PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના રસીકરણ ઉપરાંત શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે પ્રારંભમાં જ દેશમાં 100 કરોડ રસીના ડોઝ લગાવવામાં આવ્યાની બાબતના વખાણ કર્યાં અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા.

વડા પ્રધાને કહ્યું, 'મેડ ઇન ઇન્ડિયા મોટી તાકત, 100 કરોડ વૅક્સિન ડોઝનો ઐતિહાસિક આંકડો પાર'

તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું, "ગત રોજ 21 ઑક્ટોબરે ભારતે 1 બિલિયન (100 કરોડ) વૅક્સિન ડોઝનું મુશ્કેલ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ સફળતા પાછળ દેશના 130 કરોડ લોકોની કર્તવ્યશક્તિ લાગેલી છે. આ સફળતા દેશની છે, આ સફળતા દેશવાસીઓની છે."

"અન્ય દેશો પાસે રસી પર સંશોધન અને વૅક્સિનની શોધ મામલે કુશળતા હતી. ભારત મોટાભાગે આ દેશોની રસી પર જ નિર્ભર રહેતો હતો. પણ આજે ઘણા લોકો ભારતના રસીકરણ કાર્યક્રમની સરખામણી અન્ય દેશો સાથે કરી રહ્યા છે. ભારતે જે રીતે 100 કરોડનો આંકડો પાર કર્યો તેની પ્રશંસા થઈ રહી છે. પણ આમાં એ હંમેશાં ભૂલી જવાય છે કે ભારતે ક્યાંથી શરૂઆત કરી હતી."

"સવાલ હતા કે ભારતના લોકોને રસી મળશે કે નહીં? શું ભારત આટલા બધા લોકોનું રસીકરણ કરી શકશે? મહામારી નિયંત્રણમાં લઈ શકશે? ભારતને વૅક્સિન ક્યાંથી મળશે? ભારત બીજા દેશો પાસેથી રસી ખરીદવાના પૈસા ક્યાંથી લાવશે?"

"ભારતે સૌને મફત વૅક્સિનનું અભિયાન ચલાવ્યું અને અમીર-ગરીબ તમામને રસી મળી. વૅક્સિનમાં વીઆઈપી કલ્ચર ન આવે તેની પણ ખાતરી રાખવામાં આવી."

"કોરોના મહામારીની શરૂઆતમાં એ પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ભારત જેવા લોકતંત્રમાં આ મહામારીથી લડવું મુશ્કેલ હશે."

"ભારતના લોકો માટે એવું કહેવાતું કે આટલું ધૈર્ય અને શિસ્ત કેવી રીતે આવશે? પણ આપણા લોકતંત્રનો અર્થ છે સૌનૌ સાથ. ભારતની રસીનું સમગ્ર અભિયાન વૈજ્ઞાનિક શોધ પર આધારિત છે. તે વૈજ્ઞાનિક પદ્ધતિથી ચારે બાજુ પહોંચ્યું છે."

વડા પ્રધાને રસીના અભિયાનની સાથે સાથે અન્ય અભિયાનો વિશે પણ વાત કરી.

તેમણે તેમના સંબોધનમાં કહ્યું, "જેમ સ્વચ્છ ભારત એક જનઆંદોલન છે, તેમ ભારતમાં જ બનેલી વસ્તુ ખરીદવી, વૉકલ ફોર લૉકલને પ્રોત્સાહન આપવું પડશે. હું એક વખત ફરી કહીશ કે મેડ ઇન ઇન્ડિયાની નાનામાં નાની વસ્તુને પણ ખરીદશો. જેમાં ભારતીયનો પરસેવો રેડાયેલો છે."

વડા પ્રધાને તહેવાર મનાવતી વખતે કોરોના મામલે તમામ સતર્કતા અને સાવધાની રાખવા પણ દેશવાસીઓને અપીલ કરી અને માસ્ક હંમેશાં પહેરીને બહાર જવા અપીલ કરી.

તેમણે દેશવાસીઓને તહેવારોની શુભેચ્છા આપી સંબોધન સમાપ્ત કર્યું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 7 જૂન 2021ના રોજ વડા પ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું જેમાં સૌને મફત કોરોના રસીની જાહેરાત કરવામાં આવી હતી. વિપક્ષ મફત રસીકરણની માગ લાંબા સમયથી કરી રહ્યો હતો. વિપક્ષે નરેન્દ્ર મોદીના સંબોધનની ટીકા કરી હતી.

કૉંગ્રેસે કહ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો છે, વડા પ્રધાને ભાષણ ન કરવું જોઈએ પણ પોતાની નિષ્ફળતા બદલ દેશની માફી માગવી જોઈએ.

ગત સંબોધનમાં બદલાઈ રસીકરણની વ્યવસ્થા

7 જૂનના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકારે કોરોનાના સંકટ સામે લડવા માટે પોતાની તમામ મશીનરી કામે લગાડી અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો છે.

તેમણે સંબોધનની શરૂઆતમાં જ કોરોનાકાળમાં પરિવારજનોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

વડા પ્રધાને જાહેરાત કરી હતી કે હવે ભારત સરકાર દ્વારા જ જાતે તમામ રાજ્ય સરકારોને વિનામૂલ્યે વૅક્સિન પૂરી પાડવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફતમાં કોરોના સામે રક્ષણ આપતી વૅક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ખાનગી હૉસ્પિટલો નિર્ધારિત રકમથી વૅક્સિન આપશે એમ કહેવામાં આવ્યું હતું. મોદીએ 21 જૂનથી રસીકરણ અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.

વડા પ્રધાનના એ સંબોધનમાં રસીકરણની વ્યવસ્થા બદલવામાં આવી હતી અને રાજ્યને બદલે કેન્દ્ર સરકાર રસી આપશે એમ કહેવામાં આવ્યું હતું

વડા પ્રધાને કહ્યું હતું કે, "નવી વ્યવસ્થા અનુસાર ભારત સરકાર વૅક્સિનનિર્માતાઓ પાસેથી 75 ટકા રસી જાતે ખરીને મફતમાં રાજ્યોને આપશે. તેમજ 25 ટકા ઉત્પાદન ખાનગી હૉસ્પિટલો ખાનગી રસીકરણ કાર્યક્રમ ચલાવવા માટે ખરીદી શકશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો