મુંબઈના લાલ બાગની બિલ્ડિંગમાં ભયાનક આગ, 19માં માળથી માણસ નીચે પટકાયો

મુંબઈના લાલ બાગ વિસ્તારમાં એક સૌથી ઊંચી ગણાતી બિલ્ડિંગમાં 19માં માળે આગની ઘટના બની છે અને તેમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

જેમાં આગની ઘટના બની છે તે બિલ્ડિંગનું નામ અવિઘ્ના પાર્ક છે અને તે 60 માળની બિલ્ડિંગ છે.

ફાયરબ્રિગેડ અનુસાર 11.50 કલાકે આગની ઘટના બની છે અને હાલ 14 ફાયર ફાઇટર તેને ઓલવવા કામે લાગ્યા છે.

બિલ્ડિંગમાં બેઉ તરફથી આગ જોવા મળી છે. પહેલાં 19માં માળે આગ દેખાઈ એ પછી 20માં માળ પર પણ આગ ફેલાઈ છે.

વાઇરલ થઈ રહેલી તસવીરોમાં એક વ્યક્તિ 19માં માળની બાલ્કનીમાં જોવા લટકતી મળી. એ પછી એ વ્યક્તિનો હાથ છુટી ગયો અને 19માં માળેથી પટકાઈને તેનું મૃત્યુ થયું. મૃત્યુ પામનારની ઓળખ અરૂણ તિવારી તરીકે કરવામાં આવી છે અને તેમની ઉંમર 30 વર્ષની હતી.

અવિઘ્ન પાર્કની ગણના મુંબઈની સૌથી ઊંચી ઇમારત તરીક થાય છે અને તે ખૂબ જ મહત્ત્વના લૉકેશન મહાદેવ પાલવ માર્ગ પર કરી રોડ સ્ટેશન નજીક છે. આ બિલ્ડિંગમાં પ્રત્યેક મકાનની કિંમત 13 કરોડ રૂપિયા અંદાજવામાં આવે છે.

લાલ બાગ વિસ્તાર સાંકડા રસ્તાઓ અને ભચક ટ્રાફિકવાળો વિસ્તાર છે અને તે ગણપતિ ઉત્સવ માટે વિખ્યાત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો