You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન એટલે શું? શું દેશમાંથી પેટ્રોલ પમ્પો ગાયબ થઈ જશે?
- લેેખક, સિદ્ધનાથ ગાનુ
- પદ, બીબીસી સંવાદદાતા
પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે કેન્દ્રના પરિવહનમંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે દેશમાંથી પેટ્રોલ પમ્પો ગાયબ થઈ જાય એવું હું ઇચ્છું છું.
સવાલ એ છે કે ઈંધણના વધતા ભાવ સામે લોકોને કોઈ રાહત મળશે ખરી? જે નવી ટેકનૉલૉજીની વાત નીતિન ગડકરી કરી રહ્યા છે તે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન શું છે?
નાગપુરમાં 22 ઑક્ટોબરે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાષણ આપતાં નીતિન ગડકરીએ કહ્યું હતું, "હું તમને કહું છું કે તમે નવી કાર ખરીદો તે પેટ્રોલને બદલે ફ્લેક્સ એન્જિનવાળી લેજો. તે 100 ટકા પેટ્રોલ અથવા 100 ટકા ઇથેનોલ હશે. તેનાથી તમારા પૈસા બચશે અને પ્રદૂષણ પણ ઓછું થશે."
તમારી કારનું એન્જિન પેટ્રોલ કે ડીઝલ વડે ચાલતું હશે, પરંતુ સરકારે કાર ઉત્પાદકોને, નજીકના ભવિષ્યમાં પેટ્રોલ કે ડીઝલની સાથે-સાથે ઇથેનોલ કે બાયોડીઝલ વડે ચલાવી શકાય તેવા કાર એન્જિન બનાવવા જણાવ્યું છે. તેને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન કહેવામાં આવે છે. તેનાથી શું ફાયદો થશે અને શું નુકસાન થશે તે જાણીએ.
ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન ખરેખર શું કરશે?
તમારી કારની ફ્યુઅલ ટૅન્ક પર તેમાં પેટ્રોલ ભરવાનું છે કે ડીઝલ તે લખેલું હોય છે, કારણ કે તમારી કારનું એન્જિન તે વિશિષ્ટ ઈંધણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું હોય છે. તે બીજા પ્રકારનાં ઈંધણ વડે ચાલશે નહીં.
સવાલ એ છે કે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનની ભૂમિકા શું હશે? તમારી પાસે પેટ્રોલ કાર હશે તો તેનું એન્જિન 100 ટકા પેટ્રોલ કે 100 ટકા ઇથેનોલ વડે ચાલશે. એ માટે તમારે કોઈ ખાસ બટન દાબવું નહીં પડે. ઈંધણની ટાંકીમાં શું ભરવામાં આવ્યું છે તે એન્જિન જાણી લેશે અને તે મુજબ કામ કરશે. ડીઝલ કાર હશે તો એન્જિન ડીઝલ અથવા બાયોડીઝલ વડે ચાલશે.
ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનને આ બન્ને સાથે સંબંધ છે. એક છે કેન્દ્ર સરકારે 2018માં રજૂ કરેલી બાયો-ફ્યુઅલ પૉલિસી એટલે કે જૈવિક ઈંધણ નીતિ અને બીજું છે ભારતનો કાર્બન ઉત્સર્જન લક્ષ્યાંક.
હવામાનમાં વૈશ્વિક ફેરફાર સામેની પોતાની લડતના એક ભાગરૂપે ભારતે કેટલાક લક્ષ્યાંક નક્કી કર્યા છે. વાહનો દ્વારા કરાતા ઉત્સર્જનમાં ઘટાડો તેનો એક હિસ્સો છે. ઇલેક્ટ્રિક વિહિકલ તથા બાયોફ્યુઅલ વડે ચાલતાં વાહનોને એ કારણસર જ પુરસ્કૃત કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારના જણાવ્યા મુજબ, આગામી છથી આઠ મહિનામાં કારઉત્પાદકો ફ્લેક્સ ઈંધણ વડે ચાલી શકતા એન્જિન સાથેની કારનું નિર્માણ કરશે. આવાં એન્જિન ટૉયોટા કંપનીએ બનાવી ચૂકી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે, પણ આ એન્જિનના ફાયદા અને ગેરફાયદા શું છે?
ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનના ફાયદા અને નુકસાન
અત્યારે એક લીટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી વધારે છે. ઇથેનોલનો ભાવ 65 રૂપિયા પ્રતિલીટર છે. 2030 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લૅન્ડિંગ અને ડીઝલમાં પાંચ ટકા બાયોડીઝલ બ્લૅન્ડિંગ કરવાનું સરકારનું લક્ષ્ય છે. તેનાથી શું-શું થશે?
- પૈસાની બચત - ભારત અત્યારે આઠ લાખ કરોડ રૂપિયાની કિંમતની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત કરે છે. આગામી કેટલાંક વર્ષોમાં તે પ્રમાણ વધીને 25 લાખ કરોડ રૂપિયા થશે. ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનથી આ ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે.
- પ્રદૂષણમાં ઘટાડો - પેટ્રોલની સરખામણીએ ઇથેનોલના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. અમેરિકાના ઊર્જા વિભાગના ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ ડેટા સેન્ટરના જણાવ્યા મુજબ, મકાઈમાંથી ઉત્પાદિત ઇથેનોલને લીધે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 34 ટકા ઘટાડો થાય છે.
- ટેકનિકલ આસાની - ઑલ્ટરનેટિવ ફ્યુઅલ્સ ડેટા સેન્ટરના જણાવ્યા મુજબ, પેટ્રોલ સંચાલિત એન્જિન થોડા પ્રમાણમાં ઇથેનોલ ભેળવ્યું હોય તેવા પેટ્રોલ વડે પણ ચાલી શકે છે. પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવામાં આવે તો પણ મામૂલી ફેરફાર સાથે એન્જિન ચાલી શકે છે. એ માટે સંપૂર્ણપણે નવા એન્જિનની જરૂર નથી, પરંતુ તેમાં નિશ્ચિત રીતે કેટલીક સમસ્યા છે.
- એવરેજનું શું? મોટરકારોની વાત થતી હોય ત્યારે આ સવાલ અચૂક પૂછવામાં આવે છે. ઇથેનોલ આધારિત ઈંધણ, પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ઓછી એવરેજ આપે છે. તેનો અર્થ એ થયો કે એક કિલોમીટર અંતર કાપવા માટે પેટ્રોલ કે ડીઝલની સરખામણીએ વધારે ઇથેનોલની જરૂર પડશે. ઇથેનોલનો ભાવ ભલે ઓછો હોય, પણ ઇથેનોલ વાપરવાથી છેવટે નાણાકીય ગણિત અગાઉ જેવું જ રહેશે?
- ઉપલબ્ધતા - હાલ દેશમાં પરિવહન માટે બાયોફ્યુઅલ્સની ઉપલબ્ધતા તથા વપરાશ બન્ને મર્યાદિત છે. પેટ્રોલ પમ્પ જેટલા જ પ્રમાણમાં ઇથેનોલ પમ્પ જોવા મળે છે ખરા? સરકાર કહે છે કે તે નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધતા વધારવા કૃતનિશ્ચયી છે.
- ખેતી પર અસર - તેની બે બાજુ છે. સત્તાવાર નીતિ મુજબ, બાયો-ફ્યુઅલના ઉત્પાદન માટે દેશમાં ખાસ પાક લેવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. પાકનું પ્રોસેસિંગ થઈ જાય પછી વધારાના પાકને કે તેની બાયોપ્રોડક્ટ્સનો ઉપયોગ ઇથેનોલના ઉત્પાદન માટે સાધારણ રીતે કરવામાં આવે છે. દાખલા તરીકે, મોલાસિસ વડે પણ ઇથેનોલ બનાવી શકાય છે.
જોકે, ભારત સરકારે ઇથેનોલના ઉત્પાદન માટે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનાં ગોદામોમાંથી 78,000 ટન ચોખા ખાંડમિલોને આપવાનો નિર્ણય જુલાઈ-2021માં કર્યો હતો. એ નિર્ણયની જોરદાર ટીકા કરવામાં આવી હતી.
તેનું કારણ એ હતું કે ઇથેનોલના ઉત્પાદન માટે ધાન્ય કે ખાંડની સપ્લાય લાંબા ગાળે નીતિ બની જશે. પરિણામે ખાદ્યસામગ્રીની અછત સર્જાવાનો અને ફુગાવો વધવાનો ભય છે.
કેટલાક લોકો એવી માગણી કરી રહ્યા છે કે આ સંબંધે નિર્ણય લેવાનો અધિકાર ખેડૂતોને હોવો જોઈએ.
કિસાનપુત્ર આંદોલનના અમર હબીબ કહે છે, "ઇથેનોલ માટે ખેતી અને જીએમ પાક પરના પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે તો બન્ને સમસ્યાનું નિવારણ થઈ શકે તેમ છે. ખેડૂતો તેમને જ્યાંથી વધારે લાભ મળશે એ વિકલ્પ પસંદ કરશે. અન્યથા આજે જે પેટ્રોલ પમ્પ કરી રહ્યા છે તે આવતી કાલે ઇથેનોલ પમ્પ કરશે."
અમેરિકામાં ઇથેનોલના ઉત્પાદન માટે મકાઈ ઉત્પાદકોની જંગી લૉબી કાર્યરત્ છે. અમેરિકામાં ઇથેનોલનો વપરાશ મોટા પ્રમાણમાં થાય છે અને તેના ઘણા ફાયદા પણ છે, પરંતુ કોઈ એક પાકને એક ઈંધણના ઉત્પાદન સાથે આ રીતે જોડી દેવાથી બીજી અનેક સમસ્યા સર્જાય છે.
2025 સુધીમાં ભારતમાં સ્વચ્છ ઈંધણ વડે ચાલનારાં વાહનોની સંખ્યામાં વધારો થશે અને ઉત્સર્જનમાં ઘટાડો થશે તેવી જાહેરાત સરકારે કરી છે.
નીતિન ગડકરીએ કહ્યું હતું, "અમે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવાના હતા, પરંતુ હવે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન બનાવવા માટે કારઉત્પાદકોને છથી આઠ મહિનાનો સમય આપવાની વિચારણા ચાલી રહી છે."
ઇલેક્ટ્રિકથી અને ફ્લેક્સ ઈંધણથી ચાલતાં વાહનોની સંખ્યા વધારીને આપણે આપણા પર્યાવરણીય લક્ષ્યાંકોને હાંસલ કરી શકીએ છે કે કેમ તે હવે જોવાનું રહેશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો