બચત યોજનાઓ : ઊંચાં વળતર અને સલામતી આપતી પોસ્ટ ખાતાની આ યોજનાઓ વિશે તમે જાણો છો?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પોસ્ટ ખાતાની અનેક યોજનાઓ નાણાકીય સલામતીની સાથે પ્રમાણમાં સારું વ્યાજ આપે છે, એટલે તે નિવૃત્તિ પછી સલામતી ઇચ્છતા સિનિયર સિટિઝન્સને માટે પસંદગીનો વિકલ્પ બની રહે છે.

દેશભરમાં દોઢ લાખથી વધારે પોસ્ટ ઑફિસ છે, પરંતુ ધીમા ડિજિટાઇઝેશન તથા સેવાઓ અંગે આશંકા અને ધક્કા ખાવાની આશંકાએ નવી પેઢીના ગ્રાહકો તેની સેવાઓ લેતા કે તેમાં રોકાણ કરતા ખચકાય છે.

અંગ્રેજ શાસનકાળ દરમિયાન પોસ્ટખાતાની સ્થાપના સમયે ટપાલની હેરફેર અને વિતરણ જ તેનો મુખ્ય હેતુ હતો, પાછળથી તેમાં બૅન્કિંગ, ઇન્સ્યૉરન્સ અને રોકાણ વગેરે જેવી સેવાઓ પણ ઉમેરાઈ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022- '23નું બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષ દરમિયાન પોસ્ટ ખાતામાં ડિજિટાઇઝેશનની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવશે,જેના કારણે ગ્રાહકસેવા ઝડપી અને સુગમ બનશે.

પીપીએફ: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

પોસ્ટ ખાતાની કદાચ સર્વાધિક લોકપ્રિય યોજનામાં પીપીએફનો સમાવેશ થાય છે. જેનું કારણ તેના આકર્ષક ઇન્કમ ટેક્સ લાભ છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ (દોઢ લાખની ટોચમર્યાદામાં), તેની ઉપર મળતું વ્યાજ તથા પાકતી મુદ્દે તેમાંથી મળતી કુલ રકમ પણ કરમુક્ત હોય છે. આથી, તેને મુક્તિ-મુક્તિ અને મુક્તિ એમ ટ્રિપલ મુક્તિની શ્રેણીમાં મૂકવામાં આવે છે. તેની જોગવાઈઓ 80 સી હેઠળ કરવામાં આવી છે.

પહેલી એપ્રિલ 2020થી પીપીએફ પર મળતો વ્યાજનો દર 7.1 ટકા (વાર્ષિક ચક્રવૃદ્ધિ) છે. વ્યક્તિ મહત્તમ એક ખાતું ખોલાવી શકે છે અને તેમાં લઘુત્તમ રૂ. 500ની રકમ જમા કરાવવાની રહે છે.

પીપીએફની મુદ્દત 15 વર્ષની હોય છે, પરંતુ પાંચ વર્ષ પછી તેમાં જમા થયેલી રકમ ઉપર લોન મળી શકે છે.

સિનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમ ઍકાઉન્ટ

60 વર્ષથી વધુ ઉંમરના અથવા તો 50 વર્ષથી વધુ ઉંમર પરંતુ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારી વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે. જેમાં વાર્ષિક 7.4 ટકાના (પહેલી એપ્રિલ 2020થી) દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. દર ત્રણ મહિને આ વ્યાજ ચૂકવવામાં આવે છે અને જો ખાતેદાર દ્વારા રકમ ઉપાડવામાં ન આવે તો તેની ઉપર કોઈ વધારાનું વ્યાજ નથી મળતું.

લઘુત્તમ રૂ. એક હજારની રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે અને મહત્તમ રૂ. પંદર લાખની રકમ રોકી શકાય છે. રૂ. 50 હજારથી વધુનું વ્યાજ કરપાત્ર છે, પરંતુ જો 15 જી / 15 એચનું ફૉર્મ સુપરત કરવામાં આવે તો ટીડીએસ કાપવમાં નથી આવતું.

આ પ્રકારનું એકાઉન્ટ ઓછામાં ઓછું પાંચ વર્ષ સુધી ચાલુ રાખવું પડે છે અને એ પહેલાં બંધ કરાવવામાં આવે તો મુદ્દલની રકમ ઉપર પેનલ્ટી લાગી શકે છે, એટલે ખાતું ખોલાવતી વખતે તેની ખાતરી કરવી હિતાવહ છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

આ યોજના હેઠળ મહત્તમ બે (ટ્વિન્સ કે ટ્રિપલેટના અપવાદ સાથે) દીકરીઓનાં નામથી ખાતાં ખોલાવી શકાય. જેમની ઉંમર 10 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. આ યોજના હેઠળ વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે.

વર્ષ દરમિયાન ઓછામાં ઓછા રૂ. અઢીસો તથા મહત્તમ રૂ. દોઢ લાખ જમા કરાવી શકાય છે. રૂ. 50ના ગુણાંકમાં વર્ષ દરમિયાન અમર્યાદિત વખત રકમ જમા કરાવી શકાય છે. પોસ્ટ ઑફિસ ઉપરાંત બૅન્કમાંથી પણ આ એકાઉન્ટ ખોલાવી શકાય છે. બાળકી 18 વર્ષની થયે એકાઉન્ટને જાતે ઑપરેટ કરી શકે છે.

18 વર્ષ બાદ બાળકીનાં લગ્નના સંજોગોમાં અથવા ખાતું ખોલાવ્યાનાં 21 વર્ષ પછી એકાઉન્ટ બંધ કરાવી શકાય છે. આ યોજનામાં જમા કરાવવામાં આવેલી રકમ તથા તેની ઉપરનું વ્યાજ કરમુક્ત છે.

રાષ્ટ્રીય બચત પત્રક

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટના નામથી આ ઓળખાતી આ સરકારી જામીનગીરીમાં વાર્ષિક 6.8 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ પાકતી મુદ્દતે મળે છે. જેમાં પાંચ વર્ષના અંતે રૂ. એક હજાર વધીને રૂ. એક હજાર 389 થાય છે. આવકવેરા ખાતાની કલમ 80 સી હેઠળ તેમાં રોકવામાં આવેલી રકમ કરમુક્ત છે.

કેટલી રકમના સર્ટિફિકેટ લઈ શકાય તે અંગે કોઈ મર્યાદા નથી. વળી, તેની ઉપર લોન પણ મળી શકે છે.

કિસાન વિકાસ પત્રક

તેમાં લઘુત્તમ રૂ. એક હજારનું રોકાણ થઈ શકે છે અને મહત્તમ રોકાણ માટેની કોઈ મર્યાદા નથી. આ યોજનામાં વાર્ષિક 6.9 ટકાના દર વ્યાજ મળ છે. આ સર્ટિફિકેટ 124 મહિને એટલે કે 10 વર્ષ અને ચાર મહિના બાદ બમણા થાય છે. અઢી વર્ષ પછી તેને બંધ કરાવી શકાય છે અને તેની ઉપર લોન પણ મળી શકે છે.

પોસ્ટ ખાતાની ઉપરોક્ત યોજનાઓની વિગતો તેની સત્તાવાર વેબસાઇટ https://www.indiapost.gov.in/Financial/pages/content/post-office-saving-schemes.aspx ઉપરથી લેવામાં આવી છે. ત્યાંથી જ તમને પોસ્ટ ઑફિસ સેવિંગ્સ એકાઉન્ટ (વાર્ષિક ચાર ટકા), નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપૉઝિટ એકાઉન્ટ (પાંચ વર્ષની મુદ્દત, વાર્ષિક 5.8 ટકા, દર ત્રિમાસિક ગાળે ચક્રવૃદ્ધિ), નેશનલ સેવિંગ્સ ટાઇમ ડિપૉઝિટ (વાર્ષિક 5.5થી વાર્ષિક 6.7 ટકા), નેશનલ સેવિંગ્સ મંથલી સ્કિમ (વાર્ષિક 6.6 ટકા, માસિક ચૂકવણી, મહત્તમ મર્યાદા સાડા ચાર લાખ) જેવી અન્ય યોજનાઓ વિશે વિગત મળી શકે છે.

કાલ, આજ અને આવતીકાલ

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના તાજેતરના બજેટ ભાષણ વખતે કહ્યું હતું, "વર્ષ 2022માં તમામ દોઢ લાખ પોસ્ટ ઓફિસને કોર બૅન્કિંગ સાથે જોડી દેવામાં આવશે, જેના કારણે નાણાકીય સમાવેશ વધશે. લોકો નેટ બૅન્કિગ, મોબાઇલ બૅન્કિંગ અને એટીએમ દ્વારા એકાઉન્ટને એક્સેસ કરી શકશે."

"કોર બૅન્કિંગને કારણે પોસ્ટ ખાતા તથા બૅન્કના ખાતા વચ્ચેના આર્થિક વ્યવહારો શક્ય બનશે. જેના કારણે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો તથા વરિષ્ઠ નાગરિકોને લાભ થશે અને નાણાકીય સેવાઓનો વ્યાપ વધશે."

વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા નાણાકીય સલાહકાર આનંદ શિંગાળાના કહેવા પ્રમાણે, "પોસ્ટ ખાતામાં જામનગીરી તથા માસિક આવક યોજનાઓ માટે જે દર ઑફર કરવામાં આવે છે, તેવો જ અને કેટલાક કિસ્સામાં તેનાથી આકર્ષક વ્યાજદર ખાનગી બૅન્કો દ્વારા ઑફર કરવામાં આવે છે."

"સિનિયર સિટિઝન્સ તથા મોટી ઉંમરના લોકો સલામતી અને નિશ્ચિંતતા માટે પોસ્ટ ખાતાની પસંદગી કરતા, પરંતુ હવે માનસિકતા બદલાઈ રહી છે. પ્રતિષ્ઠિત ખાનગી બૅન્કોમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. "

તેઓ ઉમેરે છે કે ખાનગી બૅન્કો દ્વારા અમુક સેવા ઘરેબેઠા આપવામાં આવે છે. જ્યારે પોસ્ટ ખાતામાં સેવાની ગુણવત્તાનો પણ મોટો પ્રશ્ન છે, એટલે પોસ્ટખાતાની યોજનાઓ પ્રત્યે નિરુત્સાહજનક વાતાવરણ જોવા મળે છે.

પોસ્ટ ખાતાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, હાલમાં ટીડીએસ, પગારની આવક તથા અન્ય ટૅક્સની ચૂકવણીઓ ઇન્કમટેક્સ રિટર્નમાં 'પ્રિ-ફિલ્ડ' હોય છે, એવી જ રીતે આગામી સમયમાં પોસ્ટ ખાતામાંથી થતી વ્યાજની આવક પણ 'પ્રિ-ફિલ્ડ' થઈ જશે. પોસ્ટખાતાનું ડિજિટલાઇઝેશન થતાં આ કામગીરી ઝડપી બનશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો