતુ અગાઉ તેઓ આનાથી ઊલટું વધુ જૂની અને વાસી બ્રેડ ખરીદતા હતા.
તેઓ કહે છે કે, "અફઘાનિસ્તાનના લોકોના હાલ એ પક્ષી જેવા થઈ ગયા છે જેને પાણી કે ભોજન વગર જ પાંજરામાં પૂરી દેવાયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું અલ્લાને પ્રાર્થના કરું છું કે તેઓ દેશની આ મુશ્કેલી અને ગરીબીની સમસ્યા દૂર કરે."
અફઘાનિસ્તાન : વિદેશમાંથી સહાય અટકી, સ્વદેશમાં જીવન દુષ્કર બન્યું
અફઘાનિસ્તાનમાં માનવતાવાદી મદદ પહોંચાડાઈ રહી છે, જેના કારણે શિયાળામાં દુષ્કાળનો ભય ટાળી શકાયો છે, પરંતુ હવે એવી ચેતવણી ઉચ્ચારાઈ રહી છે કે એ મદદ પણ પૂરતી નથી.
આ સંકટ મોટા ભાગે પશ્ચિમી દેશોના નિર્ણયને કારણે સર્જાયું છે. જે અંતર્ગત તાલિબાનના કબજા બાદથી તેમણે અફઘાનિસ્તાનને પૂરી પડાતી સહાયતા ઓછી કરી દીધી છે, જેના પર આ દેશ નિર્ભર હતો.
આ સિવાય દેશની સૅન્ટ્રલ બૅન્કનું ભંડોળ પણ ફ્રીઝ કરી દેવાયું છે. જેનું કારણ મોટા ભાગે તાલિબાનના કબજા બાદથી ત્યાંની મહિલાઓ સાથેના વર્તન અંગેનો ભય તેમજ નવાં નિયંત્રણો છે.
આ નિયંત્રણોમાં મહિલાઓને પહેરવાનાં વસ્ત્રો વગેરે જેવાં તઘલખી નિર્ણયો સામેલ છે, જેના કારણે સમાધાન મુશ્કેલ બન્યું છે.
પરંતુ આ બધામાં ત્રણ સંતાનના પિતા હસમતુલ્લાહ અને તેમનો પરિવાર ખરી મુસીબત વેઠી રહ્યો છે.
તેઓ માર્કેટમાં ખરીદી કરવા આવતા લોકોનો સામાન લાદવાનું કામ કરે છે. પરંતુ પહેલાંથી જ ઓછી એવી એમની આવક આ વર્ષે હજુ વધુ ઘટીને પાંચમા ભાગની થઈ ગઈ છે.
તેઓ વાસી બ્રેડનો એક થેલો ખરીદે છે. તેઓ જણાવે છે કે, "હું સવારથી સાંજ સુધી કામ કરીને આ ખરીદવા પૂરતું જ કમાઈ શકું છું."
વાસી બ્રેડના વેચાણ અને પુરવઠા પાછળ એક નાનો ઉદ્યોગ કામ કરે છે. ભંગાર એકઠો કરનારા રેસ્ટોરાં, હૉસ્પિટલ અને ઘરોમાંથી એને ભેગી કરીને એક વચેટિયાને આપી દે છે, જે તે સ્ટૉલવાળાને વેચે છે.
પરંતુ હવે જ્યારે લગભગ અડધો દેશ ભૂખ્યો છે ત્યારે ખૂબ ઓછી બ્રેડ બાકી બચી રહી છે. આવું જ બીજી વસ્તુઓ સાથે પણ થયું છે.
અફઘાનિસ્તાનમાં યુદ્ધ બાદ વધુ કપરો કાળ આવ્યો
"લોકો ભૂખ્યા છે," ભંગારનું કામ કરનારી એક વ્યક્તિ જણાવે છે, "પહેલાં અમે દરરોજ એક થેલો ભરીને વધેલી બ્રેડ ભેગી કરતા, પરંતુ હવે તેનું પ્રમાણ ઘટીને એક અઠવાડિયામાં એક થેલા જેટલું થઈ ગયું છે."
અન્ય એક ડીલરે કહ્યું કે, "જો અમને કોઈ સ્વચ્છ બ્રેડ મળે તો અમે તે પોતે જ ખાઈ લઈએ છીએ."
કાબુલના ગરીબ વિસ્તારમાં પોતાના ઘરે હશમતુલ્લાહ તેમના પરિવાર માટે ભોજન તૈયાર કરી રહ્યા છે.
તેમનાં ત્રણેય બાળકોને સ્કૂલે મોકલવા માટે ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે, પરંતુ ઘણા લોકોએ પોતાનાં બાળકોને સ્કૂલ છોડાવી કામ લગાડી દીધાં છે.
સ્થિતિ એવી છે કે હશમતુલ્લાહ માત્ર વાસી બ્રેડને ટમેટાં અને ડુંગળી સાથે રાંધીને ખાવા મજબૂર છે.
તેઓ કહે છે કે, "હું મારા કુટુંબ સામે શરમ અનુભવું છું, કારણ કે હું એટલો બધો ગરીબ છું કે તેમને સારો ખોરાક પણ આપી શકતો નથી."
"પરંતુ હું કંઈ કરી શકું એમ નથી. જો હું ઉધાર માગવાની કોશિશ કરું તો પણ તે મને કોઈ આપશે નહીં... મારાં બાળકો ઓછા ભોજનના કારણે પાંગળાં થઈ રહ્યાં છે."
કાબુલની બેકરીઓમાં વહેલી સવારે મળતી મફતની નાન માટે મહિલાઓ અને છોકરીઓને લાંબી લાઇનમાં ઊભાં રહેલાં જોઈ શકાય છે.
કેટલીક મહિલાઓ તો પોતાનાં સિવણકામનાં સાધનો પણ ત્યાં જ લઈને આવી જાય છે, જેથી તેઓ પોતાનો વારો ન ચૂકી જાય.
એક સમયે જ્યારે અફઘાનિસ્તાનમાં કરોડો ડૉલરની મદદ પહોંચી રહી હતી, ત્યારે ભ્રષ્ટાચાર અને યુદ્ધની સ્થિતિને કારણે જીવન સંઘર્ષમય બની ગયું હતું.
અત્યારે યુદ્ધ તો સમાપ્ત થઈ ગયું છે પરંતુ સંઘર્ષ વધુ કપરો બની ગયો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો