હિન્દુ રાજા હેમુ વિક્રમાદિત્ય, જેમણે મુગલ સેનાને હરાવીને દિલ્હી પર કબજો કર્યો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

હેમુ હરિયાણાના રેવાડીના રહેવાસી હતા. મધ્યકાલીન ભારતમાં વિરોધી મુસ્લિમ શાસકોની વચ્ચે થોડાક સમય પૂરતા એક 'હિન્દુ રાજ' સ્થાપવાનું શ્રેય હેમુના ફાળે જાય છે.

એમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કુલ 22 યુદ્ધ જીત્યાં હતાં. એ કારણે જ કેટલાક ઇતિહાસકારોએ એમને મધ્યયુગના સમુદ્રગુપ્તનું બિરુદ આપ્યું. હેમુને મધ્યયુગના નેપોલિયન પણ કહેવામાં આવ્યા.

તેઓ એક સારા યોદ્ધાની સાથોસાથ કુશળ પ્રશાસક પણ હતા. સાથીઓની સાથે જ એમના દુશ્મનોએ પણ એમના યુદ્ધકૌશળને સ્વીકાર્યું.

જાણીતા ઇતિહાસકાર આર.પી. ત્રિપાઠીએ પોતાના પુસ્તક 'રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ મુગલ ઍમ્પાયર'માં લખ્યું છે, "દુર્ભાગ્યના કારણે અકબરના હાથે હેમુની હાર થઈ હતી. જો ભાગ્યએ એમને સાથ આપ્યો હોત તો એમની હાર ના થઈ હોત."

બીજા એક ઇતિહાસકાર આર.સી. મજુમદારે શેરશાહ પર લખેલા પુસ્તકના એક પ્રકરણ 'હેમુ - એ ફૉરગૉટન હીરો'માં લખ્યું છે, "પાણીપતના યુદ્ધમાં એક દુર્ઘટનાના કારણે હેમુની જીત હારમાં પલટાઈ ગઈ, નહીંતર દિલ્હીમાં એમણે મુગલોની જગ્યાએ હિન્દુ રાજવંશનો પાયો નાખ્યો હોત."

સંક્ષિપ્તમાં : હેમુ વિક્રમાદિત્ય કોણ હતા?

  • હેમચંદ્રનો જન્મ હરિયાણાના રેવાડીમાં આવેલા ગામ કુતબપુરમાં થયો હતો.
  • 1501માં હેમચંદ્રનો જન્મ કરિયાણાનો વેપાર કરતા એક સામાન્ય પરિવારમાં થયો હતો.
  • હેમચંદ્રે શેરશાહ સૂરીના પુત્ર ઇસ્લામશાહનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું હતું.
  • પછી આદિલશાહના શાસનકાળમાં હેમુને 'વકીલ એ આલા' એટલે કે વડા પ્રધાનનો દરજ્જો મળ્યો.
  • આદિલશાહે મુગલોને ભારતમાંથી હાંકી કાઢવાની જવાબદારી હેમુને સોંપી.
  • 1556માં હેમુએ તુગલકાબાદમાં પોતાના સૈન્ય સાથે તંબૂ નાખ્યા અને બીજા દિવસે એમની અને મુગલ સેના વચ્ચે લડાઈ થઈ જેમાં મુગલોની હાર થઈ.
  • હેમુએ વિજેતા તરીકે દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પોતાના મસ્તક પર શાહી છત્ર ધારણ કરીને હિન્દુ રાજની સ્થાપના કરી, સાથે જ નામી મહારાજા વિક્રમાદિત્યની પદવી ગ્રહણ કરી.
  • અકબરની સેના સામે મોરચો મંડાયો અને તેમાં હેમુની હાર થઈ.
  • અકબર તે સમયે 14 વર્ષના હતા અને તેમની સેના સામે હેમુની સેનાએ ટક્કર આપી.
  • સામાન્ય માન્યતા એવી છે કે બૈરમખાંએ પોતાની તલવારથી હેમુનું માથું એમના ધડથી કાપી નાખ્યું.
  • માન્યતા છે કે જો હેમુ આ યુદ્ધ જીતી ગયા હોત તો તેમણે હિંદુ રાજ્યની સ્થાપના કરી હોત.

સામાન્ય પરિવારમાં જન્મ

હેમચંદ્રનો જન્મ ઈ.સ. 1501માં હરિયાણાના રેવાડીમાં આવેલા ગામ કુતબપુરમાં થયો હતો. એમનો પરિવાર કરિયાણાનો વેપાર કરતો હતો. અકબરનું જીવનચરિત્ર લખનાર અબુલ ફઝલે એમને ખૂબ જ તિરસ્કારપૂર્વક ફેરિયો કહ્યા છે જે રેવાડીની ગલીઓમાં મીઠું વેચતા હતા.

પરંતુ એમાં બેમત નથી કે એમનો વ્યવસાય ગમે તે રહ્યો હોય, પણ તેઓ શેરશાહ સૂરીના પુત્ર ઇસ્લામશાહનું ધ્યાન પોતાની તરફ આકર્ષવામાં સફળ થયા. ઝડપથી તેઓ બાદશાહના વિશ્વાસુ બની ગયા અને વહીવટમાં એમને મદદ કરવા લાગ્યા.

બાદશાહે એમને ગુપ્તચર અને ટપાલ વિભાગના વડા બનાવી દીધા. પછીથી ઇસ્લામશાહને એમનામાં સૈનિકનાં લક્ષણો પણ દેખાયાં, તે કારણે, એમણે હેમુને પોતાની સેનામાં એ સ્થાન આપ્યું જે શેરશાહ સૂરીના જમાનામાં બ્રહ્મજિત ગૌડને મળ્યું હતું.

આદિલશાહના શાસનકાળમાં હેમુને 'વકીલ એ આલા' એટલે કે વડા પ્રધાનનો દરજ્જો મળી ગયો.

દિલ્હી પર કબજો

જ્યારે આદિલશાહને સમાચાર મળ્યા કે હુમાયુએ પાછા ફરીને દિલ્હીની ગાદી પર કબજો કરી લીધો છે ત્યારે એમણે મુગલોને ભારતમાંથી હાંકી કાઢવાની જવાબદારી હેમુને સોંપી.

હેમુએ 50 હજાર સૈનિકોની પોતાની સેના, એક હજાર હાથી અને 51 તોપો સાથે દિલ્હી તરફ કૂચ કરી. કાલપી અને આગરાના ગવર્નર અબ્દુલ્લાહ ઉઝબેગખાં અને સિકંદરખાં બીકના માર્યા પોતાનું શહેર છોડીને ભાગી ગયા.

કે.કે. ભારદ્વાજે પોતાના પુસ્તક 'હેમુ નેપોલિયન ઑફ મીડિવલ ઇન્ડિયા'માં લખ્યું છે, "દિલ્હીના મુગલ ગવર્નર ટારડીખાંએ હેમુને રોકવાની તમામ વ્યવસ્થા કરી.

"હેમુ 6 ઑક્ટોબર, 1556એ દિલ્હી પહોંચ્યા અને એમણે તુગલકાબાદમાં પોતાના સૈન્ય સાથે તંબૂ નાખ્યા."

"બીજા દિવસે એમની અને મુગલ સેના વચ્ચે લડાઈ થઈ જેમાં મુગલોની હાર થઈ અને ટારડીખાં પોતાનો જીવ બચાવવા પંજાબ બાજુ ભાગ્યા, જ્યાં અકબરનું સૈન્ય પહેલાંથી જ હતું."

"હેમુએ વિજેતા તરીકે દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પોતાના મસ્તક પર શાહી છત્ર ધારણ કરીને હિન્દુ રાજની સ્થાપના કરી, સાથે જ નામી મહારાજા વિક્રમાદિત્યની પદવી ગ્રહણ કરી. એમણે પોતાના નામના સિક્કા બનાવડાવ્યા અને દૂરસુદૂરનાં રાજ્યોમાં ગવર્નરો નિયુક્ત કર્યા."

બૈરમખાંએ કર્યું ટારડીખાંનું ખૂન

દિલ્હીમાં હાર થયાના ખબર અકબરના 14મા જન્મદિવસના બે દિવસ પહેલાં, 13 ઑક્ટોબર, 1556એ અકબરને મળ્યા.

એ વખતે અકબર પંજાબના જાલંધરમાં બૈરમખાંની સાથે હતા. અકબરના મતે દિલ્હી કરતાં કાબુલનું મહત્ત્વ વધારે હતું. પરંતુ બૈરમખાં એ વાત સાથે સહમત નહોતા.

પાર્વતી શર્માએ અકબરના જીવનચરિત્ર 'અકબર ઑફ હિન્દોસ્તાન'માં લખ્યું છે, "અકબર સામે સ્પષ્ટ વિકલ્પ હતા. કાં તો તેઓ હિન્દુસ્તાનના બાદશાહ બને, કાં પાછા ફરીને કાબુલમાં આરામથી રહીને માત્ર ક્ષેત્રીય બાદશાહ રહે."

"થયું એવું કે જ્યારે ટારડીખાં દિલ્હીથી ભાગીને અકબરની છાવણીમાં પહોંચ્યા ત્યારે અકબર શિકાર કરવા ગયા હતા."

"બૈરમખાંએ ટારડીખાંને પોતાના તંબૂમાં આવવા કહેણ મોકલ્યું. થોડી વાર વાતચીત કર્યા પછી બૈરમખાં સાંજની નમાજ અદા કરવા માટે વજૂ કરવા માટે ઊભા થયા."

"ત્યારે જ બૈરમખાંના માણસોએ તંબૂમાં ઘૂસી જઈને ટારડીખાંનું ખૂન કરી નાખ્યું. જ્યારે અકબર શિકાર કરીને પાછા આવ્યા ત્યારે બૈરમખાંના બીજા નંબરના સાથી પીર મોહમ્મદે એમને ટારડીખાંના મૃત્યુના સમાચાર આપ્યા."

"બૈરમખાંએ પીરના માધ્યમથી અકબરને સંદશો મોકલ્યો કે એમને આશા છે કે તેઓ એમના આ પગલાને સમર્થન આપશે, જેથી બીજા લોકોને પાઠ ભણવા મળે કે યુદ્ધમાંથી ભાગી જનારાઓની શી હાલત થાય છે."

હેમુએ મોટા સૈન્ય સાથે પાણીપત તરફ કૂચ કરી

બીજી તરફ, હેમુને જ્યારે સમાચાર મળ્યા કે મુગલો વળતો હુમલો કરવાની યોજના ઘડી રહ્યા છે ત્યારે એમણે સૌ પહેલાં પોતાની તોપો પાણીપત તરફ રવાના કરી દીધી.

બૈરમખાંએ પણ અલી કુલી શૈબાનીના નેતૃત્વમાં 10 હજાર સૈનિકોની સેના પાણીપત તરફ રવાના કરી દીધી. શૈબાની ઉઝબેકના હતા અને એમની ગણના પ્રખ્યાત લડવૈયાઓમાં થતી હતી.

અબુલ ફઝલે અકબરના જીવનચરિત્ર 'અકબરનામા'માં લખ્યું છે, "હેમુએ ખૂબ ઝડપથી દિલ્હી છોડ્યું. દિલ્હીથી પાણીપતનું અંતર 100 કિલોમીટર કરતાં પણ ઓછું હતું.

"એ વિસ્તારમાં ભયંકર દુકાળ પડ્યો હતો. તેથી રસ્તામાં માણસનું નામનિશાન નહોતું. હેમુની સેનામાં 30 હજાર અનુભવી ઘોડેસવાર અને 500થી 1,500 જેટલા હાથી હતા."

"હાથીઓની સૂંઢોમાં તલવારો અને બરછીઓ બાંધ્યાં હતાં અને એમની પીઠ પર યુદ્ધકળામાં પારંગત બાણાવળીઓ સવાર હતા."

"આ પહેલાં મુગલ સેનાએ યુદ્ધના મેદાનમાં આટલા મહાકાય હાથી નહોતા જોયા."

"તેઓ કોઈ પણ ફારસી ઘોડા કરતાં ઝડપથી દોડી શકતા હતા અને ઘોડેસવારને પોતાની સૂંઢમાં પકડીને હવામાં ઉછાળી ફેંકી શકતા હતા."

હેમુ રાજપૂતો અને અફઘાનોના એક મોટા લશ્કર સાથે પાણીપત પહોંચ્યા. જે.એમ. શીતલે પોતાના પુસ્તક 'અકબર'માં લખ્યું છે, "અકબરને આ યુદ્ધથી થોડેક દૂર એક સલામત સ્થળે રાખવામાં આવ્યા. બૈરમખાંએ પણ આ યુદ્ધમાં ભાગ નહીં લઈને યુદ્ધની બધી જવાબદારી પોતાના ખાસ માણસો પર નાખી દીધી."

હેમુની બહાદુરી

આ યુદ્ધમાં હેમુ શિરસ્ત્રાણ વગર જ ઊતર્યા. તેઓ સતત બૂમો પાડતાં રહીને પોતાના સાથીઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા. તેઓ પોતાના હાથી 'હવાઈ' પર સવાર હતા.

બદાયુનીએ પોતાના પુસ્તક 'મુંતખબ-ઉત-ત્વારીખ'માં લખ્યું છે, "હેમુના હુમલા એટલા સચોટ હતા કે એણે મુગલ સેનાની ડાબી અને જમણી બાજુ અફરાતફરી મચાવી દીધી. પરંતુ મધ્ય એશિયાના ઘોડેસવારોને સામાન્ય ગણવાની ભૂલ કરી શકાય એમ નહોતી."

"સીધો હેમુના હાથીઓના માથા પર હુમલો કરવાના બદલે એમણે એમના પર ત્રાંસો હુમલો કર્યો, જેથી હાથી પર સવાર સૈનિકોને નીચે પાડી દઈને પોતાના તેજીલા ઘોડાના પગ તળે કચડી શકાય."

આ યુદ્ધનું વર્ણન કરતાં અબુલ ફઝલે લખ્યું છે કે, "વાદળો જેવી ગર્જના અને સિંહ જેની ત્રાડો થઈ. બંને સેનાઓએ એકબીજા પર હુમલો કરી દીધો."

"અલી કુલી શૈબાનીના બાણાવળીઓએ દુશ્મનો પર તીરોનો વરસાદ વરસાવી દીધો, તેમ છતાં યુદ્ધની દિશા એમના પક્ષે વળી નહીં."

પાર્વતી શર્માએ લખ્યું છે, "કદાચ અકબર એ સમયે વિચારી રહ્યા હોય કે એમના દાદા બાબરે કઈ રીતે પાણીપતના પહેલા યુદ્ધમાં માત્ર 10 હજાર સૈનિકો સાથે ઇબ્રાહિમ લોદીના 1 લાખ સૈનિકોને હરાવ્યા હતા."

"પરંતુ અકબરને એ વાતનો પણ અંદાજ હતો કે ત્યારે બાબર પાસે ગુપ્ત હથિયાર હતું - બારૂત. પરંતુ 30 વર્ષ પછી અકબર પાસે કોઈ ગુપ્ત હથિયાર નહોતું."

"ત્યાં સુધીમાં બારૂત એટલો બધો સામાન્ય થઈ ગયો હતો કે અકબરે સૈન્ય અભિયાન શરૂ થયા પહેલાં પોતાના તોપખાનાના વડાને આદેશ આપેલો કે એને હેમુના પૂતળામાં ભરીને એમાં આગ લગાડી દેવામાં આવે જેથી એમના સૈનિકોનું મનોબળ વધી જાય."

પરંતુ એવામાં જ એક ચમત્કારે મુગલ સેનાને સાથ આપ્યો. હેમુએ મુગલ સેનાની જમણી અને ડાબી બાજુએ ખળભળાટ મચાવી દીધો હતો.

અલી કુલી શૈબાનીના સૈનિકો હેમુની સેના પર તીરો વરસાવીને દબાણ ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એમાં એમનું એક તીર બરાબર નિશાન પર વાગ્યું.

અબુલ ફઝલે લખ્યું છે કે, "હેમુ ક્યારેય ઘોડેસવારી શીખ્યા નહોતા. કદાચ આ જ કારણે તેઓ હાથી પર બેસીને યુદ્ધ લડી રહ્યા હતા. પરંતુ કદાચ એ કારણ પણ હતું કે જો સેનાપતિ હાથી પર હોય તો બધા સૈનિકો તેમને દૂરથી જોઈ શકે. એમાં વળી હેમુએ બખ્તર પણ પહેર્યું નહોતું. આ એક બહાદુરીભર્યો પણ અવિવેકી નિર્ણય હતો. લડાઈ દરમિયાન અચાનક એક તીર આવીને હેમુની આંખને વીંધતું તેમની ખોપરીમાં ફસાઈ ગયું."

હરબંસ મુખિયાએ પોતાના પુસ્તક 'ધ મુગલ્સ ઑફ ઇન્ડિયા'માં મોહમ્મદ કાસિમ ફેરિશ્તાને બોલતા ટાંકીને જણાવ્યું છે, "આ દુર્ઘટના પછી પણ હેમુ હિંમત હાર્યા નહીં."

"તેમણે પોતાની આંખના ડોળામાંથી તીર કાઢ્યું અને એને પોતાના રૂમાલ વડે ઢાંકી દીધી. એ પછી પણ એમણે લડવાનું ચાલુ રાખ્યું. હેમુની સત્તાભૂખ અકબર કરતાં ઓછી નહોતી."

બૈરમખાંએ હેમુનું માથું ધડથી અલગ કર્યું

પરંતુ થોડીક જ વારમાં હેમુ પોતાના હાથીની પાલખીમાં બેહોશ થઈને ઢળી પડ્યા. આ પ્રકારના યુદ્ધમાં જ્યારે પણ સેનાપતિ આ રીતે ઘાયલ થતા હતા ત્યારે એમની સેના હતોત્સાહ થઈ જતી હતી.

તેથી જ્યારે અકબર અને બૈરમખાં યુદ્ધના મેદાન પર પહોંચ્યા ત્યારે એમને એમના સૈનિકો લડતા હોવાના બદલે જીતની ખુશી મનાવતા જોવા મળ્યા.

નિઝામુદ્દીન અહમદે પોતાના પુસ્તક 'તબાકત એ અકબરી'માં લખ્યું છે કે, "એક શાહ કુલીખાંએ એક હાથીને મહાવત વિના ભટકતો જોયો. એણે પોતાના મહાવતને હાથી પર ચઢવા મોકલ્યો."

"મહાવત જ્યારે હાથી પર ચઢ્યો ત્યારે એણે એની પાલખીમાં એક ઘાયલ વ્યક્તિને પડેલો જોયો. ધ્યાનથી જોતાં ખબર પડી કે તે ઘાયલ વ્યક્તિ બીજા કોઈ નહીં હેમુ હતા."

"સમગ્ર મામલાની ગંભીરતા સમજતાં કુલીખાં એ હાથીને હાંકીને બાદશાહ અકબરની સમક્ષ લઈ ગયા. એ પહેલાં એમણે હેમુને સાંકળોથી બાંધી દીધા હતા."

અબુલ ફઝલે લખ્યું છે કે, "20 કરતાં વધારે યુદ્ધો જીતનારા હેમુને લોહીલુહાણ હાલતમાં 14 વર્ષના અકબર સમક્ષ લઈ અવાયા. બૈરમખાંએ તાજેતરમાં જ બાદશાહ બનેલા અકબરને કહ્યું કે તેઓ પોતાના દુશ્મનને પોતાના હાથે મારે."

"પોતાની સામે ઘાયલ પડેલા હેમુને જોઈને અકબર ખંચકાયા. એમણે બહાનું બનાવીને કહ્યું, 'મેં પહેલાં જ આના ટુકડા કરી નાખ્યા છે.' આજુબાજુ ઊભેલા કેટલાક લોકોએ બૈરમખાંની વાતનું સમર્થન કરતાં અકબરને હેમુને મારવા માટે ઉશ્કેર્યા, પરંતુ અકબર અડગ રહ્યા."

ફેરિશ્તાનું માનવું છે કે અકબરે ઘાયલ હેમુને માત્ર પોતાની તલવાર અડાડી, પરંતુ વિન્સેન્ટ એ સ્મિથ અને હસબંસ મુખિયાનું માનવું છે કે અકબરે હેમુ પર પોતાની તલવાર ચલાવી. પરંતુ સામાન્ય માન્યતા એવી છે કે બૈરમખાંએ પોતાની તલવારથી હેમુનું માથું એમના ધડથી કાપી નાખ્યું.

દેશની આઝાદી માટે જીવનનું બલિદાન

નિરોદ ભૂષણ રૉયે પોતાના પુસ્તક 'સક્સેસ ઑફ શેરશાહ'માં લખ્યું છે, "હેમુએ હંમેશાં હિન્દુ અને મુસલમાનોને પોતાની બે આંખ જેવા માન્યા. પાણીપતમાં તેઓ હિન્દુસ્તાનના સાર્વભૌમત્વ માટે મુગલો સામે લડ્યા."

"એમની સેનાના જમણા ભાગની કમાન શાદીખાં કાકરે સંભાળી હતી, જ્યારે ડાબી બાજુની સેનાનું નેતૃત્વ રામ્યા કરતા હતા."

જો તેઓ થોડાં વધારે વર્ષ જીવ્યા હોત તો એમણે ભારતમાં હિન્દુ રાજનો પાયો નાખી દીધો હોત.

વિન્સેન્ટ એ સ્મિથે અકબરના જીવનચરિત્રમાં લખ્યું છે કે, "અકબર વિદેશી મૂળના હતા. એમના શરીરમાં વહેતા લોહીનું એક પણ ટીપું ભારતીય નહોતું."

"પોતાના પિતાના પક્ષે તેઓ તૈમૂર લંગની સાતમી પેઢીના હતા, જ્યારે એમનાં માતા પારસી મૂળનાં હતાં."

"એનાથી ઊલટું, હેમુ ભારતની ભૂમિના હતા અને ભારતની ગાદી અને સાર્વભૌમત્વ પર એમનો હક વધારે હતો. ક્ષત્રિય કે રાજપૂત ના હોવા છતાં હેમુએ પોતાના દેશની આઝાદી માટે યુદ્ધના મેદાન પર પોતાના અંતિમ શ્વાસ લીધા."

"કોઈ પણ માનવ અસ્તિત્વનો આનાથી વધુ સારો અંત કયો હોઈ શકે?"

આમ જુઓ તો, એ જમાનામાં કરિયાણાની દુકાનથી દિલ્હીની ગાદી સુધી પહોંચવું એ ઘણી મોટી સિદ્ધિ હતી.

જો નસીબે સામે પડીને એમની જીતને હારમાં ના પલટી હોત તો ભારતનો ઇતિહાસ કંઈક જુદો જ હોત.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો