હોમ લોન : ઘર ખરીદવું કે જીવનભર ભાડે રહેવું? કયો વિકલ્પ વધુ લાભકારક?

    • લેેખક, આઈવીબી કાર્તિકેયન
    • પદ, બીબીસી માટે

સામાન્ય રીતે પોતાનું ઘર હોય એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. ઘર માત્ર આર્થિક બાબતો સાથે જોડાયેલું નથી, તે ભાવનાત્મક બાબતો સાથે પણ જોડાયેલું હોય છે.

અન્ય નાણાકીય ધ્યેયોનું તો સમજ્યા પણ, ઘરનું ઘર એ એક મુશ્કેલ કાર્ય હોઈ શકે છે.

આપણે જે મકાન ખરીદીએ તેની આપણી નાણાકીય સુરક્ષાને અસર ન થવી જોઈએ. તેનાથી આપણા બાકીનાં નાણાકીય લક્ષ્યો ખોરવાતાં ન હોવાં જોઈએ.

કેવા પ્રકારનું ઘર ખરીદવું, તેની કિંમત કેટલી હોવી જોઈએ અને ભાડાના ઘર અને પોતાના ઘર વચ્ચે કેવી રીતે સરખામણી કરવી? આ બાબતો પર તૂંડે તૂંડે મતિ ભિન્ના (માથાં એટલે મત) જેવી સ્થિતિ પ્રવર્તે છે.

તો આવો તમામ આર્થિક પરિબળોની ગણતરી કરીને મકાન ખરીદવાના નિર્ણય પર કેવી રીતે આવવું તે અંગે વાત કરીએ.

1. જરૂરિયાત પ્રમાણે રોકાણ

ઘર ખરીદતી વખતે ધ્યાનમાં લેવા જેવી આ એક સૌથી મહત્ત્વની બાબત છે. કારણ કે આપણે રહેવા માટે જે ઘર ખરીદીએ છીએ તે આપણી જરૂરિયાતો પ્રમાણેનું હોવું જોઈએ, અને જો મકાન રોકાણ માટે ખરીદ્યું હોય તો તે વિસ્તારના રિયલ એસ્ટેટ માર્કેટને અનુરૂપ હોવું જોઈએ.

ઉદાહરણ તરીકે, રહેઠાણ માટે ઘર ખરીદવાનું હોય તો ઘર આપણી ઑફિસ અથવા બાળકોની શાળાની નજીક હોવું જોઈએ. તેમજ જો રોકાણ માટે ખરીદવાનું હોય તો તેનું મૂલ્ય સતત વધે તેવું હોવું જોઈએ.

2. પાંચ વર્ષ પછીનો વિચાર

હવે પછીનાં પાંચ વર્ષ પછી આ વિસ્તાર કેવો રહેશે તે જોવું રહ્યું. આ એટલા માટે કે જે વિસ્તારો પહેલેથી જ સારી રીતે વિકસેલા હોય તેમાં સહજ રીતે ઊંચા ભાવ હશે. તેથી ઘર ખરીદતી વખતે એ વિચારવું જરૂરી છે કે પાંચ વર્ષ પછી તે વિસ્તારમાં સ્થિતિ કેવી હશે.

શું તે વિસ્તારમાં વિકાસ માટેની કોઈ સરકારની દરખાસ્તો છે? અથવા ખાનગી કચેરીઓ કે અન્ય વિકાસ કાર્યક્રમો ક્યાં સુધી હાથ ધરાવાની સંભાવના છે તે જોવું.

3. ઘરની લઘુતમ કિંમત

આપણા દેશમાં રિયલ એસ્ટેટના ભાવમાં બહુ મોટા તફાવત છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર જેવા વિસ્તારોમાં ભાવ અલગઅલગ છે. એવી જ રીતે મુંબઈના હીરાનંદાની વિસ્તારમાં પ્રતિચોરસ ફૂટનો ભાવ ઘણો વધારે છે.

ઘરની ઊંચી કે નીચી કિંમત પાછળ ઘણાં જટિલ પરિબળો કારણભૂત હોય છે.

પરંતુ સાદું અનુમાન લગાવવું હોય તો ઘરના વાર્ષિક ભાડાનો વીસ વડે ગુણાકાર કરવામાં આવે અને તેમાંથી મળતી રકમને મકાનની લઘુતમ કિંમત ગણી શકાય છે. તે રકમના આધારે તે મકાનની કિંમત વધુ કે ઓછી નક્કી કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, જો ઘરનું માસિક ભાડું રૂ. 15,000 હોય તો વાર્ષિક ભાડું રૂ. 1.80 લાખ થશે. જો આ રકમને 20 ગણી કરીએ એટલે કે તેની સાથે 20નો ગુણાકાર કરીએ તો તે રૂ. 36 લાખ થાય. મતલબ કે ઘરની લઘુતમ કિંમત રૂ. 36 લાખ જેટલી ગણાય.

અગ્રણી રિઅલ એસ્ટૅટ કંપની, પાવર બેકઅપ/ગેસ લાઈન વગેરે જેવી આધુનિક સુવિધાઓ આપે છે આવા ઘરની કિંમત આ લઘુતમ કિંમત કરતાં વધુ હોવાનું કારણ હોઈ શકે છે.

4. તૈયાર ઘર અથવા ચાલુ બાંધકામ હેઠળનું મકાન

મોટા ભાગની બાંધકામ કંપનીઓ બાંધકામ હેઠળના ઘર ઓછા ખર્ચે ઑફર કરે છે. નાણાકીય રીતે તે સસ્તું પડે છે પરંતુ કેટલીક વાર બાંધકામ વચમાં જ અટકી પડે છે.

નોઈડા અને ગુરુગ્રામની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી કંપનીઓ પણ કરાર મુજબ બાંધકામ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે ગ્રાહકોને નુકસાન થયું છે. જો ક, વર્તમાન રેરા કાયદાથી ગ્રાહકોને નુકસાન થવાની શક્યતા ઓછી છે.

5. ભાડાનું ઘર અથવા પોતાનું ઘર

આ એક ખૂબ જ મૂળભૂત પરંતુ ઘણો મહત્ત્વનો મુદ્દો છે. ચાલો હવે લાગણીઓને આધીન થયા વિના સંપૂર્ણ આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ કે ભાડાનું મકાન સારું કે પોતાનું ઘર સારું.

પોતાના ઘરના કિસ્સામાં પહેલા નીચે પ્રમાણેના ખર્ચની વિગતો ધ્યાનમાં લેવી:

  • કરાર સમયે ચૂકવવાની રકમ. સામાન્ય રીતે તે ઘરની કિંમતના 10 ટકા હોય છે
  • હોમ લોન પર વ્યાજ. વર્તમાનમાં હોમ લોનનું વ્યાજ 7 ટકાની આસપાસ છે
  • નોંધણીનો ખર્ચ
  • ઇન્ટિરિયર ખર્ચ

આ સમગ્ર બાબતને અલગથી જોવી જોઈએ. કારણ કે મોટા ભાગની બૅન્કો આના માટે ઊંચા વ્યાજે લોન આપે છે. હોમ લોન પર લાગતું વ્યાજ આના પર લાગુ પડતું નથી.

ઉપરોક્ત જણાવ્યા તે તમામ ખર્ચાઓનો સરવાળો કરીને તેને ભાડાના ઘરની કિંમત સાથે સરખાવવો રહ્યો.

ઉદાહરણ તરીકે, જો તમારા મકાનનું માસિક ભાડું રૂ. 15,000 હોય તો 20 વર્ષમાં ભાડા પાછળ કેટલો ખર્ચ થશે તે જોઈએ તો-

જો મકાન ભાડામાં વાર્ષિક 6 ટકાનો વધારો થાય તો 20 વર્ષમાં ભાડા પાછળ કુલ રૂ. 71,98,691 ચૂકવવા પડશે.

જ્યારે મકાન ભાડામાં વાર્ષિક 8 ટકાનો વધારો થાય તો 20 વર્ષમાં ભાડા પાછળ કુલ રૂ. 90,76,126 ચૂકવવા પડશે.

તેમજ જો મકાન ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો થાય તો 20 વર્ષમાં ભાડા પાછળ કુલ રૂ. 1,15,20,420 ચૂકવવા પડશે.

આનો અર્થ એ થયો કે હાલમાં રૂ. 15,000નું ભાડાનું મકાનમાં રહેતા હો અને ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો થાય તો વીસ વર્ષમાં ભાડા પાછળ રૂ. 1 કરોડ અને 15 લાખ જેટલી રકમ ખર્ચાઈ જશે.

ભાડામાં વાર્ષિક વધારો તમામ વિસ્તારોમાં સરખો ન હોવાથી ભાડાની રકમની ગણતરી ભાડાવધારાના દર પ્રમાણે કરવી.

હવે 50 લાખની કિંમતના મકાન માટે 20 વર્ષમાં ઇન્ટિરિયર અને મેઇન્ટેનન્સ સહિત કેટલો ખર્ચ થાય તે જોઈએ તો હોમ લોનનો દર 7 ટકા ગણવામાં આવે તો કુલ ખર્ચ રૂ. 93,43,841 થશે અને જો હોમ લોનનો દર 8 ટકા ગણતરીમાં લેવામાં આવે તો કુલ ખર્ચ રૂ. 99,29,824 થશે.

પચાસ લાખનું ઘર ખરીદવામાં આવે તો વીસ વર્ષમાં લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

હવે તમારે આ જ રીતે તમારા પોતાની માલિકીના ઘરના ખર્ચની તુલના ઉપરની ગણતરીને આધારે ભાડાની રકમ સાથે કરીને જોઈ લેવી કે કયો વિકલ્પ આર્થિક રીતે ફાયદાકારક છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો