કોરોના વાઇરસ : ગુજરાતમાં ટીબીના દર્દીઓને કેવી તકલીફ પડી?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોનાકાળમાં હૉસ્પિટલો દરદીઓથી ઊભરાતી હતી, બીજી લહેર વખતે ગુજરાતભરમાં સ્થિતિ વણસી હતી. નૉન-કોવિડ હૉસ્પિટલોને કોવિડ હૉસ્પિટલોમાં ફેરવવાની સ્થિતિ સર્જાઈ હતી.

આ અરસામાં કોરોનાની ચપેટમાં આવેલો મોટો વર્ગ તો હતો જ, પણ સાથે-સાથે અન્ય બીમારીઓના દરદીઓની સારવાર પણ પ્રભાવિત થઈ હતી.

તબીબો કહે છે કે ટીબીથી પીડાતા દરદીઓની સ્થિતિ પણ આ અરસામાં કફોડી થઈ છે અને કેટલાક કિસ્સાઓમાં દરદીની તકલીફમાં વધારો પણ થયો છે.

અમદાવાદના વસ્ત્રાપુરની ચાલીમાં રહેતા રાજુ મારવાડીની સ્થિતિ પણ કંઈક આવી જ થઈ હતી, તેઓ એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર છે.

તેઓ કહે છે કે, "શરૂમાં થોડી ખાંસી રહેતી હતી અને ઝીણો તાવ પણ રહેતો, ઘરગથ્થું ઉપાયોથી સારું થઈ જતું હતું એટલે ટેસ્ટ કરાવવા ન ગયો."

રાજુ મારવાડી કહે છે કે, "આમેય એ વખતે હૉસ્પિટલોમાં કોરોનાનો ઇલાજ થતો હતો, પણ પછી મારું વજન ઊતરવા માંડ્યું અને ખાંસી વધી ગઈ એટલે ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે મને ટીબી છે."

તેઓ કહે છે કે, "છેલ્લા એક મહિનાથી સરકારી હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો છું, જેથી મારા છ વર્ષના દીકરાને ચેપ ન લાગે."

તકલીફથી અજાણ દર્દીઓ

રાજુ મારવાડી રાજસ્થાનથી ગુજરાત દસ વર્ષ પહેલાં કામની શોધમાં આવ્યા હતા. અમદાવાદમાં તેઓ પરિવારના પાંચ સભ્યો સાથે રહે છે.

તેમને મે-જૂન મહિનામાં ખાંસી શરૂ થઈ, રાતે ખૂબ પરસેવો વળતો હતો. જુલાઈ મહિનામાં તેમને ઝીણો તાવ રહેવા લાગ્યો અને વજન પણ ઘટવા લાગ્યું હતું.

તેઓ કહે છે કે, "કોરોનાના કેસ ઘટ્યા એટલે હું સરકારી દવાખાનામાં બતાવવા ગયો, ખબર પડી કે મને કોરોના નહીં પણ ચાર મહિનાથી ટીબી છે."

ડૉક્ટરોએ રાજુ મારવાડીને કહ્યું કે તેમનાં ફેફસાંમાં ટીબી પ્રસરી રહ્યો છે અને એનો ચેપ ઘરના અન્ય સભ્યોને પણ લાગી શકે છે.

કોરોનામાં અન્ય રોગના દરદીઓની સારવારને અસર

ગુજરાતમાં કોરોના દરમિયાન મોટા ભાગની નૉન-કોવિડ હૉસ્પિટલ કોવિડ હૉસ્પિટલમાં ફેરવાઈ ગઈ હતી અને જનરલ ઓપીડી (આઉટ ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) લગભગ બંધ હતી.

જેના કારણે ટીબી જેવા રોગોનું નિદાન લગભગ અટકી ગયું છે, ફર્સ્ટ સ્ટેજના ટીબીના દર્દીઓ સેકન્ડ સ્ટેજ સુધી પહોંચી ગયા હતા.

આ વાતને સમર્થન આપતાં ગુજરાતસ્થિત ટીબી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડિરેક્ટર ડૉ. સતીશ મકવાણા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે કોરોના દરમિયાન સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ઓપીડી બંધ હતી અને લૅબોરેટરીઝમાં ટેસ્ટ પણ થતા ન હતા. જેના કારણે ટીબીના ઍક્ટિવ કેસોની સંખ્યા ઓછી દેખાતી હતી.

"તાવ અને ખાંસીના લીધે કોઈ કોરોનાનો ટેસ્ટ કરાવે, ત્યારે ખબર પડતી કે આ વ્યક્તિને કોરોના નહીં પણ ટીબી થયો છે."

ડૉ. મકવાણાના કહેવા અનુસાર, આ પરિસ્થિતિને ધ્યાને રાખીને કોરોનાની સ્થિતિ નબળી પડી એ પછી મોટા પાયે ટીબીના ઍક્ટિવ કેસ ડિટેક્ટ કરવાનું શરૂ કર્યું.

તેઓ વધુમાં કહે છે કે, "હવે અમે ઘરે-ઘરે જઈને સૅમ્પલ એકઠાં કરી રહ્યા છીએ, જેથી ટીબીના કેસને ઝડપથી ટ્રેસ કરી શકાય. ટીબીના દરદીની જો સમયસર સારવાર કરવામાં આવે તો, બીજા દસ લોકોમાં ટીબી ફેલાતો અટકે."

ટીબીના ઍક્ટિવ કેસ શોધવા માટે સરવે

ડૉ. મકવાણા કહે છે કે, "કોરોના અસર ઘટ્યા પછી આરોગ્ય કર્મચારીઓ પણ કોરોનાની રસી આપવા જાય ત્યારે ટીબીના ઍક્ટિવ કેસોનો સરવે કરે છે. એટલું જ નહીં અમે ટીબીના ઍક્ટિવ કેસ શોધવાનું મહાઅભિયાન હાથ ધર્યું છે.

"અર્બન સ્લમ એરિયા, એચઆઈવીના દર્દી, ડાયાબિટીસના દર્દી, કૅન્સર સર્વાઇવર ઉપરાંત અમારી પાસે જે સરકારી ડેટા છે તે પ્રમાણે સગર્ભા, એનિમિક મહિલાઓ અને કુપોષણવાળાં બાળકોને ટાર્ગેટ કરીને સર્વે કરીએ છીએ."

"આ સરવે દરમિયાન બે અઠવાડિયાં સુધી ઉધરસ આવતી હોય, ઝીણો તાવ રહેતો હોય અથવા કોઈને ભૂખ ન લાગે અથવા વજન વધતું ના હોય અથવા વજન ઘટી ગયું હોય એવા લોકોનો ટેસ્ટ કરીએ છીએ."

મકવાણા કહે છે કે "આ અભિયાનને કારણે અમે ટીબીના આખા ગુજરાતમાં રોજના 400 જેટલા ઍક્ટિવ કેસી શોધી શક્યા છીએ. આ ઉપરાંત અમે ખાનગી હૉસ્પિટલ અને ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગની મદદથી જે કૅમિસ્ટને ત્યાંથી ટીબીની દવા લેવાતી હોય તે તમામ દર્દીઓને શોધી રહ્યા છીએ."

તબીબો મોટા ભાગે આવા દર્દીને શોધીને કોરોનાની જેમ જ ટીબીના ઇન્ફેક્શનની ચેઇન બ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

"ડિસેમ્બરના અંત સુધીમાં આખાય ગુજરાતમાં આ સરવે પૂરો થશે એટલે ટીબીના ઍક્ટિવ કેસ શોધીને નિયંત્રણમાં લઈ લઈશું, જેથી આ ચેપ ફેલાતો અટકે. કોરોનાના કારણે હાલ રોજના જે 400 ટીબીના ઍક્ટિવ કેસ મળે છે તેમાં બાળકોમાં માત્ર 3.5 ટકા જ ટીબીના ઍક્ટિવ કેસ છે જે એક સારી નિશાની છે."

'જેટલા ઝડપી ટેસ્ટ થશે તેમ ટીબી ફેલાતો રોકાશે'

તો અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ટીબી ડિપાર્ટમેન્ટના કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રણવ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ટીબી પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે ટીબીના ઍક્ટિવ કેસો શોધવા ખૂબ જ જરૂરી છે.

"સામાન્ય રીતે ટીબી જ્યાં ઓછી સ્વચ્છતા હોય, ઝૂંપડપટ્ટી હોય, ઘરમાં વેન્ટિલેશનનનું પ્રમાણ ઓછું હોય, એક રૂમમાં દસથી બાર જણ રહેતા હોય ત્યાં વધુ જોવા મળે છે."

"આવા લોકોમાં પોષણક્ષમ ખોરાકના અભાવે ટીબીનો ચેપ લાગતા તે ઝડપથી ઍક્ટિવ થઈ જાય છે. આવા લોકો વધુ જાગૃત ન હોવાને કારણે ટીબીનો ચેપ વધુ ફેલાય છે."

બાળકમાં પણ ટીબી

ડૉ. પ્રણવ પટેલની વાતને સમર્થન આપતા ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના પ્રવક્તા ડૉ. મુકેશ મહેશ્વરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે એ વાત સાચી છે કે કોરોનાકાળમાં ખાનગી અને સરકારી હૉસ્પિટલમાં ઓપીડી બંધ હતી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોનાની કામગીરીમાં લાગેલા હતા, જેથી ટીબીના કેસ ઓછા ડિટેક્ટ થયા હતા.

તેઓ વધુમાં કહે છે કે યોગ્ય સમયે સારવાર ન મળવાથી ટીબીના કેસની સંખ્યા વધી છે.

જોકે તેમને આશા છે કે સરકારના આ અભિયાનના કારણે ટીબીના ઍક્ટિવ કેસો જેટલા વધુ શોધાશે એટલા ઝડપથી ટીબીના ઇન્ફેક્શનની ચેઇન તોડી શકાશે અને ટીબી પર કાબૂ મેળવી શકાશે.

તો જાણીતા પીડિયાટ્રિશિયન ડૉ. પરાગ ઠાકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોરોના દરમિયાન અમે જોયું છે કે કુપોષિત અને ગીચ વિસ્તારમાં રહેતાં બાળકોમાં ટીબી જોવા મળ્યો છે. અલબત્ત, ગુજરાતમાં ટીબીના ઍક્ટિવ કેસોમાંથી માત્ર 3.5 ટકા બાળકો જ ટીબીના દર્દી હોય અને તેમને સમયસર સારવાર મળી જાય તો ભવિષ્યમાં ટીબીનો રોગ વધુ ફેલાતો અટકે."

"પરંતુ કોરોનાકાળમાં જો ગુજરાતને નવી બીમારીની ભેટ મળી હોય તો તે ટીબી છે, કારણ કે કોરોનામાં ઓપીડી ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં બંધ રહેવાને કારણે ટીબીના ટેસ્ટ થયા નથી અને તેના કારણે બાળકો અને એનિમિક માતાઓમાં ટીબીના કેસ વધુ જોવા મળી રહ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો