You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોઈને સેક્સી કે સુંદર કહેવું શું ગુનો છે? શું કહે છે ગુજરાતની મહિલાઓ?
ફ્રેન્ચ અભિનેત્રી કેથરિન ડેન્યૂવે જણાવ્યું છે કે પુરુષોને મહિલાઓ સાથે ફ્લર્ટિંગ કરવાની છૂટ હોવી જોઈએ.
જાતીય સતામણીનાં તાજેતરનાં કૌભાંડોને પગલે શરૂ થયેલા એક નવા 'ચોખલિયાપણા' સામે ચેતવણી આપતો ખુલ્લો પત્ર ફ્રાન્સની 100 મહિલાઓએ લખ્યો છે.
કેથરિન ડેન્યૂવેનો સમાવેશ એ 100 મહિલાઓમાં થાય છે.
અમેરિકાના ફિલ્મસમ્રાટ ગણાતા હાર્વે વેઇન્સ્ટેઇને સંખ્યાબંધ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો અથવા તેમની જાતીય સતામણી કરી હોવાના દાવા બાદ ધિક્કાર ફાટી નિકળ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
ધિક્કારના એ પ્રવાહ બાબતે 100 મહિલાઓના પત્રમાં દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
મહિલાઓની સંમતિ વિના તેમની સાથે સેક્સ માણ્યું હોવાના તમામ આક્ષેપોને હાર્વે વેઇન્સ્ટેઇને નકારી કાઢ્યા હતા.
જોકે, પોતાના વર્તનથી પારાવાર પીડા થયાની કબૂલાત તેમણે કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખુલ્લા પત્રમાં શું લખાયું છે?
ફ્રાન્સની મહિલા કલાકારો અને શિક્ષણશાસ્ત્રીઓએ લખેલો પત્ર લા મોન્ડે અખબારમાં મંગળવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે "કોઈ મહિલાના ઢીંચણને માત્ર સ્પર્શ કે તેમને ચૂમવાનો પ્રયાસ કરવા બદલ પુરુષોને ઉતાવળે સજા કરવામાં આવે છે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે."
"બળાત્કાર એ ગુનો છે, પણ કોઈ મહિલાને લોભાવવાનો પ્રયાસ કરવો એ ગુનો નથી."
આ પત્રની લેખિકાઓએ એવી દલીલ કરી છે કે વિશ્વમાં આજે નવા પ્રકારનું ચોખલિયાપણું શરૂ થયું છે.
તેમણે જણાવ્યું હતું કે કેટલાક પુરુષો દ્વારા સત્તાના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવો યોગ્ય અને જરૂરી છે, પણ એ કૃત્ય બદલની બદનામી નિરંકુશ બની ગઈ છે.
પત્રલેખિકાઓના જણાવ્યા અનુસાર આ કારણે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે જેમાં મહિલાઓને શક્તિવિહોણી, યાતનાનો સતત ભોગ બનતી વ્યક્તિ તરીકે જોવામાં આવી રહી છે.
પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે "સત્તાના દુરુપયોગને વખોડવાથી આગળ વધીને પુરુષોને તથા સેક્સ્યુએલિટીને ધિક્કારતો આવો નારીવાદ મહિલાઓ તરીકે અમને અમાન્ય છે."
આ વિશે ગુજરાતમાં લોકોનું શું કહેવું છે એ જાણવા બીબીસી ન્યૂઝ ગુજરાતીએ કેટલાક લોકો સાથે વાત કરી.
કલ્ચર પર નિર્ભર
મંજુલા પૂજા શ્રોફ (ચેરપર્સન કેલોરક્સ) કહે છે કે 'રાઇટ ટૂ હીટ ઓન'નો અર્થ દરેક દેશની સંસ્કૃતિ પર નિર્ભર કરે છે.
ફ્રાંસની એક્ટ્રેસ કેથરિન ડેન્યૂવેગ્લેમર જે ઇન્ડસ્ટ્રિમાં કામ કરે છે એમાં કાસ્ટિંગ કાઉચ પણ સામાન્ય છે.
તેમણે જણાવ્યું ''ફ્રાંસમાં મહિલાઓ સાથે ફ્લર્ટ કરવામાં આવે તો તેઓ એ બાબતે ગર્વ અનુભવે છે."
"પરંતુ આપણા સમાજમાં ફ્લર્ટિંગને માન્યતા નથી મળી."
"ફ્રાંસમાં મહિલાઓ માટે ટૉપલેસ થવું પણ સામાન્ય છે એવા સમાજમાં પુરુષોને ફ્લર્ટ કરવાની છૂટ મળવી જોઈએ એવું કહેનારા ખોટું નથી બોલી રહ્યા.''
ઇરાદો ખૂબ જ અગત્યનો
RJ દેવકીના જણાવ્યા મુજબ, ''કોઈ વ્યક્તિનાં સૌંદર્યનાં વખાણ કરવામાં કશું જ ખોટું નથી."
"પરંતુ વખાણ કરતી વખતનો વ્યક્તિનો ઇરાદો ખૂબ જ અગત્યનો છે."
"વખાણ અને છેડતીમાં મોટું અંતર છે. હાર્વે હાર્વે વેઇન્સ્ટેઇનની બાબતમાં ફ્લર્ટ કે વખાણની વાત નથી."
"એમના કેસમાં તો સેક્સ્યુઅલી ફેવર લેવાની વાત છે. એ કેવી રીતે ચલાવી લેવાય? કોઈપણ વ્યક્તિને દરજ્જો તેની યોગ્યતાથી મળવો જોઈએ. ''
પરવાનગી
મહિલા ઉદ્યોગ સાહસિક રુઝાન ખંભાતા છેલ્લાં ઘણા સમયથી મહિલાઓ સાથે કામ કરે છે.
તેઓ કહે છે, ''મને લાગે છે ફ્રેન્ડશીપ અને ફ્લર્ટથી જ સંબંધની શરૂઆત થાય છે."
"ફ્લર્ટમાં સામે વાળી વ્યક્તિની પરવાનગી હોવી ખૂબ જરૂરી છે. આ એક માઇન્ડસેટ છે કે એકવાર થોડીક છૂટ મળે તો વ્યક્તિએ પોતાની મર્યાદા ભૂલવી ના જોઈએ.''
લેખક પ્રેમ ગઢવી કહે છે, ''દુનિયામાં ફ્રેંચ કિસ બહુ પ્રખ્યાત છે. ભારતમાં આ કિસ વિશે થોડા ઊંચા અવાજે ચર્ચા પણ કરીએ તો હોબાળો થઈ જાય."
પરંતુ બધામાં સામેની વ્યક્તિની મરજી અગત્યની છે. ભારતમાં સ્ત્રીને ભેટવું પણ ગુનો છે ત્યાં ફ્લર્ટ કરવાની છૂટ કેવી રીતે મળી શકે? ''
કાયદો શું કહે છે?
વર્ષ 2013માં જાતીય શોષણ રોકવા માટે ભારતમાં કાયદો બનાવવામાં આવ્યો છે.
જે મુજબ કોઇની ઇચ્છા વગર તેમને સ્પર્શ કરવો, સ્પર્શ કરવાની કોશિશ કરવી, યૌન સંબંધ બનાવવાની માંગ કરવી, સેક્સુઅલ ભાષાવાળી ટીપ્પણી કરવી, પોર્નોગ્રાફી દેખાડવી અથવા મરજી વિરુદ્ધ સેક્સુઅલ વર્તન કરવાને જાતીય શોષણ માનવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો