નરેન્દ્ર મોદી સરકારે કોરોનાને પહોંચી વળવા કેટલી વિદેશી લોન લીધી?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારાં વર્ષમાં દેશને કોરોના જેવી મહામારીથી બચાવવા માટે આરોગ્ય સુવિધાઓ વિકસાવવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનની શરૂઆત કરી હતી.

જે અંતર્ગત આવનારાં છ વર્ષમાં સ્વાસ્થ્ય સુવિધાક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાના હેતુસર 64,180 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

આમ, કોરોના પછી ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રત્યે સફાળી જાગેલી સરકાર આ ક્ષેત્રે માતબર રોકાણ કરવા જઈ રહી છે.

પરંતુ એ પણ નોંધવા જેવી બાબત છે કે ભારતે નાણાકીય વર્ષ 2020-21માં કોરોનાની મહામારી સામે બાથ ભીડવા માટે અને તેના મૅનેજમૅન્ટ માટે વિદેશી નાણાકીય સંસ્થાઓ અને અન્ય દેશો પાસેથી પણ લગભગ આટલી જ રકમ લોનપેટે લીધી છે.

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના (આઈએમએફ)એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની વિક્રમજનક સપાટી આંબી ગયાના અહેવાલોથી ભારતનાં જાહેર દેવાં અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું.

આઇએમએફના ફિસ્કલ મૉનિટર રિપોર્ટમાં ભારતનું દેવું વર્ષ 2020માં દેશની જીડીપીના 89.6 ટકા થઈ ગયું હોવાનું જણાવાયું છે.

વર્ષ 2021માં ભારતના દેવાની રકમ વધીને રાષ્ટ્રની કુલ જીડીપીના 90.6 ટકા થવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.

પરંતુ શું આપ જાણો છો કે ભારતનાં જાહેર દેવાંમાં થયેલા ચિંતાજનક વધારામાં કોરોના મહામારીએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે?

બીબીસી ગુજરાતીએ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ એક્સપેન્ડિચરમાં કરેલી માહિતી અધિકારની અરજીના જવાબમાં વિભાગે માહિતી આપી છે કે ભારત સરકારે કોરોના મહામારીના મૅનેજમૅન્ટ માટે વિદેશી નાણાકીય સંસ્થાઓ અને અન્ય દેશો પાસેથી 62,577,88,59,900 રૂપિયાનું દેવું લીધું છે.

ગત વર્ષ કરતાં ભારતનું વિદેશી દેવું નાણાકીય વર્ષ 2020-21માં 115 ટકા વધ્યું છે.

ગત વર્ષે ભારત સરકારે વિદેશી નાણાભંડોળો અને દેશો પાસેથી કુલ 69,146,95,57,760 રૂપિયાનું દેવું લીધું હતું જે વર્ષ 2020-21માં 1,49,241,65,82,260 રૂપિયા થઈ ગયું હતું.

ભારતના વિદેશી દેવામાં થયેલા તોતિંગ વધારા અંગે નિષ્ણાતોનો અભિપ્રાય જાણવા માટે બીબીસી ગુજરાતીએ અર્થશાસ્ત્ર ક્ષેત્રે સંકળાયેલા કેટલાક નિષ્ણાતોનો સંપર્ક કર્યો હતો.

એ પહેલાં જાણીએ ભારત સરકારે વિદેશી નાણાકીય સંસ્થાઓ અને વિદેશી સરકારો પાસેથી લીધેલા દેવા અંગે કેટલીક મહત્ત્વની વાતો.

કઈ સંસ્થા પાસેથી લીધું કેટલું દેવું?

કુલ દેવાંમાંથી ઉપયોગમાં લેવાયેલાં નાણાં - 54,279,82,92,100

અહીં નોંધનીય છે કે જુદીજુદી નાણાકીય સંસ્થાઓ અને દેશો પાસેથી ભારત સરકારે લીધેલ નાણાં જુદાજુદા વ્યાજના દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં.

નાણાકીય સંસાધનોના યથાયોગ્ય ઉપયોગ સામે સવાલો?

બીબીસી ગુજરાતીને માહિતી અધિકારની અરજીના જવાબમાં મળેલી માહિતી અનુસાર ભારતને દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી વર્ષ એપ્રિલ, 2021 સુધી વિવિધ વિદેશી નાણાકીય સંસ્થાઓ અને વિદેશી સરકારો પાસેથી લોનપેટે 62 હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધુની રકમ મળી હતી.

જે પૈકી આ સમયગાળા દરમિયાન ભારત સરકાર 54 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આ કોરોના મહામારીના મૅનેજમૅન્ટના હેતુ માટે કરી શકી હતી.

ભારતે કોરોના મહામારીના મૅનેજમૅન્ટ માટે વિદેશ પાસેથી લૉનપેટે મેળવેલાં નાણાં અને તેના કાર્યક્ષમ ઉપયોગ વિશે વાત કરતાં પશ્ચિમ બંગાળની જાધવપુર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગનાં પ્રોફેસર તન્મોયી બેનરજી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવે છે, "કોરોના મહામારી સમગ્ર વિશ્વ માટે મહામુશ્કેલી હતી. આવા સંજોગો ભારત જેવા દેશમાં જ્યાં આરોગ્યક્ષેત્રે મૂળભૂત સુવિધાઓનો અભાવ હોય ત્યાં સુવિધાઓ વિકસિત કરવા અને મહામારી સામે બાથ ભીડવા માટે નાણાંની જરૂરિયાત તો ચોક્કસ હતી જ."

"તેથી હું માનું છું કે ભારત સરકારે વિદેશ પાસેથી જો સોફ્ટ લોનપેટે નાણાં મેળવવાનો નિર્ણય કર્યો હોય તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ જો સરકારે વિદેશી સરકારો પાસેથી હાર્ડ લોન તરીકે આ નાણાં મેળવ્યાં હોય તો હું તેના પક્ષમાં નથી."

તેઓ કહે છે, "ભારત સરકારે પોતાને તાતી જરૂરિયાત હોવા છતાં હાર્ડ લોન પેટે નાણાં ન જ લેવા જોઈએ."

અહીં નોંધનીય છે કે સોફ્ટ લોન એટલે બજારમાં પ્રવર્તમાન વ્યાજના દર કરતાં ઓછા વ્યાજના દરે અને વધુ છૂટછાટવાળી શરતોવાળી લોન. જ્યારે હાર્ડ લોન એટલે એવી લોન કે જે મોટા ભાગે બજારમાં પ્રવર્તમાન વ્યાજના દરે કે તેથી વધુ દરે લેવાયેલ વધુ કડક નિયંત્રણો અને શરતોવાળી લોન.

તેઓ લૉનનાં નાણાંના યથાયોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ બાબતે પોતોનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવે છે કે, "કોરોના મહામારીએ આપણી સામે એક દુવિધાપૂર્ણ સ્થિતિ ઊભી કરી દીધી હતી. ભારતનું દેવું પહેલાંથી જ વધુ છે. ઉપરથી મહામારી ત્રાટકવાને કારણે વધુ દેવું લેવાની ફરજ પડી હતી."

"પરંતુ અહીં સવાલ એ છે કે ભારત પાસે વિદેશી દેવા તરીકે મબલખ નાણાં હોવા છતાં ભારતે એપ્રિલ, 2021 બાદ શરૂ થયેલી કોરોનાની બીજી લહેર માટે તૈયાર રહેવા માટે પૂરતી તૈયારી કરી હતી કે કેમ તે સામે પ્રશ્ન ઊભા થયા છે."

બેનરજી આગળ કહે છે કે આપણા દેશમાં જાહેર નાણાંના કાર્યક્ષમ ઉપયોગનો પ્રશ્ન વિકટ રહ્યો છે. ઉપલબ્ધ નાણાંથી યોગ્ય સુવિધાઓ ઊભી કરવાના સ્થાને નાણાં બિનજરૂરી કાર્યો અને ક્યારેક ભ્રષ્ટાચારમાં વેડફાઈ જાય છે. જેનો ભોગ અંતે નાગરિકોએ બનવું પડે છે.

અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસુ અને વરિષ્ઠ પત્રકાર સુકુમાર ત્રિવેદી પણ બેનરજીની વાત સાથે સહમત થાય છે.

તેઓ કહે છે કે, "ભારતને કોરોના જેવી મહામારી સમયે આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા માટે ચોક્કસપણે નાણાંની જરૂરિયાત હતી. તેથી વિદેશી દેવામાં થયેલો વધારો અપેક્ષિત છે."

પ્રોફેસર બેનરજી પોતાના અભિપ્રાયમાં આગળ જણાવે છે કે, "આ લોનની રકમ હૉસ્પિટલ અને હૉસ્પિટલમાં વિવિધ સુવિધાઓ ઊભી કરવાના હેતુ માટે યોગ્ય રીતે ખર્ચી હોત તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત." તેમના આ અવલોકન સાથે સુકુમાર ત્રિવેદી પણ સંમત થાય છે.

નોંધનીય છે કે ભારતમાં એપ્રિલ, 2021 બાદથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેરમાં દરરોજ ચાર લાખ કરતાં વધુ કેસો સામે આવ્યા હતા. તેમજ હજારો લોકો આ ઘાતક મહામારીના કારણે મૃત્યુ પામ્યાં હતાં.

આ સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં મેડિકલ ઓક્સિજન, બેડની તંગી અને સારવારના અભાવના કારણે હજારો લોકોના જીવ ગયા હોવાના અનેક અહેવાલો છપાયા હતા.

આ અહેવાલો અંગે વાત કરતાં સુકુમાર ત્રિવેદી જણાવે છે કે, "કોરોના મહામારીમાં ભારત થોડું મોડું જાગ્યું હતું. જ્યાં સુધી ભારત આ મહામારીને રોકવા માટે પગલાં ભરવા માટે નિર્ણયો લેવાની સ્થિતિમાં આવ્યું ત્યાં સુધી ખૂબ મોટું નુકસાન થઈ ચૂક્યું હતું."

તેઓ કહે છે કે, "નાણાં હોવા છતાં પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે મહામારી સામે લડવા માટે આપણી લાંબા ગાળાની તૈયારી અને કાયમી માળખું સર્જવા તરફ પ્રયત્ન કરવા પડે છે. પરંતુ એ કરવામાં આપણે મોડા પડ્યા. જે ભારત જેવા વિકાસશીલ દેશ માટે સ્વાભાવિક પણ છે."

ભારતે લીધેલી લોનની રકમનો યોગ્ય ઉપયોગ કરાયો?

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહ પણ જણાવે છે કે આવી મહામારીના સંજોગોમાં વિદેશ પાસેથી લોન લેવી પડે તે માટે તમામ કારણો હતાં.

તેઓ આ લોનની રકમનો યોગ્ય ઉપયોગ કરાયો કે કેમ તે અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવે છે કે, "ભારતની મોદી સરકારની દાનત મોટા ભાગે પોતાની સરકારની ટીકા થાય તેવી મહત્ત્વની માહિતી છુપાવવાની રહી છે. પછી ભલે તે પી. એમ. કૅર્સ ફંડમાં જમા થયેલી રકમ હોય કે ભારત કોરોનાના કારણે થયેલાં મૃત્યુના આંકડા છુપાવવાના આક્ષેપો."

"જ્યારે આવાં પ્રકારનાં અન્ય ઉદાહરણો આપણી સામે હોય તો વિદેશ પાસેથી લોન પેટ મેળવેલ નાણાં સારી રીતે ઉપયોગમાં લેવાયાં કે કેમ તે અંગે હંમેશાં સામાન્ય નાગરિકના મનમાં શંકા થાય તે સ્વાભાવિક છે."

"અને જો સારી રીતે આ નાણાંનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરાયો હોત તો પછી કેમ આટલા મોટા પ્રમાણમાં ઉપયોગી સાધનો, દવાઓ અને પથારીઓની અછતનો સામનો કરવો પડ્યો તે પણ એક સવાલ છે. જો આ નાણાં સારી રીતે ઉપયોગમાં લેવાયાં હોત તો કેમ આટલાં મૃત્યુ નોંધાયાં? કેમ પ્રવાસી મજૂરોને આટલી મહામુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? આ પ્રશ્ન હંમેશાં આ સરકારની રણનીતિ અને પ્રાથમિકતાઓ સામે સવાલ ઊભા કરતા રહેશે."

અહીં નોંધનીય છે કે ભારતમાં કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા હેતુસર લદાયેલા લૉકડાઉનથી મંદ પડેલા અર્થતંત્રનું ગાડું ફરી ધમધમે તે હેતુસર સૌપ્રથમ મે, 2020માં 20 લાખ કરોડ રૂપિયાના નાણાકીય ઉદ્દીપકની જાહેરાત કરી હતી. જેને આત્મનિર્ભર ભારત અભિયાનનું નામ આપવામાં આવ્યું હતું.

આમાં નાના ઉદ્યોગોને જામીનગીરી વગરની લોન, TDSના દરોમાં 25 ટકાની કપાત, પ્રવાસી મજૂરો માટે બે મહિના સુધી મફત અન્નવિતરણની સુવિધા, ફેરિયાઓને પોતાનાં વેપાર-ધંધાની શરૂઆત કરવા માટે લોન આપવાની જાહેરાત અને દેશમાં કૃષિપ્રવૃત્તિઓને વેગ આપવા માટે કિસાન ક્રૅડિટ કાર્ડ થકી બે લાખ કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરાઈ હતી.

આ સિવાય ઑક્ટોબર, 2020માં ફરીથી કેન્દ્ર સરકારે 70 હજાર કરોડ રૂપિયાના નાણાકીય ઉદ્દીપકની જાહેરાત કરી હતી. જેમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓના હાથમાં રોકડ મૂકી અર્થતંત્રને વેગવંતું બનાવવાના ઉદ્દેશ હેઠળ અનેક યોજનાઓ જાહેર કરાઈ હતી.

તેમજ નવેમ્બર, 2020માં 2.65 લાખ કરોડ રૂપિયાના નાણાકીય ઉદ્દીપકની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત આત્મનિર્ભર ઉત્પાદન માટે 1,45,980 કરોડ રૂપિયા, કૃષિક્ષેત્રને ટેકા માટે 65,000 કરોડ રૂપિયા, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન માટે 18,000 કરોડ રૂપિયા,ગ્રામીણ રોજગારવૃદ્ધિ માટે 10,000 કરોડ રૂપિયા અને આત્મનિર્ભર ભારત રોજગાર યોજના માટે 6,000 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી.

આ સિવાય આરોગ્યક્ષેત્રે તાત્કાલિક ધોરણે માળખાકીય સુવિધાઓ વિકસાવવાની દિશામાં પણ સરકારે પગલાં ભર્યાં છે. જે અંગે ભારતના સંદર્ભમાં અપૂરતાં હોવાનાં આક્ષેપો ટીકાકારો દ્વારા વારંવાર કરાયા હતા.

તેમજ બીજી લહેર બાદ રસીકરણ વ્યાપક અને વેગવંતુ બનાવવા માટેની માગ ઊઠતાં રસીના ઉત્પાદન અને તેના વિતરણને લગતી સુવિધાઓ પણ કરવામાં આવી હતી.

ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓ અવારનવાર આ તમામ સિદ્ધિઓ માટે પોતાની પીઠ થાબડતા જોવા મળ્યા છે. પરંતુ બીજી લહેર દરમિયાન ભારતમાં કોરોનાએ મચાવેલા કેરને કારણે વૈશ્વિક સ્તરે ભારત સરકારની અને કોરોનાને રોકવા માટેના સરકારના પ્રયત્નો અને કાર્યક્રમોની વ્યાપક ટીકા થઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો