You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસના મોદી સરકારને સવાલ, ‘32 કરોડને રસીનો પહેલો અને 42 કરોડને બીજો ડોઝ નથી મળ્યો તો ઉજવણી શેની?’
મોદી સરકાર કોરોનાની રસીના 100 કરોડ ડોઝ મુકાવાની ઉજવણી કરી રહી છે. આજે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન પણ કર્યું હતું અને અભિનંદન પાઠવ્યાં છે.
આ દરમિયાન વિપક્ષ કૉંગ્રેસે દેશમાં રસીકરણથી વંચિત રહેલા લોકોનો એક આંકડો જાહેર કર્યો છે.
પત્રકારપરિષદમાં કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, "દેશની કૂલ વસ્તી 139 કરોડ છે, જેમાં 103 કરોડ લોકો વયસ્ક છે. સરકારના અનુસાર 29 કરોડ લોકો (લગભગ 21 ટકા)ને કોરોનાના બંને ડોઝ મળી ચૂક્યા છે. એટલે કે 58 કરોડ ડોઝ થયા."
"સરકાર અનુસાર બાકીના 42 કરોડ લોકોને (કૂલ 100 કરોડ ડોઝ - 58 કરોડ ડોઝ = 42 કરોડ ડોઝ). જેનો અર્થ કે દેશના 32 કરોડ વયસ્ક લોકોને એક પણ ડોઝ નથી મળ્યો."
"વળી 29 કરોડ અને 42 કરોડ થઈને કૂલ 71 કરોડ થાય છે. એટલે કે 42 કરોડ લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે."
"જેઓ અર્થ એ કે 74 કરોડ દેશવાસીઓને 70 દિવસમાં 31 ડિસેમ્બર, 2021 સુધીમાં 106 કરોડ ડોઝ આપવાના બાકી છે. દરરોજ 151 લાખ ડોઝ આપવા પડશે પણ બીજી તરફ છેલ્લા 6 દિવસોમાં 39 લાખ સરેરાશ ડોઝ અપાયા છે."
આથી વિપક્ષે સરકારને સવાલ પૂછ્યો છે કે 70 દિવસમાં સરકાર 106 કરોડ ડોઝ કેવી રીતે આપશે?
આ લક્ષ્ય કઈ રીતે પૂરું થશે? અને જો આટલા લોકોને રસી બાકી છે, તો પછી સરકાર ઉજવણી કેમ કરી રહી છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી વિપક્ષે એક બાબત એમ પણ કહી કે ડોઝ લગાવવાની સરેરાશ બાબતમાં ભારતનો 19મો ક્રમ છે. વિશ્વમાં તેનાથી આગળ 18 દેશો છે.
કોરોનામાં થયેલાં મૃત્યુના ઑડિટ માટે કમિશનની માગ
રણદીપ સુરજેવાલે પત્રકારો સમક્ષ વધુમાં કહ્યું, "સરકારનો આંકડો કહે છે કે દેશમાં 4.53 લાખ લોકો કોરોનાથી મર્યાં. વળી અન્ય સ્વતંત્ર સર્વે કહે છે કે 40 લાખ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાં મૃત્યુની તપાસ થવી જોઈએ અને તેના માટે એક નિષ્પક્ષ પંચ નિમાવું જોઈએ અને પીડિતોને વળતર મળવું જોઈએ."
"કેટલાક સર્વે મુજબ ભારતમાં કોરોનાથી 40-65 લાખ મોત થયાં છે. એટલે ગંગાના પાણીમાં અને તટે તથા ગુજરાતનાં સ્મશાનોમાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો."
તેમણે વધુમાં કહ્યું, "ઘણા દેશો બુસ્ટર ડોઝ આપી રહ્યા છે. ઘણા વૈજ્ઞાનિકો માને છે કે રસી 6, 12 મહિના જ રક્ષણ આપે છે. આપણે ત્યાં ઘણા વૃદ્ધો છે. વળી સ્વાસ્થ્યકર્મીઓ, પત્રકારો સહિતનાને બુસ્ટર ડોઝ મળવો જોઈએ. તેના વિશે સરકાર કશું કહી રહી નથી."
"વડા પ્રધાન રસી બનાવતી કંપનીઓની મુલાકાત લે છે, પણ બાળકોની રસી ક્યારે આવશે તેની વાત નથી કરતા. સ્કૂલ-કૉલેજો ચાલુ થઈ ગયાં, બાળકો પરીક્ષા આપી રહ્યાં છે. 30 કરોડની સંખ્યા એવી છે જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. તેમને રસી ક્યારે મળશે?"
"સરકારની ઉદાસિનતાને પગલે કૉવેક્સિનને વિશ્વ આરોગ્ય સંગઠન અને યુરોપિયન નિયામક તરફથી મંજૂરી નથી મળી અને લોકોને વિદેશ પ્રવાસમાં પરેશાની થઈ છે."
'પેટ્રોલ-ડીઝલના ટૅક્સમાં ડબલ કમાણી'
વળી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ મામલે પણ વિપક્ષે સરકારને ઘેરી હતી.
તેમણે પેટ્રોલિયમ ગૃહરાજ્યમંત્રીના એ નિવેદનની ટીકા કરી હતી, જેમાં તેમણે મફત રસી મળી એટલે સરકાર ટૅક્સથી પૈસા વસૂલશે એવી વાત કરી હતી.
સુરજેવાલે કહ્યું, "મોદી સરકારે કોરોનાકાળમાં અત્યાર સુધી પેટ્રોલમાં કૂલ 13 રૂપિયા અને ડીઝલમાં કૂલ 16 રૂપિયા વધાર્યાં છે. રસોઈ ગૅસ સિલિન્ડરની કિંમત 305 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી છે."
"જો 103 કરોડ વયસ્ક વસ્તીના 200 રૂપિયા પ્રતિ વૅક્સિન પણ ગણવામાં આવે તો આંકડો 20,600 કરોડ રૂપિયા થાય. વળી સરકાર અનુસાર વર્ષ 2021-22માં રસીકરણ માટે 35 હજાર કરોડ રાખવામાં આવ્યા હતા. તો પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી પૈસા શું કામ વસૂલવામાં આવ્યા?"
"મોદી સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટૅક્સથી 4,30,376 કરોડ રૂપિયા મેળવ્યા છે, રસી પાછળ 20 હજાર કરોડ થયો છે. તો બાકીના પૈસા ક્યાં ગયા?"
"સરકારે જ્હૉન્સન ઍન્ડ જ્હૉન્સની રસી, 'બાયૉલૉજીક ઈ'ની રસી, નૉવાવૅક્સની રસીને મંજૂરી નથી આપી. બધી રસીઓ બજારમાં આવવાની હતી. લૅબમાં તૈયાર પણ છે. છતાં મંજૂરી નથી મળી. સરકારે આ વિશે કોઈ જવાબ નથી આપ્યા."
"આઈસીએમઆર- અને એનઆઈવી દ્વારા ઑગસ્ટમાં જાહેરાત થઈ હતી કે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે રસી સપ્ટેમ્બરમાં આવશે. પરંતુ તે પણ નથી આવી. સરકારે આનો જવાબ આપે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો