મનુષ્યએ બોલવાની શરૂઆત ક્યારે કરી અને શા માટે?

માંસ શોધીને ખાનારા અને અને અગ્નિ પ્રગટાવવાનું શીખેલા આપણા પૂર્વજો બોલતા ક્યારે શીખ્યા?

શું એવું શક્ય છે ખરું કે આજે બોલાતી હજારો ભાષાના મૂળિયાં કોઈ એક જ પ્રાચીન વડવામાં નીકળે?

લેખક અને ભાષાઓના ચાહક માઇકલ રોસેનનો તપાસ અહેવાલ...

ઉત્ક્રાંતિની મહત્ત્વની ઘટના

ન્યુકેસલ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્રી મેગી ટોલરમેન કહે છે, "મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે, જેની પાસે ભાષા છે અને એ જ આપણને બધા પ્રાણીઓથી અલગ પાડે છે."

"ભાષાના માધ્યમથી વાતચીત કરવાની ક્ષમતા ઉત્ક્રાંતિમાં એક મહત્ત્વનો પડાવ માનવામાં આવે છે."

"વાસ્તવમાં પરિવર્તન લાવનારો એક પડાવ અને તેના કારણે જ મનુષ્યોને હંમેશાં ભાષાનાં મૂળિયાં ક્યાં હતાં તેનું કૂતુહલ હોય છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના માનવ ઉત્ક્રાંતિના પ્રોફેસર અને નૃવંશશાસ્ત્રી રોબર્ટ ફોલી કહે છે:

"આપણને મનુષ્ય બનાવનારી કેટલીક સંકુલ બાબતોમાંની એક બાબત છે ભાષા."

ભાષાની ઉંમર પાંચેક લાખ વર્ષની થઈ હોવી જોઈએ

આજે દુનિયામાં 6,500 જેટલી ભાષાઓ છે, પણ તેમાંથી સૌથી પ્રાચીન ભાષા કઈ તે વિજ્ઞાનીઓ કેવી રીતે નક્કી કરે?

'પ્રાચીન ભાષા' વિશે પૂછવામાં આવે તો આપણે કદાચ બેબિલોનિયન, પ્રાચીન ઇજિપ્તની ભાષા અથવા સંસ્કૃત વિશે વિચારીશું.

પ્રોફેસર ટોલરમેન કહે છે કે આ ભાષાઓ પહેલાં પણ ભાષા હતી.

આપણે જેને પ્રાચીન ભાષાઓ ગણાવીએ છીએ, તે 6,000 વર્ષથી વધારે જૂની નથી.

એ જ રીતે આજની આધુનિક ભાષાઓ પણ બહુ પ્રાચીન નથી.

ભાષાનો અસલી પ્રારંભ લગભગ 50,000 વર્ષ જેટલો પાછળ લઈ જવો પડે, અને મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ માને છે કે શરૂઆત તેનાથી પણ વધારે આગળથી થઈ હતી.

પ્રોફેસર ટોલરમેન કહે છે, "અમારામાંથી ઘણા માને છે કે ભાષાની શરૂઆત પાંચ લાખ વર્ષ પહેલાં થઈ હોવી જોઈએ."

એક સમાન વડવા

પ્રોફેસર ફોલી કહે છે કે આજે દુનિયામાં ભાષાનું આટલું વૈવિધ્ય છે, પણ "એવું પણ શક્ય છે કે હાલની બધી જ ભાષાઓ કોઈ એકસમાન વડવામાંથી ઊતરી આવી હોય."

આપણી જૈવિક ઉત્ક્રાંતિના આધારે આટલા જૂના સમયગાળા વિશે આપણે વિચાર કરી શકીએ છીએઃ આપણા જિનેટિક્સ દર્શાવે છે કે આપણે બધા આફ્રિકાના એક નાનકડા માનવ જૂથમાંથી આવેલા છીએ.

આ જૂથમાંથી વારસો આગળ વધ્યો તે સિવાયનાં જૂથોમાં કદાચ બીજી ભાષાઓ હશે, પણ આજે આપણે જે ભાષાઓ જોઈએ છીએ તે કદાચ એક જ ભાષામાં ફેરફારોથી બનેલી ભાષાઓ હોઈ શકે છે.

પુરાતત્ત્વ પુરાવાઓ

આપણા વડવાઓના અવશેષો આપણને મળ્યા છે, તેમાંથી પણ કેટલીક કડીઓ મળે છે કે આપણે ક્યારે બોલતા શીખ્યા હોઈશું.

પ્રોફેસર ફોલી કહે છે, "ભાષા એ એક રીતે તો આગવી રીતે લેવાતો શ્વાસોચ્છવાસ છે. આપણે બહુ જ નિયંત્રિત રીતે શ્વાસ અને ઉચ્છવાસ લઈએ છીએ અને તેનાથી ધ્વની ઉત્પન્ન કરીએ છીએ."

ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આપણો સ્નાયુઓ પર બહુ સચોટ પ્રકારનો કાબૂ હોવો જોઈએ.

સ્નાયુઓ પરના અદભૂત નિયંત્રણના કારણે જ "સ્વરતંત્ર તૈયાર થયું છે, જે આપણી સૌથી નજીકના ગણાતા અને બોલી ના શકતા વાનરકૂળના પ્રાણીઓના સ્વરતંત્ર કરતાં ઘણાં વધારે સ્નાયુઓ ધરાવે છે."

આ બધાં સ્નાયુઓના કારણે "આપણું કરોડરજ્જુ વાનરકૂળના પ્રાણીની સરખામણીએ સ્વરપેટીના હિસ્સામાં વધારે ગાઢ બનેલું છે. એ જ રીતે કરોડસ્તંભ પણ વધારે પહોળો છે."

ઉત્ક્રાંતિમાં આપણા પિતરાઈ સમાન અને 6,00,000 લાખ વર્ષ પહેલાં સુધી અસ્તિત્ત્વમાં રહ્યા બાદ નાશ પામેલી માનવજાતિ નિએન્ડરથાલના કરોડસ્તંભ પણ પહોળા હતા.

તેનાથી દસ લાખ વધુ વર્ષ પાછળ જઈએ અને આપણા બહુ પ્રાચીન વડવા હોમો ઇરેક્ટ્સના અવશેષો જોઈએ તો તેમનું કરોડસ્તંભ આટલું પહોળું જોવા મળતું નથી.

તેના આધારે આપણે કાચી ધારણા બાંધી શકીએ કે મનુષ્યએ ક્યારથી બોલવાનું શરૂ કર્યું હશે.

જિનેટિક્સનો પણ ફાળો

અવશેષોમાંથી મળતા પુરાવા ઉપરાંત જિનેટિક્સની આધુનિક તપાસને કારણે પણ ભાષાઓનો સમયગાળો નક્કી કરવાની નવી પદ્ધતિ મળી રહી છે.

પ્રોફેસર ફોલી કહે છે, "FOXP2 એવા નામે ઓળખાતો એક જિન એવો છે, જે બધા જ પ્રાઇમેટ્સમાં જોવા મળે છે, પણ આપણામાં આ જિનનું મ્યુટન્ટ (ફેરફાર પામેલું) વર્ઝન જોવા મળે છે."

જિનમાં થયેલા આ મ્યુટેશન પરથી "એ વાત સમજાવી શકાય કે શા માટે માણસ બોલી શકે છે, જ્યારે ચિમ્પાન્ઝી બોલી શકતા નથી."

"આપણે જાણીએ છીએ કે બોલી અને ભાષાના વિકાસમાં આ જિનની અગત્યની ભૂમિકા રહી છે. જે લોકોમાં મ્યુટેશન ના પામેલું જિન હોય તેણે બોલવામાં તકલીફ પડે છે."

મજાની વાત એ છે કે નિએન્ડરથાલમાં આધુનિક માનવજાતમાં જોવા મળતું આ જ FOXP2 જિન જોવા મળતું હતું. તેનાથી એવી થિયરીને આધાર મળે છે કે તેઓ અમુક અંશે બોલી શકતા હતા.

જોકે તેઓની બોલી વધારે વિકસિત થઈ હતી કે કેમ તે તદ્દન જુદી બાબત છે.

પ્રોફેસર ટોલરમેન કહે છે કે ધ્વનિ (બોલાતી ભાષાનો ઉચ્ચાર) અને ભાષા (શબ્દો અને વ્યાકરણ સહિતની સંપૂર્ણ વ્યવસ્થા) એક જ બાબત નથી.

"હાલમાં આપણી જાણકારી છે તે પ્રમાણે જિનેટિક્સના પુરાવાથી ભાષા કેવી રીતે બની તે નક્કી કરવું મુશ્કેલ છે."

મગજનું કદ

શું પ્રારંભિક મનુષ્યની ખોપડીના કદના આધારે ભાષાના પ્રારંભનો કાળ નક્કી કરી શકાય ખરો? ના, શક્ય નથી.

તેનું સીધું કારણ એ છે કે આપણે એ નથી જાણતા કે ભાષાના સર્જન માટે કેટલા મોટા કદના મગજની જરૂર પડે.

પ્રોફેસર ટોલરમેન કહે છે, "હકીકતમાં, નિએન્ડરથાલનું મગજ આપણા કરતાં મોટું હતું, કેમ કે તેઓ કદાવર હતા."

સૌ પ્રથમ શબ્દ કયો?

આજે આપણે જેને ભાષા તરીકે સમજીએ છીએ તેની પહેલાં જે એક ભાષા આવી હશે તેને પ્રોટો ભાષા કહી શકીએ.

તે પ્રોટો ભાષામાં કયો શબ્દ પહેલો આવ્યો હશે તે આપણે કહી શકીએ ખરા?

પ્રોફેસર ફોલી કહે છે, "પ્રામાણિક જવાબ છેઃ આપણી પાસે જાણવાનો કોઈ રસ્તો નથી."

પ્રારંભિક સસ્તન પ્રાણીઓ (પ્રાઇમેટ) પર નજર કરીએ તો નિષ્ણાતો કહે છે કે તેની પાસે કેટલાક એવા અવાજો હતા, જેને 'શબ્દો' કહી શકાય.

તેઓ એવો અવાજ કરતા હતા, જેના કારણે જૂથના બીજા સભ્યો અમુક વાત સમજી શકે.

જેમ કે 'ગરૂડ', 'ચિત્તો' એવું જણાવવા માટે અથવા 'સાવધાન રહેશો' એવું કહેવા માટે અમુક પ્રકારના અવાજો હતા.

તમે એવી પણ દલીલ કરી શકો કે તે વખતે આપણી આસપાસ જે કુદરતી નક્કર વસ્તુઓ હતી તેના માટે પ્રારંભિક શબ્દો માણસોએ નક્કી કર્યા હશે.

એક વૈકલ્પિક થિયરી એવી છે કે સહજ રીતે સંવાદમાં વપરાતા શબ્દો પ્રારંભમાં આવ્યા હશે.

આજે પણ વપરાતા "શ..", "સ.." જેવા સિસકારા, "હે", "એય", "ઓ" જેવા ઉદગારો અથવા "સારું" "આવજો" વગેરે જેવા સંવાદો થયા હશે.

આવા પ્રકારના શબ્દો લગભગ દરેક ભાષામાં મળે છે.

તેમાં સમાન વાત એ છે કે તેની સાથે કોઈ પ્રકારનું વ્યાકરણ જોડાયેલું હોતું નથી.

તે સ્વતંત્ર રીતે ઉચ્ચારાતા શબ્દો હોય છે. ભાષામાં વ્યાકરણ અને સંદર્ભ બાદમાં આવ્યા, જેમાં શબ્દો અને શબ્દજૂથોને વાક્યમાં ક્રમબદ્ધ ગોઠવતા થયા.

ભોજન માટે વાણી વિકસી હશે

પ્રોફેસર ટોલરમેન કહે છે, પ્રારંભિક મનુષ્યોએ "સહકાર આપવાની અથવા વધારે વાતચીત કરવાની કોશિશ કરી હશે, જેથી પોતાની આસપાસની સૃષ્ટિનો વધારે ઉપયોગ કરી શકાય અને જુદા જુદા ખોરાક મેળવી શકાય."

આપણા વડવાઓએ માંસ માટે મૃત પ્રાણીઓને શોધવાનું અને શિકારી પ્રાણીઓએ શિકાર કર્યો હોય તેને શોધવાનું શરૂ કર્યું હતું.

પ્રોફેસર ટોલરમેન કહે છે, "જોકે વરૂના ઝૂંડે શિકાર કર્યો હોય તે પ્રાણીની જયાફત ઉઠાવવા માટે બીજા સાથીઓની જરૂર પડે, કેમ કે વરૂઓનું ભોજન પડાવી લેવું ખતરનાક સાબિત થઈ શકે."

"તમે આંટો મારવા નીકળ્યા હો અને તમને શિકાર થયેલું પ્રાણી મળે, ત્યારે જૂથના બીજા સભ્યોને જણાવવું પડે કે ત્યાં ખાવાનું પડ્યું છે અને તે જણાવવા માટે ભાષા ઉપયોગી થઈ શકે."

મનુષ્યના સંવાદની એક બીજી વિશેષતા પણ છે.

તેને ઑફલાઇન થિન્કિંગ પણ કહેવામાં આવે છે.

વાતચીત કરતી વખતે જે બાબત હાજર નથી, જે બાબત અન્ય જગ્યાએ કે અન્ય સમયે બની હતી તે જણાવવા માટે પણ તમારે ભાષાનો આ રીતે ઉપયોગ કરવાનો હોય છે.

ખોરાક મેળવવા માટે અને અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટેની મનુષ્યની મથામણને કારણે તેણે એવી ક્ષમતા કેળવી કે તે બીજા માણસને અમુક બાબતો સમજાવી શકે.

પ્રોફેસર ટોલરમેન ઉમેરે છે, "તેઓ તે વખતે જોઈ શકે તેમ ના હોય, પણ તે હોઈ ખરી. જેમ કે ખોરાક. આ વાત બીજા મનુષ્યને સમજાવવાની મથામણમાંથી ભાષા ઊભી કરવા માટે મનુષ્યને પ્રેરણા મળી હશે."

ગુસપુસ કરવાની વૃત્તિનો પણ હિસ્સો હશે

આ રીતે સહકારથી કામ કરવાની આપણી ક્ષમતાને કારણે ભાષાનો પણ વિકાસ થયો, પણ તે વખતે વાતચીત માટેની જરૂર હતી તે સાદીસરળ હતી.

"તેના કેન્દ્રમાં સહકાર હતો - અને કદાચ સામાજિક સહકારથી જ સામાજિક ઘડતર થયું હતું," એમ પ્રોફેસર ફોલી કહે છે."

"આપણે જે સંવાદ કરતા હોઈએ છીએ તેમાંથી બહુ મોટો હિસ્સો એકબીજા સાથે ગઠબંધન કરવાનો જ હોય છે અને બીજે શું ચાલી રહ્યું છે તે જાણવા માટેનો હોય છે."

કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતેના ભાષા ઇતિહાસશાસ્ત્રી નિષ્ણાત ડૉ. લૌરા રાઇટ જણાવે છે કે સામાન્ય વાતચીત કરતાં રહેવાની વાતનું મહત્ત્વ પણ ઓછું આંકવું જોઈએ નહીં : "વાતો કરવી, ગોઠડી કરવી, ગુસપુસ કરવી એ બધું રોજેરોજ ચાલતું રહે છે અને તેના આધારે જ ભાષા ચાલતી રહે છે."

ઘણી વાર એકબીજા પાસેથી કામ કઢાવવા કરતાંય શું ચાલી રહ્યું છે તે જાણવા માટેનો હેતુ ભાષાનો મુખ્ય હેતુ બની રહે છે.

આપણે કથાઓ કરતા ક્યારથી શીખ્યા?

પ્રોફેસર ટોલરમેન કહે છે, "એક કથાનક ઊભું કરવા, વાર્તાઓ કહેવા અને રીતરિવાજ ઊભા કરવા માટે ભાષાની ઘણી બધી સજ્જતા જોઈએ."

તેવી ક્ષમતા બહુ લાંબા સમયગાળા બાદ આવી હશે. વાતચીત કરવાનું માણસ શીખ્યો તે પછી કદાચ લાખો વર્ષ બાદ કથા કહેતા શીખ્યો હશે.

પ્રોફેસર ફોલી કહે છે કે પ્રોટો ભાષાથી આધુનિક ભાષા તરફની યાત્રા બહુ લાંબી અને બહુ કઠીન રહી હશે, પણ "આજે બોલાતી બધી જ ભાષા એકસમાન રીતે સંકુલ છે."

"જુદી જુદી ભાષા બોલતી પ્રજાઓમાં પણ ઓછામાં ઓછા એક લાખ વર્ષ પહેલાં ઘણાં બધાં પરિવર્તનો આવ્યાં હતાં. તેના કારણે તે વખતે જ ભાષામાં ઘણી સંકુલતા આવવા લાગી હશે."બીબીસી રેડિયો 4ના કાર્યક્રમ 'વર્ડ ઑફ માઉથ' પરથી આ લેખ તૈયાર થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો