'મારે ડૉક્ટર બનવું હતું પણ...' કોરોના, સ્વાઇન ફ્લૂ અને અકસ્માતમાં સ્વજન ગુમાવનાર અમદાવાદની દીકરીની વ્યથા

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"સ્વાઇન ફ્લૂમાં પિતાની સારવાર પાછળ મોટા ભાગના પૈસા ખર્ચાઈ ગયા, થોડા બચ્યા હતા તે મારા કાકાના અકસ્માત બાદ સારવારમાં વપરાઈ ગયા, મારા મોટા ભાઈને માનસિક બીમારી છે. મારે ભણીગણીને ડૉક્ટર બનવું હતું, પણ ત્યાં કોરોનામાં મારી માતાનું અવસાન થયું, દાદા-દાદી અને ભાઈનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી એટલે મેં કૉમર્સ લીધું અને મારા ડૉક્ટર બનવાનાં સપનાં પર હવે પાણી ફરી ગયું છે."

16 વર્ષની ઉંમરે ઘરની સઘળી જવાબદારીઓ ઉપાડનાર ક્રિષ્ના બઢિયા તેમની પરિસ્થિતિ વર્ણવતાં આ વાત કહે છે.

કોરોના, સ્વાઇન ફ્લૂ અને અકસ્માત એમ ત્રેવડી આફતમાં અમદાવાદના એક જ પરિવારના ત્રણ સભ્યોનું અવસાન થયું અને તેમની સારવારમાં સઘડી મૂડી ખર્ચાઈ ગઈ.

ક્રિષ્નાના દાદા નાગરભાઈ બઢિયા ટેલિફોન કંપનીમાં નોકરી કરતા હતા, તેમના બે દીકરા ગૌતમ અને અરવિંદને નોકરી ન મળતાં નિવૃત્તિ બાદ પ્રૉવિડન્ટ ફંડ અને ગ્રૅચ્યુઇટીના પૈસાથી રિક્ષા લાવી આપી હતી. વધેલી બચતમાંથી એમને ગૌતમનાં લગ્ન કરાવ્યાં.

અકસ્માત, સ્વાઇન ફ્લૂ અને કોરોનાની ત્રેવડી આફત

બંને દીકરા સારું કમાતા હતા, ઘર ચાલી રહ્યું હતું તથા નાગરભાઈનું પેન્શન બચતું હતું, બંને દીકરાઓ મળીને ટૅક્સીનો ધંધો કરવાનું વિચારતા હતા, પણ અરવિંદભાઈનો અકસ્માત થયો.

નાગરભાઈ બઢિયા કહે છે કે, "અકસ્માત થયો અને સારવારમાં ટૅક્સી લેવા માટે ભેગા કરેલા પૈસા ઉપરાંત અમારી બચત વપરાઈ ગયાં. એમાંથી અમે માંડ ઊભા થયા, ત્યાં મોટા દીકરાને સ્વાઇન ફ્લૂ થયો અને એનું અવસાન થયું."

નિવૃત્ત થઈ ગયેલા નાગરભાઈના અને તેમનાં પત્ની પાર્વતીબહેનના માથે વિધવા પુત્રવધૂ અને એનાં બે બાળકોની જવાબદારી આવી ગઈ હતી, તેમણે પૅન્શનમાંથી ઘર ચલાવવા માંડ્યું અને ઘરે ઝેરોક્સ મશીન લાવીને ફોટોનકલ કાઢવાનું કામ પણ શરૂ કર્યું.

એ વચ્ચે તેમનાં પુત્રવધૂને કોરોના થયો અને તેમનું પણ અવસાન થયું.

પાર્વતીબહેન કહે છે કે, "મેં મારા બે દીકરા ગુમાવ્યા, એ નહોતું તે કોરોનામાં મારી પુત્રવધૂ ગીતાને કોરોના ભરખી ગયો. અમે જીવીશું ત્યાં સુધી બાળકોનું ધ્યાન રાખીશું, પણ અમારા પછી એમનું શું થશે, એની ચિંતા થાય છે."

ડૉક્ટર બનવાનું સપનું તૂટ્યું

ક્રિષ્ના કહે છે કે, "મેં નાનપણથી નક્કી કર્યું હતું કે હું મોટી થઈને ડૉક્ટર બનીશ, 11મા ધોરણમાં મને સ્કૉલરશિપ મળવાની હતી અને આણંદની સ્કૂલમાં ઍડમિશન મળી ગયું હતું."

"મારી મમ્મી પણ ઇચ્છતી હતી કે હું ડૉક્ટર બનું, પણ એના અવસાન પછી દાદા-દાદી અને ભાઈની કાળજી રાખવાવાળું કોઈ નથી. બીમાર ભાઈ અને દાદીને મૂકીને કેવી રીતે ભણવા જઈ શકું!"

ક્રિષ્નાએ કૉમર્સમાં અભ્યાસ શરૂ કર્યો, એ સાથે તેમનું ડૉક્ટર બનવાનું સપનું તૂટી ગયું પણ હવે તેઓ આઈએએસ અધિકારી બનવા માગે છે.

ક્રિષ્ના કહે છે કે, "દાદાનું પૅન્શન આવે છે, કોરોનામાં અમે અનાથ થયાં, એટલે સરકાર તરફથી બંને ભાઈ-બહેનનું થઈને મહિને આઠ હાજર રૂપિયાનું ભથ્થું મળે છે, એમાંથી પૈસા બચાવીને હું યુપીએસસીના ક્લાસ માટે ફી ભેગી કરીશ અને આઈએએસ ઑફિસર બનીશ."

સરકારી આર્થિક સહાય ક્યાં સુધી?

પાર્વતીબહેનને પગમાં તકલીફ છે, ડૉક્ટરે ઘૂંટણનું ઑપરેશન કરાવવાની સલાહ આપી છે. નાગરભાઈની સરકારી નોકરીને કારણે સરકારી હૉસ્પિટલમાં મફત ઑપરેશન થાય એમ છે, પણ બાળકોનું ધ્યાન કોણ રાખે એ મૂંઝવણમાં તેઓ ઑપરેશન કરાવતાં નથી.

કોરોનામાં અનાથ થયેલાં બાળકો 18 વર્ષના થાય, ત્યાં સુધી સરકારી સહાય આપવાનો નિયમ છે.

એથી ક્રિષ્નાને હજી બે વર્ષ સુધી સહાય મળશે અને 17 વર્ષના તેમના મોટા ભાઈને એક વર્ષ સુધી સહાય મળી શકશે.

ક્રિષ્નાના દાદા નાગરભાઈ મૂડી ભેગી કરીને બનાવેલું ઘર વેચવાનું વિચારી રહ્યા છે.

નાગરભાઈએ કહ્યું કે, "મહિને 25 હજાર પૅન્શન આવે છે, એ ઘરખર્ચમાં વપરાઈ જાય છે. દીકરીનું આઈએએસ બનવાનું સપનું પૂરું થાય, એ માટે આ ઘર વેચી નાનું ઘર લઈશ. પૈસા બચશે એ એના ભણતર માટે અલગ રાખીશ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો