સ્ત્રીમાંથી પુરુષ બનેલા ગુજરાતના ડૉક્ટરની કહાણી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"આ સમાજમાં તમે દયા કે સહાનુભૂતિ માગો તો લોકો તરફથી તમને ઘૃણા મળે છે. એટલે મેં સ્ત્રીમાંથી પુરુષ થવાનો નિર્ણય લીધો અને પુરુષ થયો, પણ કોઈ મને સ્વીકારવા તૈયાર નહોતું."

આ શબ્દો સ્ત્રીમાંથી પુરુષ બન્યા બાદ સામાજિક લડાઈ લડી રહેલા એક સરકારી ડૉક્ટર ભાવેશભાઈ (નામ બદલેલ છે)ના છે.

તેઓ કહે છે કે હું સ્ત્રીમાંથી પુરુષ બન્યો હતો એટલે ટ્રાન્સજેન્ડર તરીકે લોકો સ્વીકારવા માગતા હતા. છેવટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી મેં મારા પુરુષ હોવાનો હક્ક મેળવ્યો.

તેઓ કહે છે કે હવે કોરોનાની સ્થિતિ સુધરે એટલે હું સરકારી નોકરી છોડીને વિદેશ ભણવા જઈશ.

'મને ખબર નહોતી કે હું છોકરી છું કે છોકરો'

ભાવેશભાઈ ખેડા જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલા છે.

સત્તર સભ્યોવાળા સંયુક્ત કુટુંબમાં એમનો જન્મ થયો ત્યારે તેઓ ઘરમાં ચોથા નંબરની બાળકી હતાં.

એમના ત્રણ કાકાનાં બાળકો સહિત નવ બાળકો હતાં, જેમાંથી પાંચ દીકરા અને ચાર દીકરીઓ હતી.

નાનપણમાં તેઓ ભણતા ત્યારે તેમને છોકરાઓ સાથે દોસ્તી સારી લાગતી હતી, પણ એમને ખબર નહોતી કે એમનું શરીર છોકરીનું છે અને મન છોકરાનું છે.

ભાવેશભાઈ કહે છે કે હું નાના ગામમાં સ્કૂલમાં ભણતો હતો, દસમા ધોરણ સુધી મને ખબર નહોતી કે હું છોકરી છું કે છોકરો.

"નાનપણમાં મારા વાળ લાંબા હતા, અમે પહેલાં છોકરા-છોકરીઓ મળતાં ત્યારે અલગ જેન્ડરનો અહેસાસ નહોતો, પણ સમય જતાં એ બદલાઈ ગયું હતું."

તેઓ કહે છે, "મને છોકરીઓ સાથે રહેવામાં કે એમની જોડે ફૅશનની વાતો કરવામાં રસ પડતો નહોતો. છોકરી હોવા છતાં મને છોકરીઓ પસંદ પડતી."

તેઓ વધુમાં કહે છે, "મારી ચાલ અને હાવભાવ પણ છોકરીઓ જેવાં નહોતાં એટલે લોકો મને ચીડવતા. મારી પિતરાઈ બહેનો અને મારી કાકીઓ પણ મને છોકરીઓની જેમ વર્તવાનું શીખવતાં, પણ મનમાં એક મૂંઝવણ ચાલતી હતી કે કંઈક ખોટું થઈ રહ્યું છે."

"મને એ વખતે સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. લોકો મને ખીજવતા, મારાથી દૂર રહેતા હતા. મેં બધું બાજુમાં મૂકી ભણવામાં મન પરોવ્યું અને હું અવ્વ્લ નંબરે પાસ થયો. મારી અને મારા પરિવારની ઇચ્છા મુજબ હું મેડિકલમાં દાખલ થયો."

પ્રમાણપત્રોમાં ફેરફાર કરવાની લડાઈ

ભાવેશભાઈ કહે છે કે અહીંથી મારી ખરી લડાઈ શરૂ થઈ, મારા બધા ડૉક્યુમૅન્ટ છોકરીનાં હતાં.

તેઓ કહે છે, "સરકારી કૉલેજના નિયમ મુજબ મને ફરજિયાત લેડીઝ હૉસ્ટેલમાં રહેવાનું હતું. હું મેડિસિનમાં એટલે મને ખબર હતી કે મારામાં શું ફેરફાર આવી રહ્યા છે."

"લેડીઝ હૉસ્ટેલમાં હું એકલતા અનુભવતો હતો. મેં હૉર્મોન-ચેન્જ માટેની ટ્રીટમેન્ટ શરૂ કરી, ધીમે-ધીમે મારા શરીરમાં પરિવર્તન આવવા લાગ્યું. લેડીઝ હૉસ્ટેલમાં રહેવું મુશ્કેલ થવા લાગ્યું, ધીમે-ધીમે દાઢી અને મૂછ આવવાં લાગ્યાં."

તેઓ આગળ જણાવે છે, "મેં કૉલેજમાં બંડ પોકાર્યું કે મને જેન્ટ્સ હૉસ્ટેલમાં રાખવામાં આવે, હું મારી સાથે ભણતી છોકરીઓમાં 'અછૂત' થઈ ગયો હતો અને છોકરાઓ મને સ્વીકારવા તૈયાર નહોતા."

ભાવેશભાઈ કહે છે કે મેં દિલ્હીની એક સામાજિક સંસ્થાનો સંપર્ક સાધ્યો, મને બૉય્સ હૉસ્ટેલમાં રહેવાની છૂટ મળી પણ જ્યાં તમે સહાનુભૂતિ કે દયા માગો ત્યાં તમને ઘૃણા મળે છે.

તેઓ કહે છે કે હું મધ્યમ વર્ગમાંથી આવું એટલે આર્થિક રીતે સધ્ધર નહોતો. મને સતત થતું કે મારું શરીર ભલે છોકરીનું છે પણ મારો આત્મા પુરુષનો છે, મને પુરુષનું શરીર મળવું જોઈએ.

"મારી સાથે કૉલેજમાં ભણતી એક છોકરી મારી મનોસ્થિતિને સમજતી હતી, અમે મળતાં ત્યારે એ મને કહેતી કે કપડાં પાછળ તમે કોણ છો, એથી કોઈ ફરક પડતો નથી. એણે મને સધિયારો આપ્યો."

લગ્નજીવન અને ઘડપણની ચિંતા

ભાવેશભાઈ કહે છે કે એ પછી મેં મારા પિતાને બોલાવ્યા અને મનોચિકિત્સકને મળ્યા. મારા પિતાને મારા માટે પ્રેમ હતો પણ સમાજનો ડર પણ હતો.

તેઓ જણાવે છે કે આખી વાત લગ્ન પર અટકી ગઈ હતી. એમને એવું હતું કે જો હું છોકરો બનીશ તો મારી સાથે લગ્ન કોણ કરશે? ઘડપણમાં મારો સહારો કોણ હશે?

"મારી એક જ દલીલ હતી કે લગ્ન પછી મારા જીવનસાથી મારાથી પહેલાં નહીં મરે એની શું ખાતરી? ઘડપણમાં છોકરા મને રાખશે કે કેમ એની કોઈ ખાતરી ખરી? આ વાત મારા પિતાને સ્પર્શી ગઈ, એમણે વાત સ્વીકારી લીધી."

તેઓ કહે છે કે મારા પિતાએ જતાં-જતાં એટલું જ કહ્યું કે બેટા, તું અમારી માટે શાન બનીને બતાવજે. આ વાત મારા માટે પૂરતી હતી, મેં સર્જરી કરાવી અને હું છોકરીમાંથી છોકરો બન્યો.

ભાવેશભાઈ પોતાની સર્જરી પછીના અનુભવની વાત કરતાં કહે છે કે જ્યારે મારી સર્જરી પૂરી થઈ અને નર્સે મને મારો ચહેરો દેખાડ્યો ત્યારે મારા ચહેરા પર કોઈ ભાવ નહોતા.

"નર્સે મને કહ્યું કે લોકો ખૂબ ઍક્સાઇટેડ થાય છે અને તમે કેમ કૂલ છો? ત્યારે મારો જવાબ હતો મારા આત્માને મારું શરીર મળ્યું છે, સર્જરી પછી હું શાંતિ અનુભવતો હતો. "

"મને જે જોઈતું હતું, એ મળ્યું હતું. મારા આત્માને એનું અસલી શરીર મળી ગયું હતું. મેં એટલે સર્જરી નથી કરાવી કે લોકો મને પ્રેમ કરે, મેં સર્જરી એટલે કરાવી છે કે હું મારી જાતને પ્રેમ કરું છું."

આખરે હાઈકોર્ટને શરણે

એ પછી ભાવેશભાઈની બીજી લડાઈ શરૂ થઈ, તેમને આગળ ભણવા માટે વિદેશ જવું હતું, અને એ માટે પોતાનો પાસપૉર્ટ, સ્કૂલ, કૉલેજની ડિગ્રી અને જન્મના પ્રમાણપત્રમાં છોકરીના બદલે છોકરાનું નામ રાખવું હતું અને પુરુષ લખાવવું હતું.

સરકારી નિયમ પ્રમાણે કોઈ કશું ચેન્જ કરવા તૈયાર નહોતું. પોતે પુરુષ હોવાના પ્રમાણપત્ર મેળવવા એમને અનેક ધક્કા ખાધા, પણ એમને ટ્રાન્સજેન્ડરનું સર્ટિફિકેટ મળતું હતું, પુરુષનું નહીં.

છેવટે એમને ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં.

ભાવેશભાઈનો કેસ લડનાર વકીલ અમિત ચૌધરીએ કહ્યું કે અમે હાઈકોર્ટમાં બંધારણની કલમ 14, 15 તથા 2012 અને કલમ 226, 227 હેઠળ અરજી કરી હતી.

ભાવેશભાઈ નાનપણથી જેન્ડર ડિફૉનિયાથી પીડાતા હતા.

ત્યારબાદ જાતિ બદલી, જેના સરકારી હૉસ્પિટલમાંથી મંજૂરી મળ્યાના પ્રમાણપત્ર પણ મુખ્ય હતા.

જેમાં સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ નહીં ધરાવતા ભાવેશભાઈને વિદેશ ભણવા જવાનું હોવાથી એમને પાસપૉર્ટ, સ્કૂલ, કૉલેજ અને જન્મના પ્રમાણપત્રમાં સ્ત્રીમાંથી પુરુષ તરીકે જાતિ બદલી આપવી જોઈએ.

જેના આધારે જસ્ટિસ એ. જે. દેસાઈએ તમામ જગ્યાએ એમને સ્ત્રીના બદલે પુરુષ તરીકે જાતિ બદલી આપવાના આદેશ આપ્યા છે.

ભાવનગર યુનિવર્સિટીના ઉપકુલપતિ મહીપતસિંહ ચાવડાએ કહ્યું કે અમને જ્યારે ખબર પડી કે આ જેન્ડર ડિફૉનિયાથી પીડાય છે, ત્યારે અમે એમને બૉય્સ હૉસ્ટેલમાં દાખલ કર્યો હતો અને હવે હાઈકોર્ટના આદેશ બાદ અમે એમનાં તમામ પ્રમાણપત્રમાં ફેરફાર કરી આપીશું.

લાંબી લડાઈ જીતેલા ભાવેશભાઈ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે એક તબક્કો એવો હતો કે મને મરવાના વિચાર આવતા હતા, પણ મેં નક્કી કર્યું કે હું જિંદગીને સૉરી નહીં કહું.

તેઓ કહે છે કે હાઈકોર્ટમાં જતા પહેલાં મને પરદેશમાં ભણવા માટે સ્કૉલરશિપ મળી છે. કોર્ટના આદેશ બાદ હું તરત વિદેશ જઈ શકું એમ છું.

હું સરકારી હૉસ્પિટલમાં ફરજ બજાવું છું, કોરોનાની બીમારીમાં હું દર્દીઓની સેવા કરીશ અને કોરોના બાદ હું પરદેશ ભણવા જઈશ.

"હવે હું મારી જાતને સામાજિક કેદમાંથી આઝાદ મહેસૂસ કરું છું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો