You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
AB-PMJAY : નરેન્દ્ર મોદી સરકારે કોરાનાકાળમાં આયુષ્યમાન ભારતને બદલે CAA, NPRના પ્રચાર પાછળ અઢળક ખર્ચ કર્યો? બીબીસી ઍક્સક્લુઝિવ
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
વડા પ્રધાનની મહત્ત્વાકાંક્ષી યોજના 'આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (AB-PMJAY)ના પ્રચાર માટે કોવિડ-19ની પ્રથમ લહેર દરમિયાન, એટલે કે પહેલી એપ્રિલથી 20 જાન્યુઆરી 2021 સુધીમાં માત્ર 2.49 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ માહિતી બીબીસી ગુજરાતીના ઇન્વેસ્ટિગેશનથી સ્પષ્ટ થઈ છે.
અમારા પત્રકાર અર્જુન પરમારે આયુષ્યમાન યોજના વિશે જાગૃતિ માટે રોગચાળાના પ્રથમ તબક્કા દરમિયાન કેટલા પ્રયાસો અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે અંગે માહિતી અધિકારની અરજી (RTI) કરી હતી.
RTI અરજીના પ્રતિસાદમાં જાણવા મળ્યું કે એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન સરકારની જુદી-જુદી યોજનાઓના પ્રચાર માટે 212 કરોડ રૂપિયા જાહેરખબર પાછળ ખર્ચવામાં આવ્યા, પરંતુ તેની સામે માત્ર 2.49 લાખ રૂપિયાનો ખર્ચ આયુષ્યમાન ભારતની યોજનાની જાહેરખબરો માટે કરવામાં આવ્યો હતો.
2020-21ના ઇકૉનૉમિક સર્વે પ્રમાણે 2019માં ભારતનો ઇન્સ્યૉરન્સનો દર 3.76 ટકા હતો, જે વૈશ્વિક સરેરાશ 7.23 ટકા કરતાં ઘણો ઓછો છે.
ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો કુલ જાહેરખબરોમાંથી આ પ્રમાણ માત્ર 0.01% જેટલું થયું.
આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY)
આયુષ્યમાન ભારત યોજનાની જાહેરાત 2018ના અંદાજપત્રમાં તે વખતના નાણા પ્રધાન અરુણ જેટલી દ્વારા કરાઈ હતી.
PMJAY એ આયુષ્યમાન ભારત યોજના હેઠળ બીજા તબક્કાની યોજના હતી, જેની શરૂઆત PM મોદીએ સપ્ટેમ્બર 2018માં ઝારખંડથી કરાવી હતી.
તેને વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય સંબંધિત યોજના ગણાવાઈ હતી અને PM મોદીના સમર્થકો તેને 'મોદીકૅર'ના નામે ઓળખાવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યોજનાની જાહેરાત કરતી વખતે કહેવાયું હતું કે તેની હેઠળ 50 કરોડ કરતાં વધુ લોકોને આવરી લેવાશે અને દરેક પરિવારને વર્ષે પાંચ લાખનો આરોગ્ય વીમો મળશે.
સરકારી આંકડા મુજબ આ યોજના હેઠળ હાલમાં 10.74 કરોડ પરિવારોને આવરી લેવાયા છે અને વ્યક્તિગત રીતે 50 કરોડથી વધુને તેનો લાભ મળે છે. ભારતની કુલ વસતિ પૈકી 40% વસતિને આ યોજના અંતર્ગત આવરી લેવાઈ છે.
ભારતમાં જાહેર આરોગ્યની સુવિધા બહુ ખરાબ સ્થિતિમાં છે. તેની પાછળ GDPના માત્ર 1%ની ફાળવણી કરવામાં આવે છે, જે દુનિયામાં સૌથી ઓછી છે.
સરકારી દવાખાનાંમાં એટલી ખરાબ સ્થિતિ હોય છે કે મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગને મોંઘી ખાનગી હૉસ્પિટલોમાં સારવાર કરાવવાની ફરજ પડે છે. ગરીબો માટે સરકારી દવાખાનાં સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.
તેથી 2018માં આરોગ્યની દિશામાં લેવાયેલા મહત્ત્વના પગલા તરીકે આ યોજનાની જાહેરાત કરાઈ હતી. જોકે અન્ય સરકારી યોજનાની જેમ તેના અમલ સામે પ્રશ્નો સર્જાયા છે.
4 એપ્રિલ 2020થી કોવિડ-19 ટેસ્ટિંગ અને સારવારને પણ PMJAY હેઠળ આવરી લેવાયાં હતાં.
આયુષ્યમાન ભારતમાં કોવિડ-19 ટેસ્ટિંગ અને સારવારનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જેથી તે અંગે જાગૃતિ આવે તે જરૂરી બન્યું હતું. તેના માટે જાહેરખબર અને તેને લગતાં અભિયાન ચલાવવાની જરૂર હતી, જેથી લોકોની હાલાકી દૂર કરી શકાય.
યોજના માટે જાહેરખબરનો ખર્ચ
ભારતમાં કોરોના રોગચાળો ફેલાયો તે પહેલાં 2018ના પાછલા ભાગમાં અને 2020ના પ્રારંભિક મહિનાઓમાં PMJAYના પ્રચાર માટે સરકારે 25 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
જોકે રોગચાળા દરમિયાન જાહેરખબર પાછળનો ખર્ચ બહુ જ ઘટાડી દેવાયો હતો, તેવું RTI અંતર્ગત મળેલ માહિતીમાં બહાર આવ્યું હતું.
એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021 સુધીના કોરોનાના સમયગાળા દરમિયાન સરકારે અન્ય યોજનાઓ સહિત વિવાદાસ્પદ સિટિઝનશીપ (ઍમેન્ડમૅન્ટ) ઍૅક્ટ (CAA), નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR), ત્રણ કૃષિકાયદા, નોટબંધી અને જીએસટી જેવાં નિર્ણયો અને યોજનાઓની જાહેરાતો માટે 212 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો.
નવાઈની વાત એ છે કે 'વિશ્વની સૌથી મોટી' આરોગ્ય વીમા યોજના ગણાવાયેલી આ યોજના હેઠળ (18 ઑગસ્ટ 2021 સુધીમાં) માત્ર 7.08 લાખ લોકોને કોવિડ-19ની સારવાર મળી હતી.
એ નોંધવું જરૂરી છે કે આ યોજનાના લાભાર્થીઓને હૉસ્પિટલમાં દાખલ થવું પડે, ત્યારે કૅશલેસ સારવાર મળે તેવી જોગવાઈ કરાઈ હતી.
દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર હૉસ્પિટલમાં કોઈ રોકડ ભર્યા વિના કરી શકાય તેવી જોગવાઈ કરાઈ હતી.
ગુમાવેલી તક
યોજના હેઠળ વિશાળ જનસંખ્યાને આવરી લેવાઈ છે, ત્યારે કોવિડ-19 માટે થોડા લાખ લોકોને સારવાર મળી તે અપેક્ષા પ્રમાણે નથી, એવું જાણકારો કહે છે.
ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (IIPH)ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે, "આયુષ્યમાન યોજના સૌથી ગરીબને મફતમાં હૉસ્પિટલમાં સારવાર મળે તે માટે લાગુ કરવામાં આવી હતી."
"કોવિડ-19 વખતે તે યોજના ભારતના કરોડો લોકો માટે અતિઉપયોગી નીવડી હોત."
કોરોનાની બીજી લહેર વખતે ભારતમાં જેટલા કેસ આવતા હતા, તેમાંથી અડધોઅડધ ગામડાંમાંથી આવતા હતા. સરકારે PMJAYનો પૂરતો પ્રચાર કર્યો હોત તો શું ગામડાંના ગરીબોને લાભ મળ્યો હોત?
ભારતના જાહેર નીતિ અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જાણકાર ડૉ. ચંદ્રકાંત લહરિયા કહે છે, "ચોક્કસ મળ્યો હોત. પણ આંકડા દર્શાવે છે કે આટલી મહત્ત્વાકાંક્ષી યોજનાના લાભ લોકો સુધી ધારણા પ્રમાણે પહોંચ્યા નથી."
"જો યોગ્ય રીતે તેનો પ્રચાર થયો હોત તો ઘણા ગરીબ લોકોને યોજના હેઠળ લાભો મળી શક્યા હોત."
ડૉ. ચંદ્રકાંત લહરિયા જણાવે છે, "દેશની કુલ વસતિના 40 ટકા લોકો, જેમાં મુખ્યત્વે વંચિત વર્ગના લોકો સામેલ છે, તેમને હૉસ્પિટલમાં દાખલ થવાની સુવિધા કોઈ પણ જાતની ચૂકવણી કર્યા સિવાય આપવાની જોગવાઈ કરતી આ યોજના ઘણા ગરીબો માટે વરદાનરૂપ સાબિત થઈ શકી હોત."
સમાજવાદી પક્ષના નેતા અને રાજ્યસભાના સાંસદ ડૉ. રામગોપાલ યાદવની અધ્યક્ષતાવાળી આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયની સંસદીય સમિતિએ પણ AB-PMJAYની યોજનાના લાભાર્થીઓ વચ્ચે જાગૃતિના અભાવની પરિસ્થિતિ અંગે પોતાના રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરી હતી.
કમિટીએ નવેમ્બર 2020માં તેનો અહેવાલ રાજ્યસભાના અધ્યક્ષને સોંપ્યો હતો.
કમિટીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે AB-PMJAY લાભાર્થીઓને ખ્યાલ નહોતો કે કોવિડ-19ની સારવાર અને ટેસ્ટિંગ આ યોજના હેઠળ મફતમાં થઈ શકે છે.
મહામારી દરમિયાન PMJAYનો વધુ પ્રચાર કરવાનો આગ્રહ કમિટીએ વ્યક્ત કર્યો હતો.
PMJAY યોજના માટે 2021-22ના કેન્દ્રીય બજેટમાં જંગી 6,400 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
અગાઉના 2019-2020 અને 2020-2021 માટેના બજેટમાં પણ આટલું જ ભંડોળ ફાળવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આ રકમ આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયના બજેટના 8.98% છે. યોજના શરૂ કરાઈ તે વર્ષે તેના માટે 2400 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી.
આ બાબતમાં પક્ષનો અભિપ્રાય જાણવા માટે અમે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નલીન કોહલીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, "સામાન્ય જન સુધી કરોડો રૂપિયાનો લાભ પહોંચાડનારી આવી યોજનાઓની જાગૃતિ માટે સરકારે અમુક કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે."
વિવાદાસ્પદ કાયદાઓ અને સરકારના કેટલાક નિર્ણયો અંગે મહામારી વખતે જ કરોડો રૂપિયા ખર્ચાયા હતા તે અંગેના સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.
'મોદીનું આયુષ્યમાન કાર્ડ અમારા કંઈ કામનું નથી'
રાજસ્થાનના સિકર ગામના રહેવાસી રાજેન્દ્ર પ્રસાદને આ વર્ષે મે મહિનામાં ભાઈની કોવિડ-19ની સારવાર દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તેમના ભાઈ સુભાષચંદની સ્થિતિ કોરોનાના ચેપને કારણે નાજુક હતી અને જયપુરની ખાનગી હૉસ્પિટલમાં તેમને દાખલ કરવા પડ્યા હતા.
રાજેન્દ્ર પ્રસાદે બીબીસી હિન્દીના પત્રકાર સરોજ સિંહ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેમના ભાઈ પાસે આયુષ્યમાન કાર્ડ હતું. આમ છતાં કોવિડ-19ની સારવાર માટે ફી ચૂકવવી પડી હતી, કેમ કે તેમને આ યોજના હેઠળ પૅનલમાં સામેલ હૉસ્પિટલો અંગે માહિતી નહોતી.
તેમણે ભાઈને જે હૉસ્પિટલમાં દાખલ કરેલા તે હૉસ્પિટલ પૅનલમાં સામેલ નહોતી.
રાજેન્દ્ર પ્રસાદ કહે છે, "હૉસ્પિટલમાં ડૉક્ટરોએ આ કાર્ડને સ્વીકારવાની ના પાડી દીધી. હવે મને લાગે છે કે આ કાર્ડ અમારા માટે કંઈ કામનું નથી."
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે અમે રાજસ્થાનની આરોગ્ય યોજનાનાં ઇન-ચાર્જ CEO અરુણા રાજોરિયાનો સંપર્ક કર્યો હતો.
તેમણે દાવો કર્યો કે PMJAYના લાભાર્થીઓને તેમના રજિસ્ટર્ડ ફોન પર ટેક્સ્ટ મૅસેજ કરીને જણાવાયું હતું કે રાજ્યમાં કઈ હૉસ્પિટલો પૅનલમાં છે. આ મૅસેજમાં લિંક પણ આપવામાં આવી હતી, જેના પર ક્લિક કરવાથી પૅનલમાં રહેલી હૉસ્પિટલોની યાદી મેળવી શકાતી હતી.
જોકે આવો કોઈ મૅસેજ પોતાને મળ્યો હોવાની વાતથી સુભાષચંદ ઇનકાર કરે છે.
આ બાબતે રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ, યોજનાના અમલ માટે જવાબદાર એજન્સીનો અમે સંપર્ક કર્યો હતો.
આ યોજનાના લાભો વિશે લોકોમાં જાણકારીના અભાવની પરિસ્થિતિ અંગે વધુ વિગતો અને કારણો જાણવા માટે અમે ઈ-મેઇલ મારફતે તેમનો સંપર્ક કરીને ટેલિફોનિક વાતચીતની વિનંતી કરી હતી. જોકે તેમણે ઇન્ટરવ્યૂ આપવાનો ઇનકાર કર્યો હતો.
PMJAYની વધુ વિગતો જાણવા માટે તમે આ વેબસાઇટ જોઈ શકો છો - https://pmjay.gov.in/about/pmjay
નોંધ: 2020-21માં સરકારી વિજ્ઞાપનખર્ચમાં આઉટડોર પબ્લિસિટિનો ખર્ચ સમાવિષ્ટ નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો