You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની કથા : મોહમ્મદ ઘોરીનું મૃત્યુ ખરેખર પૃથ્વીરાજ ચૌહાણના તીરથી થયું હતું?
- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા
- 1178માં ઘોરીએ રણ માર્ગે ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની હાર થઈ. ઘોરીએ તૈયારી સાથે પાછા આવીને 1190 સુધીમાં લાહોર, પેશાવર અને સિયાલકોટ જીતી લીધાં.
- 'પૃથ્વીરાજ રાસો' એક મોટી કવિતા છે, જેને આદિકાળ એટલે કે ઈ.સ. 1000-1400ના સમયકાળની રચના માનવામાં આવે છે. 'પૃથ્વીરાજ રાસો' એક એવી કવિતા છે જેમાં પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા કહેવાઈ છે. આ કવિતાના લેખક ચંદ બરદાયી હોવાનું કહેવાય છે.
- 1194માં ફરી ભારત આવેલા મોહમ્મદ ઘોરીનું જયચંદ સાથે યુદ્ધ થયું અને લગભગ યુદ્ધ જીતી ગયેલા જયચંદનું એક તીર વાગવાથી મૃત્યુ થયું.
"બાળકો, બૅગમાંથી સમાજવિદ્યાનું પુસ્તક કાઢો. ચૅપ્ટર ટૂ ખોલો. આજે આપણે એ વાર્તા ભણીશું જે ભારતના ઇતિહાસનો ટર્નિંગ પૉઇન્ટ છે. આ ચૅપ્ટર 'નવા રાજા અને એમનાં રાજ્ય'ને ધ્યાનપૂર્વક વાંચજો અને યાદ રાખજો. એમાં પૃથ્વીરાજ ચૌહાણની કહાણી અને દિલ્હીની પણ વાત છે."
એનસીઇઆરટીના સાતમા ધોરણનું 'હમારે અતીત' પુસ્તક ભણાવતી વખતે સ્કૂલના ટીચરો લગભગ કંઈક આવી જ વાતો કહીને ભણાવવાનું શરૂ કરે છે.
પરંતુ ભણાવાયેલો આ ઇતિહાસ મોટા થયા પછી પણ યાદ રાખવો કેટલો અઘરો છે એ ત્યાર સામે આવ્યું હતું જ્યારે પૃથ્વીરાજ ચૌહાણનું ઐતિહાસિક પાત્ર ભજવનાર અભિનેતા અક્ષયકુમારે ફિલ્મના રિલીઝ થતાં પહેલાં એક નિવેદન આપ્યું હતું.
ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ' ના પ્રમોશન દરમિયાન અક્ષયકુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "દુર્ભાગ્યે આપણા ઇતિહાસનાં પુસ્તકોમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે માત્ર બે કે ત્રણ લીટી લખેલી છે. આક્રમણ કરનારાઓ વિશે લખેલું છે, પરંતુ આપણા ખુદના રાજાઓ અંગે બબ્બે લીટીઓ લખી છે. આપણા રાજાઓ પણ મહાન હતા. એમની કહાણીઓ સૌની સામે લાવો. મને ફિલ્મના ડાયરેક્ટર ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ વાર્તાઓ સંભળાવી તો મને લાગ્યું કે પૃથ્વીરાજ ચૌહાણ વિશે આટલી બધી વાતો છે અને આપણને ખબર નથી. મેં એમને કહ્યું પણ ખરું કે આ બધું સાચું છે ને, ડૉક્ટરસાહેબ, આ બધું કાલ્પનિક તો નથી ને?"
તો ચાલો, આપણે પણ એ સમજવાનો પ્રયાસ કરીએ કે પૃથ્વીરાજ ચૌહાણની લોકપ્રિય કથાઓ કલ્પના છે કે હકીકત? શિલાલેખો અને ઇતિહાસનાં પુસ્તકોમાં પૃથ્વીરાજ ચૌહાણની બાબતમાં શું શું નોંધાયું છે અને પૃથ્વીરાજ ચૌહાણના કેટલાક કિસ્સાને કવિની કલ્પના અને હકીકત કહેનારાઓના કયા તર્ક છે?
'પૃથ્વીરાજ રાસો' શું છે?
ફિલ્મ, ટી.વી. સીરિયલો, દાદી-નાનીએ કહેલા કિસ્સા કે સંબંધીઓના વૉટ્સઍપ ગ્રૂપમાં સંભવતઃ તમે પૃથ્વીરાજ ચૌહાણની જે કથાઓ વાંચી કે જોઈ હશે તે શક્ય છે કે 'પૃથ્વીરાજ રાસો'માંથી આવી છે.
'પૃથ્વીરાજ રાસો' એક મોટી કવિતા છે, જેને આદિકાળ એટલે કે ઈ.સ. 1000-1400ના સમયકાળની રચના માનવામાં આવે છે. હિન્દી સાહિત્યને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે - આદિકાળ, ભક્તિકાળ, રીતિકાળ અને આધુનિકકાળ. સાહિત્યના ઇતિહાસના આ જ વિકાસક્રમમાં આરંભિક સમયખંડને આદિકાળ કહેવામાં આવે છે.
'પૃથ્વીરાજ રાસો' એક એવી કવિતા છે જેમાં પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા કહેવાઈ છે. આ કવિતાના લેખક ચંદ બરદાયી હોવાનું કહેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પૃથ્વીરાજ રાસો'ની કથા આ પ્રમાણે છેઃ "પૃથ્વીરાજ અજમેરના રાજા સોમેશ્વરના પુત્ર હતા. સોમેશ્વરનાં લગ્ન દિલ્હીના રાજા અનંગપાલનાં પુત્રી કમલા સાથે થયાં. બીજી પુત્રીનાં લગ્ન કનોજના રાજા વિજયપાલ સાથે થયાં, જેમના દ્વારા જયચંદનો જન્મ થયો. અનંગપાલે પોતાના દોહિત્ર પૃથ્વીરાજને દત્તક લીધા. જયચંદને ખોટું લાગ્યું. બાદમાં જયચંદે યજ્ઞનું આયોજન કર્યું અને પુત્રી સંયોગિતાનો સ્વયંવર યોજ્યો. પૃથ્વીરાજ યજ્ઞમાં આવ્યા નહીં. ગુસ્સે થયેલા જયચંદે પૃથ્વીરાજની મૂર્તિ દરવાજે મુકાવી. સંયોગિતાને પહેલાંથી જ પૃથ્વીરાજ પસંદ હતા. સંયોગિતાએ મૂર્તિને માળા પહેરાવીને પોતાના પ્રેમનો એકરાર કર્યો. બાદમાં પૃથ્વીરાજ આવ્યા, લડાઈ કરીને સંયોગિતાને દિલ્હી લઈ આવ્યા."
'પૃથ્વીરાજ રાસો' અનુસાર "પૃથ્વીરાજનું ધ્યાન સંયોગિતા પર વધારે રહ્યું. એ દરમિયાનમાં મોહમ્મદ ઘોરીનો હુમલો થયો. પૃથ્વીરાજે હરાવ્યા અને ઘોરીને છોડી મૂક્યા. ઘોરીએ ફરી હુમલો કર્યો અને પૃથ્વીરાજને પકડીને ગઝની લઈ જવાયા. પછીથી કવિ ચંદ બરદાયી પણ પહોંચી ગયા. ચંદના ઇશારાના લીધે પૃથ્વીરાજે શબ્દવેધી બાણ છોડીને પહેલાં ઘોરીને માર્યો અને પછી એકબીજાને મારીને મરી ગયા."
તો આ હતી 'પૃથ્વીરાજ રાસો'ની કથા જે લોકકથાઓમાં પણ સામેલ છે અને એક મોટા વર્ગ માટે હકીકત પણ છે.
પરંતુ હિન્દી સાહિત્યના જાણીતા વિદ્વાન અને ઇતિહાસકાર આને સાચી નથી માનતા.
'પૃથ્વીરાજ રાસો'ની રચના ક્યારે થઈ?
આચાર્ય રામચંદ્ર શુક્લ હિન્દી સાહિત્યના ઇતિહાસકાર અને અગ્રણી વિદ્વાન હતા, જેમનો જન્મ 1884માં થયો હતો અને 1941માં અવસાન થયું છે.
પોતાના પુસ્તક 'હિન્દી સાહિત્યનો ઇતિહાસ'માં આચાર્ય શુક્લે લખ્યું છે, "'પૃથ્વીરાજ રાસો'માં અપાયેલું વર્ષ (સંવત) ઐતિહાસિક તથ્યો સાથે મેળ નથી ખાતું. એ જોતાં પૃથ્વીરાજના સમયમાં એ લખાયા હોવા અંગે શંકા છે. અનેક વિદ્વાનોએ આ કારણે 'પૃથ્વીરાજ રાસો'ને 16મી સદી (વર્ષ 1500થી 1600)માં લખાયેલો એક ખોટો ગ્રંથ ગણાવ્યો છે. રાસોમાં ચંગેઝ, તૈમૂર જેવા કેટલાક પછીના દાયકાના શાસકોનાં નામ આવવાના કારણે આ શંકા વધારે મજબૂત થાય છે."
આચાર્ય શુક્લની ઉપર લખેલી વાતને એક ઐતિહાસિક તથ્ય દ્વારા સમજીએ.
પૃથ્વીરાજ ચૌહાણનો શાસનકાળ ઈ.સ. 1177થી 1192 હતો. એ જોતાં ચંદ બરદાયી અને એના પુત્રોએ 'પૃથ્વીરાજ રાસો'માં કરેલો લગભગ 140 વર્ષ પછીના શાસક તૈમૂરનો ઉલ્લેખ કઈ રીતે શક્ય છે?
આ પુસ્તકમાં વિખ્યાત ઇતિહાસકાર અને હિન્દી લેખક રાયબહાદુર પંડિત ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ પણ 'પૃથ્વીરાજ રાસો'ને કલ્પના અને તથ્યોથી દૂરનું ગણાવ્યું.
આચાર્ય શુક્લએ લખ્યું છે કે, "પૃથ્વીરાજની રાજસભાના કાશ્મીરી કવિ જયાનકે સંસ્કૃતમાં 'પૃથ્વીરાજ વિજય' નામનું કાવ્ય લખ્યું છે જે સંપૂર્ણ નથી મળતું. આ 'પૃથ્વીરાજ વિજય'ની ઘટનાઓ ઇતિહાસની દૃષ્ટિએ સટીક જણાય છે. એમાં પૃથ્વીરાજનાં માતાનું નામ કર્પૂરદેવી લખેલું છે, જેને હાંસીના શિલાલેખ દ્વારા સમર્થન મળે છે."
હાંસી હરિયાણાના હિસ્સારમાં આવેલું છે. આ સ્થળ પૃથ્વીરાજ ચૌહાણના કિલ્લાના કારણે પણ મશહૂર છે.
અહીંથી મળેલા શિલાલેખો કે દાનપત્ર અને પ્રાચીન સિક્કાનો પણ 'પૃથ્વીરાજ રાસો'માં લખેલા વર્ષ (સંવત) સાથે મેળ નથી ખાતો.
ઉદાહરણ તરીકે, ચંદે પૃથ્વીરાજ અને મોહમ્મદ ઘોરીના યુદ્ધ વિશે સંવત 1115 એટલે કે ઈ.સ. 1080માં લખ્યું, જ્યારે શિલાલેખ અને ફારસી ઇતિહાસ અનુસાર, ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણનું યુદ્ધ ઈ.સ. 1191માં થયું હતું. ભારતીય ઇતિહાસનાં પુસ્તકોમાં પણ આ જ વર્ષ મળે છે.
'પૃથ્વીરાજ રાસો'ના પક્ષમાં-વિપક્ષમાં કયા તર્ક છે?
એવું નથી કે જાણકારોએ 'પૃથ્વીરાજ રાસો'ને સાચો (ગ્રંથ) ઠરાવવાના પક્ષમાં મત ના આપ્યો હોય.
પરંતુ અહીં પહેલાં એ સમજવું જરૂરી છે કે શક સંવત, વિક્રમ સંવત અને ઇંગ્લિશ કૅલેન્ડરમાં શો તફાવત છે?
શક સંવત ઇંગ્લિશ કૅલેન્ડર કરતાં 78 વર્ષ પછી અને વિક્રમ સંવત 57 વર્ષ પહેલાં શરૂ થાય છે.
પંડિત મોહનલાલ વિષ્ણુલાલ પંડ્યા, બાબુ શ્યામસુંદર દાસ અને ડૉક્ટર દશરથ શર્માને હિન્દીના સારા જાણકાર માનવામાં આવે છે. આ લોકો 'પૃથ્વીરાજ રાસો'ને સાચો (ગ્રંથ) માનવાના પક્ષમાં રહ્યા.
પંડ્યા અનુસાર, "'પૃથ્વીરાજ રાસો'માં સંવતનો તફાવત 90-91 વર્ષના ગાળાના નિયમ દ્વારા જોવા મળે છે અને આ ગાળો ભૂલ નહીં બલકે જાણીબૂઝીને રાખવામાં આવ્યો છે."
એના સમર્થનમાં પંડ્યાએ 'પૃથ્વીરાજ રાસો'ના એક દોહાનો ઉલ્લેખ કર્યો.
"एकादस सै पंचदह विक्रम साक अनंद...." આમાં સાક અનંદનો અર્થ - શૂન્ય અને નંદ એટલે કે 9 અર્થાત્ 90 રહિત વિક્રમ સંવત.
પરંતુ આચાર્ય શુક્લ સમેત ઘણા વિદ્વાનોએ એવો પ્રશ્ન ઊભો કર્યો કે એવી કઈ રીતે 90 વર્ષ ઘટાડી દેવાયાં?
આચાર્ય શુક્લએ પોતાના પુસ્તકમાં લખ્યું છે, "નંદવંશી શૂદ્ર હતા, તેથી એમના શાસનકાળને રાજપૂતોએ કાઢી નાખ્યો (ગણ્યો નહીં), પંડ્યાનો આવો તર્ક માત્ર કલ્પના જ છે, કેમ કે આજ સુધીમાં ક્યાંય પણ કોઈ પ્રચલિત સંવતમાંથી થોડાં વર્ષ કાઢી નાખ્યાનું કોઈ ઉદાહરણ જોવા નથી મળ્યું. 'પૃથ્વીરાજ રાસો' જો કોઈ સમસામયિક કવિએ રચ્યું હોત તો થોડાક અંશો જ પાછળથી મળ્યા હોત અને થોડી ઘટનાઓ તો સરખી હોત."
ડૉક્ટર નાગેન્દ્ર અને ડૉક્ટર હરદયાલના સંપાદન દ્વારા છપાયેલા પુસ્તક 'હિન્દી સાહિત્ય'માં પણ આ વિશે વધારે માહિતી મળે છે.
પુસ્તકમાં લખ્યું છે, "'પૃથ્વીરાજ રાસો'ને ખોટો માનનારાઓનો એક તર્ક એવો પણ છે કે એમાં અરબી-ફારસી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ એને એમ કહીને રાસો સમર્થકોએ નકારી કાઢ્યો કે કવિ ચંદ લાહોરના રહેવાસી હતા અને એ વિસ્તાર મુસલમાનોના પ્રભાવમાં આવી ગયો હતો તેથી ભાષામાં અરબી-ફારસી આવે તે યોગ્ય છે."
તે છતાં જો માત્ર ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તો મોટા ભાગના જાણકારોએ કહ્યું કે 'પૃથ્વીરાજ રાસો'ની ઘટનાઓ ઇતિહાસ સાથે મેળ નથી ખાતી.
'પૃથ્વીરાજ રાસો'નો લેખનકાળ અને વાદવિવાદ
સંભવ છે કે તમને એવો વિચાર આવતો હોય કે તો પછી આ આટલી મોટી 'પૃથ્વીરાજ રાસો' (કવિતા) કોણે લખી અને ક્યારે લખી?
ગૌરીશંકર ઓઝા અનુસાર, "'પૃથ્વીરાજ રાસો' વિક્રમ સંવત 1600 અર્થાત્ 1543માં લખવામાં આવી. એટલે કે પૃથ્વીરાજ ચૌહાણના શાસનકાળનાં 351 વર્ષ પછી."
આચાર્ય શુક્લએ લખ્યું છે, "એવું લાગે છે કે પૃથ્વીરાજના પુત્ર ગોવિંદરાજ કે હરિરાજના કોઈ વંશજના ત્યાં ચંદ નામના કોઈ ભટ્ટ કવિ હશે જેમણે એમના પૂર્વજ પૃથ્વીરાજની વીરતા બાબતે કશું લખ્યું હોય. એને જ એ સમયનું માનીને રાસોના નામની આ ઇમારત ઊભી કરવામાં આવી હોય."
ભાષાના સ્તરે પણ 'પૃથ્વીરાજ રાસો'ને જાણકારોએ સાચી નથી માની. કહેવાયું કે એની ભાષા ક્યાંક ક્યાંક આધુનિક લાગે છે, તો ક્યાંક પ્રાચીન.
પરંતુ હઝારીપ્રસાદ દ્વિવેદીનું કહેવું હતું કે 'પૃથ્વીરાજ રાસો'માં 12મી સદીની ભાષા સંયુક્તાક્ષરવાળી અનુસ્વારાંત પ્રવૃત્તિવાળી જોવા મળે છે, જેનાથી તે 12મી સદીનો ગ્રંથ લાગે છે.
વિશ્વનાથ ત્રિપાઠી આચાર્ય હઝારીપ્રસાદ દ્વિવેદીના શિષ્ય અને હિન્દી ભાષાના ખ્યાતનામ વિદ્વાન છે.
પોતાના પુસ્તક 'હિન્દી સાહિત્ય કા સરલ ઇતિહાસ'માં વિશ્વનાથ ત્રિપાઠીએ લખ્યું છે, "પૃથ્વીરાજનો રચનાકાળ અને એનું મૂળ સ્વરૂપ સૌથી વધારે વિવાદાસ્પદ છે. તેથી જ્યારે ડૉક્ટર બૂલરને ખબર પડી કે રાસોની તારીખ, વ્યક્તિઓનાં નામ અને ઘટનાઓ ઇતિહાસ સાથે મેળ નથી ખાતાં ત્યારે એમણે એને પ્રકાશિત ન કરવાની ભલામણ કરી."
ડૉક્ટર બૂલર એ વ્યક્તિ હતી જેમને 1875માં કાશ્મીરમાંથી જયાનક ભટ્ટે સંસ્કૃતમાં લખેલું 'પૃથ્વીરાજ વિજય' (કાવ્ય) મળ્યું. 'પૃથ્વીરાજ વિજય'માં પૃથ્વીરાજ ચૌહાણની જે કથા મળે છે તે ઇતિહાસ અને તારીખોની દૃષ્ટિએ હકીકતની વધારે નજીક લાગે છે.
'પૃથ્વીરાજ રાસો'ને પ્રચારિત કરવાનું શ્રેય ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી અને ઇતિહાસકાર, સ્કૉલર કર્નલ જેમ્સ ટોડને પણ મળે છે. જેમ્સ ટોડ રાજસ્થાનમાં ફરજ બજાવતા શરૂઆતના બ્રિટિશ અધિકારીઓમાંના એક હતા.
જેમ્સ ટોડે ઈ.સ. 1829માં લખેલા પુસ્તક 'એનલ્સ ઍન્ડ એન્ટિક્યૂટીસ ઑફ રાજસ્થાન'માં 'પૃથ્વીરાજ રાસો'ની કથાને સામેલ કરી. સાથે જ પૃથ્વીરાજ ચૌહાણ માટે તેમણે ઘણી વાર 'અંતિમ હિન્દુ શાસક' જેવા શબ્દનો પ્રયોગ કર્યો.
પૃથ્વીરાજ ચૌહાણનું સત્ય શું છે?
સંભવ છે કે તમે વિચારી રહ્યા હશો કે જો 'પૃથ્વીરાજ રાસો'ની પ્રમાણિતતા સવાલોના ઘેરામાં છે તો પૃથ્વીરાજ ચૌહાણનું સત્ય શું છે?
હવે આપણે આગળની કહાણીમાં ઇતિહાસકારો અને 'પૃથ્વીરાજ વિજય' દ્વારા એ સમજવાની કોશિશ કરીએ.
સતીશચંદ્ર મધ્યકાલીન ભારતના એક જાણીતા ઇતિહાસકાર ગણાય છે. સતીશચંદ્રએ પોતાના પુસ્તક 'મધ્યકાલીન ભારત'માં પૃથ્વીરાજ ચૌહાણ વિશે લખ્યું છે.
આ પુસ્તકના અધ્યાય-5માં સતીશચંદ્રએ જણાવ્યું છે કે, "ગુજરાતના રાજાઓને અધીન રહી ચૂકેલા ચૌહાણોએ દશમી સદીનાં અંતિમ વર્ષોમાં નદૌલને રાજધાની બનાવી. આ વંશના શાસક વિગ્રહરાજે ચિત્તોડ પર કબજો કર્યો અને અજયમેરુ એટલે કે અજમેર વસાવ્યું. વિગ્રહરાજે 1151માં ધિલ્લિકા એટલે કે દિલ્હી તોમરો પાસેથી છીનવી લીધું. પૃથ્વીરાજ તૃતીય ચૌહાણ રાજાઓમાં સૌથી મશહૂર હતા, જેઓ ઈ.સ. 1177ની આસપાસ ગાદીએ બેઠા. પૃથ્વીરાજે તત્કાલ પ્રસારની નીતિ અપનાવી અને ઘણાં નાનાં-નાનાં રાજપૂત રાજ્યોને જીતી લીધાં. ગુજરાતના ચાલુક્ય રાજાની સામે લડાઈમાં તેઓ સફળ ના થયા તેથી ગંગા ખીણ તરફ વળી ગયા."
સતીશચંદ્રે પુસ્તકમાં લખ્યું છે, "પૃથ્વીરાજે બુંદેલખંડની રાજધાની મહોબાની સામે અભિયાન કર્યું. આ જ એ લડાઈ હતી જેમાં આલ્હા અને ઉદલ નામના પ્રખ્યાત યોદ્ધા મરાયા." જોકે પ્રચલિત કથાઓ અને મહોબામાં આજે પણ સંભળાતા આલ્હાખંડમાં એવું કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ સામેની લડાઈમાં ઉદલ મરાયા હતા જેનો બદલો લેવા માટે આલ્હાએ પૃથ્વીરાજ ચૌહાણ સામે યુદ્ધ કર્યું અને એમને હરાવીને ગુરુના કહેવાથી જીવતદાન પણ આપ્યું.
પુસ્તક અનુસાર, "કનોજના જયચંદે આ યુદ્ધમાં મહોબાના ચંદેલ રાજાને મદદ કરી હતી. દિલ્હી અને પંજાબ પર સત્તાના પ્રયાસોનો ગહડવાળાઓએ પણ સામનો કર્યો હતો. આ જ દુશ્મની હતી જેના કારણે પંજાબમાંથી ગઝનીઓને તગેડી મૂકવા માટે રાજપૂત રાજાઓની પરસ્પર સંધિ ના થઈ શકી."
આ એ જ જયચંદ હતા જેમના વિશે 'પૃથ્વીરાજ રાસો'માં ઘણાં કારણે પૃથ્વીરાજ ચૌહાણ સાથે દુશ્મની હોવાનું કહેવાયું હતું.
ઘોરી અને પૃથ્વીરાજ વચ્ચેની પહેલી લડાઈ
અફઘાનિસ્તાનના કાબુલથી લગભગ 400 કિલોમિટર દૂર એક પ્રદેશ છે - ઘોર (ગોર).
આ એ જ સ્થળ છે જેના નામે શહાબુદ્દીન મુહમ્મદ ઉર્ફે મુઈઝુદ્દીન મુમ્મદ બિન સામનું નામ મોહમ્મદ ઘોરી પણ પડ્યું અને આખું ભારત આજે પણ એમને આ જ નામે ઓળખે છે.
મોહમ્મદ ઘોરી ઈ.સ. 1173માં ગઝનીની ગાદીએ બેઠા. 1178માં ઘોરીએ રણ માર્ગે ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાર થઈ. ઘોરીએ તૈયારી સાથે પાછા આવીને 1190 સુધીમાં લાહોર, પેશાવર અને સિયાલકોટ જીતી લીધાં.
આ તરફ ચૌહાણ રાજાઓની શક્તિ વધી ચૂકી હતી. તેઓ ઘણા આક્રમણકારી તુર્કોને મારીને કે હરાવીને ખદેડી ચૂક્યા હતા.
બીજી તરફ સમય વિસ્તારવાદી રાજાઓની રાહ જોઈ રહ્યો હતો. મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણની વચ્ચે 1191માં તરાઈન (કરનાલ, હરિયાણા)માં યુદ્ધ થયું.
તબરહિન્દ (ભઠિંડા) પરના બંનેના દાવાને મુદ્દે આ યુદ્ધ થયું.
ઇતિહાસકારો અનુસાર, પૃથ્વીરાજ ચૌહાણની સેનાની સામે મોહમ્મદ ઘોરીની સેના નાશ પામી. મોહમ્મદ ઘોરીનો જીવ પણ એક યુવા ખીલજી સવારે બચાવ્યો.
પૃથ્વીરાજ ચૌહાણ તબરહિન્દ તરફ આગળ વધ્યા. 12 મહિનાની ઘેરાબંધી પછી તબરહિન્દ જીતી લીધું. પૃથ્વીરાજે પંજાબમાંથી મોહમ્મદ ઘોરીની સેનાને ખદેડવાની કોશિશ ના કરી.
આ બાજુ મોહમ્મદ ઘોરી બીજા યુદ્ધની તૈયારી કરવા લાગ્યા હતા.
1192નું તરાઈન યુદ્ધ: પૃથ્વીરાજનું શું થયું?
1192નું આ યુદ્ધ ભારતના ઇતિહાસને બદલનારું હતું.
કહેવાય છે કે મોહમ્મદ ઘોરી 1 લાખ 20 હજાર સૈનિકો સાથે આગળ વધ્યા, એમની સાથે મોટી સંખ્યામાં અશ્વદળ અને 10 હજાર ઘોડેસવાર બાણાવળી હતા.
ઇતિહાસકાર સતીશચંદ્રએ લખ્યું છે, "પૃથ્વીરાજના અગાઉના વિજયના સેનાપતિ સ્કંદ પણ બીજે ક્યાંક યુદ્ધરત હતા. પૃથ્વીરાજને જેવો ઘોરીના ખતરાનો અહેસાસ થયો તેમણે રાજાઓ પાસે મદદ માંગી. કનોજના રાજા જયચંદને બાદ કરતાં ઘણા રાજાઓએ મદદ કરી."
પુસ્તકમાં એમ લખ્યું છે કે જયચંદે આ પ્રસંગે મદદ ના કરી તેનું કારણ સંયોગિતા સાથે લગ્ન કરવા જેવી બાબત નહોતી પરંતુ જૂની દુશ્મની હતી. એ જોતાં જયચંદ સાઇડમાં ખસી જાય તે ચોંકવનારી વાત નહોતી.
સતીશચંદ્ર અનુસાર, "પૃથ્વીરાજે 3 લાખનું સૈન્ય ઉતાર્યું. જેમાં ઘોડેસવારોની સંખ્યા વધારે હતી અને 300 હાથી હતા. ભારતીય સેના સંખ્યાની રીતે વધારે હતી પરંતુ નેતૃત્વ મોહમ્મદ ઘોરીની સેનાનું વધારે સારું હતું."
યુદ્ધમાં ભારતીય સૈનિકો મોટી સંખ્યામાં મરાયા.
સતીશચંદ્રના 'મધ્યકાલીન ભારત' પુસ્તકમાં લખ્યું છે, "યુદ્ધમાં પૃથ્વીરાજ બચી ભાગ્યા, પરંતુ સિરસાની પાસે પકડાઈ ગયા. તુર્ક સેનાઓએ હાંસી, સરસ્વતી અને સમાનાના ગઢો પર કબજો કરી લીધો. પછી અજમેર પર હુમલો કરીને એના પર પણ કબજો કરી લીધો. પૃથ્વીરાજને થોડા સમય માટે અજમેર પર શાસન કરવાની મંજૂરી આપવામાં આવી."
આ વાતની સાક્ષી પૂરતા તે સમયના સિક્કા પણ છે જેના પર એક બાજુ તારીખ છે અને 'પૃથ્વીરાજ દેવ' લખ્યું છે અને બીજી બાજુ 'શ્રી મોહમ્મદ સામ' લખેલું છે.
સતીશચંદ્રના પુસ્તક 'મધ્યકાલીન ભારત'ના પૃષ્ઠ ક્રમાંક 68 પર લખ્યું છે, "થોડા દિવસ પછી પૃથ્વીરાજને તથાકથિત ષડ્યંત્રના આરોપમાં મારી નાખવામાં આવ્યા અને એમની જગ્યાએ એમના પુત્ર ગાદીએ બેઠા. થોડા સમય પછી પૃથ્વીરાજના પુત્ર રણથંભોર જતા રહ્યા અને નવા શક્તિશાળી ચૌહાણ રાજ્યનો પાયો નાખ્યો અને આ રીતે દિલ્હીનો વિસ્તાર અને પૂર્વ રાજસ્થાન તુર્ક શાસનને અધીન થઈ ગયાં."
તરાઈનના યુદ્ધ પછી દિલ્હીને કુતબુદ્દીન ઐબક જેવા સરદારોને સોંપીને મોહમ્મદ ઘોરી ગઝની પાછા જતા રહ્યા. આ એ જ કુતબુદ્દીન ઐબક છે જેમના નામ પર દિલ્હીમાં કુતબમિનાર છે.
1194માં ફરી ભારત આવેલા મોહમ્મદ ઘોરીનું જયચંદ સાથે યુદ્ધ થયું અને લગભગ યુદ્ધ જીતી ગયેલા જયચંદનું એક તીર વાગવાથી મૃત્યુ થયું.
ઇતિહાસના પુસ્તકમાં લખ્યું છે કે, મોહમ્મદ ઘોરીએ પોતાનું અંતિમ અભિયાન 1206માં ખોખરી સામે કર્યું અને ખૂબ લોહી વહ્યું. પરંતુ જ્યારે મોહમ્મદ ઘોરી ગઝની પાછા જઈ રહ્યા હતા ત્યારે એક કટ્ટરપંથી મુસલમાને ઘોરીને મારી નાખ્યા.
પૃથ્વીરાજ ચૌહાણ: જાત જાતની વાતો
પૃથ્વીરાજ ચૌહાણની કથા એ કાળખંડની છે જેને હિન્દી સાહિત્યમાં આદિકાળ કે વીરગાથાકાળ કહેવામાં આવે છે. એટલે કે એ સમયે જે લખાતું હતું તે રાજાઓની વીરતાનું બયાન કરવા માટે લખાતું હતું.
સાથે જ ભારત જેવા વિશ્વાસ અને માન્યતાઓથી ભરેલી પરંપરાઓવાળા દેશમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે સંકળાયેલી કથા અહીં જ ખતમ નથી થતી.
પૃથ્વીરાજ સાથે જોડાયેલી ઘણી કથા બીજા અનેક દસ્તાવેજોમાં મળે છે, પછી તે ડૉક્ટર બૂલરને કાશ્મીરમાંથી મળેલી 'પૃથ્વીરાજ વિજય' હોય કે 'તાજ-અલ-માસિર', 'તબકાત-એ-નાસિરી', 'પૃથ્વીરાજ પ્રબંધ', 'પ્રબંધ ચિંતામણિ' અને 'પુરાતન સંગ્રહ' હોય.
દરેક દસ્તાવેજ પૃથ્વીરાજ ચૌહાણ સાથે સંકળાયેલી નવી કહાણી કહે છે. ઉદાહરણ તરીકે, જૈન દસ્તાવેજ 'પ્રબંધ ચિંતામણિ'. એના અનુસાર, પૃથ્વીરાજ ચૌહાણ ઘણા દિવસો સુધી સૂતા રહેતા અને જ્યારે આક્રમણ થતું ત્યારે જગાડવા છતાં ઊઠતા નહોતા.
યુનિવર્સિટી ઑફ ટૅક્સાસમાં ઇતિહાસ ભણાવતાં પ્રૉફેસર સિંથિયા ટૅલબોટે પણ 'ધ લાસ્ટ હિન્દુ ઍમ્પરર' પુસ્તક લખ્યું છે.
આ પુસ્તકમાં પ્રૉફેસર સિંથિયા ડૉક્ટર બૂલરને કાશ્મીરમાંથી મળેલી 'પૃથ્વીરાજ વિજય'ને વાસ્તવિકતાની વધારે નજીકની ગણાવે છે. જોકે એમાં 1192ની હારનો ઉલ્લેખ નથી. જોકે એનું નામ જ પૃથ્વીરાજ વિજય છે તેથી એમાં લખેલી વાતો સાચી પણ લાગે છે.
હસન નિઝામીએ લખેલા ફારસી દસ્તાવેજ 'તાઝ-અલ-માસિર'માં મોહમ્મદ ઘોરીને મહાન ગણાવાયા અને 1191ની હારનો ઉલ્લેખ નથી કરાયો તથા વિદ્રોહ કરવાના લીધે પૃથ્વીરાજ ચૌહાણને મૃત્યુદંડ કરાયો હોવાની વાત લખવામાં આવી છે.
પરંતુ જો તથ્યોની દૃષ્ટિએ જોઈએ તો ફારસી દસ્તાવેજોમાં 'તબકાત-એ-નાસિરી' સત્યની નજીક છે. એના લેખક મિનહાઝ ઉસ સિરાઝ જુઝૈની શિક્ષિત પરિવારના હતા અને એમને ઇતિહાસની પણ સારી સમજ હતી.
મિનહાઝે ઘોરીની નિષ્ફળતાઓ વિશે પણ લખ્યું હતું અને પૃથ્વીરાજ દ્વારા મળેલી હારનો ઉલ્લેખ પણ કર્યો હતો. મિનહાઝે લખ્યું છે તેમાં હાંસીનો ઉલ્લેખ પણ આવે છે, જ્યાંથી મળેલા પુરાવા પ્રમાણિત છે અને કલ્પના નથી, હકીકત છે.
પુસ્તકો કરતાં અલગ દુનિયા
પ્રૉફેસર સિંથિયાએ લખ્યું છે, "ઐતિહાસિક પાત્ર પૃથ્વીરાજ ચૌહાણ વિશે જાણવું ઘણું મુશ્કેલ છે, કેમ કે એ જમાનાની વસ્તુઓ ઘણી ઓછી બચી છે કે મળી શકી છે."
પરંતુ આ બધા દસ્તાવેજો કે પુસ્તકોથી દૂર અજમેરના પૃથ્વીરાજ સ્મારકમાં પૃથ્વીરાજ ચૌહાણની ઊંચી પ્રતિમા છે. જેમાં, એમના હાથમાં ધનુષ્ય-બાણ છે અને તેઓ ઘોડા પર સવાર થયેલા નિશાન તાકતા દેખાય છે.
મૂર્તિની નીચે ઊભેલા લોકો હાથ જોડીને નમન કરતા દેખાય છે. એમાંના મોટા ભાગના લોકો માટે પૃથ્વીરાજ ચૌહાણની કથા એ જ સાચી છે જે 'પૃથ્વીરાજ રાસો'માં લખેલી છે કે જે અક્ષયકુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ'માં બતાવવામાં આવી છે.
ફિલ્મ પ્રમોશન માટેના પોતાના ઇન્ટરવ્યૂમાં અક્ષયકુમાર ઇતિહાસનાં પુસ્તકોને ફરીથી લખવા અને બૅલેન્સ કરવાની શિક્ષણમંત્રીને અપીલ કરે છે.
સાથે જ, એક ઇન્ટરવ્યૂમાં અક્ષયકુમાર ડાયરેક્ટર ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ' માટે 18 વર્ષ સુધી કરેલા 'હોમવર્ક'નાં વખાણ કરે છે.
અક્ષયે કહ્યું, "મને તો ઘણા લોકોએ કહ્યું કે 'હોમવર્ક ઘણું કર્યું હશે'. મેં કહ્યું કે 'હોમવર્ક હું શું કરું. એના ઉપર જો મેં હોમવર્ક કર્યું તો હું તો સત્યાનાશ કરી નાખીશ.'"
ઇતિહાસ અને ઐતિહાસિક નાયકો સાથે સંકળાયેલાં તથ્યો બાબતે વિવાદ થતા રહે છે, પરંતુ જરૂર એ બાબતની છે કે ઇતિહાસને ઇતિહાસના દર્પણમાં જ જોવો જોઈએ, નહીં કે વર્તમાનના માપદંડોથી અને નૅરેટિવને ધ્યાનમાં રાખીને.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો