ઇસ્લામિક દેશના એ વડા જેમની હત્યા કરી જાહેર ચોકમાં લટકાવી દેવાયા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

18 માર્ચ 1992ના દિવસે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહે એલાન કરી દીધું હતું કે તેઓ તેમના વિકલ્પની વ્યવસ્થા થશે પછી તેમના પદ પરથી રાજીનામું આપી દેશે.

તેમણે પોતાના રાજીનામાની તારીખ ન જણાવી, પરંતુ એટલું જરૂર કહ્યું કે રાજીનામું આપવા માટે એમના વિકલ્પનું સામે હોવું ખૂબ જરૂરી છે.

વર્ષ 1989માં અફઘાનિસ્તાનમાંથી સોવિયત સેના હઠ્યા બાદથી જ નજીબુલ્લાહની સત્તા પર પકડ ઢીલી પડી ગઈ હતી.

પાછલાં અનેક વર્ષોથી લગભગ 15 અલગ-અલગ મુજાહિદીન સંગઠનો કાબુલ તરફ આગળ વધી રહ્યાં હતાં અને તેમનો સૌનો એક જ ઉદ્દેશ હતો, નજીબુલ્લાહને સત્તા પરથી હઠાવવાનો.

તેઓ નજીબને ન માત્ર સોવિયેત સંઘનું પ્યાદું માનતા હતા પણ ઈશ્વરમાં વિશ્વાસ ન રાખનાર કૉમ્યુનિસ્ટ પણ ગણતા હતા, જેઓ એક સંપૂર્ણ રીતે ધાર્મિક મુસ્લિમ દેશ પર રાજ કરી રહ્યા હતા.

ભારતમાં શરણ લેવાનો પ્રયત્ન

17 એપ્રિલ 1992 આવતાં આવતાં નજીબુલ્લાહ પોતાના જ દેશમાં એકલા-અટૂલા પડી ચૂક્યા હતા.

બે સપ્તાહ પહેલાં તેમનાં પત્ની અને પુત્રીઓ ભારત ચાલ્યાં ગયાં હતાં. એ દિવસે તેઓ અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ બેનૉન સેવન સાથે એક ગુપ્ત ઉડાન મારફતે ભારત પહોંચવા માગતા હતા.

ભારતના પૂર્વ રાજદ્વારી એમ. કે. ભદ્રકુમાર 'ધ હિંદુ' સમાચારપત્રના 15મે, 2011ના અંકમાં પોતાના લેખ 'મનમોહનસિંહ રીસેટ્સ અફઘાન પૉલિસી'માં લખે છે, "ભારતમાં નજીબુલ્લાહને રાજકીય શરણ આપવાનો અનુરોધ કરતા પહેલાં સેવને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આ વિશે વિશ્વાસમાં લઈ લીધા હતા. "

એક કલાક ની અંદર જ ભારતના વડાપ્રધાન નરસિમ્હા રાવે પણ સેવન સુધી એ સંદેશો પહોંચાડી દીધો હતો કે ભારતને સરકારી મહેમાન તરીકે નજીબુલ્લાહનું સ્વાગત કરવામાં કોઈ વાંધો નહીં હોય.

સંયુક્ત રાષ્ટ્રના અન્ય એક અધિકારી ફિલિપ કૉરવિન પોતાના પુસ્તક 'ડૂમ્ડ ઇન અફઘાનિસ્તાન - અ યુ. એન. ઑફિસર્સ મૅમોયર્સ ઑફ ધ ફૉલ ઑફ કાબુલ ઍન્ડ નજીબુલ્લાહઝ ફેઇલ્ડ ઍસ્કેપ'માં એ દિવસ નું વર્ણન કરતાં લખે છે, "17 એપ્રિલ 1992ની રાત્રે દોઢ વાગ્યે અમે નજીબના નિવાસસ્થાને પહોંચ્યા. નજીબે ઘેરા રાખોડી રંગનો સૂટ પહેરી રાખ્યો હતો. એમની સાથે એમના ચીફ ઑફ સ્ટાફ જનરલ તૌખી હતા. તેમની સાથે તેમનાં પત્ની અને ત્રણ બાળકો પણ હતાં."

"નજીબ સાથે તેમના ભાઈ, એમનો અંગરક્ષક અને એક નોકર પણ હતા. કુલ મળીને નજીબ સહિત નવ લોકો હતા. 1 વાગ્યાને 45 મિનિટે અમે બધો સામાન ત્રણ કારોના કાફલામાં લાદ્યો."

"હું સંયુક્ત રાષ્ટ્રના વહીવટી અધિકારી ડૅન ક્વર્ક સાથે સૌથી આગળ ચાલનારી કારની આગલી સીટ પર બેઠો. પાછળની સીટ પર કલાશનિકૉવ લઈને નજીબુલ્લાહના અંગ રક્ષક અને નોકર બેઠા. "

"વચ્ચેની કાર જે એક સેડાન હતી એની પાછલી સીટ પર નજીબ અને એમના ભાઈ બેઠા હતા. ત્રીજી ટૉયોટા મીની બસમાં જનરલ તૌખી અને એમનો પરિવાર હતો."

"અમને આંતરિક સુરક્ષામંત્રીએ એક કૉડ-વર્ડ આપ્યો હતો. જેનો ઉપયોગ કરીને અનેક સુરક્ષા ચોકીઓ અમે પાર કરી. જ્યારે અંતિમ ચોકી પર પહોંચ્યા ત્યારે ત્યાંના સુરક્ષાકર્મીઓએ અત્યાર સુધી માન્ય રખાયેલા કૉડ-વર્ડને માનવાનો ઇનકાર કરી દીધો. "

"ડૅન ક્વર્કે અનેક વાર એ કૉડ-વર્ડ બોલ્યા, પરંતુ સૈનિકોએ અમારાં વાહનોને આગળ ન વધવાં દીધાં. કારોને હવાઈમથક પાસે રોકવામાં આવી. અચાનક ક્વર્કે જોયું કે આ સૈનિકો બીજી વર્દીમાં હતા. ક્વર્ક અને કૉરવિને એ સમયે અંદાજ લગાવ્યો કે રાતોરાત હવાઈમથક પર અબ્દુલ રશીદ દોસ્તમના મુજાહિદીન સંગઠનનો કબજો થઈ ગયો છે."

"નજીબનો અંગરક્ષક પણ પોતાની કલાશનિકૉવ લઈને નીચે ઊતર્યો અને ત્યાં હાજર સૈનિકો સાથે દલીલ કરવા લાગ્યો. આ દરમિયાન એક કારના ડ્રાઇવર અરવાને હવાઈ મથક પર બેનૉન સાથે સંપર્ક કર્યો જેઓ રન-વે પર સંયુક્ત રાષ્ટ્રના વિમાનમાં બેસીને નજીબુલ્લાહની રાહ જોઈ રહ્યા હતા. એમણે કહ્યું કે ત્યાં હાજર સૈનિકોએ એમના વિમાનને ચારેબાજુથી ઘેરી લીધું છે."

"એમણે પોતાનું વિમાન અંદરથી લૉક કરાવી દીધું છે. જેથી સૈનિકો વિમાન પર ન ચઢી શકે."

ફિલિપ કૉરવિન આગળ લખે છે, "ત્યારે નજીબે પોતાની કારની અંદરથી અમને રોકનારા સૈનિકો પર બૂમો પાડવાનું શરૂ કરી દીધું. એમનો અવાજ ઘણો આકરો હતો, પરંતુ એમના સાર્જન્ટે જવાબ આપ્યો કે જો તેમણે અમને આગળ જવા દીધા તો પણ અમારા આખા દળને હવાઈમથકે મારી નાખવામાં આવશે. કારણ કે દોસ્તમના સૈનિક હવાઈમથકમાં કોઈને અંદર જવા નથી દઈ રહ્યા તેમજ કોઈને ય બહાર નીકળવાની પણ પરવાનગી નથી."

"કેટલીક મિનિટો સુધી સમજાવવાની અસફળ કોશિશ પછી નજીબુલ્લાહે જ નિર્ણય કર્યો કે કારોને પાછી વાળી લેવામાં આવે. ડ્રાઈવરે એમને પૂછ્યું કે શું અમે તમને તમારા નિવાસસ્થાને લઈ જઈએ? નજીબે ચીસ પાડીને કહ્યું, ના. આપણે સંયુક્ત રાષ્ટ્રના કમ્પાઉન્ડમાં જઈશું."

"એમને અંદાજો આવી ગયો હતો કે જો તેઓ પોતાના ઘરે પરત ફરશે તો જે લોકોએ એમને કાબુલ હવાઈમથકે પહોંચવા ન દીધા, એ જ લોકો એમને મારી નાખશે."

"બે વાગ્યે રાતે અમે અમારી કારોના કાફલાને વાળ્યો અને યુ. એન. મુખ્યાલય તરફ આગળ વધી ગયા."

અંગત લોકોએ જ દગો કર્યો

આ દરમિયાન દોસ્તમ જ નહીં તેમના પક્ષના લોકો પણ તેમનાથી પીછો છોડાવવાની ફિરાકમાં હતા.

'ન્યૂયૉર્ક ટાઇમ્સ' પોતાના 18 એપ્રિલ 1992ના અંકમાં લખે છે, "નજીબના વિદેશમંત્રી અબ્દુલ વકીલ અને એમના સેનાધ્યક્ષ જનરલ મોહમ્મદ નબી અઝીમી પોતાના રાજકીય બચાવ માટે નજીબને એક ભેટના રુપમાં આગળ વધી રહેલા મુજાહિદીન સૈનિકોને આપવા માગતા હતા."

"વકીલે રેડિયો કાબુલ પર દેશના નામે સંદેશ પ્રસારિત કરી એલાન કર્યું કે નજીબુલ્લાહની દેશ છોડી ભાગી નીકળવાની કોશિશ સેનાએ નાકામ કરી દીધી છે."

અમુક જ કલાકોમાં વકીલ માટે નજીબુલ્લાહ એક 'ધૃણાસ્પદ તાનાશાહ' બની ગયા.

સેવન શરૂઆતથી નજીબને આ જ પરિસ્થિતિઓથી બચાવવા માંગતા હતા. લગભગ 3 વાગ્યાને 20 મિનિટે નજીબના સંયુક્ત રાષ્ટ્ર હૅંડલર્સે ભારતીય રાજદૂત સતીશ નામ્બિયારને દોસ્તમના સૈનિકો દ્વારા નજીબને અટકાવાયાના સમાચાર પહોંચાડ્યા.

4 વાગ્યાને 35 મિનિટે નામ્બિયાર સંયુક્ત રાષ્ટ્રની કચેરીએ પહોંચી ગયા. એ સવારે તેઓ નજીબુલ્લાહને મળનારી પ્રથમ બહારના માણસ હતા.

પાછળથી નામ્બિયારે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે ભારત અને સંયુક્ત રાષ્ટ્ર નજીબને બચાવી લેવાની આ યોજના પ્રત્યે એટલા આશ્વસ્ત હતા કે તેમણે કોઈ પ્લાન બી નહોતો બનાવી રાખ્યો.

એ બાદ સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ વધુ જોર કર્યું ત્યારે એ શરત સાથે કે સંયુક્ત રાષ્ટ્ર નજીબને શરણ આપવા માટે કાયદેસર અનુરોધ કરે, નામ્બિયાર નજીબુલ્લાહને ભારતીય દૂતાવાસમાં શરણ આપવા માટે રાજી થઈ ગયા.

અવિનાશ પાલીવાલ પોતાના પુસ્તક 'માય ઍનેમિઝ એનેમી'માં લખે છે, "નામ્બિયારે હૅમ રેડિયોનો ઉપયોગ કરી દિલ્હી સાથે સંપર્ક કરી તેમને તાજા ઘટનાક્રમની જાણકારી આપી અને નજીબને ભારતીય દૂતાવાસમાં શરણ આપવા માટે સરકાર પાસે પરવાનગી માગી.

"ભારત માટે નજીબના પરિવારને દિલ્હીમાં શરણ આપવી અને એમની સારસંભાળ રાખવી એ જૂદી વાત હતી, પરંતુ ખુદ નજીબને પોતાના દૂતાવાસમાં રોકાણ આપવું અલગ વાત હતી."

"પાંચ વાગ્યાને 15 મિનિટે ભારત સરકારે નજીબને ભારતીય દૂતાવાસમાં શરણ આપવાનો ઇનકાર કરી દીધો. નામ્બિયારે તર્ક આપ્યો કે નજીબ સંયુક્ત રાષ્ટ્રની કચેરીમાં વધુ સુરક્ષિત રહેશે. જો આપણે એમને ભારતીય દૂતાવાસમાં શરણ આપીએ છીએ તો તમામ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ જશે અને નજીબની સુરક્ષા કરવાનું કામ મુશ્કેલ થઈ શકે."

ભારતે પણ પીછો છોડાવ્યો

ભારતને એ વાતની ચિંતા હતી કે જ્યારે કાબુલના લોકોને એ વાતની ખબર પડશે કે નજીબુલ્લાહ ભારતીય દૂતાવાસમાં છુપાયેલા છે તો ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવાનું શરૂ થઈ જશે.

એ સમયે કાબુલમાં દૂતાવાસના કર્મચારીઓ સહિત લગભગ સો ભારતીયો રહેતા હતા. ત્યાં એક જમાનામાં નજીબુલ્લાહના ઘણા મોટા હિતેચ્છુ જે. એન. દીક્ષિત, કે જેઓ 1991 થી 1994 સુધી ભારતના વિદેશસચિવ હતા, તેઓ એ વાતથી પરેશાન હતા કે નજીબને શરણ આપવાથી ભારત માટે રાજકીય રીતે સ્થિતિ વધુ જટિલ બની જશે અને ભારત મુજાહિદીન સાથે ભવિષ્યમાં કોઈ રાજકીય સંપર્ક બનાવી નહી શકે.

22 એપ્રિલ 1992ના દિવસે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બૂત્રસ બૂત્રસ ઘાલી અચાનક ભારતની યાત્રા પર આવ્યા. એમનો એક માત્ર ઉદ્દેશ હતો વડા પ્રધાન નરસિમ્હા રાવને નજીબને કાબુલમાંથી કાઢી અને ભારતમાં શરણ આપવા માટે તૈયાર કરવાનો.

છ દિવસની મંત્રણા પછી ગૃહમંત્રી શંકરરાવ ચવ્હાણે એલાન કર્યું કે જો નજીબુલ્લાહ ઇચ્છે તો ભારત તેમને શરણ આપી શકે છે. ચવ્હાણના આ નિવેદનથી સ્પષ્ટ હતું કે ભારત આ મામલે સાવધાનીપૂર્વક આગળ વધવા માગતું હતું.

જ્યારે સંસદમાં આ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો વિદેશ રાજ્યમંત્રી ઍડવર્ડો ફૅલેરોએ કહ્યું કે આ કલ્પિત સવાલ છે, કારણ કે આ વિશે એમને નજીબુલ્લાહ તરફથી કોઈ વિનંતી મળી નથી.

જ્યારે સાંસદોએ વધુ ભારપૂર્વક પૂછ્યું કે જો આ પ્રકારની વિનંતી આવશે તો સરકારનું વલણ શું હશે, તો નરસિમ્હારાવ અને ફૅલેરો બંને આ સવાલને ટાળી ગયા.

અવિનાશ પાલીવાલ પોતાના પુસ્તક 'માય ઍનેમીઝ ઍનેમી'માં લખે છે, "ભારતે નજીબુલ્લાહ ને કાબુલથી હવાઈ અથવા અન્ય કોઈ માર્ગે બહાર કાઢવામાં કોઈ રસ ન દાખવ્યો. "

"બૂત્રસ ઘાલીને એ સ્પષ્ટ કરી દેવાયું કે ભારત પોતાનાં વિમાન કાબુલ મોકલવા માટે તૈયાર છે એ શરતે કે સંયુક્ત રાષ્ટ્ર તરફથી એ પ્રકારનો અનુરોધ આવે અને એ વિનંતી કરતાં પહેલાં સંયુક્ત રાષ્ટ્રની પાકિસ્તાન અને મુજાહિદીન સાથે આ વિશે સહમતિ બની જાય."

"નજીબુલ્લાહના પરિવારની દિલ્હીમાં સારસંભાળ કરવા ઉપરાંત ભારતે નજીબુલ્લાહને બચાવવા માટે કંઈ ન કર્યું."

પછીથી આર ઍન્ડ ડબલ્યૂના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે અવિનાશ પાલિવાલને જણાવ્યું, "દીક્ષિત અને એમની ગૅંગને હંમેશાં એ દુઃખ રહ્યું કે તેઓ નજીબુલ્લાહને ન બચાવી શક્યા."

"આપણે ચોક્કસ નજીબ માટે વિમાન મોકલ્યું. જોકે, તે આપણું વિમાન ન હતું. આપણો વિચાર હતો કે મુજાહિદીન નજીબને જવા દેશે. પરંતુ એવું થઈ શક્યું નહીં. આપણે વિશ્વભરમાં ઢંઢેરો પીટ્યો કે આપણે નજીબુલ્લાહને કાઢી રહ્યા છીએ, પરંતુ આપણે મેઇન પ્લેયર રશીદ દોસ્તમ સાથે જ આ વિશે વાત ન કરી."

"હકીકતમાં આપણે નજીબને કાઢવા માટે આટલી લાંબી રાહ જોવાની જરૂરી જ નહોતી."

1994માં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન ડૅસ્કથી સંયુક્ત સચિવ એમ.એન. ભદ્રકુમાર કાબુલ ગયા હતા.

તેમને સૂચના હતી કે તેઓ કાબુલમાં ભારતીય દૂતાવાસને ફરીથી ખોલાવવાના પ્રયાસ કરે અને અહમદ શાહ મસૂદને વિનંતી કરે કે તેઓ નજીબુલ્લાહને ભારત આવવાની અનુમતિ આપી દે.

પરંતુ મસૂદે ભદ્રકુમારની આ વિનંતી એમ કહીને ન માની કે આ અન્ય મુજાહિદીન નેતાઓને સ્વીકાર્ય નહીં હોય.

પાકિસ્તાની પેશકશ

17 એપ્રિલે જ્યારે નજીબુલ્લાહને ભારત જવાથી રોકી દેવાયા તો પાકિસ્તાને એમને પોતાના દૂતાવાસમાં શરણ આપવાની વાત મૂકી.

આ વિશે વાત કરવા માટે પાકિસ્તાન અને ઈરાનના પ્રતિનિધિ સંયુક્ત રાષ્ટ્રની કચેરીએ પહોંચ્યા.

બેનૉન એમને નજીબ પાસે લઈ ગયા. ફિલિપ કૉરવિન પોતાના પુસ્તક 'ડૂમ્ડ ઇન અફઘાનિસ્તાન'માં લખે છે :

"નજીબે તેમને જોતાં ખૂબ ખરુંખોટું સંભળાવ્યું. નજીબ ઈરાનના પ્રતિનિધિ પર ચીસો પાડવા લાગ્યા. એક સમયે તો મને એવું લાગ્યું કે નજીબ ઈરાનીને ઉઠાવીને બાજુની બારીમાંથી નીચે ફેંકી દેશે."

"તેમણે બંનેને કહ્યું મારો તમારી ઉપર બિલકુલ વિશ્વાસ નથી. હું તમારા બંને વડે મારી રક્ષા કરવાની જગ્યાએ મરી જવાનું પસંદ કરીશ. બીજું મને વિશ્વાસ નથી કે તમે મારી રક્ષા કરવા માગો પણ છો."

તાલિબાને હત્યા કરી નાખી

નજીબુલ્લાહ સંયુક્ત રાષ્ટ્રની કચેરીમાં પછીનાં સાડાં ચાર વર્ષો સુધી રહ્યા.

27 ડિસેમ્બર 1996ના દિવસે યુનોની કચેરીમાં પોતાના રૂમમાંથી નજીબુલ્લાહ પોતાના હત્યારાઓનો નજીક આવવાનો અવાજ સ્પષ્ટ સાંભળી શકતા હતા.

કાબુલ પર તાલિબાનના વિજય દરમિયાન નાખવામાં આવેલા ગોળા અને રૉકેટના અવાજ એમના માટે આગળ વધતાં જલ્લાદનાં પગલાંની જેમ હતા.

દોઢ વાગ્યે સંયુક્ત રાષ્ટ્રની કચેરી બહાર તાલિબાની સૈનિકોની 15 પિક-અપ ટ્રક આવીને રોકાઈ. દરેક ટ્રક ઉપર આઠથી દસ સૈનિકો સવાર હતા.

ત્રણ વાગ્યે સવારે નજીબુલ્લાહને ખબર પડી કે સંયુક્ત રાષ્ટ્રની કચેરીની બહાર તહેનાત સંત્રી અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયા છે.

તેમણે સંયુક્ત રાષ્ટ્રની બીજી કચેરી પર ફોન કરી મદદ માટે આજીજી કરી. પરંતુ ત્યાંથી એમને ફક્ત મૌન સાંભળવા મળ્યું.

જાણીતા પત્રકાર ડૅનિસ જૉન્સને 'ઍસ્ક્વાયર' પત્રિકાના એપ્રિલ 1997નાં અંકમાં 'લાસ્ટ ડૅઝ ઑફ નજીબુલ્લાહ' શીર્ષકથી લખેલા લેખમાં લખ્યું :

"થોડીવારમાં તાલિબાનના લડવૈયાઓ સંયુક્ત રાષ્ટ્રની કચેરીમાં ધસી આવ્યા. તેમણે નોકરને પૂછ્યું નજીબુલ્લાહ ક્યાં છે? તેણે કંઈક બહાનું બનાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ એને ધક્કો મારતાં અંદર ઘૂસી ગયા અને કચેરીની તલાશી લેવા લાગ્યા."

"કેટલીક મિનિટોમાં તેમણે નજીબને તેમના ભાઈ શાહપુર યુસુફઝઈ, અંગરક્ષક જામ્ફર અને સચિવ તૌખી સાથે શોધી લીધા. નજીબુલ્લાહને ખેંચીને એમના ઓરડામાંથી બહાર કાઢવામાં આવ્યા. એમને ખરાબ રીતે માર મારવામાં આવ્યો તેમના ગુપ્તાંગોને કાપી નાખવામાં આવ્યા અને માથામાં ગોળી મારી પહેલાં ક્રૅઇન પર લટકાવાયા અને પછી રાજમહેલની નજીકના લૅમ્પ પોસ્ટ પર લટકાવી દેવાયા."

"જ્યારે લોકોની નજર તેમના પર પડી ત્યારે તેમના મૃત શરીરની આંખો સોજેલી હતી અને એમના મોંમાં બળજબરીપૂર્વક સિગારેટ ખોસી દેવાઈ હતી."

"એમના ખીસ્સામાં ભરવામાં આવેલી ચલણી નોટો સ્પષ્ટ દેખાઈ રહી હતી. તાલિબાનને નજીબથી એટલી હદ સુધી નફરત હતી કે એમણે એમના નમાજે જનાજા કરાવવા સુધ્ધાંથી ઇન્કાર કરી દીધો."

"એમના અને એમના ભાઈના મૃતદેહોને રેડક્રૉસને સોંપવામાં આવ્યા. એમણે એમનાં પાર્થિવ શરીરને પખ્તિયાં પ્રાંતના કરદેઝ પહોંચાડ્યાં. જ્યાં અહમદઝઈ કબીલાના લોકોએ એમને દફન કર્યા."

અફઘાનિસ્તાનમાં હજુ પણ એવા લોકો છે, જેઓ ભારતને નજીબનાં પત્ની ફતાના અને પુત્રીઓને પોતાને ત્યાં શરણ આપવા માટે ધન્યવાદ આપે છે.

પરંતુ એમને એ પણ ફરિયાદ છે કે ભારતે નવા મિત્રો બનાવવાની લાયમાં પોતાના જૂના મિત્રનો એ સમયે સાથ ન આપ્યો જ્યારે એને તેમની સૌથી વધુ જરૂર હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો